8 - હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી / જયેશ ભોગાયતા


   ઈ.સ.૧૯૦૫ના એપ્રિલ મહિનાની ૧૦ મી તારીખે રામશંકર આફ્રિકા જવા માટે સ્ટીમરમાં બેસવા ખૂબ આતુર હતો. એની ઉમર ૨૦ વર્ષની હતી. ગામના એક લખપતિ વેપારી સુંદરલાલ ભગવાનજીએ એને ટિકિટ અને પાસપોર્ટની વ્યવસ્થા કરી આપેલી. યુગાન્ડામાં આવેલી એક સુગરકેન ફેક્ટરીમાં કામ મળી રહે તે માટે સુંદરલાલે રામશંકરને પેઢીના માલિક પર ભલામણ ચિઠ્ઠી પણ લખી આપેલી. રામશંકર પાસે સામાનમાં બે જોડી કપડાં અને એક ટૂંકા ટુવાલ સિવાય કશું નહોતું. માથા પર કાળી ટોપી પહેરેલી તે પણ સુંદરલાલે જ આપેલી. રામશંકરે બે હાથ જોડીને સુંદરલાલ પાસેથી વિદાય માગી. રામશંકરની આંખમાં આફ્રિકા જોવાનું એક સ્વપ્ન નાનપણથી ચમકતું હતું. અત્યારે એ સ્વપ્નનું તેજ રામશંકરના ચહેરા પર વરસતું હતું. સુંદરલાલ રામશંકરના માથે હાથ મૂકીને બોલ્યા: ‘પહોંચીને પત્ર લખજે. ખૂબ પૈસા કમાજે. કમાઈને પાછો ગામ આવી જજે. એક નવી પેઢી માંડીશું.' રામશંકરે પીઠ બતાવી. સુંદરલાલ દરિયાના ઊંડા જળમાં ગતિ કરતી સ્ટીમરને જોતા રહી ગયા.

   સમુદ્રયાત્રા શરૂ થઈ. પ્રવાસ ખાસ્સો લાંબો તો હતો જ. એમાં વળી ઉપર આભ ને નીચે પાણી. શરૂશરૂમાં તો રામશંકરને ઊલટીઓ થવા લાગી. પેટ વમળાતું રહે. પેટમાં કંઈ ટકે જ નહિ. બધું હાલકડોલક. અંધારા આવે. પણ ત્રણ-ચાર દિવસમાં વાતાવરણ એને કોઠે પડવા લાગ્યું. થોડું થોડું ખાઈને આરામ કરતો હતો. પછી તે આરામ કરીને પણ થાકવા લાગ્યો. રામશંકર ડબલ માળની બેડમાં ઉપર બેઠો બેઠો બધું જોતો રહે ને પોતાને પૂછતો રહે છે કરવું શું હવે ? રામશંકરની નીચેની બેડમાં એક ૨૫-૨૬ વર્ષનો યુવાન હતો. એ યુવાન આખો દિવસ ડાયરીમાં કશુંક ને કશુંક લખતો રહેતો ને ક્યારેક લખતા લખતા તે આડો પડે, પલાંઠી વાળે, પગ લંબાવે આવું બેડમાં કર્યા કરતો. રામશંકર આજુબાજુની બીજી બેડમાં સૂતાં, વાતો કરતાં, હસતાં, તો ક્યારેક લાંબા લાંબા બગાસાં ખાતાં પેસેન્જરોને જોયા કરતો.

   એક દિવસ સાંજે રામશંકરે ખૂબ હિંમત ભેગી કરી. નીચે ઊતર્યો. મુઠ્ઠીઓ વાળીને જરા હોઠ કડક કરીને યુવાનને પૂછ્યું: ‘તમે આ આખો દિવસ લખ લખ શું કર્યા કરો છો – મારી હારે વાતો કરો ને ! મને તો બધું ખાવા દોડે છે.'
   રામશંકરનાં વાક્યો સાંભળી યુવાન બેડમાંથી બહાર આવ્યો ને જાણે રામશંકરને ધમકાવતો હોય તેમ કડક અવાજમાં બોલ્યો : ‘હું આ કાંઈ લખ લખ કરતો નથી. મારું નામ તને ખબર છે ? હું હરકાન્ત મલ્હાની. જામ-ખંભાળિયા નગરનો જાણીતો વાર્તાકાર. વાર્તાઓ લખું છું.’

   રામશંકર થોડીવાર માટે તો ચૂપ જ થઈ ગયો. વાર્તાકારને તાકતો જ રહી ગયો. એને મનમાં થયું કે મેં આમને ક્યારેય કેમ જોયો નથી ? જામ-ખંભાળિયાની ગલીએ ગલીમાં હું તો ખૂબ રખડ્યો છું.
   વાર્તાકાર એની બેડમાં બેસી ગયો. ને પોતાના કામમાં પરોવવા લાગ્યો. પણ રામશંકરને ફરી યાદ આવ્યું કે હવે પોતે શું કરશે ! આ તો ગયો એના કામમાં. એને તો ઉપરની બેડમાં પાછા જવું જ નહોતું. પણ વાર્તાકારને એના કામમાં પરોવાતો જોઈને એ મન મારીને ફરી ઉપર ચડ્યો. પોતાની બેડમાં બેઠો. સુંદરલાલે આપેલી કાળી ટોપી હાથમાં લીધી. આમ તેમ ફેરવી. માથે પહેરી લીધી ને પાછી કાઢીને ખૂણામાં મૂકી દીધી. પોતાની બેડમાં આમ તેમ ઘડીક જમણી તરફ ઘડીક ડાબી તરફ માથું ફેરવતો રહ્યો. પણ અચાનક એને શું થયું કે એ નીચે ઊતરીને વાર્તાકારની બેડ પર બેઠો. વાર્તાકારને ફરી ખલેલ પડી. તેથી એ વધુ અકળાયો. તેણે ઊંચા અવાજે રામશંકરને પૂછ્યું :
   ‘નીચે કેમ આવ્યો ? મને શાંતિથી લખવા દે.’

   રામશંકરે જરા નમ્ર અને ભાવુક અવાજે કહ્યું :
   'જુઓ, સાંભળો. આફ્રિકા સુધીનો પ્રવાસ તો આપણે સાથે જ કરવાનો છે. તમે મારાથી અકળાયા છો એ વાત સાચી પણ મારો તો વિચાર કરો. તમે તો લખી લખીને સમયને ખમી ખાવ છો પણ મારે શું કરવું ? આ કાળાં પાણી કેમે કપાતાં નથી !'

