6 - પડછાયો / જયેશ ભોગાયતા


   પથ્થરોમાંથી વહેતી નદી જેવી સંવેદના અહીં મારા હાથમાં અનભવું છું. રસ્તાઓની અવરજવર વચ્ચે ફંટાતા રસ્તા જેનું મન થંભી ગયું છે. શાંત રાત્રિઓમાં ટપક્યા કરતો ચંદ્ર મારી આંખોમાં સ્થિર ચિત્રની જેમ ચિતરાઈ ગયો છે.

   હું એટલે એકાંત ! અને એકાંત એટલે વૃક્ષોની છાયામાં શ્વાસ લેતા પવન જેવી તું – એટલે કે મૌન. તને અડકી પણ ન શકાય એવી અપેક્ષાની હવામાં તરતી સંવેદના- હવે મિત્રોની અવરજવર સાંજે બહુ ઓછી રહ્યા કરે છે. સાંજે ગેલેરીમાંથી આથમતું આકાશ જોવાની ખૂબ ઇચ્છા થાય છે. કોફીના સ્વાદમાં તર્યા કરતી સાંજ ! આંખોના તેજની તીવ્રતા ઘટી જવાથી દૂર ક્ષિતિજનો રંગ નાટકમાં ઝૂલતા કાળા પડદા જેવો ! મૃત્યુ.

   શહેરથી દરિયો ખૂબ દૂર છે. સાંજે દરિયાકિનારે ડૂબતા સુરજનાં કિરણોની અપેક્ષામાં મન પરોવીને બેસી રહેવાનું ખૂબ ગમે પણ ગેલેરીમાંથી મકાનોની ભીડ વચ્ચેથી સંતાતું આકાશ જોવા માટે આંખ એટલી આતુર રહેતી નથી.

   રાત પડી જવાની ખબર સ્ટ્રીટલાઈટે આપી. બાળકોની રમતમાંથી મન ખસેડી લઈને ઊડતા પંખીઓની થાકેલી પાંખમાં સળવળતાં પીંછા નિઃશ્વાસ જેવી યાતના અનુભવ્યા કરું છું. કોઈ મંજુલ અવાજ ઊગે એ આશાએ મોડે સુધી બેઠો રહું છું. અનુપમા બી.એ.માં છે. ગેલેરી હવે છોડવી પડશે. એકલો પડું છું ને અનુપમા તરવર્યા કરે છે. સુહાસ કદાચ મોડી રાત્રે આવશે. અનુપમા વિશે લંબાણથી એક વાક્ય બોલશે. અને બસ મારી અને સુહાસની વચ્ચે મૌન. અનુપમા વારંવાર મૃત્યુની સંવેદનાની કંઈ ગૂઢ વાતો કર્યા કરે છે. તેનું મન રજ - માટીની બનેલી પૃથ્વીથી ઉપરના પડમાં તર્યા કરતા શૂન્યને પામી લેવા આતુર હોય છે. સુહાસ કદાચ આજે ન આવે તો મને ઊંઘ પણ ન આવે. સુહાસની પ્રફુલ્લ સુગંધિત વાતો માણવાનો આનંદ જ મને જિવાડી રહ્યો છે. મારા ખાલી માળા જેવા ઘરની દીવાલો વચ્ચે સુહાસની સંવેદનાઓ મને ધક્કો આપ્યા કરે છે આગળ જીવવાનો.

   સરુના વૃક્ષોમાંથી વરસતી ચાંદનીના ઉજાસમાં મેં દરિયો જોયો. દિવસના તાપમાં જોયેલી રેતી અત્યારે જુદી જ લાગી, જાણે કો તેના હાથ ! તેણે હાથ મૂક્યો ને બોલી, ‘કેટલાં બધાં વર્ષોથી મોજાં કિનારે આવી આવીને પાછાં ચાલ્યાં જાય છે ! રેતીમાં પણ દરિયાની ભીનાશ ઓગાળવાની કેટલી તૃષ્ણા હશે ? દરિયો છોડીને દૂર જવાનું મન કરું છું ને જાણે કે તેના હાથ મને વીંટળાઈ વળે છે ! તારી પીઠ દરિયા તરફ છે. તું ઘૂઘવાટના પડઘાને પાછો મોકલી શકે છે. મારી તો આંખો દરિયા પર તર્યા કરે છે. મને બસ એકાંત એટલે દરિયો અને તું પણ મારું એકાંત નહિ માત્ર પડઘો. તને ગોપિત રાખીને મને પામી લેવાનો અજંપો - તું. તું સંબધમાં કશો વિસ્તાર નહિ આપી શકે - હું ઊઘડી જવા મથું છું. મારાં બંધ બારણાંમાંથી પ્રવેશ કરવા માંગુ છું, શૂન્યમાં. હું એટલે નિશા નહિ પણ માત્ર અનંત શૂન્ય ! તું ઇચ્છે તો જરૂર જીવનમાં અપેક્ષાઓને પૂરી કરી શકે છે. તારી કુશળતાઓને, તારી મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરી શકે છે. તું અવલંબિત બની જીવનમાં આધાર બની રહે, મને આનંદ છે. હું તારું કશું જ નહિ. આકાશમાં ઊંચે જો – ચંદ્ર કેવો એકલો પ્રકાશે છે. અંધકારને પણ પૃથ્વી પર આવવાનો અધિકાર છે જ - જાઉં છું. હવે ક્યારેય નહિ મળે – કદાચ શબ્દથી તું પામી શકીશ આ રેતીનો સ્પર્શ અને ફીણમાં ચમકતી ચાંદનીને - પણ મને નહીં !

