5 - કલ્યાણજીની મૂર્તિ / જયેશ ભોગાયતા


   મંદિરમાં પ્રવેશીને હું કલ્યાણજીની મૂર્તિ આગળ બે હાથ જોડીને ઊભો હતો. પૂજારીએ મૂર્તિને સુંદર રંગબેરંગી વસ્ત્રોથી શણગારી હતી. કલ્યાણજી ભગવાન માટે નવાં નવાં વસ્ત્રો મારા દાદા ભેટ રૂપે આપતા. મારી આંખોમાં વસ્ત્રોની કિનારી પર ચળકતી જરી અને રંગો છલકાતાં હતાં. ત્યાં મારા કાને કોઈની દુકાનનાં બારણાં જોરથી જોરથી અફળાવાના અવાજ સંભળાયા. હું દોડતોક મંદિરનાં પગથિયાં ઊતરી પડ્યો, કારણ કે મને વહેમ ગયો કે એ અવાજ અમારી દુકાનનાં બારણાનો તો નથી ને ! ને સાચે જ મેં જોયું તો મારા દાદા બાપુને ઘાંટા પાડીને ધમકાવતા હતા. ધ્રૂજતા પગે હું દુકાનનાં પગથિયાં ચડ્યો. મારી તો હિંમત જ ચાલી ગઈ હતી. દાદાએ ગુસ્સામાં આવીને દુકાનનાં બારણાં ત્રણ-ચાર વાર અફળાવ્યાં હશે તે ઉંબરના એક ભાગ પર ઘસરકા પડી ગયેલા. મારા બાપુ ગાદી પર પગ લંબાવીને સૂનમૂન થઈ ગયા હતા. એમણે મને પોતાની પાસે બોલાવી લીધો. મેં તરત જ મારું માથું એમના ખોળામાં મૂકી દીધું. મારા વાંસા પર એ હાથ પસવારતા રહ્યા. દાદા પોતાની લાકડી પછાડતા દુકાનનાં પગથિયાં ઊતરી ગયા. અમારા ગાડીવાનને એમણે ઊંચા અવાજે બોલાવ્યો. ઘોડાગાડીની પાછલી બેઠક પર આંચકા સાથે બેસી પડ્યા. ગાડીવાન પણ દાદાનું મોં જોઈ સમજી ગયો તે સીધો હંકારી ગયો ઘર તરફ. મેં આંખો બંધ કરી દીધી. બાપુના હાથ થંભી ગયા હતા.

