35 - પ્રકરણ પાંત્રીસમું : ઘાએ ચડાવેલી / તુલસી ક્યારો / ઝવેરચંદ મેઘાણી


   દેર અને ભોજાઇ, બેઉની રાત કૈં કૈં વલોપાતમાં વીતી. સવારે ભદ્રા ચૂલા પર ચહાપાણી માટે બેઠી હતી ત્યારે એના ઉજળા ચહેરામાં રાતી આંખો, દેવીના મંદિરમાં હનુમાન ગણપતિના બે સિંદુરિયા ગોખલા જેવી હતી.

   દૂધ ચહા પતાવીને એ દવાખાને ગઇ તે પછી એના સસરા દવાખાને રાતવાસો કરીને પાછા આવ્યા; આવીને એણે પાછલી ઓરડીમાં અંધ વેશધારી સાળો બેઠો હતો ત્યાં જઈ આટલા દિવસે પહેલી વાર આસન જમાવ્યું. અંધા જ્યેષ્ઠારામનો અમદાવાદના બંગલા ખાતેનો નિવાસ સ્વચ્છ અને સુઘડ બન્યો હતો. કેમ કે નહિતર વીરસુત કાઢી મૂકશે એવી એને ધાસ્તી હતી.
   'ત્યારે બોલ્ય જાની !' બનેવીએ સાળાને પૂછ્યું : 'વહુ સ્વેચ્છાથી આવતી હોય તો પાછી ઘરમાં ઘાલવી કે નહિ ?
   'હું તો કહી ચૂક્યો છું કે સળેલું ધાન નાખી દેવાય, સળેલું માનવી નહિ.' સાળો બોલતો બોલતો સુરજના તેજને જાણે કે ચીપી નાખવા માટે પાંપણોના પડદા પટપટાવતો હતો.
   'પણ એક શરત હોય તો ?'
   'શી ?'
   'એને આવવું છે - પણ જો દેવુની સાથે રહેવાનું હોય તો; વીરસુત સાથે એને નથી રહેવું.'
   'કારણ ?'
   'લેણદેણ; ઋણાનુબંધ; કુદરતી અણગમો.'
   'કોણ કહી ગયું ?'
   'પોતે જાતે જ. ગરીબ ગાય જેવી બની ગઇ છે. થોડા દિનમાં વધુ પડતું ભોગવી ચૂકી લાગે છે. દેવુની પથારીએ બેઠી બેઠી પોકેપોક રોઇ છે. નર્સો બધી ભેગી થઇ ગઇ, બાજુનાં દરદી જાગી ઊઠ્યાં, માણસો દોડી આવ્યાં. એક જ વેણ કહ્યા કયું કે 'દેવુભાઇ, દાદા રજા આપે, તો તું ને હું આપણે ગામ જઇ ને રહીએ. આંહીં તો હું પગ નહીં મૂકી શકું. દાદા નહિ સંઘરે તો હું......' વૃદ્ધ બોલતા બોલતા થોથરાયા.
   'શું, હં....... ! શું કરશે ?' સાળાએ પૂછ્યું.
   'એટલું કહીને અટકી ગયેલી.'
   'શું સમજાણું ?'
   'આપઘાત કરશે.'
   'બીજું કાંઈક પણ કાં ન કરે ?'
   'શું ?'
   'વેશ્યા ય બને !' અંધ જ્યેષ્ઠારામ લહેરભર્યા ગળે બોલ્યો.
   'જા જા, દુષ્ટ !'
   'હું ઠીક કહું છું. એને પાછા આવવાનું મન થયું છે તે ઉપરથી કહું છું. ભૂલી ગયા તે દિવસની સભા ! એને માનપાન મળ્યું તે યાદ છે ?'
   'યાદ છે. તેથી શું ?'
   'એટલાં બધાં માન સન્માન પામેલીનો અત્યારે કોઇ ભાવ પણ નથી પૂછતું ને ?'
   'ના.'
   'તો હાઉં.'
   'શું હાઉં, તારૂં કપાળ, અંધા !'
   'મારું નહી, તમારું કપાળ - સસરા તરીકે તમારું ! પ્રારબ્ધની લેખણ જો દીકરાની વહુનું વેશ્યાપણું લખશે તો તે તમારે લલાટે લખશે. એ બાયડીને ઉપેક્ષાનો ડંખ લાગ્યો છે. ઉપેક્ષા કરનાર એની દુનિયા છે. એ દુનિયા પર હવે એ વેર વાળવાની. ને વેશ્યા બની જવા જેવું બીજું કયું મીઠું વેર દુનિયાને માથે દુનિયાની ઉપેક્ષીતા વાળી શકે ?'

