9 - સ્વપ્ન-દુઃસ્વપ્ન / જયેશ ભોગાયતા


   વર્ગ પૂરો થાય એ પછી કિરણ, સેજલ, વિપિન, નીતિન, સંજના બધાં મારી રૂમમાં બેસે. સાહિત્ય, ચિત્રકળા, સિનેમા, શિક્ષણ જેવા વિષયોની ચર્ચા થાય. આજે સેજલે કહેલું, ‘સર, કોઈ પ્રયોગશીલ ટૂંકીવાર્તા વાંચોને !’ મેં કહ્યું, ‘આવતીકાલે વાંચીશું. મારાં આ બધાં વિદ્યાર્થીઓ એમ.એ.ના વર્ગમાં અભ્યાસ કરે છે. તેઓ ટૂંકીવાર્તાનું સ્વરૂપ અભ્યાસક્રમમાં ભણે છે. વર્ગમાં વિશ્વની ઉત્તમ વાર્તાઓના નમૂનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ કરીએ છીએ. કેટલીક પ્રયોગશીલ વાર્તાઓ પણ અમે વાંચી પણ છે. આજે સેજલે પ્રસ્તાવ મૂક્યો તેથી મને તો ખૂબ જ આનંદ થયો. પણ વિપિન અને સંજનાએ જરા અણગમાનો ભાવ બતાવ્યો ખરો પણ સ્પષ્ટપણે કશું બોલ્યાં નહિ.

   બીજે દિવસે બધાં મારી સામે ગોળાકારમાં ગોઠવાઈ ગયાં. મેં થોડી સ્પષ્ટતા કરી. વાર્તાકારે ડાયરીની નોંધો વડે વાર્તા રજૂ કરી છે. એ નોંધોમાં કાવ્યો, ગદ્યખંડો, ચિંતનાત્મક વાક્યો અને અધૂરી વાર્તાઓના અંશો છે. નોંધોમાંથી પસાર થતાં તમને કેવો અનુભવ થાય છે તેની ખાસ નોંધ કરશો. પણ મુખ્ય પ્રશ્ન તો એ જ થવાની સંભાવના છે કે આ રચનાને વાર્તા કહી શકાય કે નહીં. હા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે નોંધોને એક સૂત્રે બાંધનાર કોઈ કથનતંતુ છે ખરો કે નહીં. ડાયરીની પહેલી નોંધ તા. ૧૨-૧-૭રની છે અને અંતિમ નોંધ તા. ૮-૩-૮૬ની છે. આશરે ૧૫ વર્ષનો સમયગાળો છે. મેં પૂછ્યું કે વાર્તા વાંચુ ? બધાએ આંખોથી સમ્મતિ આપી.

૧૨-૧-૭૨
નમતી સંધ્યા
રતાશ ગરકતી
તવ નયને કાળાશ ઢળતી,
આ તિમિરે વદનને પાસે કેમ લેવું?
ઊલટી પડે છાયા જગ-દર્પણે.
પૂર્ણિમાએ ઊગશે મિલન-ચંદ્રિકા
તવ સાથ ગૂંથાશે મારી વદનિકા.

૨૬-૨-૭ર
ભૂમિ રેતી સમી લીસી નાની કાંકરી,
ગ્રીષ્મે ધખતી અતિ,
ક્રોધી આકરી.
ધીમે ડગ માંડતાં ન કોઈ ખચકાય
દોડતાં લચકાય,
વંટોળિયો આવતા ઊડી આંધીમાં
પડતી ઘસાતી જશે સાગરે
પ્રલયે !

૧૬-૫-૭ર
તમે પથરાયા ચાંદની થૈ
મારાં હૈયા-પથ્થરે
ઉર-શ્વેત પગલીની થૈ ઝાંઝરી,
મૌનથી રણઝણે !

૨૩-૫-૭ર
જીવન છે એક ઝાકળથી છવાયેલ વન્યવાટ જેવું,
ઝાકળ જાણે સાગર જેવી ભાસે,
દૂરથી ના સૂઝે એકેય વાટ વા વૃક્ષકુળ
છતાં માંહી જતાં
બિંદુને લૂછતાં
રવિ જ્યમ ઉષાકાલે સ્વદગે સમાવે નિશા તિમિરને
તેમ બધું તેજવત્ લાગે.

નજરનાવ આગળ હંકારતા
પાછળ ભાસે એક કરોળિયાની જાળે
મોતીના આસોપાલવ લહેરાતા !

૨૬-પ-૭ર
પવનની મિત્રતા મોંજાને કેવી વસમી પડી ! બસ કિનારા સાથે અથડાયા કરવું!

૨૧-૭-૭ર
નામની ભેટ મળી,
જાણે પાસે એક પંખી ટહુકી ઊડી ગયું ગીત એક ગાઈને,
પણ પંખીના ઊડવાના વેગથી ખરેલ પીંછાનો ભાર
કેટલો ભારે !

