1 - એક સુગંધી લીલું માંજર / જયેશ ભોગાયતા


   બપોરે નિશાળેથી ઘેર આવીને હું દફતરનો ઘા કરું છું. સીધો રસોડામાં જાઉં છું. ચૂલાના તાપમાં શેકાતા રોટલાની ઊપસેલી પૂળીમાંથી વરાળ કુવારો ઊડે. ધુમાડાથી ભરચક રસોડાની દીવાલોના અંધકારમાં બધું ધૂંધળું બની જાય. હું ઊંચકાઈને તરવા લાગું. કશોક આધાર પકડી લેવા હાથ હલાવતો રહું ને નીચેથી દાદાની મારા નામની બૂમ પડે ત્યાં ધબ કરતો નીચે પહોંચી જાઉં છું.

   દાદાનો ઘોડો પોતાના કાન હવામાં ઊંચાનીચા કરે. પગ અફળાવે. શરીરમાં સ્કૂર્તિ આવ્યાનો રેલો તેની ત્વચાને ઊંચીનીચી કરતો વહેતો જાય. ઓટલા પર હું ઊભો રહું. દાદા સમતુલા જાળવીને પેગડામાં પગ ભેરવતાં તેની પર બેસી મને ઊંચકીને પાછળ બેસાડી દે. અમારો ઘોડો ગલીના નાકામાંથી જ ગતિ પકડે. રસ્તાની કરકરી ધૂળ, બાળકોના શોરબકોર, મારા કોઈ મિત્રનું હાસ્ય અને ઘોડા પાછળ તેની વૃથા દોડ, ઘોડાનાં ફૂલેલાં નસકોરાંથી ખસી જતા લોકોના છણકા – હું હસતો રહું.

   દાદાના લાંબા કોટમાંથી માત્ર તેમના બૂટ દેખાય. દાદાની કમર ફરતે હું મારા હાથ વીંટાળું. કોટમાંથી દાદાના ઓરડાની સુગંધ આવે. દાદાના ઓરડાની ભોંય માટીથી લીંપેલી. તેમના ખાટલા પાસે પહોંચતાં સુધીમાં ઘણીવાર ઊખડી ગયેલા પોપડામાં મારો અંગૂઠો અથડાતો ને પોપડો ઊઘડીને રજ રજ થઈ જતો. દાદા હસી લેતા. આંખ પર ચશ્માં ઓઢીને મારા માથા પર હાથ ફેરવે. હું દાદાના પગરખામાં મારો પગ નાખું. વાડીની ધૂળ અને પગના પરસેવાથી અંદર એડીમાં ભીનું ભીનું લાગતું.

   ઘોડો ખુલ્લા માર્ગમાં આવતાં દાદા રંગમાં આવી જતા. નદીના વળાંકો, કાંઠા પરનું ઘાસ, દોડતી બસ, ભરવાડનું વાઘ, દૂર ટ્રેનના એન્જિનના ધુમાડાનો લીસોટો અને સ્મશાનના તોતિંગ દરવાજાના ખીલાના કાટ ખાધેલા રંગો – મારી આંખ પરથી બધું સરકે.

   ધૂળિયે રસ્તે હું નીચે ઊતરું. તાડીની છાયાઓ. આકરો તડકો. પગમાં થાક. હાથમાં સોટી લઈ હું દાદા પાસે પહોંચું.
   વડલાની છાયામાં ઢાળેલા ખાટલા પર દાદા લંબાવે. હું અંદર ખોરડામાં બારી પાસે ગોઠવેલા ખાટલામાં પડું. પવનના સપાટામાં એકાએક ઊંચકાતી ધૂળમાં ફંગોળાતાં સૂકાં પાંદડાઓની ફેરફૂદરડી. કૂવાના તળિયે ઝમતી સરવાણીનું રણઝણ. નીંદરના ચૈતન્યસ્પર્શે આ બધું મારી અંદર ઠલવાતું રહે. ખોરડાના બાકોરામાંથી પડઘાતી ટ્રેનની વ્હિસલ બપોરને ઘસડી જતી.

   જાગીને જોઉં તો બારીમાંથી કરેણનાં લાલ ફૂલો મારી રાહ જોતાં નમી પડ્યાં હોય. દાદાને ફૂલો ગમે.
   પાસે જ ઘેટાં-બકરાં ચરે. દાદા ઊભા થઈને ત્યાં પહોંચે. ભરવાડ દૂધ આપે. ફીણથી ઊભરાતા લોટાને સાચવતા મને બોલાવે.

   તાપણું સળગ્યું. ચા તૈયાર થઈ ગઈ. હું ઝટ દોડીને કોટના ખિસ્સામાંથી રોટલો લાવું. કાગળમાં વીંટેલા રોટલાની સુગંધ ચાની સાથે ભળે. મારું નાક ફોરી રહ્યું. કલબલતાં પંખીડાં. વડલાનાં લીલાં પાનની આછી ફરફર માણતાં હું અને દાદા ચા આહેડી લઈએ. ટેસડી પડી જતી. ચૂલામાં કરગઠિયાંની સફેદ રાખ માણિગર પાણાની વચ્ચે ઊડ્યા કરે !

