7 - એની પાસે કોઈ ઉત્તર ન હતો / જયેશ ભોગાયતા


   સામાન્ય રીતે એ સાવરના ૦૬-૫૦ વાગ્યાની નોકરી કરે, ઊઠવામાં ખૂબ જ નિયમિત. સવારે પાંચ વાગે ઉઠી જાય, સવા પાંચ વાગ્યે નળ આવે. એ વારા પ્રમાણે પાણી ભરવાની લાઈનમાં ઉભા રહે. નિરાંતે પીવાનું વાપરવાનું પાણી ભરી લે. થોડી વાર પછી એની મા જાગે. એ વધારાનું પાણી ભરી લે. આમ તો, એક મોટા રૂમનું ઘર કહી શકાય પણ મકાનમાલિકે લાકડાનું પાર્ટિશન કરી આપેલું તેથી પાણિયારું અને ન્હાવા માટેની જગ્યા બની ગઈ હતી. ઘરમાં એક લાકડાનો સિંદરી ગૂંથેલો ખાટલો, એક લાકડાની જૂની ખુરશી, ભીંતમાં લાકડાનું નાનું કબાટ. તેમાં પુસ્તકો અને સામયિકો ઠાંસી ઠાંસીને ભરેલાં. વાસણમાં ચાર થાળી-વાટકા, ત્રણ તપેલી, ‘અશોક' સ્ટવ. ખાટલાની નીચે એક પતરાની કાળી પેટી હતી. એની મા કહેતી કે પોતે પરણીને આવી ત્યારે આ પેટીનો રંગ લીલો હતો. નવાં નવાં કપડાંથી ભરેલી પેટી માંડ માંડ બંધ થતી. જૂની એક બીજી વસ્તુમાં જર્મન સિલ્વરનો ગોબાવાળો લોટો હતો. ભીંતમાં એક નાનું લાકડાનું મંદિર હતું. મા પૂજા-પાઠ કરે. પણ એ ક્યારેય અગરબત્તી કે દીવો પણ ન કરે. ભગવાનના ફોટાને પગે પણ ન લાગે. છાપું ખોલીને ઝડપથી એક નજર નાખી લે. કબાટ ખોલીને ‘કવિતા’ કે ‘સમર્પણ'નો નવો અંક કાઢે. એક-બે કાવ્ય વાચે, ત્યાં સુધીમાં મા ચા બનાવી લે. ચા સાથે એક ભાખરી ખાઈ લે. ધીમે ધીમે પથ્થરનો દાદર ઊતરે. ડેલી ખોલીને પાછી બંધ કરી દે. રસ્તા પર ચાલવા લાગે. એ ટેલિફોન-વિભાગમાં ટેલિફોન- ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. સવારના સમયે કૉર્પોરેશનના સફાઈ કામદારો રસ્તો વાળતા દેખાય. લોકોએ ફેંકેલાં કાગળિયાં ગટરમાં ફસાયેલાં દેખાય. એને મહાનગરની કોઈ કવિતા યાદ આવી જાય. લગભગ ૦૬ - ૪૫ વાગ્યે ચાલતો એ ટેલિફોન- એક્સચેઈન્જ પહોંચી જાય. ટેલિફોન વિભાગના મૉનિટર જે બૉર્ડ પર બેસવાનું કહે ત્યાં બેસી જાય. પણ એમનું મનપસંદ બોર્ડ તો ૧૫ નંબરનું. એક બોર્ડ પર ૧૨૦ ટેલિફોન- કનેક્શન હોય કેટલાક ગ્રાહકો સાથે નિખાલસ સંબંધ બાંધી લે. દરેક ગ્રાહકને શક્ય તેટલી ઝડપથી જવાબ આપવાની કાળજી લે. ગ્રાહક પોતાનો ફોન ઉપાડે ને બોર્ડ પર જેવો સફેદ લેમ્પ દેખાય કે તરત જ એ આન્સરિંગ કોડથી જવાબ આપે. ગ્રાહકને નિરાંત જેવું હોય તો એની સાથે વાતો કરે. એ ખિસ્સામાં કાયમ નાની ડાયરી રાખે. સવારના કામ થોડું ઓછું હોય તેથી તે નવાં સામયિકો વાંચી લે. ક્યારેક મનપસંદ કાવ્યપંક્તિઓ, વાર્તા કે નિબંધના અંશો સારા અક્ષરે ડાયરીમાં નોંધી લે. ડાયરી જો ખલાસ થઈ જાય તો કબાટમાં સાચવીને મૂકી રાખે. મન થાય ત્યારે ડાયરી ખોલીને વાંચી લે.

