19 - જો આપનો પડછાયો પડી જાય જરા પણ / આદિલ મન્સૂરી


જો આપનો પડછાયો પડી જાય જરા પણ,
નક્કી પછી રંગીન બની જાય હવા પણ.

દેખાય છે રસ્તામાં કદી ચાંદસિતારા,
આકાશ બની જાય છે ક્યારેક ધરા પણ.

રંગો અને ખુશ્બૂથી ભર્યું ફૂલ છે તું તો,
પાગલ છું અરે હુંય કે માંગુ છું વફા પણ.

મારે હવે દુશ્મનથી સતત મળવું પડે છે,
જાણે છે હવે એ તને મળવાની જગા પણ.

દુઃખમાંય નડી છે મને ખુદ્દાર તબિયત,
માગી ન શક્યો હાથ ઉઠાવીને દુઆ પણ.


0 comments


Leave comment