૨૦-૮-૭ર
મોરની વેદનાના પડઘા ઝીલે જાણે આભની કંદરાઓ,
પડઘાના પ્રતિ પડઘામાં ઝૂરતું જોઉં રૂપ વર્ષાનું,
વેદનાના મિલને ઊગ્યું રૂપ તે લીલું ધાન્ય
કેકા અને ગર્જના વચ્ચે અંકાતું મેઘધનુષ !

૧૭-૯-૭ર
હૈયાની સળગતી જ્યોતને મેં તારા પત્રમાં ફૂલની જેમ
હસાવી છે.
તું તારા હોઠ જરા બંધ કરી દે ને આંખો ઉઘાડ,
તારી સામે આ ફૂલ હસે છે મારા પત્રનું !
તું હવા બની ઊડી જા પરીના દેશમાં,
હું તારી કેટલો નજીક શ્વાસ બનીને ધબકું.

૧૧-૧૦-૭ર
હે મારી ચેતના,
હું અહીં કેટલો કોઈ અગમ્ય એવા શોકથી નિરાશ છું,
આ આટઆટલાં સંબંધો અને વ્યવહારોની કહેવાતી
સુંવાળપમાં મારા અસ્તિત્વને બચાવી શક્તો નથી.
આકાશના તારાઓના ઉજાસમાં મારી આંખના ખૂણે
સુપ્ત રહેલી સ્વપ્નની નાવ જ્યાં હલેસા વિના દરિયા
વચ્ચે ડૂબવાની ભીતિમાં છે. આંસુની ધારમાં કેટલાં બધાં
નામ વરસે છે ! એક વહેતી સુગંધમાં ભળી જતી બીજી
સુગંધનું હવા પૃથક્કરણ કરવાનું જાણતી નથી.
આંખના વિસ્તારમાં
હોઠનું સ્મિત અનાથ જેમ ઝિલાયા વિના રખડ્યા કરે,
નાવ તો શું હું એકલો તરી જઈશ દરિયાઓ અને ડૂબી જઈશ
અસ્તિત્વના મહાસાગરમાં !
ડાળીએથી જોરથી ફૂલ ખરી જવાનો અવાજ મારા
કાનમાં પડે કે
હું દોડું છું બગીચાઓમાં ને જોઉં તો કેશબંધનમાં
ભીંસાતા
ગુલાબની આંખમાં ગૂંથાતો જાય ખરબચડો અવાજ.
કાંટાઓ વચ્ચે જીવંત ગુલાબને કેશગૂંફનમાં સડતું જોઉં.
તને શણગારવાનો ઈન્કાર કરું છું,
તારા હોઠ અને આંખના સાયુજ્યથી મારાં ખીલી ઊઠેલ
હૃદય-કુસુમને
તું સાંજના રંગમાં પલળાતી નહિ.

પાણીની ચારેબાજુ પાળ બાંધીને સરોવર એવું નામ
આપવાનો શો અર્થ ?
હંસને તો શેવાળમાં જ ડુબાવી દીધો.
હે મારી ચેતનાના ઊંડાણમાંથી જન્મેલાં પુષ્પ,
તું પાનખર અને વસંતનો ભેદ કરીશ નહીં !

૧૪-૧૦-૭૨
સુગંધ વગરના પ્રદેશમાં
પવન જેવી દશાવાળા મારા મનને એકાએક મળ્યું છે એક પુષ્પ,
ઊગીને ખરી પડતાં પાંદડાનાં અસ્તિત્વ જેવા આપણાં સંબંધને
વસંતના રંગોમાં નહિ ઝબોળું, પાનખરમાં જોવો છે
ફૂલોનો રંગ.

૧-૧-૭૩
નીંદર ઊડે ત્યાં શેરીમાં ખખડે છે તડકો
કોઈ જીર્ણ શુષ્ક વૃક્ષમાં પંખીના પ્રવેશ જેવો,
દર્પણમાં ચહેરો નીરખું તો
આંખમાંથી તૂટેલા કોઈ સ્વપ્નનો નીતરે છે રંગ,
હથેળીની શૂન્ય રેખાઓ કોઈના અધૂરા સાથના
આઘાતમાં
ઝંખે છે નવો વળાંક,
પરાણે વાસી દીધેલાં મૌનના બારણાં પાછળ બંધ
છીપના જેવું ગીત,
આંખોમાં હજુ થોડું અંધારું છે,
તું પહેલીવાર બારણાંમાં પ્રવેશેલી એ સવાર તો
આથમી જ ગઈ છે !

૨૦-૧-૭૩
સામે ઊભું નગર હાથમાં ખાલી વાડકો પકડીને,
સવારના આછાં વસ્ત્ર નીચે દેખાતી તેની જીર્ણતાને
ઢાંકવા માટે આ ઊંચા ઊંચા મકાનોના પડછાયાઓ
કેટલા ઝૂકી પડ્યા છે નીચે
એકતાનો સૂર લઈને.