   રામશંકરના હૃદયમાંથી નીકળેલા શબ્દોએ વાર્તાકારને જાણે કે ઢંઢોળી નાખ્યો. એને એક ઉપાય સૂઝી આવ્યો. એણે રામશંકરને બેડના છેડા પર જરા દૂર બેસવા કહ્યું, પલાંઠી વાળીને વાર્તાકારે આપેલી સલાહ પ્રમાણેની મુદ્રામાં ગોઠવાઈ ગયો. વાર્તાકારે એની બેગમાંથી એક મોટી ડાયરી કાઢી. રામશંકરને કહ્યું: ‘તને રાજી રાખવા માટે મારી એક વાર્તા વાંચું છું. પણ મારી એક શરત છે કે તારે વચ્ચે કશું બોલવાનું નહીં કે કશું પૂછવાનું નહીં. બસ શાંતિથી વાર્તા સાંભળવાની.’

   રામશંકરે થોડા નારાજ થઈને શરત સ્વીકારતાં માથું હલાવી દીધું. પણ બોલાયું નહિ. વાર્તાકારે પોતાની વાત આગળ લંબાવી.
   ‘ને જો વાર્તાને કોઈ શીર્ષક નથી આપ્યું પણ વાર્તા સાંભળીને તને કંઈ સૂઝી આવે તો બોલજે. મને યોગ્ય લાગશે તો સ્વીકારીશ.'

   આ વાત સાંભળીને રામશંકર તો ખીલી ઊઠ્યો. એ વાર્તાકારને ભેટવા લગભગ લાંબો થવા જતો'તો ત્યાં વાર્તાકારે આડો હાથ કરીને અટકાવ્યો ને જરા ધમકીમાં બોલ્યો :
   ‘આવા ભેટવા - ફેટવાનાં નાટક નહીં.’
   રામશંકરે પોતાના શરીરને પાછું ખેંચીને સરખું કર્યું. ગળામાં જરા ડૂમા જેવું.

    વાર્તાકારે કીટલીમાંથી બે કપ ચા કાઢી. એક કપ રામશંકરને આપ્યો. રામશંકર થોડી વાર પહેલાનો આઘાત ભૂલીને તરત ફરી ખિલી ઊઠ્યો.
   વાર્તાકાર અને શ્રોતા એક બીજાની સામે ગોઠવાયા. બંને વચ્ચેના અવકાશમાં જાણે કે સમુદ્રનો પવન આવ-જા કરતો હતો. સમુદ્રના ખારા ઉસ પવનના સ્વાદ સાથે રામશંકર ચાના ઘૂંટડા લેવા લાગ્યો. વાર્તાકાર એક જ ઝાટકે આખો કપ પી ગયો. રામશંકર તો જોતો જ રહી ગયો. વાર્તાકારે આખી બાંયનું ગંજી અને સફેદ લેંઘો પહેરેલો. ગળામાં સોનાનો જાડો ચેન ને હાથમાં જાડી દેગડા જેવી વીંટીઓ. રામશંકરે તો ટૂંકી બાંયનું ખમીસ ને પાટલૂન પહેરેલાં. વાર્તાકારે વાર્તા વાંચવાની શરૂઆત કરવા માટે ડાયરીમાં નજર નાખી. પણ રામશંકરનો જીવ થોડો ડહોળાતો હતો. એને ઊલટી જેવું લાગવા માંડ્યું. પેટ થોડું વલોવાતું લાગ્યું. ને થોડી જ વારમાં એને ઊલટી થઈ. વાર્તાકાર જરા ગભરાયો. ઊલટીએ વાર્તાકારના બેડની ચાદર બગાડી નાખી. રામશંકર માથું પકડીને બેસી રહ્યો. થોડો સમય આમ જ વીતી ગયો. બંને મૂંગા. અંતે રામશંકર થોડો સ્વસ્થ થઈ ઊભો થયો. વાર્તાકારના બેડની બગડેલી ચાદર ખેંચી લીધી. વાર્તાકાર થોડે દૂર ઊભો ઊભો રામશંકરને જોતો રહ્યો. બધું સાફ કર્યું. ફરી બન્ને બેડ પર સામસામે ગોઠવાયા. વાર્તાકારે વાર્તા વાંચવા માટે આંખથી સમ્મતિ માગી. પણ રામશંકરે જરા ટટાર થઈને ગોઠણ મજબૂત કરી હિંમતભેર વાર્તાકારને પૂછ્યું :
   ‘તમારી બૅગમાં ડાયરી સિવાય કશું છે ખરું? મને હથિયાર જેવું કંઈક દેખાયું તેથી પૂછું છું.’

   વાર્તાકાર જરા સંકોચથી બોલ્યો : ‘હા, એ તો રામપુરી ચાકુ છે. ડરવાનું નહિ. આ વાર્તા તને સંભળાવી દઈશ પછી એ ચાકુને સમુદ્રમાં ફેંકી દેવાની છે. તું જરાપણ ડરતો નહિ. ને જો તને ડર લાગતો હોય તો ચાકુ હું તને આપી દઉં. વાર્તા પૂરી થાય ત્યારે પાછી આપી દેજે.'

   રામશંકરને થયું કે ચાકુ પોતાની પાસે રાખવામાં માલ છે. તેથી તેણે તરત ચાકુ માગી લીધી. વાર્તાકારે એકાદ ફૂટ લાંબી પિત્તળના હાથાવાળી ચાકુ ખોલીને રામશંકરને આપી.
   રામશંકરે જરા બીતાં બીતાં લઈ લીધી. ને બાજુમાં મૂકી દીધી.

   વાર્તાકારને થયું હવે હું વાર્તા વાંચી નાખું નહિતર પછી કંટાળો આવી જશે.
   રામશંકર ચાકુને જરા વધારે પોતાના ગોઠણ નીચે સંતાડતો બેસી રહ્યો.
   વાર્તાકારે વાર્તા વાંચવાની શરૂઆત કરી : વાર્તાનું નામ રાખ્યું –
   ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી.’
૦ ૦ ૦
   ટપાલીએ જયાબેનના હાથમાં ટપાલ મૂકી. ટપાલમાં એક મોટું કવર હતું. જયાબેને ટપાલ સાચવીને પતરાની પેટીમાં મૂકી દીધી. દીકરો સાંજે નિશાળેથી ભણાવીને આવશે ત્યારે વંચાવીશ એવું વિચારી માં સુધી સાડલો ઓઢીને સૂઈ ગયા.

