2 - બીડી બુઝાતી નથી / જયેશ ભોગાયતા


   ડેલીનું ઝીણું અંધારું બદામનાં પાંદડાંઓને ધ્રુજાવતું હતું. ખીલા પાસે સૂકું ઘાસ વેરાયેલું હતું. પથ્થરોના ઢગલા પર કપડાં સુકાતાં હતાં. બંધ ઘરની અંદર વાસણ ખખડવાનો આછો અવાજ આવતો હતો. તુલસી વગરના ક્યારામાં છાપાંના કાગળો પીળા પડી ગયા હતા. બસમાંથી ઊતર્યા બાદ ઘર સુધી આવતાં મેં પાણી વગરના કૂવા જેવા બેત્રણ ચહેરા જોયા, જાણે તરસ્યા પથ્થરો ! થોડું બોલવાની ઈચ્છા થઈ પણ મારી જીભ પર વિચિત્ર ચીકણો પદાર્થ બાઝી ગયો હતો. ગબડતા પથ્થરની જેમ ઘર તરફ આવ્યો. ત્યાં ફળિયું મને ભોંકાતું રહ્યું.

   કેળાની છાલ અહીંતહીં વેરાયેલી જોઉં છું. પાસેથી ઝડપથી પસાર થતી બસથી ડરતો નથી. ઉઘાડ-બંધ થતા શોપિંગ સેન્ટરના દરવાજામાંથી આવ-જા કરતા લોકો રસ્તા પર આવીને જુદા પડી જાય છે ને હું મારી સાયકલને બ્રેક મારી દઉં છું.

   ચાવાળાને પૂછવાની મરજી થાય છે ઠરી ગયેલા ચા વિશે ! પણ માંડી વાળું છું. અસંખ્ય હાથથી નિર્જીવ થયેલા છાપા પર ચાનો કપ મૂકી દઉં છું. બહાર આવી જાઉં છું. આખો દિવસ સતત ઢોળાયા કરતા પાણીમાં ટાયર ચોંટી જાય છે. કાદવ સાયકલના પંખામાં ફસાઈ જતાં થોડીવાર ખચકાઈ જાઉં છું. પણ ફરી થોડીવારમાં પેડલ પર પગ મૂકતો સાયકલ મારી મૂકું છું રસ્તા પર ફરી પાછો !

   શાકમારકેટ જેવી ભીંસમાંથી મને દોરતો લઈ જાઉં છું બહાર ! પેન સેન્ટરની બાજુમાં વેચાતા ફરસાણની સુગંધ અને તેની બાજુમાં છૂટક વેચતા પેનવાળાની પેટીની સાવ નજીક જઈને બધી જ પેન સ્પર્શવાની તાલાવેલી જાગે છે પણ સાયકલને રોકવી ગમતી નથી. હરરાજીમાં વેચાતી વસ્તુઓને જોવા ટોળે વળેલા માણસોના મેલા-ધોયેલા ખમીસ પર આછી આછી સાંજ લસરતી રહે છે. માણસોની ડોક પર વીંટળાયેલા ખમીસના કોલર હવામાં જરા જરા ઊંચા થાય છે ને મને હસવું આવી જાય છે. આંખોમાંથી થાક ઊતરી જાય છે ને એક ઘંટડી વગાડી લઉં છું. એ રણકારનો ઓસરતો સ્વર મને જોરદાર ધક્કો આપી દે છે.

   મારી બાજુમાંથી પસાર થયેલી સાયકલને જોતાં મેં મારા નાનાને તેની બાથ પકડીને કહ્યું, “મને પણ આવી જ સાયકલ અપાવશોને ? મારા માપની? ને સરસ ઘંટડીવાળી.” નાનાએ મને ઊંચકીને પોતાના ખભા પર બેસાડીને કહ્યું, “હું તારી સાયકલ છું !''

   શિયાળાની કડકડતી ઠંડીમાં ઘઉંની ડૂંડીઓ પર બાઝેલા ઝાકળને જોતાં નાના ચા ઉકાળતા બેઠા હોય ! હાંફી ગયેલો કોસ પણ ચાની વરાળથી સ્ફૂર્તિલો થઈ જતો. નાનાના પગ ઠંડીને કારણે કાળા પડી ગયેલા હોય ને ઉપર ચોટેલી કાળી માટી ! નાનાની આંખો આછું હસતી મારી પાસે ફૂલ બનીને આવતી ! મને હાથમાં ફેરવતી ! એને છલકાવા દઉં ને ગોદડીમાં વીંટાયેલો હું તાપણા સામે જોયા કરું. થોડીવારે ઊભા થઈને મારી નજીક આવીને મને ચાનો કપ આપતા. જર્મન-સિલ્વરનો કપ જરાવારમાં તપી જતો પણ નાનાની આંગળીઓ કેવી મને ધીમે ધીમે ચા પીવડાવી દેતી ! નાના પૂછે, “આ વગડાઉ જગામાં આદુ ને મરી ક્યાંથી ? તારી નાની તુલસીના પાંદ નાખીને અસલ ચા બનાવતી પણ હવે તો એ સ્વાદ જ ગયો !”