૨૯-૧-૭૩
નળિયા જાણે ચૂવે છે જૂઈની સુગંધ !
લીમડો એકલો ચંદ્રને ડાળીએ ટેકવી સૂકાં પાંદડાઓમાં
જાણે મૉરની મ્હેક,
જોશીલો પવન અચાનક મારું બારણું ખોલી દે કે
ઓલવાઈ જાય છે દીવો ને નજરપંખી ઊડીને બેસે છે
લીમડા પર. તું જો આંખ ઉઘાડે તો સવારના તડકામાં
જોઈ શકે
મારા આથમતા પડછાયાઓ. તું વનોમાં હવાની ગતિએ
જાણે કે
ફેલાતી જાય છે ને હું તારા સૂરોને ગૂંજતા સાંભળ્યા કરું
બંધ આંખે.

૩૦-૧-૭૩
અંધારે સૂરજના અજવાળે ઓગળી જવાના ડરથી મારી
આખોમાં સંતાઈ
ગયું છે એક અનુભૂતિ થઈને,
દિવસની તપતી પળોમાં મારી આંખોને વિશ્રામ મળે છે
આ અંધારામાં
પલળવાથી. કદાચ તેજસ્વી સ્મિતમાં આંખને હવે
ક્યારેય મોકળાશ મળતી નથી આપોઆપ ભીના થવાની.

૧૪-૨-૭૩
ચંદ્ર તરફ જોઉં તો આંસુ સુકાય છે, સૂર્યના તાપમાં ન સુકાય એ ભીતિ એ ! કાચને કચડવો કેમ ? આ ઉઘાડા પગથી દિવાલને ધક્કા મારું.

૧૫-૪-૭૩
આકાશમાં એકબીજાની હૂંફ લઈને વાદળાંઓ પવનની પછેડી ઓઢીને ચંદ્રની રાહ જુએ છે. અમાસ છે એવું ભૂલી જઈને બીડાયેલાં પોયણાં ડોલી ઊઠ્યાં ! પરોઢે સૂર્યની હૂંફ લઈને વાદળાંઓ નીતરી રહ્યાં. સવારે અમાસ જેવું અંધારું ! ક્ષિતિજની છીપમાંથી બહાર આવેલો સૂર્ય પણ ગોટવાયો.

૧-૫-૭૪
ઘરના એક ખૂણામાં વાસી ફૂલોનો ઢગલો છે. હેંગરમાં લટકતા મારા ખમીસને હવા બાથ ભીડે છે. આડા ઊભા સળિયા વચ્ચે માથું ઊંચું કરતો ચંદ્ર તામ્ર વર્ણનો ! તને કેટલા બધા પત્રો લખ્યા છે તોયે તેં નદી જેવા મારા નામને રોકી રાખ્યું છે. તારી સાથેનો આ વાર્તાલાપ કોઈ ત્રીજું નહિ સાંભળે ! રસ્તાની ભીની ગંધનું ઘેન લઈને લથડતી રાત. તું તામ્રવર્ણી ચાંદની, મારા અંગ પર સરકતી સ્વપ્નમાં ઓગળી જાય છે.

૨-૫-૭૪
પગમાં થોડી થોડી ધૂળ ચચરે છે. આકાશ રાતે પણ તપે છે. લાંબી ટ્રેન ચાલ્યા ગયા પછી સામે ઊભેલા અપરિચિતો જેવા દિવસો ઊગે છે, આથમે છે. હવે હાથ ઝાડની બખોલમાંના માળાને છોડી ઊડી ગયેલા પંખીના આઘાત જેવો ક્યાંય લંબાતો નથી. પણ સાવ એવું નથી કે એક જ આધાર પર જીવી શકાય. ધારું તો તને ભૂલી જવા માટે એક સિગારેટની ફૂંક કે સાંજે રખડતા રખડતા થાકીને તને ભૂલી જાઉં ! તું પ્રાણવાયુતો નથી ને ! ને જો હો તો પણ પ્રાણવાયુ વિના જીવવાનું તેં જ શિખવાડ્યું છે.

૧૦-પ-૭૪
પંખી ઈંડાના કોચલાને તોડીને બહાર આવ્યું. પોષણ આપનારનું સુરક્ષિત કવચ તોડીને બહાર આવેલ પંખી સામે આકાશ આવે છે. તેનો આવકાર કરે છે. કોચલું ટહુકો સાંભળી શકતું નથી પણ પંખીના ઊડવાના એક પ્રયાસનો રોમાંચ પામી આખરી રજ રજ થઈ ગયું છે. ત્યાર પછી પંખીને દીવાલ જેવી કોઈ વસ્તુનો અનુભવ થતો નથી.