   સાંજે બધાં જમવા બેઠાં. પણ કોઈ એકબીજા સાથે બોલ્યું નહિ. દાદા જમી ને ચૂપચાપ એમના ઓરડામાં જતા રહ્યા. બાપુ, મા અને નાની બહેન મૂંગે મોંએ પોતાના ઓરડામાં જતાં રહ્યાં. હું દાદાના ઓરડામાં ગયો. મેં અંદર જઈને જોયું તો એમણે ફાનસ ઝીણું કરીને છત્રી પલંગની મચ્છરદાની પાડી દીધી હતી. મને તો એ બધું જોતાં બેચેની થવા લાગી. મચ્છરદાની ઊંચી કરીને પલંગની કોરે બેસી ગયો. મેં આગ્રહપૂર્વક કહ્યું, “ચાલોને, આજે તો રામાયણનો નવો કાંડ શરૂ કરવાનો છે. તમે નહિ આવો તો મંજીરા કોણ વગાડશે ? પણ એમણે આંખો ઊંચી ન કરી. હું હળવેકથી મચ્છરદાની પાડી બહાર આવ્યો. કબાટમાંથી રામાયણ લીધું. રામાયણ મૂકવાની લાકડાની ઘોડી પણ કાઢી. લાકડાની ઘોડીની ઉપરની સપાટી ખૂબ જ લીસી હતી તે તેના પર મેં મારી આંગળીઓ ફેરવી. મારાં ટેરવાં જાણે નાના-નાનાં ફૂલોની પાંખડીઓ પર લસરતાં હતાં. કાચની બરણીમાંથી સાકર કાઢીને જર્મન-સિલ્વરની રકાબીમાં મૂકી. રોજ તો મા સંધ્યા થતાં પહેલાં પૂજાનો પ્રસાદ તૈયાર કરી લેતી. તે સાકર સાથે તુલસીનાં પાન પણ મૂકે. પણ અત્યારે તો તુલસીનાં પાન તોડાય નહીં તેથી માત્ર સાકરનો પ્રસાદ કર્યો. મંજીરા લીધા. સાદડી પાથરી. રામાયણ ઘોડી પર ગોઠવ્યું. પણ મને રોજની એક વાત યાદ આવી તે ઊભો થયો. દીવાલ પર લટકતા કેલેન્ડર પાસે ગયો. હું દરરોજ સાંજે દાદાની સાથે જ જમું. જમી લીધા પછી કેલેન્ડરનું પાનું ફાડીને દાદાને આપું. દાદા પાચન માટેની ફાકી પાનામાં કાઢીને ખાતા. પછી મને કેલેન્ડરનું પાનું પાછું આપે. હું ફાનસના અજવાળામાં આખું પાનું વાંચું. ઉદય-અસ્તનો સમય, તારીખ, વાર, મહિનો, ચોઘડિયાં ને સુવિચાર. સુવિચાર સાંભળીને દાદા સૂર પુરાવે કે સુવિચાર જીવનમાં ઉતારવા. પણ મને કંઈ બધા સુવિચાર સમજાતા નહિ. પણ દાદા એમના અવાજમાં સુવિચાર ફરી બોલતા તો થોડું થોડું સમજું. પણ મને તો મજા પડતી પાનું વાંચવામાં. અત્યારે એ પાનું ફાડવા ગયો. પણ ત્યાં મેં જોયું તો આજનું પાનું કોઈએ ફાડી લીધેલું. મારી નજર સામે આવતીકાલના દિવસનું પાનું હતું. મેં પાનું શોધવા આજુબાજુ નજર દોડાવી. પાનું ખૂણામાં પડેલું તે ઉપાડીને દાદા પાસે ગયો. મેં જરા મોટા અવાજે પૂછ્યું કે ફાકી ખાવી છે ? એમણે હાથ ઊંચો કરીને ના પાડી. મેં એમના ઓશીકા નીચે પાનું મૂકી દીધું. ફરી ઘોડી પર ગોઠવેલા રામાયણ પાસે પહોંચ્યો. ઘોડીની નીચે પ્રસાદ મૂક્યો. સામે રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનની નાની છબિ મૂકી. મેં વાંચવાની શરૂઆત કરી તુલસીદાસના રામાયણની ચોપાઈ મને દાદાએ ગાતાં શીખવેલી. મેં ખુલ્લા અવાજે ગાવાનું શરૂ કર્યું. થોડીવાર પછી મને પડખાં બદલવાનો અવાજ સંભળાયા. મેં પાછળ ફરીને જોયું તો એ બહાર આવવાનો પ્રયત્ન કરતા હતા. એમણે પોતાના બે પગ હળવેથી જમીન પર મૂક્યા. મેં એમને હાથમાં કેલેન્ડરનું પાનું પકડીને મારી તરફ આવતા જોયા. મેં રામાયણ વાંચવાનું બંધ કરી દીધું. એ ઘૂંટણને ટેકો આપીને હળવે હળવે સાદડી પર બેઠા. ધીમેથી બોલ્યા કે ચોપાઈ વાંચ. મેં ફરી વાંચવાનું શરૂ કર્યું. એમણે મંજીરાથી તાલ પુરાવીને મને ઉત્સાહિત કર્યો. પણ મંજીરા ક્યારેક એમના પગનાં હાડકાં પર અથડાતા સંભળાતા હતા. એ સાંભળીને મારા સ્વરોની લયાત્મક્તા તૂટી જતી હતી. રોજ જેવું વાંચી શક્યો નહિ. પ્રસાદ આપ્યો. બધી સામગ્રી એક પછી એક ફરી કબાટમાં મૂકી. ઘડિયાળને ચાવી દીધી. દાદા હજુ સાદડી પર જ બેઠેલા. મને પાસે બોલાવ્યો. કેલેન્ડરનું પાનું મારા હાથમાં મૂકી વાંચવાનું કહ્યું. મેં વાંચ્યું. સુવિચાર હતો : દુઃખમાં સાચો સાથી ઈશ્વર છે. કશુંક યાદ આવતાં એમણે મને પૂછ્યું કે મંદિરના પૂજારી મને મળ્યા હતા કે નહિ. મેં કહ્યું કે ના. એમણે મને ભલામણના સ્વરમાં કહ્યું કે આવતીકાલે કલ્યાણજી ભગવાન માટે નવાં વસ્ત્રોનું કાપડ પૂજારીને પહોંચાડી દેજે. મેં હા પાડી. મને દુકાનમાં બનેલી ઘટના હજુ સતાવતી હતી. મારું મન વ્યથિત હતું. મોમાં સાકરનો સ્વાદ જ નહોતો આવતો. મેં બીતાં બીતાં એમને પૂછ્યું, “આજે દુકાનમાં બારણાં તમે અફળાવેલાં ? કંઈ થયું હતું ?” એમણે ધીમેથી મારો હાથ પકડ્યો ને બોલ્યા, “ચાલ, પલંગમાં બેસીએ. તારો જીવ થોડો હળવો થશે.”