   આટલું બોલી રહેલો અંધો એવી સિફતથી અટક્યો કે જાણે એક હરફ પણ બોલ્યો ન હોય. કેટલાક માણસો નિરંતર વાતો કર્યા કરવા છતાં મૌન જ ભજતા લાગે, ને કેટલાક પરાણે મૂંગા રહી રહીને છેવટે એકાદ વાક્ય જ સંભળાવે એટલે બોલ બોલ જ કરતા ભાસે છે.
   'તારો શો મત છે ?' સોમેશ્વરે પૂછ્યું.
   'ન કહ્યું મેં ? આપઘાત કરતી હોય તો મરવા દેવી, વંઠવા માગતી હોય તો રક્ષા કરવી.'
   'એ અવાજમાં જાણે કોઇ ઊર્મિ જ નહોતી; આપઘાતની વાત જાણે એને નજીવી, ધ્યાન ન દેવા જેવી લાગતી હતી. એણે વિશેષમાં ઉમેર્યું, બેશક જરા ધીરેથી -
   'એવી તો બેને આ હાથે ફેંસલ કરી નાખી છે. એ પણ કરતાં આવડે છે. આ તો અટાણે સહેજ સમો બદલ્યો. નીકર એમાં શું ? પણ તમારો ને મારો મત ન મળે. તમે છો વહુઓના પગ ધોઈ પીનારા નીકર એ કામ કરતાં ય મને ક્યાં નથી આવડતું?'
   'ચુપ થા, રાક્ષસ ! ચુપ થા ! સોમેશ્વરે સાળાનું મૂંડો કરવેલ માથું ઝાલીને, જેમ ઝાડની ડાળીને ઝંઝેડે તેમ હલાવ્યું. 'તું શું લવરી કરી રહ્યો છે તેનું કાંઇ ભાન છે ?'
   'ના, એ તો હું સહેજ કહું છું, એમાં ક્યાં મેં બાંયો ચડાવી નાખી છે ! આ તો એમ કે વીરસુતને માટે એ રીતે પણ રસ્તો ઊઘડે ખરો, છોકરો ફરીથી લગન કરી શકે ખરો. પણ એનું નવું લગન એટલે વળી પાછા નવા ગૂંચવાડા ને નવા ધમરોળ. એને એક આંખમાં અમીને બીજીમાં રતાશ બતાવતાં થોડું આવડવાનું છે ? સાત જન્મેય આશા રાખવી નહિ ને ? માટે જ આંહીં મેં કહ્યો તે રસ્તો ગ્રહણ કરવાની વાત નથી. માટે જ કહું છું કે આપમેળે જીવ કાઢતી હોય તો જુદી વાત છે, બગડતી હોય તો બચાવો. સરવાળે કો દિ' સંધાશે.'