૩૦-૬-૭૪
સાંજે પીળો તડકો પથરાતો જતો હતો. હું તને લીલા ઘાસની સળીની જેમ જોઉં છું, એવું તું વારે વારે રસ્તામાં બોલ્યા કરતી. સૂરજ ડૂબી ગયો. ઉપર તરે અંધકાર. રાત સૂમસામ બનીને પાંપણ પર બેસતી ત્યારે દૂર વહેતી નદીનો અવાજ કાને પડતો. તું સુગંધથી મને આવરે. આખરે પાંદડું ખર્યું. ૨

૨૫-૭-૭૪
મારી બાજુમાં એક ઘર છે. સાંજે ત્યાં બારણું ખૂલવાનો અવાજ ખૂબ ચાલીને થાકી ગયેલા પગરખામાંથી બહાર આવતા પગની મુક્તિ જેવો ! હું ત્યાં આવકાર વગર જાઉં છું, તો યે તે પોતાના કામમાં વ્યસ્ત રહે. હું મારી મેળે જ્યાંથી ગાડીના પાટા દેખાય છે એ બારીના ટેકે બેસું. તે પોતાને માથે પાણી છાંટે છે. ફાટી ગયેલા ખમીસવાળા હાથે તે કોળિયો લે છે ત્યારે મને પાટાઓ જોવા ગમે છે. કશીક શોધ પછી તે એક પુસ્તક ઉઘાડે છે.
એક ફોટોગ્રાફ કાઢીને રડી પડે છે. મને દૂરથી આવતી ગાડીનો અવાજ ગમે છે. ફોટોગ્રાફ હાથમાં રાખી તે બારી તરફ જોવા નજર ઊંચી કરે છે ત્યારે બારીના સળિયાઓ સિવાય કશું હોતું નથી. ગાડી ચાલ્યા ગયા પછી તેને મારી ગેરહાજરી વરતાય છે, તે હાથથી મને ફંફોસે છે. તેને જડી ગયો છું એવું સમજી હસે છે ત્યાં તો મારું ઘર મને શોધવા તેના ઘરના ઉંબરે ઊભે કે બધું જ ધરાશયી, ધરતીકંપ. એક ઘર અને એક માણસ સાવ બનાવટી પાટા અને ગાડી અને એક દિવસ અને રાતનો અંત તે કાલે ક્યાં જઈશું? એવો નઠારો સવાલ જાગે તે પહેલાં ત્યાં ઘર, માણસ, પાટા અને ગાડીનો અવાજ નોકરની જેમ હાજર આમ સૂરજ આથમે તે ઘડીએ. સવારનું કાળું મોં ખૂલે તે પહેલાં તો ખડિંગ ખડિંગ ડબ્બાઓ દોડે ને ઓળંગવા મથું સાત સાગર જેવા પાટાઓ.

૩૦-૮-૭૪
તારો હાથ મને ફૂલને ડાળી ઝાલે તેમ મળેલો પણ પાંચ આંગળી વચ્ચેથી નીતરી ગયો તારો હાથ સાંજ પડે એટલે આકાશ પણ તારાઓને અંધકારની આંગળીઓથી પંપાળે છે. તૂટેલી બારીમાંથી નિષ્પર્ણ વૃક્ષ જેવી રાતની આંખ મને તાક્યા કરે. થડકારાથી ધ્રૂજે બારી.

૧૩-૯-૭૪
પવન થોડો જિદ્દી હતો. ઊંડા કૂવાના તળિયે નિરાતે બેઠું છે આકાશનું જળ. જળમાં પીગળી ગયું તેની આંખોનું જળ. દૂરના ઘરમાંથી બહાર ફેંકાતો પ્રકાશ આસપાસના બચી ગયેલા અંધકારને ગળી જવા આમતેમ ફરતા ઘરના લોકોની જેમ ફરતો હતો. વૃક્ષોનો ત્રાસ પણ પાંદડાઓને જેવો તેવો નથી. ક્યાંક પીળા ડાઘ જોયા નથી કે ડાળીઓ તો માડે ફંગોળવા ને એવું લાગે કે છાયા ગ્રૂજે છે કે પાંદડાઓનું ઘેરું મૌન ! વળાંક પાસે આવીને જોયું તો આખો રસ્તો પાંદડાઓથી ઢંકાઈ ગયો હતો જ્યાં થોડીવાર પહેલાં મારાં પગલાં હતાં. નિષ્પર્ણ બનીને વૃક્ષ ડાળીઓને હળવી કરે છે. ઘરમાં પ્રવેશતાંની સાથે જ નદીમાં પથ્થર પડતાંની સાથે જ ડૂબી જાય તેમ ડૂબી જાઉં છું. સણકા જેવો સવાલ ઊઠે છે : ઓરડો અને જૂના પત્રો મને ક્યાં સુધી આમ પકડી રાખશે?

