5 - દુનિયાના અંધકારને ધોતો ફરે છે ચાંદ / આદિલ મન્સૂરી


દુનિયાના અંધકારને ધોતો ફરે છે ચાંદ,
પોતાના દિલના દાગને ક્યારે જુએ છે ચાંદ?

ચોરી કરી છે સૂર્યનાં કિરણોની એટલે
રાત્રીની ઓથ લઇને છુપાતો ફરે છે ચાંદ.

મોજાંઓ એને ભેટવા દોડે છે પ્રેમથી,
ભરદરિયે જે ઘડીએ નહાવા પડે છે ચાંદ,

રાત્રીના અંધકારભર્યાં જંગલો મહીં
તારાઓ સાથે આંખમિચોલી રમે છે ચાંદ.

આ કોના ઈંતેઝારમાં જાગે છે ચાંદની ?
આ કોણ છે કે જેની પ્રતીક્ષા કરે છે ચાંદ ?

વરસે છે ઠંડી ચાંદની બળતી ધરા ઉપર,
'આદિલ', બરફની જેમ નભે ઓગળે છે ચાંદ.


0 comments


Leave comment