30 - આપનું મુખ જોઈ મનમાં થાય છે / આદિલ મન્સૂરી


આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે,
આંખ ખોલું છું તો સ્વપ્ના જાય છે.

આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે.

લાખ કાંટાઓ મથે સંતાડવા,
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે.

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.


0 comments


Leave comment