૩૦-૧૦-૭૪
કાંઠા પર જળ છીછરા છે. મને રેતીમાં લંબાઈને આકાશ નિરખવાની ઘેલછા થાય એટલો મારો હાથ પવનમાં તરબોળ છે. સતત વહેતા જળને થાક લાગે ત્યારે મારા હાથ હોડી બનીને જળને દૂર દૂર નવો વળાંક આપીને છોડી મૂકે છે. નિરાંત છે. આંખમાં આકાશના તારાઓ, ચાંદની અને સવાર છે. બપોરનો તડકો પણ પરસેવાના ટીપાંઓમાં ઠરતો ત્યારે કાન પાસેના વાંકળિયા વાળ ફરફરતા ગલી કરે છે. બૂમ પાડી ઊઠું એટલી એક તીવ્ર સુગંધ સ્પર્શી ગઈ. મને કશાની શોધ નથી. પોતાની મેળે જ પાંદડીઓ ઊઘડે એવી ક્ષણોનું રંગબેરંગી ફૂલ મારા હૃદયમાંથી ઊઘડ્યું. એવું થાય છે લાવ દરિયો, નદી, ઝરણું કે ટીપું જેનું મળે તેનું જળ પહેરીને ચાલી નીકળું યાત્રાએ !

૩-૧૧-૭૪
તને આંખથી જોવા ગમે તેવા પાટાઓ અહીં દૂર સુધી પથરાયેલા છે. અંધકારની આંખને કિરણ કણું બનીને ખૂંચે છે. સાંજ પડે ને પવન એટલો બધો પાગલ બની જાય કે તળાવના પાણીમાં ઝંપલાવી દે છે.

૭-૧૧-૭૪
બારીના ટેકે ઊભો છું. વરસાદમાં પલળવું ગમે તેવું આકાશ શાંત છે. તારી આંખો પર મારી હથેળીની કુમાશ અડે એટલો નિકટ આવું ત્યાં તો વાદળાંઓ તૂટી પડે. શબ્દમાંથી છટકીને હળવે હળવે ધ્રૂજતા પર્ણ જેવી તું મારા પદરવને સાંભળે છે ! તારી આંગળીઓમાંથી વહે કલકલ ધ્વનિ, મારું શિર તારા કાન પાસે મૂકું એવામાં લીલા ઘાસની સળી હાલી ઊઠી. લીલા ઘાસના આવરણમાં ડૂબી ગયો છું. તને એવું શું ઘેલું કે નદીમાં ડૂબવા જતી રહી !
બારીના ટેકે ઊભો છું. ત્યાં ઊભો છે શાંત અસીમ તડકો.

૧૭-૧૧-૭૪
હજુ અંધારું છે. આંખ ખોલવાની મરજી થતી નથી. કિનારે આવીને રેતીમાં પલળતા મોજાંને ક્યાં સુધી ગણતો રહીશ તારા નામની જેમ. રસ્તા પર ખરી પડેલાં પાંદડાઓનો ખખડાટ ખૂબ માણું છું. આકરા તાપમાં મારી રેખાઓની કુમાશને તારી સ્મૃતિની છાયાથી ઢાંકીને છોડી દઉં છું. મન પથ્થર તો નહિ પણ કરમાયેલા ફૂલોની પાંખડી જેવું જાલાકાર. ક્યાં પડી એ નદી જેનું વહેણ આંખમાંથી નીતરે છે. જે નિકટ હોય છે તેને શું નામ આપું?

૨૫-૧૧-૭૪
કશું જ બનતું નથી. દિવસ ઓલવાયેલી દીવાસળી જેવો. અંધારું ચૂપ બનીને બાજુમાં બેઠું છે.

૨૮-૯-૭૬
વાવાઝોડાથી નમી ગયેલા ને કુહાડીના ઘાથી તેના પહોળા શરીરને ચીરીને ગાડામાં નાખીને દોરડાથી બાંધવા છતાં પકડમાંથી છટકી જતાં વૃક્ષને રેશમી દોરા જેવી વેલે બાથમાં કેવી રીતે ભર્યું હશે?

૮-૭-૭૭
સાગર કિનારે ઊભીને હું મારી ખોવાયેલી અને તોફાનમાં ભાંગેલી હોડીને યાદ કરીને કિનારે આવીને રેતી સાથે રમતમાં મોજાઓને જોઉં છું તો મને મોંજા પર સવારી કરવાની ઈચ્છા જાગે છે. મારી અંદર લંગર નાખીને પડેલા વહાણને હંકારી જાઉં છું નવી દુનિયા અને નવા આકાશ તરફ. ફરી વાર પછડાટો ખાવા ને વેરણછેરણ થવા. બાવડાનું જોર એકઠું કરું છું. વહાણ ભાગી જશે તો તેના લાકડાં તર્યા કરશે જે એક વખત બધાં સાથે મળીને એક વહાણ બન્યા હતાં. દરિયો પોતે લાકડાં લઈને તરશે મારા અસ્તિત્વના પૂર્ણવિરામ પછી પણ.

