13 - ફૂલો ખીલ્યાં કે ખાર ? મને કંઈ ખબર નથી / આદિલ મન્સૂરી


ફૂલો ખીલ્યાં કે ખાર ? મને કંઈ ખબર નથી,
કોની હતી બહાર? મને કંઈ ખબર નથી.

પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા,
કોણે કર્યો પ્રહાર? મને કંઈ ખબર નથી.

ઝુલ્ફોનો અંધકાર હતો એજ યાદ છે,
ક્યારે થઈ સવાર? મને કંઈ ખબર નથી.

તેઓ પધારશે કે પછી મોત આવશે,
બતલાવ ઈંતેઝાર ! મને કંઈ ખબર નથી.

આપી ગયા જે સાંત્વન ‘આદિલ’ ના દર્દને,
કોના હતા વિચાર? મને કંઈ ખબર નથી.


0 comments


Leave comment