   કેલેન્ડરનું પાનું ફાનસ પાસે મૂકીને હું એમની સાથે પલંગમાં પ્રવેશ્યો. મચ્છરદાની પાડી દીધી. એમણે ખોળામાં તકિયો મૂક્યો. તેના પર હાથ ટેકવીને બોલ્યા : “તારા બાપુનો મિત્ર જીવણ રોજ આપણી દુકાને આવે છે. મને ખબર છે કે એ ખૂબ ગરીબ છે. જીવણ પાસે એક જ લાંબો સફેદ કોટ છે. તેમાં કાળા ગોળ બટનની હાર છે. ખૂબ મેલો થાય ત્યારે કોટ ધુએ. ધોયા પછી પણ ક્યાંક પીળા આછા ડાઘ તો પાછા દેખાય જ. જીવણ રોજ આપણી દુકાને આવી તારા બાપુ સાથે જાતજાતની મોં-માથા વિનાની વાતો કર્યા કરે. એની વાતો સાંભળીને મને તો જે ગુસ્સો આવે કે એને લાત મારીને નીચે પછાડી દઉં. મને કાયમ એવો ડર રહ્યા કરે છે કે એની ઢંગધડા વગરની વાતો સાંભળીને તારા બાપુનું મન વેપારમાંથી ફેરવી તોળશે. જીવણ મોડી રાત સુધી આપણી દુકાનના ઓટલે બેસી રહે.... મેં વચ્ચે અકળાઈને પૂછ્યું કે પણ જીવણ આવે છે શા માટે ? બાપુને તેનું શું કામ પડે છે ? દાદા દબાતા સ્વરે બોલ્યા, “જીવણ જાણે છે કે તારા બાપુને વેપારમાં રસ નથી. તેથી દુકાન વેચીને બીજો કોઈ ધંધો ચાલુ કરવા માટે સમજાવ્યા કરે છે. આપણી દુકાનમાં તો દેશી અને વિલાયતી કાપડનો મોટો જથ્થો છે. મારી ગેરહાજરીમાં જીવણ ગ્રાહકને ભગાડી મૂકે છે એવું મને ગાડીવાન કહેતો હોય છે. ને તેને કારણે આપણા જૂના ગ્રાહકો બીજાની દુકાને જવા માંડ્યા છે, વેપાર ઘટવા લાગ્યો છે, પણ તારો બાપ જીવણને ના પાડતો નથી. મારાથી બધું જોવાતું નથી. આજે સવારે પણ જીવણ રોજની જેમ એ જ મેલો સફેદ કોટ પહેરીને આવી ગયેલો. મને ક્રોધ ચડ્યો. દુકાનના સફેદ ગાદી-તકિયા પર લાંબા પગ કરીને આરામ ફરમાવતો હતો. મેં તેનો હાથ કચકચાવીને ખેંચ્યો ને પછી ગાદી સાથે ઢસડ્યો. તે દોડીને ભાગવા જતો હતો પણ મેં તેને પાછળથી ધક્કો મારીને ઓટલા પરથી નીચે ગબડાવી દીધો. પગમાં ને ગોઠણમાં વાગ્યું હશે તે બરાડા પાડતો વિકરાળ મોટી આંખો કાઢી મને ધમકાવવા લાગ્યો. પણ તારા બાપુ એક પણ શબ્દ ન બોલ્યા. બીજા દુકાનદારોએ ધમકાવ્યો તે પોતાના લંગડાતા પગે ચાલવા લાગ્યો. તેનો લંગડાતો પગ જોઈ મારો ક્રોધ વધી ગયો. મેં બધો ગુસ્સો દુકાનનાં બારણાં પર ઠાલવ્યો.” મેં જોયું કે બોલતાં બોલતાં એમને હાંફ ચડવા લાગી છે. પણ મારી મૂંઝવળ તો ઊલટાની વધી. તેથી મેં પૂછ્યું કે બાપુ કેમ જીવણને સહન કરી લે છે ? કશું બોલતા કેમ નથી ? દાદાએ નરમ અવાજે કહ્યું કે તારા બાપુ તો મને અપંગ બની ગયા લાગે છે. તેને જીવણ વિના ચેન પડતું નથી. જો જીવણ એક દિવસ પણ જો ન આવ્યો હોય તો તે બેબાકળા બની દુકાનમાં આંટા ફેરા માર્યા કરે. ગ્રાહકને સરખો જવાબ પણ ન આપે. સાવ નમાલા, હાડકા વિનાના હોય તેમ લોચો બની ગાદી-તકિયા પર ઢળી ગયેલા ઢીમની જેમ પડ્યા રહે.” મારી આંખમાં ઝળહળિયાં આવી ગયેલાં જોઈ દાદાએ મારા માથે હાથ મૂકતાં કહ્યું કે આનો ઉકેલ મેં વિચારી લીધો છે. આવતીકાલે દુકાનનાં બારણાં નહીં ઊઘડે. દુકાન બંધ. બધું જ કાપડ વેચી નાખીશ. કલ્યાણજીની મૂર્તિ માટેના કાપડના ચાર-છ તાકા એક સામટા પૂજારીને આપી દઈશ. તારા બાપુને મુંબઈ મારા મિત્રને ત્યાં મોકલી દઈશ. થોડા મહિનામાં બધું થાળે પશે. પછી તમને જવા દઈશ.”

   મેં તો તરત ના પાડતાં કહ્યું કે મારે નથી જવું મારે તમારી સાથે રહેવું છે. દાદાએ માથા પર હળવેકથી હાથ મૂક્યો, “તું અહીં રહેજે, મારી સાથે. હું તને ભણાવીશ. હજુ તો તું નવમા ધોરણમાં છો ને ? આગળના અભ્યાસ માટે તને વિલાયત મોકલીશ. તું જ મારું રતન છે.”

   થોડા દિવસમાં દાદાએ નક્કી કરેલી યોજના પ્રમાણે બાપુને મુંબઈ જવું પડ્યું. મા ને બહેન તો રડ્યા જ કરે. મારે પણ રોવું હોય પણ કોની આગળ ? પણ દાદાએ બધાને સ્વસ્થતાથી બધી હકીકત સમજાવી. છૂટા પડતી વખતે બાપુ તો મૂંગા જ ! એક શબ્દ ન બોલ્યા. એક થેલો લઈને ઘોડાગાડીમાં બેસી ગયા. શેરીના વળાંકે ગાડી પહોચી તો પણ પાછું વળી ન જોયું. ગાડીની પાછળની ખાલી જગ્યામાં મને જીવણ બેઠો છે તેવો ભાસ થયો.