   ગેલેરીમાંથી અંદર આવવાનો પ્રયત્ન કરું છું. ઓરડાના અંધકારમાં બેસીને થોડો લંબાવું છું. સુહાસની આંખો જોવી ગમે તેવી ઊંડી છે. તેની કથ્થઈ રંગની ઝાંયનો સ્પર્શ ગમે. કદાચ આજે અનુપમા પણ સુહાસની સાથે આવે. સુહાસ કોઈ પ્રશ્ન મૂકીને એક પ્રવાહનો આંરભ કરીને અનુપમાને તેમાં વહેતી મૂકી દે ને પછી જોયા કરે કાંઠે ઊભેલાની જેમ અનુપમાને. અનુપમા દીવાલો પર ચિત્રો મૂકવાનું પસંદ કરે નહિ. ચિત્રનું સ્થાન દીવાલ કેવી રીતે હોઈ શકે ? ચિત્રો માત્ર દીવાલ પર મુકાવા જ સર્જાયાં છે ? અને એ ચિત્રોની વાત પરથી અચાનક આવું પૂછી બેસે કે શું આમ જ મૃત્યુને પામી લેવાનું ? સુહાસ પાસેથી શું પામી લેવાનું હશે મારે ? મારે શા માટે સુહાસને જ પ્રેમ કરવો જોઈએ ? આવેગોની તીવ્રતામાંથી મન ખસેડીને ઊંડે ક્યાંક સંતાડી દઉં છું ત્યારે તેને પામી લેવા માટે જે તલસાટ છે તેનું મૂળ વિષાદમાં છે !

   ટેબલ પર હાથ ગોઠવીને મારા ઘરને જોઉં છું. કેટલાં બધાં પુસ્તકો મને ઘેરીને ઊભાં છે, જાણે કે મારા અંગરક્ષકો ! શબ્દના ઘરમાં કેદ માણસને મુક્ત કરવા મેં શબ્દોને જ શોધ્યા. ઓરડાના અંધકારને જોવો ગમે છે. આરામથી ઢળેલી ખુરશીઓમાં પાંગરતા આકારને જોઉં છું. એમ થાય છે ધીમો પદરવ થયા કરે છે. અવાજ મને ઘેરી લેશે. દીવાલોની વચ્ચે ભીંસાઈ જાઉં તો શૂન્યમાં પ્રવેશું. શૂન્યની ભેટ નિશાએ આપી છે.

   વરસાદ વરસી ગયા બાદની એક ખુલ્લી સાંજે લટાર મારતો હતો. ત્યાં એક ખાબોચિયા પાસે ઊભી આખા આકાશને જોતી નિશાને પહેલીવાર જોઈ. નિર્દોષપણે બોલી, ‘આ ખાબોચિયું કેવું લાગે છે ! આકાશની માયા તો જુઓ !' મેં એનું નામ પૂછ્યું ને એ ચાલી ગઈ. એનો પ્રશ્ન અને એના હાથને હું ભૂલી શક્યો નહિ. અભ્યાસમાં બસ કોરા પાનાં ઉથલાવ્યા કરતો. કવિતાઓ વાંચતો. ‘પર્ણો ખરી ગયા પછીના વૃક્ષને જોતા એક વૃદ્ધની ઉક્તિ' એ શીર્ષક જેવી મારી સ્થિતિ બની ગઈ. તે મારે માટે અંધકાર પાથરવા લાગી.

   જૂની દીવાલોના ખંડેરથી પથરાયેલા મેદાનમાં પથ્થરોને જોતો બેઠો હતો. ઉજ્જડ મેદાનની કિનારથી થોડે દૂર આકાશ વરસતું હોય એવું લાગતું. થોડી વારમાં એક આકાર જોયો. કશા જ આવકાર વિના તે આવી ને ખુલ્લા પગથી પથ્થર ખસેડતી મારી બાજુમાં બેસી ગઈ. ‘આ જગ્યા આપણો અવાજ સાંભળવા માટે સરસ છે. આપણા મૌનને પણ સાંભળવાનો અહીં અવકાશ મળે છે. આ મેદાનોમાં મારી વિસ્તરતી જાતને જોઈ શકું છું. ભીડ વચ્ચે મકાનોમાં જાતને ઉઝરડાતી જોઉં છું. મારું નામ નિશા છે. કદાચ મારા નામને તમે ઝંખતા હશો. મને મારું નામ દીવાલો જેટલું મજબૂત બની રહે તે ગમતું નથી. અભ્યાસનું આ છેલ્લું વર્ષ છે. ઘેર બેસીને અભ્યાસ કરું છું. પણ મને પરીક્ષા જેવું નથી લાગતું. હું બોલું ને તમે સાંભળો તે મને ગમે નહિ.' એકાદ પથ્થરને ફેંકીને સમયને હડસેલી દેવાનો પ્રયત્ન કરતો હતો ને તે જળપ્રવાહ જેવી દૂર જતી રહી.