   સાંજે જયાબેનનો દીકરો મનસુખ આવ્યો. જયાબેને દીકરાને ચાના પ્યાલા સાથે ટપાલ આપી. દીકરા મનસુખે ચા પીને ટપાલ ફોડી. પાંચ પાનાંનો લાંબો કાગળ હતો. દીકરો કાગળ વાંચવા લાગ્યો. જયાબેન આતુર આંખે દીકરા સામું જોતાં બેસી રહ્યા.

   દીકરો બોલ્યો : ‘દાદા મરણપથારીએ પડ્યા છે. લાંબુ નહિ જીવે. લખ્યું છે કે આફ્રિકાથી હરકાન્ત મલ્કાનીએ દાદા પર એક ખાનગી કાગળ લખ્યો છે તે દાદાનો જીવ ઊંચો થઈ ગયો છે. તેથી મને બોલાવ્યો છે.’

   જયાબેનની આંખમાં આંસુ આવી ગયા. હરકાન્ત મલ્કાનીએ કાગળમાં શું લખ્યું હશે ? ઊંડા વિચારમાં ડૂબી ગયા.
દીકરા મનસુખે માને ઢંઢોળી. એના પગ પાસે બેસીને પૂછ્યું : ‘મા, આ હરકાન્ત મલ્કાની કોણ છે? એ આપણા સગામાં છે ?'

   જયાબેન કશું બોલ્યા નહિ. દીકરાને માના મૂંગાપણાથી વ્યાધિ થવા લાગી. કાંઈક તો એવું હશે જ એમ માનીને દીકરો પોતાના કામમાં પરોવાયો. માએ સગડી સળગાવી.

   બીજે દિવસે દીકરો મનસુખ વતન જવા નીકળ્યો. જયાબેને દીકરાને શાંત રહેવાની શિખામણ આપી. મનસુખને વતન જતાં બસમાં હરકાન્ત મલ્કાનીના જ વિચારો આવતા હતા. વિચારતાં વિચારતાં મનસુખનું માથું બસની બારીના સળિયા પર ઝૂકી ગયું.

   કંડક્ટરે મનસુખને જગાડ્યો. મનસુખ આંખો ચોળતો ચોળતો નીચે ઊતરી પડ્યો. મનસુખ દાદાના ઘર તરફ ચાલવા લાગ્યો. જેઠ મહિનો પૂરો થવામાં હતો. તેથી વાતાવરણમાં ઉકળાટ અને વરસાદ પહેલાનો સખત બફારો હતો. મનસુખનો વાસો પરસેવાથી ભીનો થઈ ગયો હતો. પરસેવાના રેલા ઊતરતા હતા. પગનાં તળિયાં પણ ભીના થવાથી ચંપલ ચોંટતા હતા. મનસુખ શેરીમાં દાખલ થતાં વેંત જોરથી બૂમ મારવા મોં ખોલવા ગયો પણ તેનું મોં ઊઘડ્યું જ નહિ. સામે જ ગરીબ ગાયની આંખમાંથી આંસુ વહી વહીને મોઢા પર કાળા રેલાના ડાઘ પડી જાય તેવી ડેલી ઊભી હતી. મનસુખે ડેલીની સાંકળ ખખડાવી. લાંબા સમય પછી ડેલી ઉઘડી. મનસુખના સૌથી મોટાકાકા દુર્લભજીકાકાએ ડેલી ઉઘાડી. દુર્લભજીકાકા વાંઢા હતા. કિશોરવયે દરજીની છોકરીને લઈને ભાગી ગયેલા તે લગભગ એક દાયકો પછી ઘેર પાછા આવેલા. દુર્લભજીએ બધાંને સાફ કહી દીધેલું કે એમને કોઈએ કાંઈ પણ પૂછવું નહિ. દુર્લભજી જાણે કે એ દાયકો ભૂલી જ ગયા. પણ ક્યારેક ક્યારેક દુર્લભજી દરજીના મકાન પાસેના ઝાડ નીચે બેસીને ખરી પડેલાં પાંદડાં વીણતાં વીણતાં બબડાટ કરતા ખરા.

   મનસુખના હાથમાં એક સુતરાઉ કાપડની થેલી હતી. રસ્તામાં ખાવા માટે માએ રોટલો અને મરચાં કાગળમાં બાંધી આપેલાં પણ મનસુખ તો ઊંઘી ગયેલો તેથી ખાઈ શકેલો નહિ. મનસુખે થેલી દુર્લભજીકાકાને આપી. કાકાએ થેલીમાંથી પડીકું કાઢીને જોયું તો તેમાં રોટલો અને મરચાં. રોટલો સૂંધ્યો. કાકાને દરજીની દીકરી યાદ આવી હશે કે શું પણ રોટલો અને મરચાં કાગળમાં વીંટીને પાછાં થેલીમાં મૂકી દીધાં. થેલી ખીંટી પર લટકાવીને દુર્લભજી મનસુખને દાદાના ઓરડા બાજુ લઈ ગયા.

   મોટું તોતિંગ ઘર. એમાં બે જ જણ. દાદા અને દુર્લભજીકાકા. દાદી તો ઘણાં વર્ષો પહેલાં સ્વર્ગવાસી થયાં હતાં. દાદાના બે જુવાનજોધ દીકરા રમણીકલાલ અને જયકાન્ત તો ટીબીની બિમારીમાં અકાળે મરી ગયેલા. બંને દીકરાના સંતાનોને એમની મા મોસાળ લઈ ગયેલી તે ક્યારેય પાછી જ ન આવી. મનસુખ દાદાના મોટા દીકરા હરજીવનનો દીકરો હતો. હરજીવન ઘર છોડીને ભાગી ગયો ત્યારથી પાછો નથી આવ્યો. મનસુખ ભણીગણીને માસ્તર થયો. વતનથી દૂર પાનવડ ગામની પ્રાથમિક શાળામાં નોકરી મળી. માને લઈને મનસુખ પાનવડ આવી ગયેલો. મા મનસુખને વિવાહ માટે ખૂબ સમજાવતી પણ મનસુખને વિવાહ કરવાનો ડર લાગતો. મા એનો ડર ભગાડી મૂકવાના પ્રયત્નો કરતી, મનસુખ કોઈ કન્યાને જોતાં જ ઊભો ને ઊભો થાંભલો થઈ જતો.

