2 - આ વાર્તાઓ વિશે... / શમ્યાપ્રાસ / ગુણવંત વ્યાસ


   મારા પ્રથમ વાર્તાસંગ્રહ ‘આ, લે વાર્તા !’ ને સારો આવકાર મળ્યો. તેમાંની ઘણી વાર્તાઓએ વાર્તારસિકો અને વિવેચકો/સમીક્ષકોને આકર્ષ્યા. વિજ્ય શાસ્ત્રી, ભરત મહેતા, મોહન પરમાર, ઈલા નાયક, સંધ્યા ભટ્ટ, નરેશ શુકલ, વિશ્વનાથ પટેલ વગેરેએ અવલોકન/ સમીક્ષા/ અભ્યાસ લખી, સંગ્રહને આવકાર્યો. સતીશ ડણાક, પ્રફુલ્લ રાવલ, મનોહર ત્રિવેદી, મનોજ પરમાર વગેરેએ જુદી-જુદી વાર્તાઓની આસ્વાદલક્ષી નોંધ લીધી. પરબ, શબ્દસૃષ્ટિ, બુદ્ધિપ્રકાશ, કુમાર, પ્રત્યક્ષ, શબ્દસર, દલિતચેતના વગેરેમાં આ આસ્વાદ/અવલોકન/સમીક્ષા/અભ્યાસને સ્થાન મળ્યું. ‘હીંચકો' વાર્તા ગદ્યસભા, ભાવનગર દ્વારા ૨૦O૯માં પુરસ્કૃત થઈ. ‘વિકલ્પ’ પરિષદ દ્વારા પ્રકાશિત અને પારુલ કંદર્પ દેસાઈ દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૯' માં સ્થાન પામી. ૨૦૧૨માં સૂરતમાં આયોજિત પરિષદના જ્ઞાનસત્રમાં ૨૦૧૧ની ટૂંકીવાર્તાનું સરવૈયું રજૂ કરતા કનુ ખડદિયાએ સંગ્રહની ખાસ્સી ઊજળી બાજુને ચીંધી બતાવી. તો મહેમદાવાદમાં આયોજિત ‘સામ્પ્રત સાહિત્ય' વિશેના પરિસંવાદમાં એકવીસમી સદીની ટૂંકીવાર્તાઓ વિશે બોલતાં ભરત મહેતાએ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ પ્રતિ ધ્યાન દોર્યું.

   આ સંગ્રહમાં મૂકેલી ૧૨ વાર્તાઓ ગુજરાતીનાં ખ્યાતનામ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે. વાર્તા રસિકોએ વાંચીને ફોનથી, તેમ પત્રોથી પણ હરખ જતાવી અભિનંદન પાઠવ્યા છે. એક વાર્તાકારને આથી વધુ શું જોઈએ? આ બધું સતત લખતા રાખે છે એનો આનંદ છે.

   સામયિકોના તંત્રી/સંપાદકો, મારી વાર્તાઓના આસ્વાદકો, સમીક્ષકો, અભ્યાસુઓ તથા વાર્તારસિક વાંચકો ઉપરાંત, આ સંગ્રહના પ્રકાશક બાબુભાઈ શાહનો હૃદયથી આભાર માનું છું.
ગુણવંત વ્યાસ
તા. ૨૮-૮-૨૦૧૩, જન્માષ્ટમી


0 comments


Leave comment