   ઘર ખર્ચ કાઢતાં, એની પાસે કંઈ ખાસ પૈસા બચે નહિ. તેથી એને બીજી વસ્તુની જેમ, ખાસ તો પહેરવાનાં કપડાંની કાયમ ખેંચ રહે. આમ તો બે પેન્ટ ને ત્રણેક શર્ટ હતાં. પણ ક્યારેક જો ચોમાસામાં કે કોઈ કારણસર કપડાં ધોવામાં અડચણ આવી ગઈ હોય તો એને મુશ્કેલી પડતી. વરસમાં પાંચથી છ વાર કમરથી ભીનું પેન્ટ અને કૉલર કે બાયથી ભીનું શર્ટ પહેરીને ઓફિસે જવાનું બનતું ચાલતા જવાથી થોડું સૂકાશે એવું વિચારી એ ઑફિસે પહોંચે. પણ ખાસ ફેર પડે નહિ. ગ્રાહક જ્યારે બે-ચાર ઔપચારિક વાત કરે ત્યારે કહેતો કે આજે તો કૉલરથી અને કમરથી ભીનાં રહી ગયેલાં કપડાં પહેરીને આવ્યો છું. સાંભળીને ગ્રાહક પૂછે કે આટલું કેમ સહન કરો છો. તમે હુકમ કરોને તો બે જોડ કપડાં અપાવી દઉં, તમારી અનુકૂળતાએ પૈસા આપજો. પણ એની વાતનો મર્મ ગ્રાહક સમજ્યો નથી તેવા ભાર સાથે પોતાની ડાયરી ઉઘાડે. એ કાવ્યના વિશ્વમાં પ્રવેશી જતો. એને થતું કે સવારના ઊઠું છું ત્યારથી નળ, કપડાં, ચા-નાસ્તો, પુસ્તકો અને જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલા વગેરે વસ્તુઓ સાથે રોજનો સંબંધ છે. પોતે વસ્તુજગતથી જરા પણ દૂર નથી. ખાટલો, વાસણ, સાવરણી, સ્ટવ, નાનું મંદિર, લાકડાનું પાર્ટિશન, તુલસી, પેન-પેન્સિલ, અગરબત્તી એવું બધું કેવું વસ્તુજગત છે ! એ તે જગતથી દૂર જવાનો પ્રયત્ન નથી કરતો. તે જગત એને ગમે છે. સ્ટવની પીળી ભૂરી જ્યોત, લાકડાના પાર્ટિશનની ઊંચાઈ, અગરબત્તીની સુગંધ એને ગમે છે. ક્યારેક રાત્રે, માના પગ દબાવી આપે. માનો બધો થાક ઉતારી દેવા માટે એ હળવે હળવે તળિયાં દાબે. ક્યારેક બોર્ડ પર બેઠાં બેઠાં, અચાનક કોઈ સમભાવવાળો અવાજ સંભળાય તો એને ખૂબ મજા પડી જતી. એને કોઈ ખાસ ફરિયાદ નથી. જીવનનો લય એને ગમે. મા ક્યારેક જો ઈંટ અને ખાટી છાશથી ભગવાનના મંદિરનાં વાસણો સાફ કરતી તો એને વસ્તુજગતના સૌંદર્યનો આનંદ મળતો - આવા આવા વિચારો એ ખાલી પસાર થતી પળોમાં કરે.

   સવારના ૧૦-૩૦ વાગ્યે એક કલાકની જમવાની રજા મળે. એક કલાકમાં તો એ ચારેક કિ.મી. દૂર આવેલા ઘરથી પગે ચાલીને સમયસર પાછો કેવી રીતે આવી શકે ? એટલે એક કલાક માટે ભાડાના સાયકલ લે. કલાકના ૫૦ પૈસા. લગભગ ૫૦ મિનિટમાં પાછો આવે. ૧૦-૩૦ વાગે એને ઘરે જવું ખૂબ ગમે, કેમકે ટપાલ પણ આવે. નવાં સામયિકો કે લેખકોને લખેલા પત્રોના જવાબોની એ રાહ જુએ. ક્યારેક જવાબ આવે પણ ખરા. એક વાર ઝીણા ઝીણા વરસતા વરસાદમાં ‘કવિલોક’નો અંક ટપાલમાં આવેલો ત્યારે તેની કોથળી કબાટમાં સાચવીને મૂકી દીધેલી. લેખકના જવાબનો પત્ર પોતાના ખિસ્સામાં મૂકી રાખે. ઓફિસમાં કોઈ રસ ધરાવનારને વાંચવા આપે. કોઈ સારા ગ્રાહકને પણ વાંચી બતાવે. ઉપરના ખિસ્સામાં પડેલું પોસ્ટકાર્ડ એને ધબકતું લાગે. પોસ્ટકાર્ડ પર લખેલા શબ્દોના અવકાશમાં એ મુક્તપણે વિહાર કરતો રહે.

   બપોરે ૦૨ ને ૧૦ મિનિટે એની નોકરી પૂરી થતી. ત્રણ વાગ્યાથી એનો ઓવર-ટાઈમ શરૂ થાય. ટેલિફોન ખાતામાં સ્ટાફની અછત રહે. તેથી દરેક ઑપરેટરને ઓવરટાઈમ કરવો પડે, ને તેમાં જરૂરિયાતવાળો ખાસ કરે. બધા ઓવરટાઈમના ટૂંકા નામનો, ‘ઓટી’નો ઉપયોગ કરે.

