3 - સંભારણું / જયેશ ભોગાયતા
સરોવરના પાણીનો ચળકાટ આંખોને આંજી નાખે છે. સરોવર પરથી વહેતા ઠંડા પવનમાં પ્રવાસીઓ ફર્યા કરે છે. દૂરના પહાડોની છાયા પાણીમાં ઢોળાયા કરે છે. સરોવર હથેળીમાં ઊઘડેલા કમળ જેવું છે.
સરોવરની સામી બાજુ ખાલી નદી. અણીદાર પથ્થરો સાથે ઘસાતો તરસ્યો પવન. નાળાંમાં જોશથી વહેતી હવા કડવી લાગે છે.
કેડી પર ચાલ્યો જતો એને જોઉં છું. એને ઊભો રાખવા હું ચાલ તેજ કરું છું. આગળ આવીને રોકું છું. એ આંખોથી મને નમસ્તે કરે છે. એના કાન પાછળ પરસેવાના રેલા સરકે છે. ખમીસનાં બે બટન ખુલ્લાં છે. છાતી પર ચીમળાયેલા વાળ છે. તડકો પીને એની ચામડી સૂકાયેલા ખાખરાના પાનની જેમ ખખડ્યા કરે છે. એના ખભા પર સ્ટીલની ટાંકી છે,
- તું થોડો આરામ કરી લે, થાકી જઈશ.
- ભલે, પણ કાર્યક્રમમાં મોડું થશે તો? ટાંકીનું શું?
- ચિંતા ન કર, બધું સમયસર થશે.
એક મહુડા નીચે હું અને એ ઊભા રહ્યા. એના પગની આંગળીઓ પર ધૂળ જામેલી હતી. સ્લિપરની પટ્ટી સફેદ દોરાથી સીવેલી હતી.
ઘરની જાળી પાસે ત્રીસ-ચાલીસ જોડી બૂટ-ચંપલ આમતેમ વેરાયેલાં પડ્યાં હતાં. અંદરના ઓરડામાં બધા હારબંધ બેસી ગયા હતા.
મેં મોટા અવાજે સંબોધન કર્યું,
- સાંભળો, તમને બધાને ત્રણ-ચાર વર્ષથી હું જાણું છું. વર્ગમાં તમે કશું બોલતાં નથી. પણ આ મારું ઘર છે. મેં તમને બધાંને પોતાનાં સમજી બોલાવ્યાં છે. હવે તમે વિદાય લઈ રહ્યાં છો. તમે કશુંક બોલો. તમારા અનુભવો, પ્રતિભાવો - બધું બોલો. આપણે હવે નિરાંતે મળી શકવાનાં નથી.
કપરકાબીના ખખડાટ સિવાય કશો અવાજ નહોતો. સામે બેઠેલી ઈન્દુ સાદડીના છેડાને તોડતી રહી.
અચાનક નરેશ ઊભો થયો, આંગળાંના ટચાકા ફોડ્યા,
- સાહેબ, અમારે એક વસ્તુ ભેટ આપવી છે.
- શું આપશો?
- પાણીની ટાંકી.
- મને?
- ના, કૉલેજને.
- શા માટે ?
- છેલ્લાં ત્રણ વરસથી અમને પાણી પીવાની કેટલી બધી તકલીફ હતી, એ સાહેબ તમે જાણો છો. અમારી વારંવારની વિનંતી છતાં કોઈએ સગવડ કરી નહિ. આજ સુધી જાહેર નાળા પર પાણી પીને ચલાવ્યું. અમારી ઇચ્છા છે કે અમારાં ભાઈબહેનોને પાણી પીવાની તકલીફ પડે નહિ, માટે આ કૉલેજને સ્ટીલની ટાંકી આપીશું. ટાંકીનો ખર્ચ અમે બધાએ સરખે ભાગે વહેંચી લીધો છે.
સામે બેઠેલાં પર મેં નજર ફેરવી. બધાં ગયાં પછી હું ઓરડામાં જ બેસી રહ્યો. મારી નજર સામે છેલ્લાં ત્રણ વર્ષની અનેક ક્ષણો તરવા લાગી.
કૉલેજના સાંકડા મકાનમાં હું વર્ગો ચલાવું. પ્લાસ્ટર વગરની બાકોરાવાળી ભીંતો. વીજળી વિના નિર્જીવ બની ગયેલા જ્યાં ત્યાં લબડતા વાયરો. નકૂચામાંથી નમી પડેલી બારી, પવનમાં ભટકાયા કરતી.
