1 - શમ્યાપ્રાસ / ગુણવંત વ્યાસ


   નહોતું જવું, પણ મિત્રો જ નિમિત્ત બન્યા. અહીંથી રોજેરોજ જવા માટે પ્રેરે ને ત્યાંથી સતત સંદેશા આવે. ધકેલવાની ને ખેંચવાની ક્રિયા અંતે મને ઢસડી જ ગઈ. ગામડાનો જીવ, શે'રમાં નહીં ફાવેના મોટા ડર વચ્ચે સ્ટેશને ઊતર્યો ત્યારે સૂરજ ઊગી ચૂક્યો હતો. શહેરનો સૂરજ મને જરા ઝાંખો તો લાગ્યો, પણ મન એ વાત સ્વીકારવા તૈયાર ન થયું. એ મારો ભ્રમ પણ હોઈ શકે ! મે સ્ટેશન પર નજર દોડાવી. કદાચ કોઈ પરિચિત મળી જાય. પણ અહીં શહેરમાં પરિચિત તે વળી કેવો ! એક તો મહાનગર ને એમાં ઉપરથી અધૂરું એડ્રેસ; શોધવું મુશ્કેલ, એ ખ્યાલે જ ઘરેથી વહેલો નીકળ્યો હતો. હવે પૂછવું ય કોને ?!

   બહાર આવ્યો ત્યાં એક રિક્ષાવાળો બાજુમાં આવી પૂછવા લાગ્યો : કહાં જાના હૈ, સાબ !
   ‘થોભ ને !' કહેતો હું ખીસાં ફંફોસવા લાગ્યો. સરનામાના કાગળની કાપલી મળવી તો જોઈએ ને ! મળી. જાળવીને એની ગડી ખોલી. કેટલા સમયથી સાચવી રાખી'તી ! હવે તો એ ય જર્જરિત થવા આવી હતી. ઉતાવળ કરતાં ફાટી જાય તો ફેરો માથે પડે ! રિક્ષાવાળાને એ બતાવી. એ વાંચી જ ન શક્યો ! અભણ હશે? હું એના હાથમાંથી કાપલી લઈ ઉકેલું ઉકેલું ત્યાં તો બીજા પેસેન્જર મળતાં જ એ તો ચાલ્યો. હવે ? બીજા રિક્ષાવાળા વહારે આવ્યા. કાપલી એક પછી એક હાથમાં ફરતી, ફરી મારા હાથમાં આવીને અટકી ! અરે ! આ શું ? શહેર આખું અભણ નીકળશે કે શું ?! દરેક રિક્ષાવાળાના ચહેરા પર અણઉકેલી લિપિ કળાતી હતી ને મારા ચહેરા પર આશ્ચર્યોનો ઓથાર ! રમેશ ઓચિંતા યાદ આવી ગયા :
ટપાલ જેમ તેમ ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

   હવે તો ચાલીને જ જવું પડશે. આગળ વધીને કોઈને પૂછું. કોઈ ભણેલ-ગણેલ, કોઈ શિક્ષિત, કોઈ સૂટેડ-બુટેડ મળી જાય ને ઉકેલી આપે આ એડ્રેસ. હું ઉતાવળે આગળ વધ્યો. સામે કોઈ હાંફળો-ફાંફળો શિક્ષિત લાગતો સજ્જન લાંબે ડગલે સ્ટેશન તરફ આગળ ધપી રહ્યો હતો. એને જોતાં જ આશા ફરી બેઠી થઈ. દોડીને એની પાસે પહોંચ્યો. કશું જ કહ્યા વિના એના હાથમાં ચોળાયેલા કાગળની કાપલી થોપી દીધી. એ ચાલતાં ચાલતાં જ એને ઉકેલવા મથ્યો; પણ અશક્ય લાગતાં જ ઊચર્યો :
   ‘સૉરી, સર ! આયમ અનેબલ ટુ રીડ ઈટ !'
   રિષભની ચેતવણી યાદ આવી. કહ્યું'તું એમણે :
માગે થોડો અટપટો છે, સાચવીને ચાલજે,
આજુબાજુ ખટપટો છે, સાચવીને ચાલજે.

