20 - દરેક ફૂલના અંતરમાં હું સુવાસિત છું / આદિલ મન્સૂરી


દરેક ફૂલના અંતરમાં હું સુવાસિત છું,
વસંત રૂપે ચમનમાં બધેય નિશ્ચિત છું.

તમારો હાથ ન પામી શક્યાનું દુઃખ છે, છતાં,
જીવનમાં બીજા ઘણાયે સુખોથી વંચિત છું.

ભૂંસી શકો નહીં ક્યારેય મારી યાદ હવે,
તમારા દિલની દીવાલો ઉપર હું અંકિત છું.

પ્રણયની બાજીમાં મારો વિજય થયો મિત્રો,
છતાંય લાગે છે જાણે કે હું પરાજિત છે.

તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે.
મરણનાં હાથમાં પ્હોંચી હવે સુરક્ષિત છું.


0 comments


Leave comment