   રંગબેરંગી ફૂલો લઈને અમે ઘેર આવીએ.
   રાત્રે તેમના ઓરડામાં જાઉં. ખાટલાની નીચે પાણીનો લોટા નમેલો લાગે. તેમનાં પગરખાંમાં અસંખ્ય નાની નાની તિરાડો છે. આ તિરાડો ક્યાંક કાણું બનીને મુક્ત થઈ ગઈ છે.

   છીતરીનું બારણું આખી રાત ખુલ્લું જ રહે. ચશ્માં વગર તે બારણાં તરફ ઊંઘે છે. બોખા મોઢામાંથી ઉચ્છવાસ ખખડ્યા કરે. મારા શ્વાસને સાંભળવાનો હું પ્રયત્ન કરું. પગની આંગળીઓ કેટલી અક્કડ-કેટલું રખડ્યા હશે. પથ્થરો સાથે ઘસાયા હશે, ઢીલા પડ્યા હશે. ઊભા થઈને ખેંચી ગયા હશે. એમને ભીતરમાં પ્રવેશવા દઉં છું. પગની આંગળીઓ આરપાર મને ખોતરી નાખે છે. મારી આંગળીઓને સ્પર્શી લઉં છું. જળ જેવી સ્નિગ્ધ. પણ જળ કાયમ નથી રહેતું. જળની શોધમાં જ આ ચરણોમાં કઠિનતા ઊગી હશે.

   દાદા પથારીવશ થયા. વાડીનાં ફૂલો ગુમાવ્યાં. ઘોડાને જાણે દેશવટો. વડલાની છાયાની ઘેરાશને બદલે બંધ ઓરડાનો તાપ સળગે છે. હું નજીક જવાનો પ્રયત્ન કરું ને થાકી જાઉં. એ બકવાસમાંથી રાહત લે. જીવતા જાણે કે શબ્દોની અસંબદ્ધ વણઝારમાં પોતાની ઓળખને શોધ્યા કરતા. અને સનેપાતની ચીસો દીવાલોમાં રખડ્યા કરે. બાજુના ઓરડામાં નીંદરની રાણીનાં ઝાંઝર રણકતાં હોય. હું ફળિયામાં આવીને ઘોડાને જોયા કરું.

   અચાનક એક સવારે એ ચીસોની પોપડીઓ ખરી પડી. અંતિમક્રિયાની દોડાદોડી. ઘુમાયેલાં છાણાંઓનો ધુમાડો ફળિયામાંથી ઊંચે જતો રહે. હું અગાસીના ખૂણે ઊભો ઊભો તેમના સીંદરીથી બાંધેલા મૃતદેહને જોઉં છું. પગની આંગળીઓ બાવળની શૂળની જેમ વીટેલા કાપડને વીંધીને બહાર આવવા જાણે મથે છે.

   સ્મશાનમાં ઢળતી સાંજે એ વિલય પામ્યા. રાખમાંથી અસ્થિ વીણતાં તેમના પગનાં હાડકાઓમાં વરસોના થાકની ખરબચડી ધોળાશનો સ્પર્શ અનુભવ્યો હશે.

   હવે હું દફતરનો ઘા નથી કરતો.
   બપોરે તેમના જ ઓરડામાં નીંદર કરું. તેમની આંખો જાણે કે હાથ ફેરવતા ફેરવતી બીડાઈ જાય છે. પડછંદ ડાબલાની તણખા ઝરતી ઠેસમાંથી પ્રકાશ જન્મે છે - લાલ, ગુલાબી, લીલા ઊછળતા પાણીમાં મને ફેંકી દે છે – તણાતો તણાતો તળિયે ઊતરતો જાઉં ને લીલી ભૂરી સપાટીમાં ઓગળતો બની જાઉં પથ્થર !

   સાંજે અગાસીમાં ઊભું. કુંડામાં બારમાસીનું ફૂલ નિજની છબિમાં ડોલતું હોય. તુલસીના લીલા માંજરની સુગંધ વહ્યા કરે.
   ડેલી ઉઘાડી પડી છે. ઘોડો જ્યાં ઊભો રહેતો ત્યાં ઘણા ખાડા પડી ગયા છે. ખીલાને ઉખેડી નાખ્યો છે. બહારથી રેતી લાવીને ફળિયાને સમથળ કરાવવાની વાતો થાય છે.

   હું બારમાસીના ફૂલને વળગી પડું છું. કોટના ખિસ્સામાં પડેલા રોટલાની સુગંધ મને ઊંચકી લે છે. તુલસી માંજરમાંથી ખિલખિલાટ કરતું એક લીલું માંજર ઊડીને પહોંચે છે દૂર આકાશમાં. હવે એ તારાને હું રોજ નિરખું છું. હું લયમાં તરતો રહું.
[ખેવના, સપ્ટેમ્બર ૧૯૯૧]


0 comments


Leave comment