   કાગળ પાછો હાથમાં આવી હસી રહ્યો હતો. એક ક્ષણ તો થયું : નીકળી પડું પાછો આ નગર છોડીને, વળતી ટ્રેનમાં. શાંતિથી ઠરી બેસું. એક કાગળના ટુકડા પર ભરોસો કરીને આવ્યો’તો આ નગરમાં. હતું; કોઈક તો મળશે અહીં, સાચી દિશા ચીંધનાર ! કોઈક તો આંગળી ઝાલનાર ! ભરોસો ભારે પડવા લાગ્યો હતો. આટલું મોટું શહેર એક ચબરખીના ચાર અક્ષર ન ઊકેલી શક્યું ! ઊંડે ઊંડે શ્રદ્ધા હજુ ટમટમતી હતી. કારણ કે મનોજને મેં પચાવ્યા હતા :
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.

   ધ્યેયમંત્ર બની ગયા હતા આ શબ્દો. જોસ્સો, જોમને ઢીલું પડવા દે એમ ક્યાં હતો ! “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે' એ સંકલ્પ સાથે તો નીકળ્યો હતો. હવે આમ, વીલે મોઢે પાછો ફરીને સૌને શું મોટું બતાવીશ ! ના નથી જવું પાછું, આગળ વધતો રહીશ. કોઈ તો મને મળશે – કોઈ તો આ કાગળમાં ઉતારેલી કળા ઉકેલશે. આ કાગળ, એમાનાં શબ્દો જ મારા પથ પર પ્રકાશ પાથરશે ! એ જ મારી કેડીને કંડારશે ! હું મક્કમ થયો ને શહેર તરફ આગળ વધ્યો.

   શહેરની ભીડમાં ભૂલો પડવા લાગેલ હું કોઈ પારખું નજરની શોધમાં આગળ વધતો રહું છું. શહેરે શક્ય તેટલા સુંદર દેખાવા શણગારો સજ્યા છે. નિતનવાં રૂપ સજતું શહેર અસલની ઓળખ વિસારે પાડતું લલચાવી રહ્યું છે. ભટકી જવાનો ભય એની ભરચકતા સાથે સામે આવીને ખોખલું હસી રહ્યો છે. મનમાં ચિનુ અવતરવા લાગે છે :
‘અભદ્ર દૃશ્યો - ના આવશો, નયનને નીડ માની !'

   રૂપાળાં પાટિયાં ને આકર્ષક જાહેરાતોથી કદાચ હું લોભાઈ જાઉં, કદાચ ક્યાંક ફંટાઈ જાઉં કે કદાચ ક્યાંક મોટા બંધ હૉલના અંધકારમાં ત્રણ-ત્રણ કલાક ગુંગળાઈ મરી, બાહુકની સ્થિતિને પામું એ પહેલાં હું સરનામાને સાચવતો આગળ ધપું છું. જાણતલ હોવાની જાણ થતાં દોડું છું એની તરફ ને મને ફરી નિરાશા સાંપડે છે. બેફામની દૃઢતા સાથે નીકળેલો હું નગરમાં નાગર બની ભટકી પડું એ પહેલાં ગણગણું છું :
ખુદાનું નામ લઈ નીકળી પડ્યો છું ખેડવા દરિયો,
નિરખશો નાવ મારી તો કિનારા પણ હશે તેમાં.

   સમગ્ર અસ્તિત્વમાં ગજબનું નૂર પ્રગટે છે. હું આગળ વધું છું. શબ્દે મને બળ આપ્યું છે. પગમાં તાકાત આવી છે. આશા ઊજળી બની છે. મારી મસ્તીમાં મસ્ત હું, ગણગણતો ઉદયનમાં ખોવાવા લાગું છું.
કોઈકોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી,
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલેસે હલ્લેસે હાલનારા હાજી.