સતત બીડી પીવાથી બળી ગયેલા કાગળ જેવા હોઠ, પીળાપચરક દાંત. ચહેરા પર સુકાયેલા ખીલનાં ચાઠાં. પગના તાળવામાં ઊંડા ચીરા. ઊતરી ગયેલી આંખો. હાંફતી જિજીવિષાનાં ડચકાં.
ચોમાસામાં ધોધમાર વરસતા વરસાદમાં હું એમની સાથે મહુડા નીચે ઊભો હતો. ઉનાળાના તાપથી તપેલો પહાડ વરસાદમાં છમછમ ઠરતો જાય. ખળખળિયાં વહેણો સામટાં ભેગાં થઈ મોટા પ્રવાહમાં વહે.
નરેશની આંખોમાં કોરી ઠીબમાં બાઝેલી શેવાળ જેવું કશુંક સુકુંભફ સળવળતું રહે,
- કેટલો બધો વરસાદ પડે છે ! હવે સરોવર છલકાશે.
- પણ સાહેબ, આપણી કૉલેજમાં પાણીની સગવડ તો કરાવો. કંઈ નહીં તો માટલાં મુકાવો.
- આચાર્યને પ્રેમથી રજૂઆત કરો. થઈ જશે.
આચાર્યશ્રીની ઓફિસની અંદર-બહાર વિદ્યાર્થીઓ ટોળે વળ્યા છે. નરેશનો અવાજ આચાર્યની લાલ આંખ સાથે જાણે કે યુદ્ધ કરે છે,
- અમે બધા જાહેર નળનું પાણી પીને થાકી ગયા છીએ. તમે ટાંકી નહિ તો માટલાં મુકાવો. વર્ગમાં પંખા નથી, બત્તી નથી – એ બધું તો અમે ચલાવીએ છીએ, પણ પાણી વગર ?
- તમે મંડળમાં રજૂઆત કરો. માટલાં કૉલેજમાં શોભે નહિ. મંડળ ખર્ચ આપશે તો હું ચોક્કસ ટાંકી મુકાવી દઈશ.
નરેશ વિદ્યાર્થીઓને લઈને મંડળની ઓફિસમાં ગયો,
- શું છે આ બધી ધમાલ ? સંચાલક ખુરશીમાંથી ઊભા થઈ ગયા.
- કૉલેજમાં પાણીની ખૂબ જ મુશ્કેલી છે. મહેરબાની કરી પાણીની ટાંકી મુકાવી આપો.
સંચાલક ખુરશીમાં બેઠા. બહાર ઊભેલા વિદ્યાર્થીઓ પર નજર ફેરવી. નરેશની આંખો જોઈ ચમકી ગયા,
- તમે બધા જાઓ. હું નરેશ સાથે વાત કરી લઈશ.
વિદ્યાર્થીઓ ડગ્યા નહિ. સંચાલક તાડૂક્યા.
- તમે જતા રહો. હું વ્યવસ્થા કરાવું છું.
નરેશને ખુરશીમાં બેસાડી કહ્યું,
- જો, તારે પાણી પીવું હોય તો અહીં ઑફિસમાં આવી પી જજે. આ ટાંકી દેખાય છે ને? જા, હવે પાછો આવતો નહિ.
જાહેર નળ પર પાણી પીતા વિદ્યાર્થીઓને જોઈ મારી આંખમાં રોષ આવતો. ચહેરાની નિર્જીવ રેખાઓમાં જડાઈ ગયેલી આંખો મને તાક્યા કરતી. કાળા પાટિયે ઘસાતા ચોકની ઊડતી રજને કારણે ખાંસી ચડે ત્યારે એઓ મને માત્ર તાકી રહેતા.
આજે પહેલીવાર મેં એમની આંખોમાં ચમક જોઈ.
નરેશનો ઉત્સાહ મને સ્પર્શી ગયો. સરોવરના પાણી પરથી વહેતા પવનની શીતળતા મને એની આંખોમાં દેખાતી હતી. વિદાયસમારંભ વખતે પાણીની ટાંકી ભેટ અપાવવાના એના સંકલ્પ સાથે મેં નિરાંત અનુભવી.