   ૪૦-૫૦ મિનિટનો જે સમય મળે તેમાં નજીકની લાઇબ્રેરીમાં જાય. છાપાં વાચે, ઘેર ન આવતાં સામયિકો વાચે. ત્રણ વાગે ફરી મૉનિટર જે બોંર્ડ આપે તેના પર બેસી જાય. આ ત્રણ કલાક તેને વસમા લાગે. જૂના ગ્રાહકો સાથે વાતો કરે. થોડીવાર પછી એ વસમી ઘડીઓ જતી રહેતી. જેમ જેમ સાંજના છ વાગવા આવે તેમ તેમ પ્રસન્ન થતો જાય. સાંજે છ વાગે છૂટીને એ બહાર નીકળતાં, થાક હડસેલતો ધીમે ધીમે ચાલવા લાગે. ચાની રેકડી પર ઊભો રહે. અડધો કપ ચા પીએ. એના વતનનો દોસ્ત રજની જો તેની સાથે હોય તો બંને જૂની ફિલ્મનાં ગીતો સંભળાવે એવી એક હૉટલમાં બેસે. રજની પણ એની સાથે જ નોકરી કરે. પણ રજનીનું ખાસ કોઈ ટાઈમટેબલ જ ન મળે. બંને જ્યારે એ હોટલમાં જતા તેના સાઈનબોર્ડ પર ત્રણ રાષ્ટ્રીય નેતા - ગાંધી, નહેરુ અને શાસ્ત્રીના ફોટા હતા, એમની બાજુમાં ઘઉંના છોડનું ચિત્ર હતું. પણ હૉટલની અંદર મેલાંઘેલાં કપડાંવાળા નાની ઉંમરના નોકરને જોતાં જ એના રાષ્ટ્રપ્રેમનો ઉછાળ શમી જતો. રજની જો સાથે ન હોય તો એ રેકડી પર અડધો કપ ચા પીને રજનીને ઘેર પહોંચે. રજનીની મા મસાલાવાળા દાળિયા ને મમરા બનાવે. રજનીની પાસે જાપાનનો એક ત્રણ બેન્ડવાળો રેડિયો હતો. રજની તૈયાર થાય એ દરમ્યાન એ રેડિયો સાંભળતો સાંભળતો જે કંઈ નવું વાંચવાનું મળે તે વાંચી લે. રજની કાયમ વેદ-પ્રેસનું કેલેન્ડર ખરીદે, રજની દરરોજ કેલેન્ડરનું પાનું ફેંકી ન દે પણ સાચવી રાખે. રજની એને તે પાનું દરરોજ આપે. એ ક્યારેક તે પાના પર સુંદર અક્ષરે કવિતા લખે. કવિતા ન લખે તો પાનું જાળવીને કબાટમાં મૂકે. એ અને રજની બહાર નીકળે, બંને રાષ્ટ્રીય નેતાઓના ફોટાવાળી હોટલમાં બેસે. ચાનો ઓર્ડર આપે થોડી મિનિટો ઑકિસની વાતો થાય. તેમાં ખાસ તો મોનિટર એમને નબળા ગણીને વધારે કામ કરાવે તેની વાતો થાય. રજની કહે આવા મોનિટરને તો ફટકારવા જોઈએ. એ લગભગ મૂંગો બની જાય. રજનીની આખોમાં દેખાતા ભાવ એને ગમે નહિ. પણ થોડીવારમાં તે બધું પસાર થઈ જતું એ જોયા કરે. તે બધું પસાર થતું તેના નિત્યક્રમ પ્રમાણે હળવાશ માટે જગ્યા છોડીને અજ્ઞાત દિશામાં અલોપ થઈ જતું.

   એ કેલેન્ડરના પાનાંની કવિતા વાંચે. રજની દરેક કવિતા બે-ત્રણ વાર વંચાવે. એ તે જ ભાવ ને આરોહ-અવરોહથી વાચે. પહેલાં તો, રજની વધારાના બિનઉપયોગી શબ્દો કઢાવી નાખે. શબ્દો કેમ વધારાના છે તેની એ દલીલો કરે. એને તો ભાગ્યે જ કોઈ શબ્દ વધારાનો લાગે. પણ રજની તો પોતાની જ વાત પકડી રાખે. ક્યારેક રજનીના આગ્રહથી કવિતા ખંડિત થતી એ જોતો પણ ખરો પણ રજનીના અભિપ્રાયને તાત્કાલિક ફગાવી દેવાની ઉતાવળ ન કરે. પણ એ જ્યારે સભાનતાપૂર્વક બધું વિચારીને પોતાનો નિર્ણય આપતો તેમ છતાં પણ રજની શબ્દો કાઢી નાખવા માટે આગ્રહ કરે તો એ હળવેથી કેલેન્ડરનું પાનું ખિસ્સામાં મૂકી દે. ને કોઈ નવી વાત શરૂ કરે. રજનીની વાતમાં જરા પણ ડંખ ન હોય પણ કવિતાના શબ્દો જાણે કે વિનંતી કરતા હોય તેમ પાનાં પરથી જવા માટે જરા પણ તૈયાર નથી તેવું એને લાગે. એ હળવેથી જાણે શબ્દોને હૈયાધારણ આપતો મનમાં બોલે કે તમે મારા કાગળના અવકાશમાં જે રીતે આવ્યા છો તે જોતાં તમને આમ કેવી રીતે દૂર કરું? પણ ઘણી વાર એ શબ્દોની મરજી વિરુદ્ધ વર્તન કરતો. જોકે એમાં રજનીનો દોષ હોય. પણ એને વારંવાર થતું કે આ હદપાર થતા શબ્દો રજની પાસે કેમ જતા નથી. જોકે એને થતું આ વાત રજનીને પૂછવી જોઈએ. પણ એને વળી તરત વિચાર આવતો કે મારો શબ્દ મને પૂછે તે જ ન્યાયી ગણાય. મેં પસંદ કરેલા શબ્દો માટે રજનીની કોઈ જવાબદારી ખરી ?