   'તો તો તારા મોંમાં સાકર, જ્યેષ્ઠા !' સોમેશ્વર માસ્તર એવી અદાથી બોલ્યા કે કેમ જાણે વહુ પાછી ઘરમાં આવી બેસી ગઇ હોય !
   'ને પાછી મારી મતિ તો એમ પણ કહે છે દવેજી ! અંધાએ આગળ ચલાવ્યું : 'કે આ વાંદરીને - ' જીભ સંભાળજે હો જાની !'
   'ઠીક લ્યો. આ છોકરીને જો વંઠવું હોત તો તો ક્યારની વંઠી ગઇ હોત; આપણી વાટ શીદ જોવત ? પણ વંઠી જવું એમ રસ્તામાં નથી પડ્યું. શક્તિ જોયેં છે ભાઈ! વંઠવામાં ય શક્તિ જોયેં. અમારી જુવાનીના સમામાં અમારા ગામની બામણી રંભડી યે વહુવારૂ હતી, કમળાય વહુવારૂ હતી; બેય એક જ ઘરના બે દીકરા વેરે દીધેલી હતી; પણ જે દુઃખની મારી કમળા કૂવે પડી, એ જ દુઃખની દાઝેલ રંભડી પ્રથમ બાવાને ગઈ, પછી મેરને, તે પછી એક મિંયાણાને, અને અટાણે ઓ ફકીરણ બનીને છેલુશા પીરને તકીએ પચાસ વરસની ફાટલ આંટા મારે જૂનાગઢમાં. હવે એ દુઃખના મરને ડુંગરા ખડકાણા હોય, એક છોકરું થાત ને જો એ રંભડીને, તો ટાઢીબોળ બની બેસી રે'ત. એમ દવે મા'રાજ ! આ તમારી વાં - ભૂલ્યો ! વહુને પણ જોવે છે ખોળામાં છોકરું. એને બદલે આપણા વીરસુતે દીધો એના હાથમાં એકલો મોટરનો ડાંડો, ને આ ભણેલાંએ ભેળાં થઈને દીધાં એને દેવીનાં પદ. જોવે છોકરું, ને સાંપડ્યાં સભા સભલાં ! મેં તો તે દિ'જ નહોતું કહ્યું ! ને બાપલા મારા ! સભાને લાયક આ ડાચું નોય : ને આ બાઈ ને સૌ મળી સરોજની નૈડુ બનાવે છે તે આંધળા હશે ! મોઢું નથી જોતા ? ચાલાકી છે કાંઇ ? અંબાડ છે તેજના ? બોલી શકતી'તી કાંઈ? મોંયેથી જે માખ ન ઉડાડી શકે, એને ચડાવી સરોજની નૈડુને ધાએ. ધાએ જ ચડાવી દીધી છે એને બાપડીને, દવેજી ! બધા ભણેલાઓએ ભેળા થઇને તેજ કે વિભૂતિ જોયા ભાળ્યા વગર ધાએ જ ચડાવી દીધી. ને હવે સૌને એનો મોહ ઘટી ગયો. હવે એને જોવે છે ખોળામાં છોકરું. સીધેસીધી, કશા જ વાંકધોંક વગરની વાત છે. આજ તો એને દેવુથી રડશે, પણ પાંચ દા'ડે પાછું એનું હૈયું પેટનું છોકરું માગશે; દોટ દેતી આવશે તારા દીકરા પાસે, મનાવવા જાવું નહિ પડે. એક સાડી ય નહિ માગે.'

   સોમેશ્વર ડોસા તો આ અંધાની વાત પર સ્તબ્ધ થઇ ગયા; ભમરડો ઊંઘે એમ ઊંઘી ગયા. અંધાએ બોલવાનું પૂરું કર્યું ત્યારે માસ્તરને થયું કે એ વધુ વાતો કરે તો સાંભળતાં થાકું નહિ. ઉપરથી જંગલી ને નિષ્ઠુર ભાસતી આ વર્ણન-છટાની વચ્ચે મઢાઈ ગયેલું કંચન વહુનું ચિત્ર વધુ ને વધુ કરુણાર્દ્ર, વધુ ને વધુ વાસ્તવિક, વધુ ને વધુ સુંદર બનતું ગયું. આજ પર્યંત એ અપરાધિની લાગતી, આજે એ 'ધાએ ચડી ગયેલી', નિરપરાધી દેખાઈ. ને એને ધાએ ચડાવવાની પહેલ કરનારો કોણ ? પોતાનો જ પુત્ર !