   મને બળ આપનારા કેટકેટલા સહાયકો મારા બગલથેલામાં લઈને હું નીકળ્યો છું ! આ ન હોત તો નક્કી હું ભટકી જાત; ભાંગી પડત, ભાગી આવત પાછો. થેન્ક ગોડ, તે બધાને સાથે લઈને ચાલવાનું સૂચવ્યું.

   કોઈ અજાણ્યામાં પરિચિતતાનો ભાવ જન્મે છે ને હું એ તરફ ખેંચાઉં છું. સરનામાનો કાગળ ખીસામાંથી નીકળી એના હાથમાં ખૂલે છે. એના હોઠ ફરફરતા લાગે છે. મારામાં હરખ ઉઘલવા ચડ્યો છે. એ મહાપ્રયત્ન માંડમાંડ એક શબ્દ ઉકેલી શકે છે : शम्याप्रास...! હા, આ જ તો સ્થળનું નામ કહ્યું'તું; હું જ્યારે નીકળ્યો હતો ત્યારે સૌએ ! આ જ; બસ, આ જ નામ ! હરખ છલકાતાં ભીંજાઉં છું. ભેટી પડું છું સામાને. એ આશ્ચર્ય જતાવતો આગળ વધે છે. કહ્યું'તું ને, કોઈક તો મળશે એને ઉકેલનારો ! મળ્યો ! પણ ક્યાં ગયો એ ? હું થોડું નાચવા રહ્યો ત્યાં એ ગાયબ ?! હું આજુબાજું જોઉં છું. એ રહ્યો ! એ જાય !! દૂર એને જતાં જોઈ, પાછળ દોડું છું. પકડીને જ રહું છું : ભાઈ, તે નામ તો કહ્યું; પણ જગ્યા ?! મારા વા'લા, પૂરું તો ઉકેલ એને !

   એ ફરી કાગળને સુંઘતો શોધ આદરે છે. ને પછી ધીરેથી દૂર નજર નાખતો કહે છે : કોઈ નદીની આસપાસનું સ્થળ જણાય છે !” બસ, આથી વધુ ઉકેલવા એ અસમર્થ નીવડે છે. મારે હવે નદીની શોધ કરવાની રહી. નદી ! શહેરની મધ્યમાંથી પસાર થતી નદી ! નામ તો ક્યાંક સાંભળેલું : સ.., સા...! હે, રામ ! આ સ્મૃતિ પણ...! નહીં જ યાદ આવે. પણ ‘નદી' શબ્દ મારામાં જાણે પ્રાણ પૂરે છે. નસનસમાં લોહી ધમધમવા લાગે છે. પગમાં ગતિ ઉભરાઈ છે. આગળ, ચાર રસ્તા જોઈને થનગનતા પગ, કોઈને પૂછવા જ સ્તો, અટકે છે. ઉત્તર આપનાર જાણે કિસનની અદાથી કહે છે :
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ

   મને બસ, ‘નદી’ એટલું જ સંભળાય છે ને એમણે ચીંધેલી દિશા જ દેખાય છે. હું એ દિશામાં જાણે દોટ મૂકું છું. નદી ! મારા પૂર્વજોની પ્રતીતિ ! મારી સંસ્કૃતિની સાક્ષી ! ક્યાં હશે ? કેટલે દૂર ? મારો ચિત્કાર કોઈ શ્યામરંગી, સૂટ-બૂટમાં સજજ, મહાગ્રંથ લઈને ઊભેલા તેજસ્વી સજ્જનને કાને પડ્યો હોય અને એ મને આંગળી ચીંધતાં પશ્ચિમ દિશા બતાવી રહ્યા હોય તેમ લાગે છે. હું પશ્ચિમમાં આગળ વધું છું.

   ઉનાળો હોઈ, સૂરજે એનો પ્રભાવ દેખાડવો શરૂ કરી દીધો છે. ‘સૂરજ ધીમા તપો' કહેવાની લાયકાત તો કેળવવી દૂર રહી, અડધા સૂરજના ય અધિકારી ન ઠરેલા મારે આ તાપ સહન કરવો જ રહ્યો. ઘરેથી સંકલ્પ કરીને નીકળ્યો છું, આફતોને અતિક્રમીને આગળ વધવું જ રહ્યું. ચેલેન્જ હતી રાજેશની :
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું બધું જ હોય તો છોડી બતાવ તું.”