   બારણું ખખડાવવાની ઇચ્છા ન થઈ ! ઉપર કોઈક ધીમે ધીમે મહામહેનતે પલંગ ખસેડતું હતું ને તેને કારણે એક ઠેસથી પાણીનો લોટો ગબડી પડવાનો અવાજ આખા ફળિયાને બહાવરું બનાવીને મને ધ્રુજાવી ગયો. સાંકળ જોરથી ખખડાવી. ઉપરથી કોઈ ઊતર્યું. બારણું ઉઘાડ્યું. ઠંડીથી મારા હોઠ અને હાથ ધ્રૂજતા હતા. “આવ, આવ, સુનીલ. જલદી અંદર આવી જા ! અત્યારની મોડી બસમાં? ઘર મળી ગયું કે કોઈ મૂકવા આવ્યું’તું?” મેં કહ્યું, “ના, મામી, ગલી યાદ હતી મને ! થોડું ગરમ પાણી મૂકી દેજોને. રસ્તાનો થાક ઊતરી જાય !”

   ફાનસની વાટ ઊંચી થતાં ઘરની દીવાલોએ મને ચૂમી લીધો. છાશની ગોળી, ઘસાયેલી રવાઈ ને નેતરા પર ધૂળ બાઝી ગઈ હતી. ખખડધજ તિજોરીઓની ભાત પર કાટ બાઝી ગયો હતો. નાનીનો ખાટલો જ્યાં રહેતો ત્યાં કેરોસીનનો ડબ્બો હતો તેની ઉપર જોયું તો જૂનાં પગરખાં પડેલાં હતાં.

   “નાના બાપુને કેમ છે ?” મેં ઉપર જતાં પૂછયું. “બોલવામાં તકલીફ ખૂબ જ પડે છે. બોલે છે ત્યારે બહુ સમજી શકતી નથી. તમારા મામા તો બસ આખો દિવસ બીડી ફૂંક્યા કરે છે ને ચા પીધા કરે છે.” “નાનાબાપુની દવા કોણ કરે છે ?” “ડૉક્ટરોએ તો ખૂબ આગ્રહ કર્યો છે દવાખાનામાં જ રહેવાનો પણ કહે છે માયા છોડાતી નથી. મારા કરશનનું કોણ?” ઉપર જતાં ઓસરીમાં ખાલી પાણિયારાને અઢેલીને ખાટલા પર કરશનમામા આડા પડ્યા હતા. તેમની બેબાકળી આંખો આમતેમ ફરવા લાગી. મને ઘૂરકવા લાગી. મામીને જોતાં ઠંડા પડી ગયા ને ધીમેથી પૂછ્યું, “કોણ આવ્યું છે ?” “સુનીલ છે મોટીબેનનો. તમે સૂઈ જાવ !” મામીના માંસલ હાથના સંકેતથી મામા ફરી ગોઠવાઈ ગયા.

   અંદરના ઓરડામાં એક પલંગ પડેલો હતો. તેમાં પડખું ફેરવીને નાના સૂતેલા દેખાયા. બાજુમાં નાની એવી ખાટલી પર આઠદશ વર્ષનો છોકરો સૂતો હતો. નાનાબાપુ હમણાં સુધી હાથ ફેરવતા હશે તેવું દેખાતું હતું.
   “તું જગાડ નાનાબાપુને. હું તારા માટે ગરમ પાણી અને જમવાની તૈયારી કરું છું.”

   નાનાબાપુના હાથને સ્પર્શ કર્યો. થોડો સળવળાટ થયો. આંખો ધીમેધીમે ઊઘડી. હળવેથી ઊભા થયા. મને ઊભો કર્યો. મારા ગાલે હાથ ફેરવ્યો.
   “હું સુનીલ છું તમારો !” ને છાતીએ લઈ લીધો ! ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. ને બોલવા લાગ્યા. “હવે હું નહીં જીવું હો !”
   “તમે નિરાંતે આરામ કરો. હું તમારી પાસે જ બેઠો છું.”

   જમીને હું નાનાબાપુની સાથે સૂતો. મામીએ ઓસરીમાં ગોદડું પાથર્યું. મને ઓઢવાનું આપીને ઓરડાનું ફાનસ ઝીણું કરીને જતાં રહ્યાં. તે સૂતાં ત્યારે ગોદડી કરતાં તેના શરીરની લંબાઈ વધુ હશે જેથી જમીન સાથે તેમના પગ અથડાતાં ઝાંઝરના જેવો કશોક અવાજ થયો. કરશનમામાની છેલ્લી ઉધરસ ખવાઈ ગઈ હતી. અર્ધ ખુલ્લા બારણામાંથી મેં મામીના લંબાયેલા શરીરને જોયા કર્યું.

