50 - ડૂબી ગયું છે આંખનું અજવાળું ક્યારનું / આદિલ મન્સૂરી


ડૂબી ગયું છે આંખનું અજવાળું ક્યારનું
પાણી ફરી વળ્યું છે બધે અન્ધકારનું.

આવ્યું’તું એક ફૂલને સપનું તુષારનું
શોધે છે ત્યારથી એ પગેરું સવારનું.

બોલાવી લાવો જાવ એ પાગલને આજ તો,
ઠેકાણું પૂછતો હતો જે સ્વર્ગદ્વારનું.

ભરતું રહે છે કોઈ સતત રાતદિન છતાં.
ખાલી રહે છે પાત્ર સદા માગનારનું.

સૂરજને જ્યાં હજી સુધી મળતો નથી પ્રવેશ,
ત્યાંપણ જહાન વિસ્તર્યું મારા વિચારનું.

એકાન્તના ઉદાસ કિનારાની આંખમાં,
ઉઘડ્યું છે દૃશ્ય સાત સમંદરનાં પારનું.

લાલાશ ઊતરી આવી છે આંખોમાં એટલે,
ચાખી ચૂકયા છે લોહી નયન અન્ધકારનું.

અંતિમ પળો જતા જતા સમજાવતી ગઈ,
જીવનમાં શું મહત્વ હતું ઈંતેઝારનું?

‘આદિલ’ શરીર છોડીને સંતાઈ ક્યાં ગયા?
બ્હાનું કરી શકાત ગમે તે પ્રકારનું.


0 comments


Leave comment