   દુર્લભજીકાકાએ દાદાના ઓરડામાં ધીમેથી પગ મૂક્યો. મનસુખ પણ ચૂપચાપ અંદર દાખલ થયો. ઓરડો ભેજથી ગંધાતો હતો. મનસુખને આખા શરીરે પરસેવો છૂટેલો તે અંદરથી બધું પચપચતું લાગતું હતું. પાટલૂનની અંદર પહેરેલી ચડ્ડી અને ખમીસ નીચેનું ગંજી કાઢીને નળ નીચે બેસીને નાહી લેવાની તાલાવેલી હતી.

   દુર્લભજીએ મેજ પર પડેલો તાડનો પંખો ઉપાડીને એનાથી દાદાના શરીર પર બણબણતી માખીઓને ઉડાડી. દાદા પવનના ધક્કાથી જાગી ગયા. મોઢું આખું કરચલીઓથી વીંધાઈ ગયું હતું. એક આછા સફેદ ધોતિયામાં દાદાની કાયા ઢંકાયેલી હતી. ગળાનો હૈડિયો ફૂલીને બહાર ઊપસી આવેલો હતો. દુર્લભજીકાકાએ દાદાને થોડું પાણી પીવડાવ્યું. દુર્લભજીકાકા મોટા અવાજે બોલ્યા કે મોટાભાઈનો મનસુખ તમને પાનવડથી મળવા આવ્યો છે. મનસુખ દાદાની નજીક ગયો. દાદાએ મનસુખનો હાથ ઝાલીને પોતાની આંખો પર મૂક્યો. દાદાની સફેદ ભ્રમરના વાળ અને ભીનાં પોપચાં પર મનસુખની આંગળીઓ ફરવા લાગી. પણ કરકરા ખરબચડા સ્પર્શથી બીક લાગી હશે કે શું મનસુખે જોરથી પોતાનો હાથ ખેંચી લીધો. દાદા પોતાનો હાથ હવામાં ફંફોસતા રહ્યા.

   દાદાએ હાથથી ઇશારો કરીને કબાટમાંથી કેટલાક કાગળો કાઢવા માટે દુર્લભજીકાકાને કહ્યું. દુર્લભજીકાકા ઊભા થઈને કબાટ પાસે ગયા. દુર્લભજીકાકાએ મનસુખને ખુરશી પર બેસી જવા ઈશારો કર્યો. દાદાએ બધું અગાઉથી સમજાવી દીધું હશે તે મુજબ દુર્લભજીકાકાએ મનસુખના હાથમાં મિલકતનો દસ્તાવેજ મૂક્યો. એ દાદાનું વસિયતનામું હતું. મનસુખ તો મૂંઝાવા લાગ્યો. દુર્લભજીએ વસિયતનામું આંચકી લીધું. મનસુખને આખું વસિયતનામું સંભળાવી દીધું. દાદાએ એમની બધી મિલકત હરકાન્ત મલ્કાનીના નામે કરી આપેલી. દાદાએ એમની બધી મિલક્ત હરકાન્ત મલ્કાનીના નામે કરી આપેલી જાણી મનસુખના શરીરમાં તો ક્રોધ વ્યાપી ગયો. એના અંગેઅંગમાં અગ્નિ પ્રસરી ગયો. ખાટલા નીચે પડેલો પિત્તળનો મોટો લોટો ઉપાડીને એણે દાદાના કપાળ પર ઝનૂનથી ફેંક્યો. દુર્લભજીકાકા ઝડપથી વચ્ચે આવી ગયા. લોટો એની છાતીમાં ધડામ અથડાયો. કાકા ડીલે મજબૂત તે છાતીની પાંસળીઓ તૂટી નહિ પણ બેભાન થઈ ઢળી પડ્યા. મનસુખ દાદાના ખાટલાને લાત મારીને પોતાની થેલી ઉપાડી ઉપરના ઘરના દાદર ચડવા લાગ્યો. ઉપર પહોંચીને જોયું તો બધા જ ઓરડા બંધ હતા. મોટાં ખંભાતી તાળાં લટકતાં હતાં. મનસુખ અગાસીમાં ચાલવા લાગ્યો. ધૂળ ને પક્ષીઓનાં પીંછાંથી અગાસી અવાવરુ હતી. મનસુખે ઊંચે આકાશ તરફ જોયું. દૂર દૂર કાળાં વાદળાં ઉમટતાં દેખાયા. ફરી નજર અગાશીમાં ફેરવી. પાંદડાં, કાગળ, ધૂળ, પીંછાં, મરેલા પક્ષીઓનાં હાડપિંજરોથી બધું ખદબદતું હતું. મનસુખને થયું કે શું દુર્લભજીકાકા ક્યારેય ઉપર આવતા જ નહીં હોય ? બંધ ઓરડાઓ જોતાં એને કુતૂહલ થયું. એ પાછો નીચે આવ્યો. દુર્લભજી હજુ બેભાન હતા. દાદાને ઝોકું આવી ગયેલું. મનસુખ ત્યાં થોડીવાર ઊભો રહ્યો. એણે હળવેકથી દાદાનો કબાટ ખોલ્યો. અંદર ખૂણામાં પડેલો ચાવીનો ઝૂમખો લઈ સીધો ઉપર ગયો. લાઈનબંધ ચાર ઓરડામાંથી એણે મોટા બારણાંવાળો ઓરડો ખોલ્યો. માંડ માંડ કિચૂડાટ કરતાં ચિંચવાતાં બારણાં ઊઘડ્યાં. મનસુખ ધીમે ડગલે અંદર પ્રવેશ્યો. આખો ઓરડો પુસ્તકોના કબાટથી ભરચક હતો. કબાટો પાસે ગયો. હાથથી કાચ પર વળેલી ધૂળ ખસેડીને અંદર જોયું. અંદર હારબંધ ગોઠવેલાં પુસ્તકો ચૂપચાપ બધું જોતાં ઊભા હોય તેવાં લાગતાં હતાં.