   'ઉતાવળ ન કરવી દવેજી !' માસ્તર જ્યારે ત્યાંથી ઊઠ્યા ત્યારે અંધે ચેતવણી આપી; ચૈત્ર વૈશાખનાં દનૈયાં જેમ જેમ તપે છે ને ભાળ્યું, તેમેતેમ જ મે વધુ વરસે છે. માણસના હૈયાનું પણ એવું જ સમજવું. અમારે જુવાનીમાં વીરસુતની મામી રિસાતી, ત્યારે હું દનૈયાં તપવા દેતો, જો દવેજી ! મારા બાપા જ વીરસુતની મામીને એને પિયરે મૂકી આવતા ને પછી દનૈયાં તપવા દેતા; પણ પાછા ઘોડીએ ચડીને વખતોવખત ખબર કાઢી આવતા : ભેંસના દૂધના ખાસા દૂધપેંડા વળાવીને ડબરો દઇ આવતા, એ બધું જ કરતા, પણ તેડી આવવાની વાત કરતા નહિ. સામેથી કહે તો જવાબ વાળે કે 'એવી તે શી ઉતાવળ છે ! હજુ તો બાપડી નાની છે, ભલેને માવતરના ખોળામાં બે મહિના વિસામો ખાતી !' આખર વીરસુતની મામી પોતે ઘૂમટો કાઢી, બહાર રંગ ઊખડેલી ચૂડલિયાળા ને હાથ કાઢી, મારા બાપને હાથ જોડીને પગે લાગીને બોલી કે 'બાપુજી ! આવવું છે' - આ ત્યારે પછી લઈ આવ્યા. ને એમ પાછી આવેલી વીરસુઅતની મામી ઉમળકાની અટાણે હું શી વાત કરું ! કેવી સુખી થઇને રહેતી ! પણ મેં ય જો ધાએ ચડાવી હોત તો ? તો શું થાત ? કોણ જાણે ? વિશંભરનાથ જાણે.' અટાણે તો એ આંહીં નથી, ઇશ્વરને ધામ જઇ બેઠી છે, પણ યાદ કરૂં છું ત્યારે સુખના શીળા શેરડા પડે છે, દવેજી ! અમે કાંઇ માણ્યું'તું !' 'ઓ-હો-હો-હો-'

   'લે હવે વાયડો થા મા વાયડો , જાની ! મારાં સાળાંની જાની માતર વાયલ ! એક રેલોય નહિ હોય, ત્યાં સો સાપ જોયાની વાતું કરનારા ! ઠેક, પત્યું. જો ત્યારે, હું ઉતાવળ નહિ કરું.'
   'તેમ પછા ટાઢાબોળ થઇને ચકલી ઊડી જાવા ય ન દેતા.'
   'ડાયો કાંઇ !'
   'આવડવું જોયે ભાઈ, દેખાવ કરવો સમતોલ ડાંડીનો, ને જોખી આપવી પાશેર ઓછી ધારણ, એજ ખૂબી છે ને ધંધાની.'

   સોમેશ્વરે ચાલ્યા જઈ છાનામાનાં લપાઇને જોયું તો અંધાનાં નેત્રો આકાશ ભણી ઊંચાં થઇને બેઉ લમણે આંસુની દડ દડ ધારો વહાવી રહ્યાં હતાં.
   માણસ જેવું માણસ : બગડેલું , સડવા માંડેલું ને ગંધ મારતું, તોયે માણસ : રખડુ ઢોર નહિ પણ રખડુ માણસ : અને પાછું મારા ઘરનું માણસ : અને તેય પાછું બાઇ જેવું બાઇ માણસ : એને હું સાજું નરવું કરીશ.