   થોડા મહિનામાં મા અને બહેન પણ મુંબઈ ગયાં. મોટું ઘર ખાલી થઈ ગયું. મોટા ઓરડાઓ ભેંકાર બની ગયા. દાદાએ નોકરને સૂચના આપી કે ત્રણ ઓરડા સિવાયના બીજા બધા ઓરડાઓને તાળાં મારી દેવાં. પાણી ગરમ કરવાનો તાંબાનો સંચો પણ ઓરડામાં મૂકી દેવો. પાણી નાના તપેલામાં ગરમ કરી લેવું. મોટાં વાસણો, ગાદલાં, ઓશીકાં ચાદર, રજાઈ બધું જ ઓરડામાં મૂકી દેવું.

   નોકર થાળી પીરસે ત્યારે મને તો ઉલટી જેવું થયા કરે. કશું ખાઈ ન શકું. દાદા ખૂબ સમજાવે પણ જાણે કે મારા મોંમાંથી લાળ જ શોષાઈ ગઈ હતી. દિવસ તો ભણવામાં અને થોડું રમવામાં જાય પણ સાંજ પડે ને એકલું લાગવા માંડે. બાપુનો ચહેરો દેખાયા કરે. અગાશીમાં જાઉં તો કલ્યાણજીની આરતીના અવાજો સંભળાય. મંદિરે જવાની હિંમત થતી નહોતી. બંધ દુકાનના બારણા પર લટકતા તાળાનો ભાર મારાથી કેમ ખમી શકાય ? દાદા એમના એક જૂના વકીલ દોસ્તની સાથે ફૂલવાડીમાં ફરવા જાય. ફૂલવાડીનો ચોકીદાર મારા માટે જામફળ મોકલાવતો. એણે એક વાર મને ખાનગીમાં કહેલું કે મારા બાપુએ એમને બે જોડ કપડાનું કાપડ મફતમાં આપી દીધેલું. એમણે એ પણ કહેલું કે બાપુ ક્યારેક મોડી રાત સુધી એમના કોઈ દોસ્ત સાથે ઊંડી વાવ પાસે બેસતા. એમણે મારા બાપુના રડવાના અવાજો સાંભળ્યા છે. આ બધું મનમાં તાજું થતાં મને ભીંસ જેવું લાગવા માંડ્યું. સાંજ આથમે. દાદા આવે. થોડો જીવ પાછો આવે. ફૂલવાડીનાં જામફળ ને ચીકુ લાવે.

   એક દિવસ નિશાળેથી છૂટીને ઘેર આવ્યો ત્યાં દાદાએ મારા હાથમાં એક પત્ર મૂક્યો. પત્ર જોતાં જ મારો ચહેરો ખીલી ઊઠ્યો. પત્ર બાપુનો હતો. હું ઝડપથી વાંચી ગયો. બધાના કુશળ સમાચાર હતા. પણ દાદાનો ક્યાંય ઉલ્લેખ નહોતો. મને રાજી કરવા માટે એવું લખેલું કે કલ્યાણજી ભગવાન માટે સુંદર નવાં વસ્ત્રો પોસ્ટમાં મોકલ્યાં છે. પણ મને ખાસ આનંદ ન થયો. પણ એ વાત જાણીને દાદા તો ખુશ થઈ ગયા. થોડા દિવસમાં વસ્ત્રોનું પાર્સલ મળી ગયું.