   નિશાનું મન પામવાનું સુખ કેવું હોય ! હું તો કલ્પના જ કરતો કે તેને પ્રશ્નો કેવા સાંભળવા ગમે છે ! પ્રશ્નોની પાર ધબકતી તેની મૃદુતા મને સ્પર્શવી ગમે. કૉલેજના મેદાનમાં અમે સૌ પાસ થયાના આનંદમાં મસ્ત હતાં. નિશા ત્યાં આવી. શહેરથી દૂરના રસ્તા પર હું છાયાઓમાં ચાલતો હતો. તેના પગ પર આછી રજ ચોટેલી હતી. તે ખૂબ ચમકતી હતી. મેં તેની નજીક જઈને તેને કહ્યું, ‘નિશા હું તને ચાહું છું.’ તેણે ઊભા રહી મારો હાથ પકડતા કહ્યું, ‘ચાહવું કદાચ વિચ્છેદનું બીજું નામ છે. તેમાં મૃત્યુની છાયા પડેલી હોય છે.' મારો હાથ હળવેથી છોડી મૂકીને આકરા તાપમાં ચાલી નીકળી. હું છાયાઓમાં મારા હાથને વળગેલી તેની આંગળીઓની ભીનાશને મમળાવતો રહ્યો. થોડી ક્ષણોમાં ત્યાં ભીનાશ બાષ્પ બની ઊડી ગઈ.

   નિશા મારે માટે ઘૂઘવાતો દરિયો છોડીને મને પીડા આપતી રહી.
   ટેબલ પર મારા હાથ લગભગ ખાલી જેવા થઈ પડેલા છે. નિશાની હથેળીમાંથી નીકળતી રેખાને મેં એકવાર તેણે રેતીમાં પાડેલી છાપ વખતે જોઈ હતી ને તેણે દરિયો છોડ્યો ત્યારે મને એ રેતીનો ખોબો ભરી લેવાનો વિચાર આવેલો.

   સુહાસ પહેલી નજરે ગમી જાય તેવો મારો પ્રિય વિદ્યાર્થી છે. પહેલી વાર મળ્યા ત્યારે સુહાસે ફૂલોની ખૂબ વાતો કરી હતી. મારામાં થંભી ગયેલું રક્ત ઉછળવા લાગ્યું. ક્યારેક અનુપમાના પ્રશ્નોથી મૂંગા બની જતા સુહાસને જોઈ મને બેચેની થતી. અમે ત્રણ ઘણીવાર અમારી આબોહવામાં તરતાં રહેતાં પણ ઘેર જતાં સુહાસ અનુપમાનો હાથ પકડીને મારું ઘર છોડતો ત્યારે મને મારા હાથ પર તિરસ્કાર થતો ને રાતના અંધકારમાં દરિયાકિનારે અનુપમા પ્રકાશતા એકલા ચંદ્રની વચ્ચે મને છોડીને જતી રહેતી તેનું તીક્ષ્ણ મોજું મને ઘેરી વળતું.

   આજે સુહાસને બહુ મોડું થયું. કદાચ ન પણ આવે. અનુપમાને કદાચ સાથે લાવશે.
   અચાનક ડોરબેલ વાગી. બંધાયેલી ક્ષણો સરકવા લાગી ને તેના પર ડોરબેલનો જરા જાડો અવાજ ઘસાતો ચાલ્યો. ‘આટલું મોડું કેમ ?' ખુરશીમાં બેસી સુહાસ મારા તરફ જોઈ રહ્યો છે. એને કંઈક કહેવું છે. એના હોઠ પર સ્મિતનું સ્કુરણ છે !

   અનંત યાત્રાનો કોઈ લય મારામાં જન્મી રહ્યો હોય ને મને બ્રહ્માંડમાં તરતો મૂકી દેવા ઘૂમતો હોય તેવો અંધકાર ગેલેરીની બહાર મારી રાહ જુએ છે. હું નિરાંતે ખુરશીમાં બેસી રહું છું. મારી નજીક ખુરશી ખેંચતાં સુહાસ બોલ્યો :
    ‘મેં અને અનુપમાએ એક થવાનો નિર્ણય આજે કરી લીધો છે.’
   મેં કહ્યું, ‘સુહાસ, અનુપમા તારે માટે યોગ્ય નથી.’ મારો જવાબ સાંભળી સુહાસ મારી સામે ગુસ્સાથી તાકી રહ્યો. મેં ગેલેરી તરફ જવાનો પ્રયત્ન કર્યો.

   સુહાસ રસ્તા પર પડછાયાને ખૂંદતો જતો રહ્યો.
[ખેવના, માર્ચ ૨૦૦૦]


0 comments


Leave comment