૧૫-૨-૭૮
દરિયાઈ જંતુઓનું સૌંદર્ય મરણ પછી પણ એટલું જ ચેતનામય હોય છે. આ કાંઠે પડેલી કોડીઓને જુઓને ! દરિયાના હાથ કેટલાં સુંવાળા છે. ઊંચે ચડી નીચે પડતા ઘૂઘવતાં તોફાની દરિયાના હાથ ! મારી તો દશ આંગળીઓમાં દશ દરિયા છે. વર્ષોથી કિનારે બેઠો છું. પણ મોજું કિનારે બેઠું નથી.

દરિયા પાસે જો એકવાર જવાનું થાય તો દરિયા પાસેથી પાછું વળવું શક્ય નથી. પણ જો મહાપરાણે પાછા વળીએ તો તેનો ઘૂઘવાટ આંખ સાથે અથડાતો જ રહે છે. બસ ત્યારથી હું દરિયે જતો નથી. જેમ ફૂલ પાસેથી રસ પીને આવેલું પતંગિયું પથ્થર પર બેસે ને પથ્થરમાં કશોક અવાજ થાય એટલે પતંગિયું ફૂલ અને પથ્થર બંને વચ્ચેના અંતરને ભૂલે તેમ મારી અને દરિયા વચ્ચે અંતર જ નથી.

૧૫-૧૧-૭૮
શાંત ચાંદનીમાં કાગડાઓ બોલે છે. હવાની પાંસળીઓમાં કાગડાની ચીસ ઠોલાઈ છે. આખો દિવસ બોલબોલ કરીને થાકી ગયેલું ઝાડ પંખીઓની પાંખની હૂંફે શ્વાસ લે છે. આ કાગડાઓ આજુબાજુ ઢોર મરી ગયું છે એવી ચીસો પાડીને બીજાને નોતરે છે. સવારે પોતાની ચાંચ ઝાડ પર ઘસી ઘસીને કાગડાઓ ઊડી જાય છે. કિરણ ઝાડની ડાળીએ ડાળીએ રેલાઈ ગયાં ! ઝાડને કાગડાની ચાંચ ઊગી આવી છે !

૧-૫-૭૯
વહાણ કાંઠે પહોંચી ગયું છે. મુસાફરો મોજાંમાં પગ બોળતાં રેતી ચોંટાડતાં દરિયાથી દૂર ચાલ્યા જાય છે. શઢ અને પવન હવે નિરાંતે ગોષ્ઠિ શરૂ કરે છે. શઢ હવે ખુલે છે ! પવન શઢને લઈને ઊડી જવા બેવડા વળી જાય છે. પણ નાવિક તો લંગર નાખીને પોતાના સ્વજનોને મળવા જતો રહ્યો છે. શઢ અને પવન જાણે જ્વાળા !

૧-૯-૮૪
આસપાસ પાથરેલી પથારીમાં વ્રણનાં પગલાં દોડે છે. મને પકડીને પલંગના સળિયા સાથે બાંધી દે છે. ઊંડા વ્રણની લાલ કિનાર પર આંગળીઓ ફરે છે. ખૂબ ગમે છે એ લાલાશ. હાથ-પગ હલાવીને થાકી જાઉં છું ત્યારે બારીનું આકાશ શોધું છું. કદાચ બારી દૂર સુધી બંધ છે. ઓરડાની અંધકારમય હવાનો હાથ મને વીંઝે છે. બહાર નીકળવાના માર્ગરૂપે અંદરથી ઊઘડી ગયું એ વન જ્યાં મેં મારા કોહવાઈ ગયેલા દિવસોના ગંજ ખડકેલા છે. એ વનનું સૌંદર્ય છે મારું ખાલી ખાલી રખડવું. શબ્દને વિશ્વાસમાં લીધો છે. શબ્દ, મારી ભાષા, મારો શ્વાસ એ જ માત્ર ખરી રીતે મારું છે. પથ્થરનો ઘા નહિ પણ કશુંક સતત મને ખોદતું રહે છે. સતત કોતરતા જંતુને મેં ક્યારે અંદર જન્મ આપ્યો હશે? વરસાદને સાંભળી શકતો નથી. વાદળાની ગતિમાં કોઈ લય અનુભવી શકતો નથી. વરસાદ બંધ પડવાની રાહ જોવાનો મને રોગ થયો છે. મારા જ અવાજનું ચકચકિત જગત મને આંજી નાખે છે રોજ. મારા અવાજના ગોળાકાર ભ્રમણે મને ફેંકી દીધો છે અજ્ઞાત ઉકળતા તાપમાં. થોડું પાસેનું નિરખવા આંખ ઝીણી કરું પણ ધુમાડાથી છવાઈ જાય છે પળ.

૧૦-૧૦-૮૪
અરીસા પર ડાઘ પડી ગયા છે. બારીમાંથી એક કિરણ વેગે પડતું રહે છે. બારીના સળિયાનો કાટ હાથમાં ચોંટી જાય છે. તસુ ખસી શકીશ એવા બળથી પગ વીંઝું છું. અંધારામાં ચહેરાની સુરેખ છબિ દોરવા આંખ બંધ કરું છું. બની શકવાની શક્તિ ખલાસ થઈ ગઈ છે. લાંબી ભીંસ આવે છે. હથિયારોની તીક્ષ્ણતા ટકાવી રાખવાની મથામણમાં હાથ તૂટી પડ્યા છે.