   કારતક મહિનાની અગિયારસનો, તુલસી વિવાહનો દિવસ હતો. હું દાદાની સાથે ઘણા મહિના પછી મંદિરે જતો હતો તેથી આનદમાં હતો. દાદા પણ પ્રસન્ન હતાં. ઘોડાગાડી રેવાલ ચાલે દોડતી હતી. અવનવી સુગંધથી વાતાવરણ મ્હેંકતું હતું. કેસર-પેંડાની સુગંધ તેમાં ભળી. દાદાએ ઘોડાગાડી ઊભી રખાવીને પેંડાના બે પડીકાં બંધાવી લીધાં. એક મારે માટે ને બીજું કલ્યાણજી માટે. મંદિરે પહોંચ્યા. કલ્યાણજીની તો શી આભા હતી ! મને તો દોડીને અંદર જઈને તેમના પગે પડી જવાની ધૂન જાગેલી. મેં પૂજારીને બાપુએ મોકલાવેલાં વસ્ત્રો આપ્યાં. હું તો આંખો બંધ કરીને બાપુને યાદ કરવા લાગ્યો. સાથે સાથે કલ્યાણજીનું સ્વરૂપ પણ દેખાતું હતું. ત્યાં મારા ખભે કોઈએ હાથ મૂક્યો. હું ભડકી ગયો. આંખ ખોલીને પાછા વળીને જોયું તો એ જ મેલા કોટમાં જીવણ ઊભો હતો. પણ એ તો મારો હાથ મજબૂત રીતે પકડીને જાણે મારું અપહરણ કરતો હોય તેમ મને ભીડમાંથી મંદિરની બહાર લઈ ગયો. દાદા તો અંદર હતા. મેં બૂમ પાડી પણ સાંભળે કોણ ? જીવણે એક ઘોડાગાડી ઊભી રખાવી. મને લગભગ અંદર ધકેલતો પોતે પણ બેસી ગયો. હું બૂમ ન પાડી શકું તેથી મારું મોં દબાવી રાખેલું. ગાડીવાને ઊભી બજાર વચ્ચેથી ઘોડાગાડી દોડાવી મૂકેલી. થોડીવારમાં અમે એક સાંકડી શેરીના નાકે પહોંચ્યા. જીવણે મને નીચે ઊતરવા આંખથી ઇશારો કર્યો. મેં બીતાં બીતાં નીચે પગ મૂક્યો. મારો હાથ પકડીને તે મને શેરીના ઊંડેના ભાગમાં લઈ ગયો. થોડીવારમાં તે એક ખખડધજ જૂની ડેલી પાસે આવીને ઊભો. ને કહ્યું, “ડરીશ નહીં, તારા બાપુનું મેં નમક ખાધું છે.” પણ મને તો તે યમ જેવો લાગતો હતો. એણે ડેલીની સાંકળ ખખડાવી. ડેલી ઉઘડી. સામે એક બાર-તેર વર્ષની છોકરી ઊભેલી. એ દુબળી હતી. બીમાર પણ લાગતી હતી. મને અંદર લઈને જીવણે ડેલી બંધ કરી દીધી. ફળિયામાં બદામનું ઝાડ હતું. નળની ચોકડી, ચોકડીમાં એઠાં વાસણો પડેલાં. વાસણો ગોબરાં હતાં. ત્રણ ઓરડીઓ હતી. તે મને એક ઓરડીમાં લઈ ગયો. મેં જોયું તો ખાટલામાં કોઈ સૂતેલું. એણે પગથી માથા સુધી ચાદર ઠાંસીને ઓઢી હતી. જીવણે એને ઢંઢોળ્યું. એણે પરાણે ચાદર ખસેડી. સાવ દુબળું શરીર. સૂકા જીંથરિયા વાળ, શરીરમાંથી દુર્ગધ છૂટતી હતી. જીવણે ઉદાસ સ્વરે કહ્યું, “આ મારી પત્ની છે. છેલ્લાં આઠેક વર્ષથી તે સાવ પથારીમાં જ છે. એના બંને પગ પક્ષઘાતને કારણે લૂલા થઈ ગયા છે. એની સારવાર માટે મેં મારી બધી જ મૂડી વાપરી નાખી છે. તારા બાપુએ મને ખૂબ જ મદદ કરી છે. એ માત્ર બે જગ્યાએ જ જતા હતા. એક મારે ઘેર અને બીજે ફૂલવાડીમાં. આ ઓરડીમાં બેસીને એમણે ઘણીવાર આંસુ પાડ્યાં છે. ફૂલવાડીમાં જતા ત્યારે મને સાથે લઈ જતા. ફૂલવાડીની વાવનું તેમને જબરું આકર્ષણ હતું.”

   મને તો એ બધું જોઈ-સાંભળીને સપનું લાગતું હતું. મને અંદરથી તો જીવણ માટે સખત અણગમો અને તિરસ્કારનો ભાવ હતો. તેથી એમની કોઈ જ વાત મને જરા પણ અસર કરતી નહોતી. એ પણ મારા હાવભાવ જોઈને લગભગ મૂંગો બની ગયો. મેં એને ડેલીની સાંકળ ખોલવા કહ્યું પણ જીવણ મને બીજી ઓરડીમાં લઈ ગયો. ત્યાં મેં જોયું તો એક નાના ગોખલામાં કલ્યાણજીની સુંદર નાની મૂર્તિ હતી. એને સાદા ઝાંખા વસ્ત્રોથી શણગારેલી. કલ્યાણજીના પગ પાસે થોડાં તાજાં ફૂલો પડેલાં. મેં જીવણ તરફ સ્મિત કર્યું. જીવણ લગભગ દોડતોક મારી પાસે આવ્યો. પણ મેં જરા સંકોચથી પૂછી નાંખ્યું કે દાદા તને કેમ ધિક્કારે છે ? પોતાની અંદર ગૂંગળાતી કોઈ વાત કહેવાનો અવસર મળ્યો હોય તેવા ઉત્સાહથી એણે બોલવાનું શરૂ કર્યું : “જો, બરોબર સાંભળજે, તારા બાપુને દુકાનનું કામ જરાય ગમે નહિ. તારા દાદા આગ્રહ કરે તે પરાણે બેસે. મનની વાત કરવા માટે એમનો હું જ એક મિત્ર હતો. એમણે આ ઓરડીમાં બેસીને ઘણીવાર આંસુ પાડ્યાં છે.” મેં જરા ચિંતિત સ્વરે પૂછ્યું, “પણ બાપુને શાનું દુઃખ હતું? જીવણે મને જમીન પર બે હાથ પકડીને બેસાડ્યો. નરમ અવાજે પોતાની વાત કહેવા લાગ્યો : તારા દાદાને કલ્યાણજી ભગવાન માટે બહુ માયા છે. દાદા મંદિર માટે નાના-મોટા ખર્ચ કર્યા કરે. પ્રસાદ, આરતી, પૂજાનાં સાધનો, વસ્ત્રો, નાનું મોટું સમારકામ-એ બધાં માટે ઉદાર હાથે પૈસા વાપરતા. પણ તારા બાપુ આ બધા ખર્ચથી બહુ નારાજ થાય. તારા બાપુ ના છૂટકે ક્યારેક હિંમત ભેગી કરીને દાદાને સમજાવવાનો પ્રયત્ન કરતા કે જીવણની પત્નીની સારવાર માટે બે પૈસા આપોને તો તમારું કલ્યાણ થશે. પણ એ તારા દાદા, માનતા હશે ? મને દુકાને આવવા માટે તારા બાપુ બહુ આગ્રહ કરે ને હું જતો ત્યારે દાદા તારા બાપુને વઢીને કોડીના કરી નાખે. તારા બાપુ તો ગાદી તકિયા પર લંબાવી નીચું મોં રાખી બેઠા રહે. તારા બાપુને મુંબઈ ધકેલીને ઘોર પાપ કર્યું છે. તારા બાપુ મુંબઈથી મને પૈસા મોકલે છે. એમણે એક પત્રમાં લખ્યું છે કે એમને મુંબઈ તો ઝેર જેવું લાગે છે. એમને તો છૂટવું છે પણ છોડાવે કોણ?