   સ્વીકારી લીધી હતી એ ચેલેન્જ છોડીને બધુ આવી ગયો હતો. જોકે, આવ્યા પછી સમજાયું હતું કે શબ્દના સરનામા સુધી પહોંચવું કેટલું કઠિન છે ! અજાણ્યા રસ્તાઓ ને અપરિચિત દિશાદર્શકો દ્વારા, અધકચરા ઉકેલાતા સરનામાને કારણે, અવળા ફંટાઈ જવાની ઘટનાઓ સતત બનતી રહી છે. હવે તો પગ પણ છેહ દે તેવું જણાય છે. મનોજે કહેલું :
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા?
એક પગ બીજા પગને છળે એમ પણ બને.

   હા, એવું બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. આગળ શું બને એ કહેવું કપરું હતું. કારણ કે સામે કપરાં ચઢાણ હતાં. અંતે થાક્યો. ફુટપાથ પર આવીને ઊભો રહ્યો. હવે તો ઊભા રહેવાનો ય થાક વર્તાવા લાગ્યો હતો. હું રઘુવીર નહોતો કે ગાઈ શકું :
‘ફુટપાથ પર ઊભા રહેવાનો થાક, ખેતરમાં કામ કરી ઉતારું છું.’

   અહીં તો ખેતર જ ક્યાં હતું ! અને જેની શોધે નીક્યો'તો એ કંઈ હાલી-મવાલીનું ખેતર નો'તું ! – હા, એક ક્ષેત્રની શોધ હતી. મારા પોતાનું કહી શકું એવા એક ક્ષેત્રની, ને એ દર્શાવવા સૌ નનૈયો ભણી રહ્યા હતા !

   ફૂટપાથને એક છેડે ઊભેલો હું ધસમસતા ટ્રાફિકને જોઈ રહ્યો છું. ટ્રેનમાં બેઠા હોઈએ અને વૃક્ષો ચાલતાં લાગે એથી ઊલટું અહીં ઊભા-ઊભા અનુભવું છું. સડક ચાલતી હોય એવી અનુભૂતિ મને મનહર પાસે લઈ જાય છે :
ખૂબ ચાલ્યા બાદ દેખાયું મને,
હું ઊભો છું ને આ ચાલે છે સડક.

   ધોમધખતા તાપમાં થાકીને લોથપોથ થયેલા મને મારા અડધા સમય પછી યે કોઈ સ્પષ્ટ આંગળી મૂકીને એડ્રેસના અક્ષરો ઉકેલનારું ન મળ્યું. મેં કાગળ પર નજર નાખી. શબ્દો સ્વયમ્ મૂંઝવણમાં હોય એમ લાગ્યું. પણ અંદરથી મરીઝનું આશ્વાસન મને ટકાવી રાખતું હતું :
ગમગીન દિલ ન રાખ, ન મુખને ઉદાસ કર;
આનંદ આ જગતમાં છે, એની તપાસ કર.

   હું મારા આનંદને શોધવા સ્તો નીકળ્યો હતો, થોડા શબ્દો લઈને, કોઈ એને ઉકેલનારો મળે ! પણ હાય રે, ભાગ્ય ! આ શહેર જ જાણે કે દગો દેવા બેઠું હતું. ‘આકાશ'નો ખાલીપો મારા અસ્તિત્વને ઢંઢોળતો રહ્યો :
શબ્દનું અર્ચન હતું તે ક્યાં ગયું? જાતનું દર્શન હતું તે ક્યાં ગયું?
ટેરવા પર ચાંદ આવી બેસતો, સ્પર્શનું સર્જન હતું તે ક્યાં ગયું?

   શોધ મારે જ કરવાની હતી. બસ, કોઈ એકલ પણ સંકેત કરનાર મળી જાય, થોડીકેય દિશા દેખાય; નહીં તો ઉનાળાનો આ ઉકળાટ મારી રહી સહી હિંમત પણ તોડી નાખશે.

