34 - દિલમાં કોઇની યાદ ના પગલાં રહી ગયા / આદિલ મન્સૂરી


દિલમાં કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

એને મળ્યા, છતાંય કોઈ વાત ના થઈ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

આવીને કોઈ સાદ દઈને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગૂંજતા પડઘા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.


0 comments


Leave comment