   વાતો કરવાની મજા પડે. રાતના નવ પણ ક્યારેક વાગે. એ ચાલતો ઘેર પહોંચે. મા રાહ જોતી ખાટલામાં આડી પડી હોય. એ હાથ મોઢું ધુએ. મા ખાવાનું પીરસે. એ બારીમાંથી બહાર નજર કરે. લીમડાના પાંદડાં ફરકતાં જુએ. ખાધા પછી મા કહે તો પગ દાબી આપે. થોડી વારમાં માને ઊંઘ આવવાની થાય એટલે એ હળવેકથી ખાટલાથી નીચે ઊતરી પોતાની પથારી પાથરે. ઓશિકા પાસે ફાનસ મૂકીને નવલકથા કે વાર્તા વાચે. બલ્બના પીળા પ્રકાશમાં માને ઊંઘ ન આવે તેથી એ ફાનસ સળગાવે. હમણાં એણે એક વાર્તાકારની કેફિયત વાંચેલી. તેમાં વાર્તાકારે એક સરસ વાત નોંધેલી કે વાર્તા લખવાથી પોતે વધુ ને વધુ નિર્દોષ થતો જાય છે. એને પોતાની નિર્દોષતાની અનુભૂતિ વાર્તા લખતાં લખતાં થાય છે. ખરું જોતાં તો વાર્તા પોતાને જ ઓળખવાની એક પ્રક્રિયા છે. મા વારંવાર કહે કે નાનાં ટેબલ-ખુરશી લઈ લે, એ કહે કે આ વખતે ‘ઓટી'ના પૈસા મળશે ત્યારે લેશે. પણ ‘ઓટી'ના પૈસા આવતા ત્યારે બીજી જરૂરિયાતોમાં વપરાઈ જતા. ને એ વાત મોકૂફ રાખવી પડતી. જોકે એને તો પથારીમાં સૂતાં સૂતાં ફાનસમાં વાંચવું વધારે ગમતું. ક્યારેક જો માને ઊંઘ ન આવતી હોય તો એ માની વાતો આંખો બંધ કરીને સાંભળતો. માના શબ્દોમાં થાક ને ફરિયાદ સંભળાય. એ આખો દિવસ એકલી રહીને થાકી ગઈ છે તે વાત સતત બોલ્યા કરે. છેલ્લે, ફાનસ ઝીણું કરીને પડખું ફેરવીને પોતાની કોણી ઉપર માથું ટેકવીને જાણે અદૃશ્ય થવા આતુર હોય તેમ સંકોચાતો ઊંઘી જતો. માના શબ્દો સ્વપ્નમાં ખૂંચતા પણ ફરી સવારના પાંચ વાગે ને એ પથારીમાં બેઠો થઈ જાય. એલાર્મ બંધ કરે. પોતાના હાથની આંગળીઓ પોતાના ચહેરા પર ફેરવે. ને પછી એ જ નિત્યક્રમમાં એ બધું ધીરજથી શરૂ કરે, ને સવારના ૬-૫૦ વાગ્યાની નોકરીમાં સમયસર પહોંચવા ઘરેથી ચાલતો નીકળે.

   એક દિવસ ૧૦ નંબરના બોર્ડ પર આવતા નંબરના ગ્રાહકે એની પાસેથી ટ્રંકકૉલને લગતી માહિતી માગી. એણે વિગતે જરૂરી માહિતી આપી. એ ગ્રાહક એક બેન્કના મેનેજર હતાં. મેનેજરના માતા-પિતા મહારાષ્ટ્રના ગામડામાં રહેતાં હતાં. એમની મા બીમાર હતી. માની બીમારીના સમાચારથી મેનેજર ચિંતામાં હતા. એણે ખાસ રસ લઈને મેનેજરનો ટ્રંકકોલ જોડાવી આપેલો. મેનેજરે આભારવશ બની એની પ્રશંસા કરી. રૂબરૂ મળવા માટે આગ્રહ કર્યો. આમ તો એને માટે આ પ્રકારના અનુભવો કંઈ નવા ન ગણાય. પણ રૂબરૂ મળવા જવાનું એક બીજું કારણ હતું. મેનેજરે વાતોમાં એમની બેન્કના એક ક્લાર્કનું નામ આપેલું. એ નામ સાંભળીને એને શંકા થઈ કે કદાચ એ એના નાનપણનો દોસ્ત તો નથી ને ? એણે રજનીને વાત કરી. બંને એક સાંજે બેન્કે ગયા. પહેલાં એણે નાનપણના દોસ્તની શોધ કરી. ને સાચે જ તેની શંકા સાચી પડી. એ ક્લાર્ક એનો દોસ્ત અતુલ જ નીકળ્યો. એણે અતુલને જોયો. સુંદર પેન્ટ-શર્ટ, પગમાં બૂટ. કાંડા પર ઘડિયાળ, કોરા લાંબા કાળા વાળ. જાડા ને લાંબાં આંગળાં, લાલ હથેળી. અતુલને જોઈ એ પ્રસન્ન થયો. બને ઉષ્માથી મળ્યા. રજની પણ જોડાયો. અતુલ એને મેનેજરની કેબિનમાં લઈ ગયો. અતુલે ઉલ્લાસથી મેનેજર સાથે એનો પરિચય કરાવ્યો. અતુલે મેનેજરને એના પરિચયમાં કહ્યું કે એને નાનપણથી ભણાવવાનો શોખ હતો. પણ કૌટુમ્બિક પરિસ્થિતિને કારણે એ ટેલિફોનની દુનિયામાં જઈ ચડ્યો છે. પોતે એની સાથે જ ૧૯૭૦માં એસ.એસ.સી. પાસ કરેલું આજે છ વર્ષ થયાં એ ટેલિફોનમાં છે ને હું બૅન્કમાં. આ સાંભળી મૅનેજરે એને એક વાત કરી કે એમને બે બાળકો છે. દીકરાનું નામ પ્રણવ અને દીકરીનું નામ સ્નેહલ. મૅનેજરે એને ટ્યુશન માટે ઓફર કરી. દીકરી ત્રીજા ધોરણમાં અને દીકરો પાંચમા ધોરણમાં. એને પહેલાં તો આ વાતનું વજન લાગવા માંડ્યું. રોજ સાતઆઠ કલાકની નોકરી. ત્રણ કલાકનો ‘ઓટી'. પછી ટ્યુશન કેમ થાય ? સાંજે રજની સાથે વાતો ક્યાંથી થાય ? એણે લગભગ ના જેવું કહ્યું. પણ મૅનેજરે કહ્યું કે વિચારીને જવાબ આપજો. ને ટ્યુશન આપવા આવે કે ન આવે પણ એક વાર ઘેર આવવાનો આગ્રહ કર્યો. મેનેજરે સરનામું લખાવ્યું મૅનેજરનું ઘર એના ઘરથી અડધો કિ.મી.ના અંતરે હતું. એણે રવિવારે જઈ પહોંચવાનું સ્વીકાર્યું.

