43 - હૈયાના ધબકાર મહીં છે પગરવ કોનો? / આદિલ મન્સૂરી


હૈયાના ધબકાર મહીં છે પગરવ કોનો?
આપ રહો છો દૂર પછી તો સંભવ કોનો?

પુષ્પે પુષ્પે પ્રસરી કોના દેહની ખુશ્બૂ?
ફર ફર ફર લહેરાતો બાગે પાલવ કોનો?

તારાઓનાં તોરણ; તોરણ વચ્ચે ચાંદો,
આકાશે ઉજવાઈ રહ્યો છે ઉત્સવ કોનો?

તું મૃગજળ ને મૃગજળની યાદો પણ મૃગજળ,
પ્યાસાં મનના રણમાં રે આ ઉદ્દભવ કોનો?

‘આદિલ’ ને કંઈ યાદ નથી; ના પૂછો એને.
કોની પ્યાલી, કોણે પીરસ્યો, આસવ કોનો?


0 comments


Leave comment