23 - માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો / આદિલ મન્સૂરી


માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો.

એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઊચકી રહ્યો ગઝલની ઈમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો.

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.


0 comments


Leave comment