   રવિવારે સાંજે છ વાગે એ મેનેજરને ઘરે પહોંચ્યો. લાદીવાળું મોટું ફળિયું હતું. મેનેજરે જાળી ખોલીને એને આવકાર આપ્યો. ઘરનાં બધાં સાથે એનો પરિચય કરાવ્યો. બંને બાળકો એક જ સોફા પર પાસે પાસે બેઠાં હતાં. છોકરાની આંખો કાળી, રંગ ઊજળો. છોકરીએ નાની નાની બે ચોટલી વાળી હતી. વારે વારે બંને એક બીજાની મશ્કરી કરતાં હતાં. છોકરો છોકરીની ચોટલી ખેંચી ખેંચીને ચીડવતો હતો. મૅનેજરે ફરી ટ્યુશનની વાત મૂકી. એણે પતંગિયાં જેવાં બાળકોને જોતાં હા પાડી. ટ્યુશનનો સમય, સાંજે ૦૬-૩૦ થી ૦૮-૩૦ મહિને ૩૦ રૂપિયા આપશે. રવિવારે રજા. મેનેજરનાં પત્ની ધાર્મિક વૃત્તિના હતાં. સરસ કૉફી પિવડાવી. એને જાડા દૂધની કૉફી ખૂબ ગમી. સાથે તીખી પૂરીની ડિશ પણ મૂકી. એક-બે ખાધી, મેનેજરે વધારે લેવાનો આગ્રહ કર્યો. બંને બાળકોએ પણ કૉફી પીધી. છોકરાના ઉપલા હોઠની કિનારી પર કોફીનું ફીણ ચોંટી ગયેલું તે છોકરીએ મશ્કરીમાં ફૂંક મારી. બધા હસી પડ્યાં. એને ખાસ ફાવ્યું નહિ. મેનેજરે નવી ફિલ્મોનાં ગીતો સંભળાવ્યાં પણ એને ગીતોમાં ખાસ રસ પડ્યો નહિ. એ તો બધા અવરોધો પાર કરીને બે બાળકોની નજીક જવા ઈચ્છતો હતો. એણે રજા માંગી.

   એનો જીવનક્રમ થોડો બદલાયો. રજની પણ ખુશ થયો. પૈસા મળશે એ વાત એને માટે ગૌણ હતી પણ બાળકોની દુનિયામાં જવા મળશે તેનો આનંદ થતો હતો.
   પહેલે દિવસે એણે બનેના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો માગ્યાં. મૅનેજરને આ વાતની ખબર પડી. મૅનેજરે કહ્યું કે એ બંનેનાં પાઠ્યપુસ્તકો વસાવી લે, પૈસા આપી દેશે. એણે હોંશથી પુસ્તકો ખરીદી લીધાં. એની કબાટની દુનિયામાં એક નવા જગતનો પ્રવેશ થયો. સાંજે હવે રજનીની સાથે રવિવાર સિવાય બેસવાનું ઓછું થયું. પણ રજની નોકરીમાં આવે ત્યારે કેલેન્ડરનું પાનું લેતો આવે. પણ હવે લખવાનો ક્રમ થોડો તૂટવા લાગ્યો. અઠવાડિયામાં બે-એક વાર લખી શકતો.