   ઓરડાની વચ્ચોવચ એક ખુરશી પડેલી હતી. ખુરશીના પાયા પાસે તૂટેલા ચશ્મા પડેલા હતા. મનસુખે દીવાલો તરફ ઊંચે ચારે બાજુ નજર ફેરવી. ભગવાનની છબીઓની હાર હતી. મનસુખ વિચારવા લાગ્યો કે આ ચશ્મા કોના હશે ? એ ખુરશીમાં બેસી ગયો. થોડીવારમાં એને ઊંઘ આવી ગઈ. પુસ્તકોની તીણી નજર સિવાય ઉપર નીચે બધું જ શાંત હતું. મનસુખની આંખ ઊઘડી ત્યારે સાંજ પડવાની તૈયાર હતી. એ નીચે જવા ઊભો થયો. પણ જોયું તો બારણું બહારથી બંધ હતું. એણે ચાર-પાંચવાર બારણું જોરથી ખેંચ્યું. પણ બારણું ખુલ્યું નહિ. એ ગભરાઈ ગયો. ખુરશી પાસે ગયો. પણ એ તો દંગ જ રહી ગયો. ખુરશીમાં એક કાળો શૂટ પહેરેલો ઊંચો પહોળો પ્રૌઢ વયનો પુરુષ બેઠેલો હતો. એના હાથમાં એક ચોપડી હતી. ચોપડીનું મથાળું વાંચી શકાતું નહોતું. મનસુખ બીતો બીતો ઊભો રહ્યો. ખુરશીમાં બેઠેલો પુરુષ એને તાકતો હતો. મનસુખ એની દરેક હલચલ પર ચાંપતી નજર રાખતો હતો. મનસુખ હિંમત કરીને પુરુષના હાથને અડ્યો. પુરુષે અનેકવાર હાથ મિલાવ્યો. મનસુખે જરા હસવાનો પ્રયત્ન કર્યો. પુરુષે મનસુખને ખેંચીને ખુરશીના પાયા પાસે બેસાડી દીધો.

   મનસુખે પૂછ્યું: ‘તમે કોણ છો ?'
   પુરુષ બોલ્યોઃ ‘હું હરકાન્ત મલ્કાની છું.'
   મનસુખની તો જીભ જ ચોંટી ગઈ. હરકાન્ત મલ્કાની અહીં ક્યાંથી ? એ તો આફ્રિકા ગયો છે.
   મનસુખે ફરી પૂછ્યું: ‘પણ ના, તમે સાચું બોલો કે કોણ છો ?'
   પુરુષે કહ્યું: ‘સાંભળ, આખી વાત હવે સાંભળ.’
૦ ૦ ૦
   રામશંકરે વાર્તાકારને અટકાવીને કહ્યું : ‘થોડી ચા મળશે ?’ વાર્તાકાર થર્મોસમાંથી ચા કાઢી. રામશંકર એક ઘૂંટડે ચા પી ગયો. રામશંકરે રામપુરી પગ નીચે દાબી રાખી. વાર્તાકારે વાર્તા આગળ વાંચવા માટે ઈશારો કર્યો. રામશંકરે હા પાડી.
૦ ૦ ૦
   પુરુષ બોલ્યો, ‘મારું નામ હરકાન્ત મલ્કાની છે. તારા દાદા ખંભાળિયાના એક વેપારી સાથે આફ્રિકા ભાગી ગયા હતા. ત્યાં ખૂબ કમાયા. સારો એવો પૈસો લઈને દેશમાં પાછા ફરતા ત્યારે સ્ટીમરમાં મારી મુલાકાત થયેલી. ત્યારે હું ૨૫-૨૬ વર્ષનો યુવાન હતો. વાતવાતમાં ખબર પડી કે તારા દાદા એમના વતનમાં જ મોટાં ઘર, વાડી, ખેતર, દુકાન ખરીદવા વિચારે છે. મેં પણ તારા દાદા સાથે મોટી મિલકતો ખરીદવાનું નક્કી કર્યું અને દેશમાં પહોંચીને અમે બંનેએ યોજના મુજબ વતનમાં મોટી મિલક્તો ખરીદી. પણ હું તો એકલો હતો. લગ્ન મારે કરવાં નહોતા. તેથી મોટેભાગે તો હું ઘરમાં એકલો જ રહેતો. નવલકથાઓ વાંચવાનો મને શોખ યુગાન્ડામાંથી થયેલો. સમય કાઢવા માટે ઉત્તમ પ્રકારની નવલકથાઓ વાંચવાનું શરૂ રાખ્યું.

   એક દિવસ તારા કાકા દુર્લભજી મારા ઘેર આવ્યા. અમે થોડીવાર ધંધાપાણીની વાતો કરી. એ ખુરશીમાં બેઠા બેઠા બધું સુંઘતા હતા. અચાનક એણે પાટલૂનના ખિસ્સામાંથી એક રામપુરી કાઢી. રામપુરી એણે મારા પેટમાં હુલાવી દીધી. હું હરકાન્ત મલ્કાની કરોડપતિ જમીન પર ઢળી પડ્યો. દુર્લભજીએ દોડીને બધા કબાટો ફંફોસી નાખ્યા. એમાંથી એણે મિલકતના દસ્તાવેજો શોધી કાઢ્યા. ત્યાં અચાનક મને મળવા માટે બે વ્યક્તિ આવી. મને જમીન પર લોહી નીંગળતી દશામાં જોતાં બંને ડરથી થરથરવા લાગી. દુર્લભજીએ બંનેને ધક્કા મારીને નીચે પછાડી દીધા. એક વ્યક્તિને પગથી કચડી નાખી ને બીજીને ચારપાંચ લાતો મારીને બેભાન કરી નાખી. બંને તરફડતી હતી. દુર્લભજીએ નીચે નમીને બંનેને ખતમ કરી નાખી. મારા મોટા પલંગની ચાદર ખસેડીને અમને ત્રણેયને સાથે સુવડાવીને અમારા પર ઢાંકી દીધી. દુર્લભજી તો મિલકતના કાગળો લઈને નાઠો. એ ગયો ને એની પાછળ બધા કબાટો ધડામ નીચે પડવા લાગ્યા. કાચ તૂટવાના અવાજોથી ઓરડો ધણધણી ઊઠ્યો. થોડીવારમાં તો કબાટમાં મૂકેલી નવલકથાઓ એક પછી એક નીચે પડતું મૂકવા લાગી. થોડીવારમાં તો નવલકથાઓ કીડી-મકોડાના હારની જેમ સડસડાટ અમારા શબ પાસે આવી પહોંચી. કીડી-મકોડા દરમાં પેસે તેમ બધી જ નવલકથાઓ મારા શરીરમાં ઊતરી આવી. નવલકથાનાં પાત્રો મારી નસેનસમાં ફરી વળ્યાં. મારો પુનર્જન્મ થયો. નવલકથાનાં પાત્રોને તો એક માનવશરીરમાં ભલેને મરેલું તો પણ સ્થાનફેર મળવાથી આનંદ થયો. બધાં પાત્રોએ ભેગાં મળીને મને ઊંચકીને ખુરશીમાં બેસાડી દીધો. થોડીવારમાં તો આખું ઘર ચગડોળની જેમ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. દિવાલો, છત, કબાટો, કારપેટ, પેલાં બે શબ, બધું જ વંટોળિયામાં ધૂળ, પાંદડાં ઘૂમરી લે તેમ ઊંચકાઈને બધું જ દોડ્યું બહાર ને આવીને પડ્યું આ તમારા ઘરના ઉપરના ઓરડામાં. જમીનમાંથી નીકળતો લાવા જેમ ધીરેધીરે કરે તેમ બધું કર્યું. એ ઘડીથી હું આ ઓરડામાં છું. પણ હવે તો મારી અંદર મરવા પડેલાં પાત્રો બહાર નીકળવા માથું અફળાવતા રહે છે.