૫-૨-૮૫
બહાર ઊભો છે ખાલી ચંદ્ર ! ટળવળતા આકાશને મેં રહેંસી નાખ્યું. શિરાઓમાં જાગી ગયો છે સૂર્ય. તગતગતી કાળી આંખોમાં ગોળગોળ પટકાઈ પડું છું હાડપિંજરની જેમ. ખખડતા મારા શ્વાસમાં લાલ રંગની દાઝ, પરપોટા જેવું કોઈનું આવવું રઝળી પડે છે, તંગ ક્ષણોમાં. અંદરથી જ ફૂટી છે અણીદાર સુરંગ. દરવાજા, ખીલા, તિરાડો, સાંકળ અને તાળાંથી ભીંસાઈ, કચડાઈ ચણાઈ જાઉં દીવાલોમાં.

૧૦-૧૨-૮૫
કદાચ રાત થોડી જ બાકી હશે. બારી પર પડદો હતો તેથી આંખો બહારનું આકાશ જોઈ શક્તી નહોતી. આમ તો કશી જ માંદગી નથી પણ મન રોજ સવારે ઊઠીને વિચારે છે કે કદાચ રાત થોડી જ બાકી હશે. હાથમાં લોહી ધસી આવે, પગની નસો ધડકતી લાગે. આ અંધકારની પારના લાંબા લાંબા રસ્તા પર ચાલ્યા જવાની સ્વતંત્રતા ક્યારે મળશે તેવા બકવાસોથી આંખો મોટી થતી જાય છે.

૧૧-૧૨-૮૫
હવે કદાચ આ શેરીમાં હું નહીં ચાલું. લાંબા લાંબા પડછાયાઓથી ઊભરાતી દીવાલોમાં ગાબડાં પડી ગયાં છે.

૧૦-૧-૮૬
તે પહોળી પાંખોના વીંઝાતા ઝપાટાથી ઢસડાતું
લંગડાતું આવ્યું,
ભૂરા કાળા રંગોથી દીવાલો વીંધાઈ ને સોંસરવી બની ગઈ નરમ પોચી,
બારણાંના નકુચા પીગળતાં બની ગયા બરફ.
ફળિયામાં ઊભેલો ઊંચો લાંબો નવતર સ્તંભ બની ગયો તણખલું.
મારી છાતી પર દાબે પંજા ખુલ્લા અણીદાર લોહી તરસ્યા.
મેં કહ્યું, તારી બેડોળ કાયાના પડખાઓમાં ગંધાતા
દાંતોની
ભૂખ હવે મરવા પડી છે.
ભૂમંડલની કાયા તારી ચાંચના ઉઝરડાથી કણસતી
અંધકારમાં સબડે છે.
તારા પાપના એકે એક ઘા મારી નાભિમાં ત્રમત્રમે !
આ તારા છેલ્લા શ્વાસ ફાટી જવાની ચીસથી
ક્ષિતિજ, દિશા, આકાશ બધું ખાબકતું
મરે તારી કાયામાં !
બહાર બધું નીરવ બની આથમી રહ્યું છે. તારા
આવ્યા પછીની
દરેક ક્ષણને સાચવતો જતન કરતો એક પછી એક
મારાં સુંવાળા દિવસોને ગુમાવતો જાઉં છું.

૮-૩-૮૬
ટ્રેન કાયમ આપઘાતના વિચારો કર્યા કરે છે. ગંદો ને ડૂચો વળી ગયેલા રૂમાલ જેવા રાતદિવસને સતત કચડતી દોડ્યા કરે છે. બૂટની ખીલીથી કઠતા પગ ઉપર ભીંસતા બીજા લોખંડી પગથી કારમી ચીસ પાડતી મૂંગી બની કણસ્યા કરે છે. ક્યારેક હળવી ફૂલ હવામાં ધસતી જતી દેખાતી પણ અંતે સળિયાને વીંધી અંદર આવતી હવાની ભીંસથી બેવડ વળી અંદરથી અમળાતા આંતરડાની આંટી વળી જાય તેમ અંતે લંબાઈને પગ તોડતી ઢસડાતી જાય છે.