   ઑફિસથી ચાલીને મેનેજરના ઘેર સાંજે ૦૬-૩૦ વાગ્યે પહોંચવામાં ક્યારેક એને ૧૦-૧૫ મિનિટનું મોડું થઈ જતું. બંને બાળકો ટેબલ પર પુસ્તકો ગોઠવીને તૈયાર બેઠા હોય. સ્નેહલ તો જાળી ખખડવાનો અવાજ સાંભળે કે તરત દોડીને બહાર આવી જતી. મેનેજરનાં પત્ની પાણીનો ગ્લાસ મૂકી જાય. અર્ધગોળાકાર ગાદીવાળી લાકડાની ખુરશીમાં એ પાંચેક મિનિટ જરા થાકેલા શરીરને આરામ આપે, પણ એ દરમ્યાન બંનેનું બોલવાનું તો ચાલુ જ હોય. એનો થાક તો એ બેની વાતોથી જ ઊતરે. ભણવામાં બંને નિયમિત. પ્રણવને ભણવામાં કાલેલકરનો નિબંધ ‘ડાબો કે જમણો’ આવે. બંનેને નિબંધ વાંચી સંભળાવ્યો. પહેલાં પ્રણવ ભણવા બેસે પણ વચ્ચે વચ્ચે સ્નેહલની અવર-જવર ચાલુ હોય. એને ઓરડાની બહાર જવું ગમે જ નહિ.

   એક દિવસ એ ‘સ્મરણયાત્રા' લઈ આવ્યો. તેમાંથી ‘પચરંગી પોપટ’ અને ‘સીતાફળનું બી' નિબંધ વાંચ્યા. પછી તો નિત્યક્રમ બની ગયો. ‘સ્મરણયાત્રા' પૂરું કર્યું. ‘દેશદેશની લોકકથાઓ', ‘પંચતંત્ર', ‘અરેબિયન નાઈટ્સ’ની વાર્તા કહે. હાન્સ ઍન્ડરસનની પરીકથા ‘બેડોળ બતક’ સાંભળીને સ્નેહલની આંખોમાં ઝળહળિયાં આવી જતાં. કૅમ્યૂની ‘મહેમાન' વાર્તાના પાત્ર દરૂની વ્યથા સરળ ભાષામાં સંભળાવતો. રજનીને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થયું કે કેમ્યૂની વાત બાળકો કેવી રીતે સમજતાં હશે. એણે કહ્યું કે જગતની કોઈ પણ ગહન વાત એ બે બાળકોને કહી શકે છે કારણ કે બંનેનાં હૃદય ખુલ્લાં છે ! એના શિક્ષકના શબ્દને સંવેદનાથી ગ્રહણ કરે છે.

   એને ક્યારેક આવવામાં મોડું થઈ જતું તો બાળકો અધીરાં થઈ જતાં. એક દિવસ સ્નેહલે પૂછ્યું કે એ મોડો કેમ આવે છે. એણે કહ્યું કે પોતે ચાલીને આવે છે, પોતાની પાસે સાયકલ નથી. બીજે દિવસે મેનેજરે એ ટ્યુશન કરીને ઘેર જવા નીકળતો હતો ત્યાં રોક્યો. સાયકલની વાત પૂછી. મેનેજરે કહ્યું કે હવે પોતાને મહિને ૩૦ને બદલે પચાસ રૂપિયા મળશે. બૅન્ક એને વહીકલ-લૉન આપશે. ત્રણ દિવસમાં તો એટલાસ સાયકલ આવી ગઈ. મા ખૂબ રાજી થઈ ગઈ. સ્નેહલ પણ એટલી જ. એને બંને બાળકો ‘પચરંગી પોપટ'નાં પાત્રો જેવાં લાગવા માંડ્યાં. રજનીએ કહ્યું કે ઘંટડી મૂકાવજે, નહીંતર કોઈને પછાડી દઈશ.

   એક દિવસ સ્નેહલને આંખમાં આંજણી થઈ હતી. એની આંગળી સતત ત્યાં ફેરવ્યા કરે. તેને કારણે આંખમાં પાણી આવી જતાં એ કહેતો કે આંખ ચોળવી નહિ. થોડા દિવસમાં આંજણી તો મટી. સ્નેહલે પોતાની નોટમાં ચાર પંક્તિ લખેલી તે એને વાંચવા આપી.
આકાશના વાદળાં
મારી આંખમાં આવી બેસે છે
હું મારી આંખો લૂછી નાખું ત્યારે
બધાં પાછાં જતાં રહે છે.
   ક્યારેક ભણતી વખતે લાઈટ જતી રહે તો પ્રણવ મીણબત્તી લાવે. મીણબત્તીના પ્રકાશને કારણે એમના પડછાયા ભીંત પર પડે. સ્નેહલ રોજ પ્રાર્થના કરે કે લાઈટ જાય તો સારું - પડછાયા સાથે રમવાનું મળે.

   શનિવારનો દિવસ હતો. ભણાવીને એ ઘરે જવા નીકળતો હતો ત્યાં મૅનેજરે એને બોલાવ્યો. એમણે કહ્યું કે આવતી કાલે રવિવાર છે. બપોરે ૩ થી ૬ના શોમાં એક હિન્દી ફિલ્મ જોવા બધાએ જવાનું છે. ફિલ્મમાંથી છૂટીને હેવમોરમાં ડીનર લેવાનું છે. એણે તો ચોખ્ખી ના પાડી દીધી. મેનેજરે એની નાનું કારણ જાણવા માટે ખૂબ આગ્રહ કર્યો. એણે કહ્યું કે એ બે બાળકોની સાથે રહીને તેણે જે વિશ્વ રચ્યું છે તેમાં જે આનંદ મળે છે તેમાં એવા બધા મનોરંજનથી ખલેલ થાય. એ બાગમાં, દરિયાકિનારે, મ્યુઝિયમમાં, વનભોજનમાં આવે, પણ આમાં નહીં. પોતે બાળકો સાથે ફિલ્મી વાતાવરણમાં હોય એ વાત એને પસંદ નહોતી. મૅનેજરે તો આ સાંભળીને અંતે લગભગ આદેશ આપતા હોય તેમ કહી દીધું કે એઓ બપોરે એની રાહ થિયેટર પર જોશે.