   આવા વિચાર લઇને, બુઢ્ઢા સોમેશ્વર જ્યેષ્ઠારામ સાથે વાતો કર્યા પછીના વળતા સવારે દેવુની ઇસ્પિતાલનાં પગથિયાં ચડતા હતા.
   બદબો આવતી હતી. પરૂ પાસનાં ડબલાં લઈ રૂપાળી નર્સોના સ્વચ્છ સુગંધી હાથ પસાર થતા હતા. મરવાની અણી પર સૂતેલાં રોગીઓને ઉપાડી ઝોળીઓ આવતી ને જતી હતી. ચીસો ઊઠતી હતી. રોગી સ્વજનોનાં બિછાનાં પાસે ઊભાં કે બેઠાં આપ્તજનો આંસુડાં પાડતાં હતાં. સુવાવડીઓના વેદના-સ્વરો, અકળ બિમારીમાં પિડાતાં બાળકોના આર્તસ્વરો, અને કેન્સર જેવાં અસાધ્ય દર્દોની વેદનામાં 'મારી નાખો ! ઝટ મને મારી નાખો ડાકટર !' એવો છુટકારો પોકારતાં બિમારોના હાહાકારો :-
   તેની વચ્ચે દાક્તરો અને નર્સોના પ્રસન્ન ચહેરા ચાલ્યા જાય છે : સ્વસ્થતાપૂર્ણ પગલાં મડાયે જાય છે : બગડેલા હાથો ધોવાય છે : નાક મચકોડાતાં નથી : મોં સુગાતાં નથી : ચીડ ચડતી નથી : બદબો અકળાવતી નથી : અને મરતાંને પણ આશ્વાસનો અપાય છે કે 'મટી જશે હો કાકા ! હવે તો દર્દ નાબૂદ થઈ જવા આવ્યું છે. ગભરાઓ ના હો કાકા !'.

   ડોસો સોમેશ્વર જરાક ફિલસૂફ ખરો ને ? એટલે એણે આ દેહના રોગવાળી વાત માનસિક રોગોને તત્કાળ લાગુ પાડી દીધી. પગથિયાં ચઢી રહ્યો તેટલી વારમાં તો એને કોણ જાણે કેવું ય અભિમાન ચડી ગયું કે એની વળેલી કમ્મર ટટ્ટાર થઇ. ને રોજ પોતાની રમૂજ કરનારી નર્સોને એણે આજ સુધી બહુ મન મોં નહોતું દીધું તેના બદલે આજે એ હાથ પગ જોડી પગે લાગ્યો : ને કહ્યું, 'હદ કરો છો માતાઓ ! તમે પણ અવતાર ધન્ય કરો છો. સડેલાંને સુધારો છો, મૂવેલાંને જિવાડો છો. અને અમે -અમે તો જરાક વહેમ પડ્યો કાંઈક-કાંઈક -થયું કે ભાગી છૂટીએ.'
   ‘The old man seems to have gone crazy, No Lizzy !’એક ખ્રિસ્તી નર્સ, બીજાને કહેવા લાગી. (આ બુઢ્ઢાનું આજે ચક્કર ભમી ગયું છે, નહિ લીઝી ?)
   'નહિ, No crazy. Bravo to you all ! ' પોતાના ગામમાં પંદર વર્ષ પૂર્વે અંગ્રેજી પહેલી ચોપડી એ ભણવતા ડોસાએ તેનું કાળ કટાયેલું અંગ્રેજી માંડ માંડ પોતાની મદદે આણીને કહ્યું, અને ધન્યવાદ દર્શાવવા બે હાથના પંજા એ નર્સોના ખભા સુધી લઇ જઇ અડક્યા વગર પાછા ખેંચી લીધા.
   'થેન્ક યુ દાદા ! એ થાઉઝન્ડ થેંન્ક્સ !' કહેતી નર્સે તો ડોસાના ખભા પર પોતાનો હાથ થાબડી નાખ્યો ને ડોસા 'નહિ, નહિ, હાં હાં.' કહેતા દૂર થઇ શકે તે પૂર્વે તો એક બીજી એન્ગ્લોઇન્ડિયન નર્સ ડોસાને 'લેટમી કીસ યુ ઓલ્ડ મેન !' કહેતી પાછળ દોડી, - એ વિપત્તિમાંથી આ વૃદ્ધ વિધુર બ્રાહ્મણે પોતાના દેહને મહામહેનતે બચાવી લીધો.

