2 - નિવેદન / હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી / જયેશ ભોગાયતા
નવ વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરું છું એનો આનંદ છે. મારું જીવન મારા જન્મકાળથી માંડીને આજ દિવસ સુધી સતત ઘટનાઓથી ખીચોખીચ રહ્યું છે. એના ભાર નીચે ખૂબ કચડાતો રહ્યો છું પરંતુ એ ભારને મેં જીવનને જોવાની દૃષ્ટિમાં રૂપાન્તર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ રૂપાન્તરની પ્રક્રિયામાં મારી સર્જકતાની ઊર્જા નિર્ણાયક બની છે કાયમ. મારી પ્રથમ ટૂંકી વાર્તા ‘બીડી બુઝાતી નથી'નું પ્રકાશન સુમન શાહે ‘શબ્દસૃષ્ટિ'માં કર્યું હતું, એ વર્ષ હતું ફેબ્રુઆરી ૧૯૮૬નું.
એ પછી સુમન શાહે મારી ચાર વાર્તાઓ ‘એક સુગંધી લીલું માંજર', ‘પડછાયો', ‘બંગલો' અને ‘તેની પાસે કોઈ ઉત્તર ન હતો’ – ‘ખેવના’માં પ્રગટ કરી હતી. સુમનભાઈએ મારી સર્જકતાને કાયમ અવકાશ આપ્યો છે એનો આનંદ અનુભવું છું. ભરત નાયકે ‘ગદ્યપર્વ’માં મારી ‘સંભારણું’ વાર્તા પ્રગટ કરી હતી એનો આનંદ હજુ તાજો છે. બાબુ સુથારે ‘સન્ધિ’માં મારી લાંબી ટૂંકી વાર્તા ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી' પ્રગટ કરી હતી તેનો સવિશેષ રોમાંચ છે. અન્ય બે વાર્તાઓ ‘કલ્યાણજીની મૂર્તિ’ અને ‘સ્વપ્ન-દુઃસ્વપ્ન’ – ‘તથાપિ'માં પ્રગટ થઈ હતી. આ પ્રકાશન ક્ષણે સૌ મિત્રોએ આપેલ પ્રોત્સાહન બદલ ઋણભાવ અનુભવું છું.
મારી વાર્તાઓ કોઈ વાદ કે વિભાવનાકેન્દ્રી નથી પણ મનુષ્ય સંવેદનાઓનું નિરૂપણ છે. અનુત્તર જ રહેતી સ્થિતિઓની અપાર મૂંઝવણ અનુભવી છે. એ મૂંઝવણ મારી વાર્તાની સામગ્રી છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના આંતરસંબંધોથી સર્જાતી સ્થિતિઓનું રૂપ મેં જોયું છે. એ ઉપરાન્ત પિતા-પુત્ર વચ્ચેના સંબંધો તેમજ મિલકત માટેના માલિકીભાવથી સર્જાતી સ્થિતિઓને મેં નાનપણમાં અનુભવી છે. એ અનુભવો મારાં દુઃસ્વપ્નો બની ગયાં છે. એમનાથી હું મુક્ત નથી. જાસૂસી કથાઓની જેમ મારા ચિત્તપ્રદેશમાં રહસ્યો ઘૂંટાતા રહ્યા છે. એને ઉકેલી શક્યો નથી. એ અસ્તિત્વના અંશો છે !
ટૂંકી વાર્તા મારા રસનો વિષય જ નહિ પણ મને જીવનને સમજવામાં મદદરૂપ બનનાર એક મિત્ર પણ બની છે. મારા પિતાજીના મરણને દિવસે હું હિંડોળા પર સૂતાં સૂતાં જાસૂસી કથા વાંચતો હતો ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી. દિવસ હતો દિવાળીનો. મારા પિતાજી ત્યારે બિમારીને કારણે તેમના ઓરડામાં હતા. તેમણે અચાનક મારી માના નામની બૂમ પાડી. હું દોડીને પિતાજી સૂતા હતા એ ઓરડામાં ગયો. મા પણ આવી ગઈ. ને થોડીવારમાં બધાં પરિવારજનો. પિતાજીએ આગ્રહ કર્યો કે તેમની પથારી કરે અને તેના પર સુવડાવી દે. તેમને પથારીમાં સુવડાવ્યા. તેમની આંખ દીવાલ પરના ઘડિયાળ તરફ હતી ને ત્યારે સમય હતો બપોરના બે વાગીને પંચાવન મિનિટનો. થોડીવારમાં તેમને લોહીની ઉલટી થઈ ને પછી તો કાન, નાકમાંથી લોહી વહેવા લાગ્યું. હું સ્તબ્ધ બની ગયો. મારું શરીર ખૂબ ધ્રૂજતું હતું. એમણે શ્વાસ છોડ્યા. ચારે તરફ રુદનના અવાજો. હું દોડીને બહાર આવી ગયો. જોયું તો હિંડોળા પર જાસૂસી કથાની ચોપડી પડી હતી. મારી આંખ સ્થિર થઈ ગઈ તેના પર. મને આસપાસનું જગત રહસ્યમય લાગવા માંડ્યું. છાયાઓ પથરાતી જોઉં ચારે બાજુ. એ દિવસથી હું જીવનને રહસ્યકથાની જેમ વાંચતો રહ્યો છું. જેનો પરિવેશ મારી ‘બંગલો’ શ્રેણીની ત્રણ વાર્તામાં ધબકે છે. મારા નાનપણનો એ ખંડ હું ક્યારેય ભૂલી શકતો નથી.
મારા વાર્તાસંગ્રહના મુખપૃષ્ઠ પર મૂકેલ ફોટોગ્રાફમાં મારા દાદા અને મારા પિતાજી છે. હું જ્યારે મારા પિતાજીની નાની વયની છબિ જોઉં છું ત્યારે મને બહુ કુતૂહલ થાય છે, વિસ્મય થાય છે ! એક બાળક મોટું થતાં સુધીમાં તેના જીવનને કેવો ઘાટ આપે છે એટલે કે તેને કેવો ઘાટ મળે છે !
કનુભાઈ પટેલે આવરણની પરિકલ્પના કરીને મારા સંગ્રહને નવું રૂપ આપ્યું છે. પ્રકાશનક્ષણે સૌ સ્વજનો, મિત્રોને યાદ કરું છું.
ખાસ તો, મારા દાદા અને પિતાજીને યાદ કરું છું જેમનો જીવનલય મારામાં ધબકે છે !
વડોદરા
તા. ૭-૧૧-૨૦૧૧
સોમવાર
0 comments
Leave comment