   બીજે દિવસે એ થિયેટર પર ન ગયો. રજનીને ઘેર ગયો. ઘણા સમયથી ભેગી થયેલી કેલેન્ડરનાં પાનાંની કવિતાઓ વાંચી. રજનીને ત્રણ પંક્તિની એક મુક્તક સ્વરૂપની કવિતા ખૂબ ગમી ગઈ :
તળાવ, ફૂલ, પથ્થર, તળિયું,
વમળમાં ચકરાતું ચકરાતું
થંભે ક્યાં જઈ ?
   રજનીની માએ દાળિયા-મમરાનો નાસ્તો કરાવ્યો. બંને એ જ રાષ્ટ્રીય નેતાના ફોટાવાળી હૉટલમાં ગયા. રજનીને ગઈ કાલની ઘટનાની વાત કરી. એનાથી થાકી ગયો હોય તેમ રજનીએ ઊંચા અવાજે હાથ જોડીને ઘાટો પાડ્યો. એ શાંત રહ્યો. રજનીએ આવેશમાં એના ઉપરના ખિસ્સામાં મૂકેલા કેલેન્ડરનાં બધાં પાનાં ખેંચી કાઢીને ટુકડે ટુકડા કરીને ચાના કપમાં ફેંક્યાં. એ કશું જ ન બોલ્યો. આસપાસ બેઠેલા ગ્રાહકોએ રજનીને બહાર જવા કહ્યું. રજની ઊઠીને ચાલતો થયો. એ પણ તેની પાછળ ગયો. પણ રજની લગભગ દોડતો જ દૂર જતો રહ્યો. એણે હળવેથી સાયકલને પેડલ માર્યા.

   સોમવારે બપોરે મૅનેજરનો ફોન આવ્યો. અવાજ થોડો સખત હતો. એમનો નિર્ણય સંભળાવતા હતા. અવાજમાં થોડો કંપ પણ હતો. એમણે એને ટ્યુશન આપવા આવવાની ના પાડી. અતુલ પાસેથી એણે એનો હિસાબ મેળવી લેવો એમ કહ્યું.

   રાત્રે એણે ડાયરીનાં પાનાં પર સ્નેહલની ચાર પંક્તિ લખી. સવારે રજની નોકરી પર આવ્યો ત્યારે એણે ડાયરીનું પાનું ખોલીને વાંચવા આપ્યું. રજનીનો ક્રોધ ઊતરી ગયો હતો. પણ વાંચવાની ના પાડી. એણે રજનીના ખભે હાથ મૂકીને કહ્યું કે એ પોતાની કવિતા નથી પણ સ્નેહલની પંક્તિઓ છે. રજનીએ નરમ પડીને ડાયરી વાંચવા લીધી. રજની બોલ્યો કે તારો પ્રભાવ એ પંક્તિઓ પર છે તેથી વધારાના શબ્દો છે. એની લાગણીશીલતા બાળકોના રક્તપ્રવાહમાં ભળી જતી જોવા મળે છે એમ બોલીને રજનીએ ડાયરી સટાક અવાજ કરી બંધ કરી દીધી.

   એણે સાંજે ઘેર જતાં પહેલાં સાયકલ હળવેકથી મૅનેજરના ઘરની બહાર તાળું મારીને મૂકી દીધી. અંદર જવાની ખૂબ મરજી થઈ પણ પોતે શું બોલશે બાળકો આગળ એ સંકોચથી માંડી વાળ્યું. માને બધી વાત કરી દીધી. માએ કહ્યું કે એની પીંડી દુખે છે. એણે માની પીંડી દબાવ્યા રાખી. જ્યારે માએ ના પાડી ત્યારે એ જાણે જાગ્યો હોય એમ ભાનમાં આવ્યો. ફાનસ ઓશિકા પાસે મૂકીને એણે વિચાર્યું કે શું વાંચું. એ નક્કી ન કરી શક્યો. એમ જ એ ઊંઘી ગયો.

   સવારે પાંચના સમયે એલાર્મ વાગ્યું. એ જાગી ગયો. એણે જોયું કે ફાનસ સળગતું હતું. ચા-નાસ્તો કરીને ચાલતો પહોંચ્યો ઑફિસે. ઑફિસના પટાવાળા સાથે કવરમાં સાયકલની ચાવી મોકલી આપી. સાયકલની લોનના થોડા હપતા બાકી હતા. એ એટલી મોટી રકમ એક સાથે ભરી શકે તેમ નહોતો. સાંજે રજનીને ચાવી મોકલ્યાની વાત કરી. રજનીએ કહ્યું કે કાલથી એ બાળકોને ભણાવવાનું શરૂ કરે. થોડા દિવસમાં મનદુઃખનો પરસ્પરનો ઉછાળ શાંત પડી જશે.