   જીવણની આંખમાં રોષ અને વ્યથાનો મિશ્ર ભાવ જોઈ હું તો ગૂંચવાઈ ગયો. તુલસી વિવાહના દિવસની ઉજવણીનો મને જરાપણ આનંદ રહ્યો નહિ. મેં જીવણને આજે જરા વધુ નજીકથી જોયો. તેના મેલા કોટને ઉજળો કરવાનું મન થઈ આવ્યું.

   રાત્રે મને બેચેની થતી હતી. ઊંઘ આવતી ન હતી. પણ જેમ તેમ મન વાળીને ઊંઘી ગયો. વહેલી સવારે ઘરના દાદરનું બારણું ખખડાવવાનો અવાજ સંભળાયો. મારી પહેલાં નોકરે બારણું ખોલી નાખેલું. મેં જોયું તો બાપુ, મા અને બહેન ઊભા હતા. એમની પાછળ સામાનનો ઢગલો પડેલો. નોકર ઝડપથી ઉપર ગયો દાદાને જગાડી લાવ્યો. બાપુને જોઈ દાદા તો હરખઘેલાં બની ગયાં. પણ બાપુ તો લોખંડી થાંભલાની જેમ ઊભા રહ્યા. પણ દાદાએ જેવો સામાનનો ઢગલો જોયો કે ગંભીર બની ગયા. પણ કશું બોલ્યા નહિ. નોકરે પાણીનો લોટો આપ્યો પણ લોટો નીચે મૂકી દીધો. બાપુ તો પલંગમાં ઊંઘી ગયા. બપોરે કોઈ ખાસ જમ્યું નહિ. સાંજે પણ લગભગ ન જમ્યા જેવું. મને તો કકડીને ભૂખ લાગેલી. મા પાસે ગયો. મા એ રસોડામાંથી ખાવાનું મંગાવ્યું પણ માની આંખમાં આસું જોતાં ખાઈ ન શક્યો. રાતે બધાં પોત પોતાનાં ઓરડામાં ચૂપચાપ ઊંઘી ગયા.

   સવાર પડી. પણ ઊઠવાની ત્રેવડ નહોતી. ત્યાં મા હાંફળીફાંફળી દોડતી આવી. મને ઢંઢોળીને પૂછવા લાગી. બાપુ વિશે. હું મારું ઓઢવાનું ફંગોળીને ઊભો થઈ ગયો. દોડીને બધા ઓરડા જોઈ લીધા. નીચે ફળિયામાં આવેલા અવાવરુ ઓરડા પણ જોઈ વળ્યા. ફરી પાછા બાપુના ઓરડામાં ગયા. બાપુની પથારી અસ્તવ્યસ્ત હતી. પલંગ પાસેના ટેબલ પર પડેલો એક કાગળ મેં જોયો. મેં કાગળ ઉપાડી લીધો. કાગળ લઈને દાદા પાસે ગયો તે વાંચી ગયા. કશું જ બોલ્યા વિના કાગળ મને આપીને બહાર જતા રહ્યા. કાગળ મેં માને વાંચી સંભળાવ્યોઃ
   “મારે માટે તમારા બધા સાથે રહેવું મુશ્કેલ છે. મારા શ્વાસ કોઈ રૂંધી નાખતું હોય તેમ થયા કરે છે. મારાથી હવે નાનો અમથો બોજ ખમાતો નથી. હું કાયર, ડરપોક બની ગયો છું. હું જાઉં છું. પાછો નહિ આવું. પાછા આવવા માટે મારી પાસે હવે કોઈ પણ કારણ રહ્યું નથી.”