   વળગણી પર મામીનાં કપડાં લટકતાં હતાં. નાનાબાપુનું ફાટેલું ખમીસ મેં જોયું. નાનાબાપુની અર્ધખુલ્લી આંખો જોઈ ! નાનાબાપુના શિથિલ હાથથી થોડે દૂર ખાટલામાં ઊંઘતા છોકરાના શ્વાસોચ્છવાસ સંભળાતા હતા. અર્ધ-ખુલ્લા બારણામાંથી મામીના કપાળ પર પડતા આછા અજવાસમાં ચાંદલાને જોયો. ખાલી પાણિયારાની નીચે બુઝાયેલી બીડીના ઢગલા વચ્ચેથી દુર્ગધ ધીમે ધીમે આખા ફળિયામાં પ્રસરવા લાગી. નાનાબાપુની આંખો બંધ થઈ ગઈ હતી. હું લાંબો થયો. ઉપર છતને તાક્યા કરી. કૂવાના તળિયા જેવી છત લાગી.

   દૂર દૂર કોઈ થાકેલા પગનો અવાજ અને કરશનમામાના નસકોરાં એક થઈ જતાં લાગતાં હતાં. ઉઘાડો રહી ગયેલો રોટલીના ડબ્બો ઢાંકવાની ઇચ્છા થઈ.
   નીચે ઊતરીને ફળિયામાં આવ્યો. તુલસી વગરના ખાલી ક્યારા પાસે બેસી ગયો. નાનાબાપુના હાથનો કંપ અને ડેલીનો સૂસવતો અંધકાર મને ભીંસતો રહ્યો.

   ઉપર પાછો આવ્યો. ખાટલા સાથે પગ અથડાતાં નાનાબાપુ જાગી ગયા. હું કશું બોલ્યા વગર બાજુમાં ઊંઘી ગયો.
   સવારે જવાનો નિર્ણય મેં મામીને જણાવી દીધો. મામી ફળિયામાં વાસણ સાફ કરતાં હતાં. કરશનમામા ચા પીને આખી રાતનાં બીડીનાં ઠૂંઠાં ભેગાં કરીને બહાર ફેંકવા જતા હતા. છોકરો વળી ગયેલા કોલરવાળો બુશકોટ પહેરીને રોટલીના ડબ્બા પાસે બેઠો હતો. નાનાબાપુ ભીંતને અઢેલીને બેઠા હતા. તૂટેલી એવી આરામખુરશીમાં હું બેઠો હતો.

   કરશનમામા કચરો ફેંકીને ઉપર આવી ગયા હતા. ફરી પાછા ખાટલામાં ગોઠવાઈ ગયા હતા. હું નાનાબાપુ સામે ગુસ્સાથી તાકી રહ્યો હતો.
   “તમે કોના માટે જીવો છો ?'
   મામીએ ઉપર આવીને મને તાજી ચા પીવડાવી. હું તૈયાર થઈ ગયો. નાનાની નજીક જઈને કહ્યું. “હવે પછી હું ક્યારેય આ ફળિયામાં નહીં આવું ! તમારું મોત થશે ત્યારે હું તમને યાદ નહિ કરું ! મારે મન તમે કરશનમામાની હત્યા કરી છે.”

   મામી નાના બાળકને જમાડતાં હતાં. હું ઝડપથી દાદરો ઊતરી ગયો. પણ કરશનમામાની આંખો યાદ આવી. પાછો ઉપર આવ્યો. તેની પાસે જઈને બેઠો. “રાખો આ દસ રૂપિયા. મારા વતી બીડી પીજો.” મામાએ દશની નોટ ગોદડી નીચે રાખી દીધી. મામાએ હાથ લંબાવ્યો. મેં મજબૂત રીતે હાથ મિલાવ્યો. મારી આંગળીઓમાંથી ધીમે ધીમે મામાનો હાથ છૂટો પડ્યો. મામાની આંખો સૂરજમુખીના ફૂલની જેમ ઢળી ગઈ હતી.

   બદામનું ઝાડ સવારના તડકામાં ચાડિયા જેવું લાગતું હતું. ડેલી ઉઘાડી મૂકીને રસ્તા પર આવી ગયો. ઉપર જોયું તો નાનાબાપુ બારીમાં ઊભા હતા. સળિયાને કારણે તેમની આંખો જાણે કે ટુકડા કર્યા હોય તેવી લાગતી હતી.

   સાયકલ પાછી વાળીને ફરી પાછો વસ્તુઓની હરરાજીના સ્થળે ઊભો રહી ગયો. ચારે બાજુ ખરીદનારની આંખો અથડાતી હતી. હું એક આધુનિક લાઈટર ખરીદું છું. મેં લાઈટરને ચારેબાજુથી જોયું. કરશનમામા યાદ આવી ગયા. આ લાઈટરથી બીડી સળગાવી શકાય છે, અને ફળિયું ઘર પણ સળગાવી શકાય છે. મામાએ કેમ કશું સળગાવ્યું નહિ હોય? સતત પોતાના રૂંવેરૂંવેથી બીડીઓ જ પીધા કરી છે ! સાચે જ બીડી લિજ્જત આપે છે.

   હું લાઈટરને ખિસ્સામાં મૂકી દઉં છું. સાયકલ મારી મૂકું છું.
[ શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી ૧૯૮૬]


0 comments


Leave comment