   ઘેર જતાં રસ્તામાં એને વિચાર આવ્યો કે ચાલ એ શેરીમાંથી પસાર થાઉં ! ઘરના દરવાજાની બહાર એણે છોડી દીધેલી સાયકલ એમ ને એમ પડી હતી. એનામાં દરવાજો ખખડાવવાનો ઉત્સાહ રહ્યો નહિ.

   ત્રણ દિવસ પછી બેંકનો પટાવાળો આવ્યો. સાયકલની લોન ભરપાઈ થઈ ગયાનો લેટર હતો. ટ્યુશન ફીના ૫૦ રૂપિયા કવરમાં મૂકેલા. એમાં સાયકલની ચાવી પણ હતી.
   એ રજનીને ઘેર જવાને બદલે એકલો જ રાષ્ટ્રીય નેતાના ફોટાવાળી હૉટલમાં ગયો. ચા મંગાવી. કોથળીમાંથી સાયકલની લોન ભરપાઈ થઈ ગયાનો લેટર કાઢ્યો. એમાં ભૂરા અક્ષરે પોતાના નામની નીચે ઘરનું સરનામું હતું. લોનની જમા રકમનો આંકડો હતો. એણે લેટર વાળીને પાછો કવરમાં મૂકી દીધો.

   ઘેર પહોંચીને કબાટ ખોલ્યો. લેટર, ચાવી અને ૫૦ રૂપિયા મૂકી દીધાં. રાત્રે એણે ફાનસ સળગાવ્યું. વિચારવા લાગ્યો કે સાયકલ તો કદાચ થોડા દિવસમાં બેડોળ થઈ જશે. કદાચ એના અવયવો ધીમે ધીમે વાંકા વળતા વિરૂપ બની જાય.

   એક દિવસ અતુલ ઑફિસમાં મળવા આવ્યો. અતુલે કહ્યું કે મેનેજરને પ્રમોશન મળ્યું છે એ હવે મુંબઈ જવાના છે. એમનાં બા-બાપુજીને ફોન કરવો છે પણ લાઈન મળતી નથી. એ મદદ કરે તો લાગે ખરો. એણે અતુલને કહ્યું કે એ બેન્કે પહોંચે ને મૅનેજરને સંદેશ આપે કે ફોન જોડે છે. મેનેજરે નિરાંતે વાત કરી. મેનેજરની બાને ખૂબ દમ હતો. તેમ છતાં તેઓ અહીં આવવાની તૈયારી કરતા હતા. ફોન જોડી આપવા બદલ મેનેજરે આભારવશ બની એની સાથે વાત કરી. એ એક પણ શબ્દ ન બોલ્યો. એને એમ થયું કે એની જીભ એના કાબૂમાં નથી. એનાથી બોલાયું નહિ. પણ એ ન બોલાયાનો ભાર ઊંચકીને કામ કરતો રહ્યો. સાંજે છૂટીને એ રેંકડી પર ચા પીતો હતો ત્યાં અતુલ અને મેનેજર આવીને ઊભા રહ્યા. મેનેજરે અતુલને રિક્ષા રોકવાનું કહ્યું. એ તો મૂંગો જ હતો. અતુલે ઢંઢોળ્યો. એ રિક્ષામાં બેસી પડ્યો. મૅનેજરને ઘેર પહોંચ્યા. એણે મૂંગા મોંએ બધા સાથે ઘરમાં પ્રવેશ કર્યો. મૅનેજરે બંને બાળકોને બોલાવ્યાં. પ્રણવ અને સ્નેહલ આવીને ઊભાં રહ્યાં. મેનેજરે બેંકની ડાયરી અને પેન આપ્યાં. એણે યંત્રવત લઈ લીધા. મૅનેજરના ઘરની બહાર આવતાની સાથે જ એણે જોરથી ડાયરી અને પેન ગટરમાં પછાડ્યાં. ગટરના છાંટા ઊડ્યા. એને એકાએક સાયકલ યાદ આવી. પણ ત્યાં કશું ન હતું.

   રાત્રે ઓશિકા પાસે એણે ફાનસ ન મૂક્યું. મૂકવાનું બળ નહોતું. કબાટ ન ખોલ્યો. એનો નિત્યક્રમ ઘીમેધીમે તૂટીને ભંગાર બની જવા લાગ્યો. એણે રજનીને સાફ શબ્દોમાં કહી દીધું છે એની કવિતામાં એક પણ શબ્દ ક્યારેય વધારાનો ન હતો પણ શબ્દો કાઢીને કે શબ્દો ફેરવી તોડીને એની કવિતાનો લયભંગ કોણે કર્યો?

   એ હવે માત્ર પોતાને માટે જ લખતો. લખીને કબાટમાં મૂકી રાખે. ડાયરીનાં પાનાં પર મુકાતા શબ્દોને એ પોતાની ચેતનાના અવકાશ વડે જીવન આપતો. શબ્દો પણ ધીમે ધીમે એની ચેતનાના અવકાશમાં જ શ્વાસ લેવાનું શીખી ગયા. ડાયરીનાં પાનાં ફેરવતાં ફેરવતાં એને ક્યારેક મિજાગરામાં થતા કિચૂડાટ જેવો અવાજ સંભળાતો. ધીમે ધીમે એ અવાજ પણ એને સંભળાતો બંધ થઈ ગયો. રહ્યા માત્ર, નિષ્પલક આંખો જેવા શબ્દો.
[ ખેવના, માર્ચ ૨૦૦૬]


0 comments


Leave comment