54 - આંખોમાં ડૂબતી હતી કાળાશ રાતની / આદિલ મન્સૂરી


આંખોમાં ડૂબતી હતી કાળાશ રાતની,
જાંઘો ઉપર હસી ઉઠી બીમાર ચાંદની.

ઈચ્છાને કોઈ જાતનાં બંધન નથી નડ્યાં,
આવી મળે છે રોજ દીવાલો કૂદી કૂદી.

ઊંઘે છે કાળામાંસના પ્રેતો નગર નગર,
જાગે છે પીળા રક્તની ખુશ્બુ ગલી ગલી.

ભડકે બળે છે ચારે દિશાઓની શૂન્યતા,
મારા સિવાય કોઈ નથી, હું ય પણ નથી.

થીજી ગયો છે જલની સપાટી ઉપર બરફ,
પેટાળમાં સમુદ્રનાં પાણી હલ્યાં નથી.

છાતી ઉપરથી રોજ ખરે છે સફેદ રેત,
કિંતુ આ વાતની હજી એને ખબર નથી.

અસ્થિના ખંડિયેરમાં સૂરજ ડૂબી ગયો,
મેદાનમાં પડી છે હવે રાત એકલી.

‘આદિલ’ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો,
પત્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ.


0 comments


Leave comment