   પણ પોતે દેવુના ઓરડા પાસે ગયો કે તરત ખસિયાણો પડ્યો. દ્વારમાં જ ઊભી ઊભી કંચન આ તમાશો જોઇ ચૂકી હતી. એણે મોં ફેરવી લીધું. પણ પથારીમાં પડેલો દેવુ એ મોં પરની દીપ્તિને દેખી ક્ષીણ સ્વરે પૂછતો હતો કે 'દાંત કેમ કાઢો છો બા ?'
   'તોબા બાપ ! તોબા આ વાંદરીઓથી તો !' બોલતા બોલતા દાદા દેવુના ખંડમાં આવી પહોંચ્યા; અને પોતાની ખસિયાણી હાલતનો બચાવ કંચન પાસે કરવા માટે એની જીભ થોડાં ફાંફાં મારવા લાગી : 'છે કાંઇ સૂગ એને ! સૂગાય તો કાંઇ માણસોને જિવાડાય છે બાપુ ! ધન્ય છે એની સહનશીલતાને ! રંગ છે એના મનની મોકળાશને. ફૂલફ્ટાકીઆ જેવી, પણ કેવી નરકમાં પોતાની જાતને રગદોળે છે!'

   પછી તો દાણો દાબી જોવાની શરૂઆત માંડી : 'દેવુ ! તારી બા બહુ સુકાઇ ગયાં છે. મને કાંઇ આવું ગમતું નથી બાપુ ! જુવાનજોધ માણસે સમાયેં ખાવું પીવું જોઇએ. આવું શરીર કરી નાખીને આંહીં પડ્યાં રહે એનો ઠપકો પાંચ માણસ મને જ આપે ને ! એને કોઇ નહિ કહે, કહેશે તો સૌ મને ને, કે તું ઘરડો આખો ઊઠીને પોતાના ઘરના માણસનું શરીર ન સાચવી શક્યો ! તુંને શંભુ એ ઘડપણ દીધું છે શા સાટુ, પડ્યા પડ્યા વહુવારૂના હાથની ફળફળતી રસોઇ જ ખાઈ બગાડવા સારુ ! તું ઘરડો આખો શું આંધળો હતો, કે દીકરાની વહુના શરીરની સુકવણી થતી'તી તોય જોઇ ન શકયો !'

   દાદાના આ શબ્દોની જે રંઘોળી કંચનના ગાલ પર અને આંખોમાં પુરાયે જાતી હતી તે દેવુ પડ્યો પડ્યો નીરખતો રહ્યો. ને દાદા પોતાની પૂત્રવધુના મનોભાવોનું પ્રતિબિમ્બ, દેવુંની પથારીની પાંગતે બેઠા બેઠા, દેવુની આંખોમાંથી જ ઉકેલતા હતા.

   દેવુની આંખો કહેતી હતી કે, નવી બા કોણ જાણે શાથી પણ ચમકી ઊઠેલ છે.
   ડોસાની આંખો પણ કંચનના દેહ પર દોડી દોડી ચોમેરે તપાસ ચલાવ્યે જાતી હતી, ખૂણે ખાંચરે પણ પ્રવેશીને પાકી ચોકસી કરતી હતી, કંચનની સાડીનું ઝીણું પોત જેટલું જોવા દઇ શકે તેટલું જોઇ લેવામાં ડોસાનું દુન્યવી ડહાપણ લગીરે શરમ લેખતું નહોતું. આંખો એ શરીર પર એક જ સંદેશો વાંચી આવી કે કંચન કશીક ધાસ્તી સેવે છે.

   'કહે તારી બાને દેવુ,' ડોસા પોરસવંતા સાદે પડકારી ઊઠ્યા, 'કે કંઇ ડર ન રાખે. કોઇના બાપની ઓશિયાળ નથી. આપણે તો આપણા ગામમાં ખાસું મજાનું ખડકીબંધ ખોરડું છે. તે હું ત્યાં તુળસીનું આખું વન ખડું કરી દઇશ. બસ, પછી એ તુળસી માતાની મંજરીઓ ગળાઇને મળનારી હવા - શી વાત કરવી એ હવાની બેટા ! મડાં પણ બેઠાં થાય. કોઇ તમને ટુંકારો ન કરી શકે. તુળસી માની રક્ષા હજો તમને, ને શરીર નરવું કરીને પછી તમે તમારે ઠીક પડે ત્યાં રહેજોને !'