   એક દુકાનદાર ક્યારનોય મને પરસેવો લૂછતો તાકી રહ્યો હતો. મારી આશા આળસ ખંખેરી બેઠી થઈ, એની પાસે પહોંચી ગઈ. કાગળ જોઈને, એની ભાષામાં એણે કહ્યું : મારી ભાષામાં લખી આપો ! લો, કરો વાત ! એ તો કોરો કાગળ ને પેન લઈને મારી સામે આવી ઊભો રહ્યો. વિનોદની વેદના હવે હું જીવતો થયો.
‘કાગળમાં કાળઝળ રેતી વિંઝાય અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું?’

   મારી ભાષા ન ઉકેલી શકતા એ-ની ભાષા હું ક્યાં આલેખી શક્તો હતો ! આ મારા-તારાના વાડાને તોડવા કઈ રીતે ?! ગુંગાબહેરાની વેદના સમી અમારી આ જીદ કહો તો જીદ ને મર્યાદા કહો તો મર્યાદા અમને આડી આવીને નડી. રમેશના શબ્દો સ્વયમ્ હું શ્વસતો થયો :
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?

   બેમાંથી કોઈને ય કશું બોલવા જેવું રહ્યું ન હતું. પરસ્પરની વેદના કળી ગયેલા અમે છૂટા પડ્યા.
   આગળ વધતાં એક બુક સ્ટોલ પર, અજાણી લિપિના અક્ષર ઉકેલતા છાપાધારી એક વર્તમાનપત્રીને જોયો. આ કદાચ સરનામાના શબ્દો ઉકેલે ! હું નજીક ગયો. આંખોથી જ એ નજીક આવ્યાનું કારણ પૂછવા લાગ્યા. મેં ય મૌન ટકાવી રાખી, હાથમાંની ચબરખી એમનાં ચશ્માં સામે ધરી દીધી. એ પ્રથમ મારી આંખોને વાંચવા લાગ્યા. મને થયું, મારી આંખોને વાંચી શકનાર સર્જન જરૂરથી મારી ચિઠ્ઠી પણ વાંચી શકશે. વિશ્વાસ મારામાં આપોઆપ ઊગવા લાગ્યો. શ્રદ્ધા મારી વધુ પ્રદિપ્ત થઈ. એ ચશ્માંના કાચની આરપાર તાકતાં અક્ષર ઉકેલવા લાગ્યા :
ब्रह्मनद्याम् सरस्वत्यामाश्रमः पश्चिमे तटे ।
शम्याप्रास इति प्रोक्त ऋषिणां सत्रवर्धनः ॥*

   વાહ ! હું ધન્ય થઈ ગયો. આંખોમાં આનંદનાં આંસુ ઊભરાયાં. આખા નગરમાંથી એક જણ તો જડ્યો, જે આને ઉકેલી શકે ! હાશકારો થઈ આવ્યો. મારું ગંતવ્યસ્થાન મને હાથવગું લાગવા લાગ્યું. બસ, આનો અર્થ કહી આપે એટલે દોડતો પહોંચું ત્યાં ! હવે દોટ મૂકવી અઘરી નથી, ઊભા રહેવું અઘરું છે. ઓહ ! હર્ષદ શબ્દ રૂપે પ્રગટ્યા :
‘દોટ મૂકવી સાવ સહજ, પણ ઊભા રહેવું અઘરું.’

   એ જ વિહ્વળતા હું અનુભવવા લાગ્યો. સાંજ પહેલાં તો પહોંચી જ જઈશ. મેં મારા વર્તન થકી અધિરતા દેખાડી. સજ્જન તો અર્થ સૂચવ્યા વિના જ છાપામાં પાછા પરોવાઈ ગયા હતા. મેં એમને હચમચાવી નાખ્યા. ઉતાવળે અર્થ પૂછવા લાગ્યો. એ મને, હું શું પૂછું છું એ પૂછવા લાગ્યા ! લો, કરો વાત ! આ ફરી, ભાષાની વાડ નડી. ભાષાની આ ભીંતો મને કેદની દિવાલો કરતાં યે વધુ મજબૂત લાગી. ‘ભાષાને શું વળગે ભૂર' કહેતો અખો મને છેતરતો લાગ્યો. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’નું ગૌરવ હું ‘વિશ્વપ્રવાસી ભારતવાસી’ બનીને જ લઈ શક્યો. ઈશારાથી તો કેટલા અર્થ ઉકલે ! હું જાણે ચિત્કારી ઊઠયો : ‘ક્યાં છે અર્થ?! મને અનર્થના અંધકારમાં ધકેલતી આ ભાષાબંધીના વાડામાંથી તાર, મા !