   કાગળ લાલ શાહીથી લખેલો હતો. સામાનના ઢગલા પાસે બાપુના કાળા બૂટ પડેલા જોયા. એ કોઈ અજાણ્યા રસ્તા પર ખુલ્લા પગે ચાલ્યા જાય છે તેવું દૃશ્ય મને દેખાવા લાગ્યું. હું એમને પકડવા દોડતો હોઉં તેમ દાદર ઊતરી ગયો. પણ ફળિયું છોડીને એક ડગલું પણ બહાર જવાની મારી હિંમત ચાલી નહિ. પાછો ઉપર આવ્યો. માને ધીરજ બેસાડી. થોડીવારમાં દાદા ઓરડામાં આવ્યા. મને કહ્યું, “ચાલ તૈયાર થઇ જા ! આપણે દુકાને જવાનું છે.” હું તો હેબતાઈ ગયો. આ સમય દુકાને જવાનો છે ? મેં ના પાડી દીધી. મા એ ડરતા ડરતા મારી સામે જોયું. પણ એ તો ગયા. નોકરને પણ સાથે લેતા ગયા. બપોર થઈ. કોઈ પાછું આવ્યું નહિ. સાંજ પડી તો પણ કોઈ દેખાયું નહિ. અંતે મેં દુકાને જવાનો નિર્ણય કર્યો. દુકાને પહોંચ્યો. દુકાન જોતાં તો મારી આંખો ખુલ્લી જ રહી ગઈ. દાદાએ બધું સાફ કરાવીને દુકાનને પહેલાં હતી તેવી જ બનાવી દીધી હતી. મને ઊભેલો જોઈ ઊભા થયા. ને અંદર બોલાવતા હતા પણ મારા પગ થીજી ગયેલા. કલ્યાણજીના મંદિરની આરતીના અવાજોથી મારા કાન જાણે વીંધાતા હતા. દાદાએ હળવા અવાજે કહ્યું, “જો, ગામના વેપારી પાસેથી થોડો માલ ખરીદી લીધો છે. બે-ચાર દિવસમાં મુંબઈથી વધુ માલ મંગાવી લેશું. અત્યારે આ વસ્ત્રો પૂજારીને આપીને પાછો આવ એટલે સાથે ઘેર જઈએ.” દાદાના શબ્દો સાંભળીને હું દોડતોક ઓટલો ચડી ગયો. ને અંદર જઈને મને આપવા માટે લંબાવેલું વસ્ત્રોનું પોટલું જોરથી ખેંચી લીધું. પોટલું છોડી નાખ્યું. અંદરથી વસ્ત્રો કાઢ્યાં. રંગબેરંગી વસ્ત્રો હતાં પણ મેં ઝનૂનથી એક પછી એક બધાં વસ્ત્રો ફાડીને તેના લીરા હવામાં ફેંક્યાં. નીચે પડેલાં લીરાને પગથી કચડતો દુકાનના પગથિયાં ઊતરી ગયો. જીવણના ઘર તરફ ચાલવા લાગ્યો. જીવણના ઘરની ડેલી પાસે આવીને ઊભો રહ્યો. મેં ડેલીની સાંકળ જોરથી ખખડાવી. પણ અંદરથી કોઈ આવ્યું નહિ. ડેલીની સાંકળના ખખડાટથી એક પડોશીએ પોતાની ડેલી ખોલી. મેં એમને તરત જ જીવણ વિશે પૂછ્યું. પડોશી મારી પાસે આવીને બોલ્યા કે જીવણની પત્ની મરી ગઈ છે. જીવણ એની દીકરીને મોસાળે મૂકવા ગયો છે. પડોશીનો આભાર માની હું ઊંડી શેરીમાંથી બહાર નીકળ્યો. જીવણના ઘરની નાની નાની ઓરડીઓ પર મને ઢગલા બંધ સૂકાં પાંદડાઓ ખરતાં દેખાયાં.

   પગ ઢસડતો ઘેર આવ્યો. નોકરે બારણું ખોલ્યું. મારા ઓરડામાં ગયો. થોડીવાર ઊભો. ફરી બહાર આવ્યો. દાદાના ઓરડામાં ગયો. તે મચ્છરદાનીમાં સૂતા હતા. માના ઓરડામાં ગયો. મા ને બહેન ટૂંટિયું વળીને જમીન પર ઊંઘી ગયેલા. બાપુના ઓરડામાં ગયો. પલંગ ખાલી હતો. ફરી મારા ઓરડામાં આવ્યો. બધી બારીઓ બંધ કરી દીધી. પલંગમાં શરીર લંબાવ્યું. આંખો બળતી હતી. ઊંઘ આવશે એ આશાએ આંખો મીંચીને પડી રહ્યો. કલ્યાણજીની મૂર્તિ પર એક પહોળો ઊંચો કાળો વહાણના શઢ જેવો પડદો પડતો મને દેખાયો. પડદો પડવાની ઘડીએ પડદાના ઘેરાવાની નીચે દબાતી હવાનો ફફડાટ ક્યારે શમશે તેની રાહમાં ઘડિયાળના કાંટાનો સરકવાનો અવાજ સાંભળતો પડી રહ્યો.

   સવારે દાદાએ મને જગાડ્યો. એ કશું જ બોલ્યા વિના મને ઓરડાની બહાર લાવ્યા જાણે કે મને ચાલતાં શિખવાડતા હોય એમ. એમણે મને એક પછી એક દાદરનાં પગથિયાં ઉતરાવ્યાં. દાદર ઉતરીને ફળિયામાં પહોંચ્યાં. મેં જોયું તો સફેદ કપડામાં કોઈની લાશ વીંટેલી. લાશ પાસે જીવણ ઊભો હતો. જીવણ થોડાં ડગલાં ચાલીને મારી પાસે આવ્યો. મને એના મેલા કોટનો ડર લાગવા માંડ્યો. જીવણે હળવેથી કપડાને વીંટાળેલી દોરી છોડી નાખી. એ લાશ બાપુની હતી. માથામાં કશુંક વાગવાથી લોહી નીકળ્યું હશે તે વાળમાં જામી ગયેલું. જીવણ દાદા પાસે ગયો. દાદાની આગળ ઊભો રહીને બોલવા લાગ્યો :
   “મારી દીકરીને મોસાળ મૂકીને રાત્રે ઘેર આવતો ત્યાં રસ્તામાં ફૂલવાડીનો ચોકીદાર મળ્યો. ચોકીદાર મારું ઘર શોધતો હતો. એણે કહ્યું કે ફૂલવાડીની વાવમાં તમારા મિત્રની લાશ તરે છે.”