   કંચનના મુખ ઉપર આ વૃદ્ધને વેણે વેણે કોઇ અકળ કાળી છાયા ઘોળાતી હતી. એ હા કે ના ક્શું કહી શકતી નહોતી.એણે ફક્ત દેવુના મોં સામે જ ગર ટગર નિહાળ્યા કર્યું. દેવુ એને પૂછતો હતો તેનો એ જવાબ આપતી નહોતી. એના મોં પર બાઘામંડળ છવાઇ ગયું. તે દિવસ તો એ જવાબ આપ્યા વગર જ ચાલી ગઇ.

   ત્રણ ચાર દિવસો ગયા, ડોસા રોજેરોજ એની એ વાત મૂકે, નિયમિત હાજરી આપતી કંચન એ સાંભળીને મૂંઝવણભર્યા મોંએ બેસી રહે. ન હા કહે, કે ન ના કહે.
   પાંચમે દિવસે કંચન ફક્ત એટલું જ બોલી. 'એમની રજા લીધી છે ?'
   'કોની વીરસુતની ?' ડોસા હસી પડ્યા : 'એમાં એની રજા શા માટે ? મારે ઘેર - તમારે પોતાને ઘેર - તમને લઇ જવાં એમાં એની રજા ! ના. ના. હું એવો પડી પેપડીનો ખાતલ બાપ નથી. હું કાંઇ એની કમાણી પર નીભતો નથી. ઘણું જીવો મારી સરકાર ! તે મને પંદર રૂપિયાનું પેન્શન પૂરે છે. મારા ઘરનો હું મુખત્યાર, એના ઘરનો એ ભલે માલિક રહેતો. પૂછ્યું છે મારા ગામમાં કોઈ બે પગે હાલતલ માણસને, માસ્તર કેવા ગર્વિષ્ઠ માણસ છે ? પૂછો તો ખરાં, તમારો સસરો પોતાના ગામમાં કેવો માનતંગી ગણાય છે ! અરે આપણે સ્ટેશને ઊતરશું ને, કે તરત જ તમને જણાઇ આવશે, હું મજુરને એક આના વગર ઘા ન કરું! હું બીજા બ્રાહ્મણોની પેઠે મફત ન ઉપડાવું હો વહુ ! હું દાગીને દાગીને ફદિયું ચૂકવવાની ધડ ન કરું. હું પેટમાં ભલે કોરું ખાઉં, પણ સ્ટેશનના મજૂરને તો ધડ દઇને દાગીને આનો ફગાવી દઉં. જોજોને તમે, સ્ટેશને સોમેશ્વરદાદાનો સામાન ઉપાડવા પચીસ બાઈઓની પડાપડી થાય છે કે નહિ ?' કંચનને સસરાની આ બાલકવત્ બડાઇખોરી બહુ જ ગમી ગઇ. ડોસો એને વધુને વધુ વહાલો થયો. પોતે પણ એવી જ ગમાર હતી તેથી ? કે પોતે એક મા બનવા સર્જાયેલી સ્ત્રી હતી તેથી ? પોતાના દેહમાં એવું શું સળવળતું કે જેના કારણે આ વૃદ્ધના બબડાતો એને પ્રિય લાગ્યા.

   ડોસાએ ફક્ત એટલું જ જોયું કે કંચનનો દેહ જેમ સસલું કમ્પે તેમ સાડીની અંદર કમ્પતો હતો.
   'હું તો કહું છું કે થઈ જાઓ તૈયાર !' ડોસાએ તડાકા ચાલુ રાખ્યા; 'દેવુને આંહીંથી રજા મળે કે પરબારા આપણે પહોંચીએ સ્ટેશને. હું તો કહું છું કે એક વાર તમારા આ અડીખમ સસરાનો કેવો છાકો પડે છે તે તો જોઈ જાઓ ! મારે કાંઈ દીકરાની સાડીબાર નથી, મને ઓરતો તો એટલો જ છે કે મારા દીકરાની વહુવારૂઓ મારી જાહોજલાલી અને મારી જમાવટ જોઇને આંખો ઠારતી નથી.'
(ક્રમશ :...)


0 comments


Leave comment