31 - નાવ રોકાઈ કિનારો જોઇને / આદિલ મન્સૂરી


નાવ રોકાઈ કિનારો જોઇને,
થાક લાગે છે ઉતારો જોઇને.

કેમ જાણે યાદ આવ્યો હું મને,
ચાંદ પાસે એક તારો જોઇને.

કેટલા મેહમાન પાછા જાય છે,
આજ દિલના બંધ દ્વારો જોઇને.

શું કહું અસ્થિરતા કદમો તણી,
ઔર લથડે છે સહારો જોઇને.

યાદ આવે છે મને મારું પતન,
આભથી ખરતો સિતારો જોઇને.


0 comments


Leave comment