   દાદા સ્તબ્ધ ઊભા રહ્યા. મા-બહેનનું આક્રંદ મારી પાંસળીઓને કચડતું હતું. હું, દાદા અને જીવણ બાપુની લાશથી થોડે અંતરે ઊભા રહ્યા.
   સાંજે જીવણ ફરી આવ્યો. દાદાએ જીવણને દાદર ચડતાં જ રોક્યો. પણ હું દોડીને દાદર ઉતરી પડ્યો. જીવણે મને અટકાવ્યો. મારા માથા પર હાથ મૂકીને બોલ્યો, “સુનીલ, હવે ભણવાનું છોડીને દુકાન સંભાળી લો. તમારા દાદા હવે ઘરડા થયા છે.” દાદા જીવણનું વાક્ય સાંભળીને દાદર ઉતરીને નીચે આવ્યા. જીવણનો હાથ પકડીને તેને ઉપર લાવ્યા. જીવણને હિંડોળા પર બેસાડ્યો. મને પોતાના ઓરડામાં લઈ ગયા. હળવેથી લાકડાનું કબાટ ઉઘાડ્યું. તેમાંથી આઠ-દસ વારના માપનું સફેદ જાડું કાપડ કાઢીને મને આપ્યું. કબાટ બંધ કરીને બોલ્યા, “લે, આ વસ્ત્ર જીવણને આપી દે.”

   હું ઓરડામાંથી બહાર આવ્યો. પણ જોયું કે હિંડોળો ખાલી હતો. દાદા પણ ઉંબર પાસે ઊભા રહી ખાલી હિંડોળાને તાકી રહ્યાં.
   બાપુની મરણોત્તર વિધિમાં પણ જીવણ દેખાયો નહિ.

   થોડા દિવસમાં દાદાએ દુકાન વેચી નાખી. પછી તો સાવ ઘરમાં જ પુરાઈને રહેતા. માથા પર બાંધતા એ પાઘડી, કોટના ખિસ્સામાં લટકાવવાની ઘડિયાળ, કોટમાં ટાકેલા સોનાનાં બટન, બધું ઉતારીને કબાટમાં મૂકી દીધું. એક દિવસ રાત્રે જમીને ઊભા થતા હતા ત્યાં મેં રોક્યા. બેસાડ્યા. મેં કહ્યું કે થોડીવાર બેસો, કેલેન્ડરનું પાનું વાંચી સંભળાવું. બેસી રહ્યા. મેં પાનું વાંચવાની શરૂઆત કરી પણ જેવો હું સુવિચાર વાંચવા જતો હતો ત્યાં મને અટકાવ્યો. જરા મોટે અવાજે બોલ્યા, “સુવિચારોનો મને હવે ખૂબ ભાર લાગે છે.” એટલું બોલીને પોતાના ઓરડામાં જતા રહ્યા.

   હું પાછળ પાછળ ગયો પણ મેં જોયું કે એ તો છત્રી પલંગની અંદર પ્રવેશતા હતા. અંદર પ્રવેશીને મચ્છરદાની પાડી નાખી. હું કેલેન્ડરનું પાનું પકડીને ઊભો રહ્યો. પણ ત્યાં અચાનક પાનું મારા હાથમાંથી સરકીને નીચે પડ્યું. જેવું નીચે પડ્યું તો મોટો ધબ અવાજ થયો. મેં નીચા વળીને જોયું તો મને એક અદ્ભુત ચિત્ર દેખાયું. કલ્યાણજીની મૂર્તિ કેલેન્ડરનાં પાનાં પર મીણની જેમ ઓગળતી ઓગળતી શૂન્ય બનતી જતી હતી. છત્રી પલંગના પાયા જમીનમાં ખોડાતા દેખાયા. હું દોડીને બારી બંધ કરવા દોડ્યો. મને ચકરાવા લેતું અંધારું પકડવા દોડતું દેખાયું. બારી બંધ કરવા હાથ લંબાવ્યો કે મેં જોયું તો બાપુનું શબ કાળા બૂટ પહેરીને બેઠું હતું. હું બૂટ લેવા નીચે નમ્યો તો જોયું કે બૂટના તળિયે અમારી દુકાન કચડાતી ચીસો પાડતી હતી. હવે તો મને નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો. બધું ખુલ્લી નજરે જોતો ઊભો રહ્યો. થોડીવાર પછી ઘરનો નોકર આવ્યો. મને ઊંચકીને મારા ઓરડામાં લાવ્યો. મને પલંગ પર સુવાડ્યો. પછી પલંગની ધારે બેસી રહ્યો. મેં એને બહાર જવા કહ્યું. પણ એ ખસ્યો નહિ. મેં બળજબરીથી એને ધક્કો માર્યો. તો પણ ન ખસ્યો. ઊલટાનો મારો હાથ પકડીને બોલ્યો, સુનીલભાઈ, કોઈ વાર્તા કહોને, બહુ બીક લાગે છે. મેં કહ્યું કે જા ટેબલના ખાનામાં એક વાર્તા પડી છે તે લેતો આવ. એ દોડ્યો ને લાવ્યો. વાર્તા મારા હાથમાં મૂકી. વાર્તાનું નામ હતું ‘કલ્યાણજીની મૂર્તિ'.

‘બંગલો’ શ્રેણીની બીજી વાર્તા
વડોદરા
તા. ૩૧-૧૨-૨૦૦૪
તા. ૧૮-૦૪-૨૦૦૪

[તથાપિ, ડિસેમ્બર-ફેબ્રુઆરી ૨૦૦૬]


0 comments


Leave comment