   મનસુખને પુરુષની દયા આવી. એણે પુરુષને પૂછ્યું :
   ‘આ બધાં પાત્રો તમારામાંથી કેવી રીતે બહાર કાઢી શકાય?’
   પુરુષે કહ્યું : ‘એની મને ખબર નથી. તું કોઈ રસ્તો શોધી કાઢ. મારી મુક્તિ કર. તારા કાકાના અપરાધનું પ્રાયશ્ચિત કરી નાખ.'
   મનસુખને શું સૂઝ્યું તે ખુરશી પર બેઠેલા પુરુષનો હાથ જોરથી ખેંચ્યો. પણ એના આશ્ચર્ય વચ્ચે એની નજર સામે ઊધઈએ કોતરી ખાધેલા લાકડાના વ્હેરનો ઢગલો થઈ ગયો. ઢગલામાં ઊંડા ઊંડા છિદ્રો હતાં. મનસુખ ફરી નીચે ગયો. ઓરડામાં પડેલું ફાનસ અને માચીસપેટી લઈને ઉપર આવ્યો. આખા ઓરડામાં કેરોસીન છાંટી દીધું. માચીસ સળગાવી, ને નીચે ફેંકી. કોઈ રાક્ષસના અટ્ટહાસ્ય જેવી આગ ભભૂકવા લાગી. આખો ઓરડો આગની જ્વાળાઓથી કંપવા લાગ્યો. ચોમાસામાં પૂરવેગે વહેતી નદીની ઝડપથી આગ આજુબાજુના ઓરડાઓ તરફ ધસવા લાગી. કોઈ તરસ્યા વટેમાર્ગુની જેમ આગ થોડીવારમાં બધું જ પી ગઈ. આગ મનસુખની પાછળ પાછળ નીચે દાદર ઊતરવા લાગી. દાદાના ઓરડા તરફ લપકી. દાદા, દુર્લભજીકાકા, કબાટ, ખાટલો, લોટો, વસિયતનામું, મનસુખની થેલી ને બધી જ ઘરવખરી આગમાં અદૃશ્ય થવા લાગી. બધું બધું જ બળીને રાખ થઈ ગયું.

   મનસુખે જોયું તો ઘરનું નામોનિશાન ભૂંસતી આગ ઓડકાર ખાતી અજગરની જેમ પડી રહી.
   મનસુખને પોતાની થેલી યાદ આવી. હવે આ રાખના ઢગલામાંથી મળશે ખરી?
   પણ મનસુખના ચહેરા પર આનંદની રેખાઓ હતી. રાત પડવાની શરૂઆત થઈ ગઈ હતી. એકાએક મેઘગર્જનાઓ થવા લાગી. આકાશમાં વાદળાં ઊભરાવા લાગ્યાં. મનસુખે બસસ્ટેશન તરફ જવા પગ ઉપાડ્યા. પણ ત્યાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. મનસુખને થયું કે ઘરમાં બળીને ખાખ થઈ ગયેલાં શરીરોના અસ્થિઓ પર વરસાદનું પાણી ચંદનલેપ જેવી ટાઢક પાથરતું હશે. વર્ષોથી તરસ્યાં પાત્રોએ ધરાઈને પાણી પીધું હશે.

   વરસાદમાં પલળતો પલળતો મનસુખ ધીમે ધીમે બસ સ્ટેશને પહોંચ્યો. આખું બસ સ્ટેશન સાવ ખાલી સૂમસામ. પતરાં પર વરસાદની ધારાઓના માર ઝીંકાતા હતા. મનસુખના ચંપલ તૂટી ગયા. પગ કાદવથી લથબથ હતા. બે-ચાર કૂતરા શરીર સંકોચીને ખૂણામાં પડી રહેલાં. એટલી વારમાં દૂરથી એક માણસ આવતો દેખાયો. કાળો રેઈનકોટ. કાળી હેટ. ઊંચા પહોળા ગળે ફરતા કૉલર, હાથમાં લાકડી. પાણીમાં ચાલતો આવતો હતો પણ અવાજ થતો ન હતો. મનસુખ તો બેસી જ રહ્યો. તેની આંખો તો પેલા માણસ તરફ જ ખેંચાયેલી હતી.

   માણસ સાવ જ પાસે આવી પહોંચ્યો. મનસુખે ઊભા થવાનો પ્રયત્ન કર્યો. માણસે પોતાની હેટ ઉતારી. કોટના બટન ખોલીને અંદરથી એક લાંબી ટૉર્ચ કાઢી. ટૉર્ચનું બટન દબાવીને મનસુખ પર પ્રકાશ ફેંક્યો. મનસુખે પોતાની આંખો પર પડતા પ્રકાશથી બચવા આડા હાથ ધરી દીધા. માણસે મનસુખનો હાથ ખેંચીને કહ્યું :
   ‘મારું નામ હરકાન્ત મલ્કાની છે. મારે આફ્રિકા જવાનું છે. તારે ક્યાં જવાનું છે?’

   મનસુખ તો ધબ કરતો નીચે પડી ગયો.
   છેક સવારે જ્યારે આંખ ઊઘડી ત્યારે જોયું તો આસપાસનો વિસ્તાર જળબંબાકાર. એણે બાજુના બાંકડા પર નજર કરી. ત્યાં એક ટૉર્ચ પડી હતી. સાવ ઝાંખો પીળો પ્રકાશ દેખાતો હતો. ટૉર્ચની નીચે એક કાગળ પડેલો દેખાયો. મનસુખ ઝડપથી ઊઠીને કાગળ લેવા દોડ્યો. કાગળ હાથમાં લીધો. ખોલ્યો. એક વાક્ય લખેલું હતું :
   ‘જેની પાસે ટૉર્ચ છે તે જ અંધકારને ભેદી શકે છે.’