ગ્રૂપ ફોટો પડાવવાની ધમાલ વચ્ચે નરેશ સ્ટીલની ટાંકી મોટા ઓરડામાં મૂકી ઓટલા પર બેસી ગયો.
સંચાલકશ્રીએ લાંબું ભાષણ ઠપકારી દીધું; : જીવનમાં જે તકો આવે છે તે ગુમાવશો નહિ. તાળીઓના ખખડાટ વચ્ચે એ હસતા હસતા બેસી ગયા. ટેબલ પર પડેલો પ્યાલો ઉઠાવ્યો, પાણી ગટગટાવી ગયા. મેં નરેશ સામે જોયું.
નરેશે જાહેરાત કરી,
- આજે વિદાય-સમારંભના દિવસે અમે વિદ્યાર્થી ભાઈ-બહેનો આપણી કૉલેજને સ્ટીલની ટાંકી ભેટ આપીએ છીએ. વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી સહેલાઈથી પીવા મળે એના આનંદ સાથે અમારું એક સંભારણું છોડતાં જઈએ છીએ. તાળીઓના ગડગડાટ વચ્ચે નરેશ જાણે કે બધામાં રોપાતો હોય એવો ઉઘાડ મેં જોયો. સંચાલકશ્રીનો હાથ ધીમે ધીમે લંબાતો પ્યાલા સુધી પહોંચ્યો, પણ એ ખાલી હતો.
કૉલેજથી બે-ત્રણ કિ.મિ.ના અંતરે આવેલું સરોવર હવે આ ટાંકીમાં છલકાશે. નરેશનો હાથ પકડી લઉં છું. એની ઊંડી આંખો, પીળા દાંત, સૂક્કી છાતી, ઉપસેલી નસવાળો હાથ – બધું અદૃશ્ય થઈ જાય છે. તરતી રહે છે રતાશ.
બીજે દિવસે વર્ગમાં સુકાયેલાં ફૂલોના હાર, ફાટેલાં રંગબેરંગી તોરણ, કાગળની ડિશના ડૂચા-બધું જ ઊડતું હતું. પાણીની ટાંકી યાદ આવી. સડસડાટ નીચે જઈ ઑફિસમાં પૂછ્યું,
- પેલી ટાંકી, ક્યાં છે?
બધા એકબીજા સામે જોવા લાગ્યા.
મેં ફરી પૂછ્યું,
- ટાંકી ક્યાં મૂકી છે?
- એ ટાંકી, સ્ટોરરૂમમાં મૂકી દીધી છે.
- પણ, એમાં તો પાણી ભરવાનું છે.
- આથી વધારે અમે જાણતા નથી. આચાર્ય સાહેબને મળો.
શ્વાસભેર આચાર્ય પાસે ધસી ગયો. બંને હાથની આંગળીઓ એકબીજા વચ્ચે ભીડીને આચાર્ય બોલ્યા,
- ધ્યાનથી સાંભળો. એ ટાંકીમાં નળ ક્યાં છે ? એટલે હાલ એને રાખવાનો કશો અર્થ નથી. આપણે નવા સત્રથી એમાં નળ ફિટ કરાવી દેશું.
- પણ નળ વગર શું પાણી ન પી શકાય?
- પાણી ઢોળાય ને ! ગંદકી થાય. તમે તો જાણો છો.
- મને એ ટાંકી આપો. અત્યારે જ નળ મુકાવી આવું છું.
- એ ટાંકી પર તમારો કશો જ હક નથી, સમજ્યા ? કૉલેજના વિદ્યાર્થીઓની અમાનત છે. એની જાળવણી કરવી મારી ફરજ છે. તમે જઈ શકો છો.
રેલિંગ પાસે ઊભા ઊભા દૂર સુધી ફેલાયેલા સરોવરને જોયા કરું છું. આંખથી ટપકેલું આંસુ પાણીમાં પડવાને બદલે પવનના વમળમાં ફંગોળાયું.
પાછળ નજર કરી તો પહાડની ધાર પરથી દદડતા, ઊછળતા, કૂદતા ઝરણાનો આભાસ થયો.
મેં આંખો ઢાંકી દીધી.
[ગદ્યપર્વ, સપ્ટેમ્બર-નવેમ્બર ૧૯૯૨]
0 comments
Leave comment