   માનો પ્રતિનિધિ બનતો બુકસેલર ક્યાંથી અવતર્યો, કોણ જાણે ! પણ અમારા ઈશારાને ઉકેલવા જ એનું અવતરણ થયું હોય તેમ એ નજીક આવ્યો. કાગળ હાથમાં લીધો. અક્ષર ઉકેલનાર સજ્જનને ધ્યાનથી સાંભળ્યા બાદ એનો અર્થ ઉકેલવા જ સ્તો, એણે ચશ્માં બદલ્યાં. દૂરનાં ચશ્માં દૂર કરી, નજીકનાને નિકટ લીધાં. આંખે ચડાવી, અક્ષર ને ઉચ્ચાર વચ્ચે સેતુ રચવા લાગ્યો :
   ‘શમ્યાપ્રાસ !' – એ વધ્યો
   ‘હા, એ જ !’ – મેં ક્યું.
   ‘નદીકાંઠે...'
   ‘હા, હા, નદીકાંઠે જ’
   ‘નદીને સામે કાંઠે...; પશ્ચિમે...; કોઈ આશ્રમ....'
   ‘આશ્રમ? આશ્રમ માર્ગે ?’

   એ માથું ખંજવાળવા લાગ્યો. ‘કદાચ' કહેતાં એણે નાકની દાંડીએ નીચે ઊતરી ગયેલાં ચશ્માંને ઉપર ચડાવ્યા ને ફરી કંઈક ઉકેલાયું હોય તેમ કહે :
   ‘આ નદીનું નામ સ કે સા? ....તી, કંઈક એવું વંચાય છે, બહુ સ્પષ્ટ ઉકેલી શકાતું નથી.'
   એણે ચશ્માં ઉતારી નાખ્યા. ખલાસ, હવે નહીં ઉકેલી શકે એ ! સરનામાની કાપલી મેં હાથમાં લીધી. નહીં મામા કરતાં કહેણો મામો શો ખોટો? ! નદી તો નિશ્ચિત થઈ ! આશ્રમનો સંદર્ભ તો હાથ લાગ્યો ! આટલું યે કંઈ ઓછું નહોતું. નીતિનનું આશ્વાસન કામ લાગ્યું :
‘એક તરણું હાથ લાગે એ ય કૈં ઓછું નથી.'

   બુકસેલર મારી આ વિકળતા ન જ સમજી શક્યો. મારી ગડમથલને ગળે ઉતારવા એ મને પૂછવા લાગ્યો. મેં એના ખભે હાથ રાખી, સાંકેતિક રીતે સમજાવવા નીતિનની જ મદદ લીધી.
‘શોધવા આ વૃક્ષના વિસ્તારને, થાય છે ઠળિયા સુધીની ગડમથલ.'

   એ સમજ્યો કે ન સમજ્યો, રામ જાણે ! એ જાણવાની દરકાર કર્યા વિના હું આગળ ધસ્યો; ઝટ આવે નદી !’
   આગળ જતાં જોઉં તો કોઈ વિદ્વદજન હાથમાં આત્મકથાના છ ભાગો લઈ, ખભે થેલો લટકાવતા ઉતાવળે એ દિશામાં જ જઈ રહ્યા છે. એમની આંગળી ઝાલી લઉં તો ઝટ પહોંચું, એવું વિચારતાં જ હું દોડ્યો. પણ એ આંબવા દે? એમની ઝડપે હું ન જ ચાલી શક્યો. અંતે નદીના તટે આવીને ઊભો. ભરચક નદીના સામા કાંઠે કઈ રીતે પહોંચવું એની અવઢવમાં હતો ત્યાં જ એક ટોપીવાલાએ મને હડસેલ્યો :
ઊભો ઊભો જોયા કર તું વાટ, કોઈ ન આવે !
સાદ કર્યાથી સામો કાંઠો આ કાંઠે ન આવે !
લઈ લે લંગર, હાથ હલેસાં, સઢ અધીર ખૂલવાને,
સુકાન તત્પર, નાવ ખડી, કર વાર ન ઉપડવાને !