   મનસુખે કાગળ ખિસ્સામાં મૂકી દીધો. એને ચારે બાજુ પાણી સિવાય કંઈ જ દેખાતું ન હતું. એ ફરી બાંકડા પર બેસી ગયો. એ થોડાં થોડાં છાંટા પડતા હતા. એ ઊભો થયો. ટૉર્ચ ઉપાડી લાવ્યો. ફરી બાંકડા પર બેસી ગયો. એણે ટૉર્ચનું બટન દાબ્યું. અચાનક પ્રકાશનો એક લાંબો શેરડો પડ્યો. એ પ્રકાશ જાણે પગદંડી બની ગયો. એના પર એક શિશુ ચાલતું જતું દેખાયું. એનાં પગલાં લાલ લાલ હતાં.

   મનસુખે પછી તો પ્રકાશ સાથે રમવાની આદત પાડી દીધી. મનસુખને આ ઘેરાથી બહાર લઈ જનાર કોઈ જ નથી. એ રાહ જોઈને થાકતો ત્યારે ટૉર્ચનો પ્રકાશ પાણી પર પાડતો રહેતો.

   મનસુખની આંગળી હવે બસ ટોર્ચના બટન પરથી ઊંચી થઈ શકતી જ નથી.
૦ ૦ ૦
   વાર્તાકારે વાર્તા બાજુ પર મૂકી અને એ લાંબો થવા લાગ્યો. સાંજનું અંધારું ઊતરી આવ્યું હતું. રામશંકરે ઊભા થતાં વાર્તાકારને કહ્યું: ‘મને તો તમારી વાર્તાએ ભુલાવામાં નાખી દીધો. બધું રહસ્યમય લાગે છે. આ વાર્તાનો છેડો પકડી શક્તો નથી. પણ એટલું સમજ્યો કે મિલકત માટે માણસ કેવો બની જાય છે, નહીં?’

   વાર્તાકાર બોલ્યો : ‘હવે તું તારી પથારીમાં જતો રહે. મારે ઊંઘવું છે.'
   રામશંકર બોલ્યો : ‘તમે તો મારી ઊંઘ જ બગાડી નાખી. એક વિનંતી કરું ? આ રામપુરી મને ગમી ગઈ છે. હું રાખી લઉં?’
   ‘રાખી લે.’ વાર્તાકાર તાડૂક્યો.

   રાત્રે મોડે સુધી રામશંકર જાગતો પડ્યો રહ્યો. ઓશીકા નીચે પડેલી રામપુરીથી એને થોડી રાહત મળતી હતી.
   સવાર પડી. એ સુસ્તી ઉડાડવા ટી ટેબલ પર જવા નીચે ઊતર્યો. એણે જોયું તો વાર્તાકારનો પલંગ ખાલી હતો. એણે જોયું કે વાર્તાકારની બેગ કે એની બીજી કોઈ વસ્તુ ત્યાં નહોતી. એ દોડ્યો. ચારેબાજુ ફરી વળ્યો. એ ઉપર ડેક પર આવ્યો. એણે સમુદ્રને જોયો. એને વાર્તાકાર ક્યાંય દેખાયો જ નહિ. એનું મગજ ભમી ગયું હતું. એણે ખૂબ શોધ કરી. પણ બધું નકામું. રામશંકર થાકીને પોતાની પથારી પર પાછો આવીને બેસી ગયો. રામશંકરે ઓશીકા નીચેથી રામપુરી કાઢીને જોઈ. એ બરાબર હતી. પાછી મૂકી દીધી. અંધારું થવા આવ્યું. રાત પડી. એણે ઊંઘી જવાનો નિર્ણય કર્યો. પણ એ ઓઢીને ઊંઘે તે પહેલાં દૂરથી એક માણસ પોતાની ડાયરી લઈને રામશંકરની પથારી પાસે આવ્યો. એણે રામશંકરનો હાથ ખેંચીને નીચે પાડી દીધો. રામશંકર ધ્રુજવા લાગ્યો. કોણ છો ?’ એવી બૂમ પાડી. રામશંકરને દેખાયું તો એ વાર્તાકાર હતો. વાર્તાકારે રામશંકરના ઓશીકા નીચે પડેલી રામપુરી ખેંચી લીધી. રામશંકરનું ગળું દબાવીને તેને પેટમાં હુલાવી દેવા માટે જોર એકઠું કર્યું. પણ રામશંકરે એક જોરથી લાત મારી એના પેટમાં. વાર્તાકાર નીચે પડી ગયો ને રામપુરી હાથમાંથી દૂર પડી ગઈ. રામશંકરે દોડીને રામપુરી ઊંચકી લીધી. ને તાકાતથી રામપુરી વાર્તાકારના પેટમાં ખોસી દીધી. વાર્તાકારે કારમી ઊંડી પડઘાતી ચીસ પાડી. ચીસ સાંભળી બધાં દોડતાં આવી ગયાં. વાર્તાકાર પેટ દબાવતો ઊભો થયો. લોહી વહેતું જતું હતું. અંતે ચક્કર ખાતો પોતાની પથારીમાં ફસડાઈ પડ્યો. રામશંકરના હાથમાં લોહીથી ભીની રામપુરી હતી. રામશંકરને લાગ્યું કે એની અને વાર્તાકારની વચ્ચે એક સમુદ્ર ખળભળી રહ્યો છે. એના માથામાં વલોણાં ફરવા લાગ્યાં.

   સિક્યોરિટી ગાર્ડે રામશંકરને પકડી લીધો.
   રામશંકરને એક બંધ ઓરડીમાં પૂરી દીધો.
   રામશંકરનો કેસ ક્યાં ચલાવવો તે મૂંઝવણ હતી. તેથી એને આફ્રિકા લઈ ગયા સિવાય કોઈ ઉપાય ન હતો. એને ઓરડીમાં સવારસાંજ ખાવાનું મળતું. રામશંકરના મગજની નસો ફૂલવા લાગી. એ સાવ સૂનમૂન બનવા લાગ્યો. એ માથું પકડીને બેસી રહેતો. સતત અંદર પૂછતો રહેતો કે આ કેદમાં કેમ જિવાશે ? દાઢી વધવા લાગી. વાળ જિંથરા થવા લાગ્યા. ભિખારી જેવી હાલતમાં રામશંકર આફ્રિકા આવવાની રાહ જોતો રહ્યો.

   અંતે, રામશંકરે યુગાન્ડાની ધરતી પર પગ મૂક્યો. પણ એને જરા પણ આનંદ ન હતો. એને એના શેઠ સુંદરલાલ યાદ આવી ગયા. એ ખૂબ રોયો. એના હાથ દોરડાથી બાંધેલા હતા.