   મેં ઝંપલાવ્યું : ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે !’ કાંઠે નીકળ્યો ત્યારે સૂરજનો તાપ શમી ગયો હતો. ભેજગંધી હવા મને પરિચિતતાની યાદ અપાવવા લાગી, વર્ષો પૂર્વે હું અહીં આવી ગયો હોઉં, અરે ! રહી ચૂક્યો હોઉં એવું એવું મને થવા માંડ્યું. નિશ્ચિત સ્થળે પહોંચ્યાનો અહેસાસ હવા દ્વારા થતાં તુષાર સ્મૃતિએ ચડ્યા :
‘આંખોમાં બેઠેલા ચાતક કહે છે
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.’

   પગમાં જોમ આવ્યું. દિવસભરનો થાક ઓગળવા લાગ્યો. શ્રદ્ધાના દીવાએ વિશ્વાસનું તેજ ટકાવી રાખ્યું હતું. ગની સામે જ મળ્યા : ‘રસ્તો ભૂલી ગયો હતો, દિશાએ ફરી ગઈ.' સમયની પાછળ પહોંચ્યાનો ખ્યાલ સામે ઝળહળતા અક્ષરોએ વિસરાવી દીધો. ‘शम्याप्रास' ઝળહળતું મને આવકારી રહ્યું હતું. દરવાજે દસ્તક દેતા સુવર્ણક્ષરો મારા ‘દર્શક' બની રહ્યા : ‘આ સર્વવત્સલા, બ્રહ્મચારિણી સરસ્વતીનું સ્થાન છે. અહીં તું અવિવેક ન કરતો. નમ્રતાથી દાખલ થજે.'

   મારો બધો ભાર હળવો થઈ ગયો. જેની શોધ વર્ષોથી હતી એ જ આજ પગને તળે હતું ! આંખો હરખનાં આંસુથી ભરાઈ આવી. ચિનુ ફરી સ્મરણે ચડ્યા :
‘આમ તો પર્યાપ્ત છે બે આંખોનો વિસ્તાર
પણ પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો.’

   હું છલકાઈ ઊઠ્યો. મારા પૂર્વજોની અપૂર્વ સમૃદ્ધિનો જ્ઞાનસાગર સામે લહેરાઈ રહ્યો હતો. મારા પુરોગામીઓના જ્ઞાનવારસાને સાચવતા આ આશ્રમના આદ્યસ્થાપકો જાણે મકરંદની ભાષામાં કહી રહ્યા હતા :
અમે તો જઈશું અહીંથી આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે,
શું કરી ગયા એ ખબર નથી પણ કરી ગયા તે કમાલ રહેશે.

   ઋચાઓથી પવિત્ર અને શબ્દોથી સુષોભિત આ વારસાને હું વંદી રહ્યો. આને એળે ન જ જવા દેવાય; વેડફાવા તો કેમ દેવાય ! હું દૃઢતાથી પ્રવેશ કરું છું. મારામાં ઉજાશ-ઉજાશ થઈ આવે છે; જાણે એક સાથે સેંકડો સૂર્ય ન ઊગ્યા હો !!

* (બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા પર (મહર્ષિ વેદ વ્યાસનો) શમ્યાપ્રાસ નામે આશ્રમ છે. ત્યાં ઋષિઓ દ્વારા નિરંતર યજ્ઞો થતા જ રહે છે.) શ્રીમદ્ ભાગવત પુરાણ : ૧:૭:૨
* * * * *


0 comments


Leave comment