   બે-ત્રણ દિવસ પછી રામશંકરનો કેસ શરૂ કર્યો. રામશંકરે પોતાનો વકીલ રાખવાની ના પાડી. એણે ન્યાયાધીશ આગળ પોતાનો ગુનો કબૂલી લીધો. કોર્ટે એને આજીવન કારાવાસની સજા ફરમાવી. આ સજા એને યુગાન્ડાની જેલમાં કાપવાની હતી.

   બાવીસ વરસનો રામશંકર જેલમાં ગયો. મહેનત કરી ખૂબ કમાણી કરવાની એની ઇચ્છાનો કરુણ અંત આવ્યો. એને થયું કે વાર્તાકારે મારા જીવનને બરબાદ કરી નાખ્યું.

   જેલની એક અંધારી કોટડીમાં એણે પોતાની સજા ભોગવવાની શરૂઆત કરી.
   સ્ટીમરમાં પાણી અને આકાશ હતા. અહીં અંધકાર.
   આ કેદમાંથી છૂટીને ક્યાં જવાશે ?
   એને અચાનક વાર્તાકાર યાદ આવ્યો.
   એણે નક્કી કર્યું કે કેદમાંથી છૂટવાનો પોતાના માટે એક જ રસ્તો છે વાર્તા લખવાનો.

   રામશંકરે વાર્તા લખવા માટે જેલર પાસે કાગળ અને પેન્સિલ માગ્યા. જેલર સારા સ્વભાવનો હતો. એણે રામશંકરની માગણી સંતોષી.
   રામશંકર તો રાજી થઈ ગયો.

   એને વાર્તાકારની રામપુરી યાદ આવી. એને થયું કે રામપુરી વિના કેવી રીતે લખીશ? એણે પેન્સિલ છોલવા માટે જેલર પાસે નાની ચપ્પુ માગી. જેલરે માગણી સંતોષી.
   રામશંકર રાજી થઈ ગયો.

   ચપ્પુ ખાસ ધારદાર નહોતું. એથી રામશંકર એને ઘસી ઘસીને ધાર કાઢતો. ચપ્પુ થોડે દૂર મૂકીને એણે વાર્તા લખવાની શરૂઆત કરી. દિવસના અજવાળામાં એ ઝડપથી લખવા લાગ્યો. એક પછી એક કાગળ પર પેન્સિલ શબ્દો મૂકવા લાગી. દિવસો દોડવા લાગ્યા. કાગળ ને પેન્સિલનો જથ્થો એને મળ્યા કરતો. દિવસો ક્યાં જવા લાગ્યા કે એ પણ હવે રામશંકરને યાદ ન રહેતું હતું.

   એક દિવસ મોડે સુધી રામશંકર જાગ્યો નહિ. સિપાહીએ જેલરને વાત કરી. જેલર દરવાજો ખોલી અંદર ગયો. પછી એણે રામશંકરને ઢંઢોળ્યો. રામશંકર મરી ગયો હતો.

   જેલરે કાયદાકાનૂન મુજબ એની અંતિમ વિધિ કરાવી.
   રામશંકરનો બધો સામાન-વાર્તાઓ સહિતનો- સુંદરલાલને સરનામે પાર્સલમાં મોકલી આપ્યો. પાર્સલમાં રામશંકરની ટોપી, પિત્તળનો નાનો લોટો, ધાબળો, બે જોડ કપડા, વાર્તાઓ, બુઠ્ઠી ચપ્પુ, પાસપોર્ટ અને જેલરનો લાંબો કાગળ.

   અઢી મહિને સુંદરલાલને પાર્સલ મળ્યું એ તો બધું જોઈને હેબતાઈ ગયો. જેલરનો કાગળ વાંચીને સુંદરલાલ રડવા લાગ્યો. રામશંકરના જીવનમાં આ બધું શું બની ગયું?

   એક દિવસ સાંજે સુંદરલાલ મિત્ર જીવણની પાસે ગયો. જીવણ ‘ચેતમછંદર' છાપાનો ફેરિયો હતો. સુંદરલાલે દુઃખી અવાજે રામશંકરની વાત સંભળાવી. જીવણ પણ સાંભળીને નરમ પડી ગયો. સુંદરલાલને રામશંકરની વાર્તાઓની વાત કરવી હતી. એણે જીવણને કહ્યું: ‘જીવણ, તું એક કામ કરને. તારા શેઠને રામશંકરની આ વાર્તાઓ છાપવાનું કહેજે ને દોસ્ત, ‘ચેતમછંદર’માં રામશંકરની વાર્તાઓ આવશે તો મને સારું લાગશે. રામશંકરનો આત્મા પણ રાજી થશે.’

   જીવણે પોતાના શેઠને વાત કરી. શેઠે બધું સાંભળીને વાર્તાઓ માંગી. જીવણે આપી.
   ત્રણ દિવસ પછી રવિવારની પૂર્તિમાં રામશંકરની વાર્તા પ્રકાશિત કરી. તેનું શીર્ષક હતું : ‘મારે આફ્રિકા જવું નથી.'

   આખું ખંભાળિયા ગામ રામશંકરને યાદ કરતું એક પછી એક વાર્તાઓ વાંચવા લાગ્યું. દુકાનને ઓટલે બેઠા બેઠા લોકો તો રામશંકરની વાર્તાઓ વાંચે છે, વાંચી શકતા નથી તેને બીજા સંભળાવે છે. આમ આખું ખંભાળિયા રામશંકરની વાર્તાઓમાં ગળાડૂબ બની ગયું.

   આજે પણ ખંભાળિયામાં રામશંકરની વાર્તાઓ હોંશે હોંશે વંચાય છે. રામશંકર દંતકથા બનીને ખંભાળિયા ગામમાં દુકાને દુકાને શેરીએ શેરીએ ઓટલે ઓટલે ફરતો રહે છે.

   રામશંકર પર અનેક દંતકથાનાં આવરણો વીંટળાતાં રહે છે.
   ખંભાળિયા ગામના આ અમર વાર્તાકારનું નામ દરિયો ઓળંગી આફ્રિકા ન જાય તેની કાળજી રાખવા માટે રામશંકરનો આત્મા હજુ જાગતો ફરે છે.
૦ ૦ ૦
[ સન્ધિ, જાન્યુઆરી-માર્ચ ૨૦૧૦]


0 comments


Leave comment