રાતની પીળી આંખમાં ઓગળી જવા આતુર ટ્રેન
તેના આપઘાતના વિચારોથી છૂટવા માટે
મોંસૂઝણાંના ઉજાસની ઝંખનામાં અંધકારનું બધું ઝેર
પીતી, ઓડકારતી કાંટાળી વાડો વચ્ચે ઊભી છે !
૦ ૦ ૦

વાર્તા પૂરી થઈ જાણી વિપિને તો હાશકારો અનુભવ્યો. વિપિન આવેશમાં બોલવા લાગ્યો, ‘સર, હું તો સાવ જ કંટાળી ગયો. એક તો આમાં કશું જ બનતું નથી. કોઈ પાત્ર નહિ, ઘટના નહિ, માત્ર કોઈના બકવાસો, પ્રલાપો સાંભળતા હોઈએ તેવું લાગ્યું. કોણ છાપે છે આવી વાર્તાઓને ! સંપાદકનું નામ આપો એટલે તેને ખખડાવી નાખું. નવરા છે સાવ તે આવું છાપ્યા કરે છે.’ સંજનાએ વિપિનને અટકાવ્યો. તે બોલી, ‘આ રીતે તો કોઈ અંત જ ન આવે ને, બસ એમ જ કોઈ લંબાવ્યા કરે. ક્યાંક થોડી મજા આવે ખરી પણ એક જ પાત્રના ઉદ્ગારો સાંભળીને કંટાળો ન આવે?’

કિરણ તો મૂંગો જ રહ્યો. નીતિને કહ્યું કે આમ ઉતાવળે પ્રતિભાવ ન આપવો જોઈએ. બે-ત્રણવાર વાર્તા વાંચવી જોઈએ જેથી પાત્રની સંવેદનાની આંતરિક ગતિનો માર્ગ ઓળખી શકાય. પણ એટલું તો નક્કી જ છે કે સરે આપણને વાર્તા વાંચતા પહેલાં જણાવેલું તે મુજબ ડાયરીની નોંધોનો સમય ૧૫ વર્ષનો છે. એ ગાળાની મુખ્ય ઘટના પ્રણયથી પ્રણયભંગની છે. આ પ્રક્રિયાનો અવકાશ નોંધમાં વિસ્તરતો મને દેખાય છે. હજુ વધુ રીડીંગ કરીએ તો એ અવકાશ વિષે પણ વાતો થઈ શકે.

આ સાંભળીને સેજલ તો નીતિનનો હાથ જોરથી દાબીને લગભગ ઉછળી પડી. સેજલે કહ્યું કે સર હું તો બેત્રણ વાર રોવા જેટલી ઢીલી પડી ગયેલી. હું તો બે તારીખ વચ્ચેના દિવસોમાં બનતી ઘટનાઓની કલ્પના કરી શકું છું. શરૂઆતમાં નાયક સાવ મુગ્ધ, ઊર્મિલ લાગે છે. પણ બેત્રણ વર્ષ પછીની નોંધમાં પોતાની જાત અને જગતને દૂર રહીને જોતો શીખતો જણાય છે. અંતિમ નોંધોમાં તો જાણે કે બધું ગુમાવીને મરણની રાહ જોતો દેખાય છે. મને તો એક પ્રણયીના આંતરમનમાં ડૂબી ગયાનો અનુભવ થયો. વિપિન અને સંજના ઊભા થઈને જતા રહ્યા. કિરણ તો હજુ મૂંગો જ હતો. નીતિન અને સેજલે મને સવાલ પૂછ્યો, સર, તમે થોડું કંઈક કહોને ! આ વાર્તાનું રહસ્ય શું છે ? મેં કહ્યું કે વાર્તાની તારીખો પર ધ્યાન આપીએ તો તેમાં ઘટનાક્રમની ગતિના સંકેતો જોવા મળશે. સેજલે કહ્યું તેમ નાયક મુગ્ધ છે ખરો પણ વેદનશીલ છે. તે સતત પોતાની એકલતાને ઓળંગી જવા મરણિયો બનતો દેખાય છે તેને છૂટવુ છે આઘાતમાંથી પણ તે છૂટી શકતો નથી. આઘાતથી છૂટવા માટેના પ્રયત્નો તે તેની નોંધો છે. એ નોંધીને છૂટી ગયાનું આશ્વાસન લઈને થોડા દિવસ પોતાની જિંદગી જીવે છે પણ તેને જેવું ભાન થાય કે હું ક્યાં છૂટી શક્યો છું તે ફરી નોંધ વડે પોતાને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ ગતિમાંથી તેની ક્યારેય મુક્તિ નથી. આ અભિશાપ શા માટે અથવા કોણે આપ્યો તે કરતાં તો અભિશાપ કઈ રીતે તેને ગ્રસી જાય છે તે પ્રક્રિયા જ યંત્રણા જન્માવનારી છે !

નીતિન અને સેજલના ચહેરા પર સંતોષનો ભાવ હતો. નીતિને કહ્યું કે હું વાર્તાના સમય અને અવકાશના ઘટકોને મૂર્ત કરવાનો પ્રયત્ન કરીશ. તેમાંથી ક્રમશઃ ઘટનાનો આવિષ્કાર થતો દેખાશે. વાર્તાકારે મને મુક્તપણે વિહરવા માટે જે અવકાશ સર્જ્યો છે તેમાં મારી ચેતના પણ વિસ્તરી શકશે.

સેજલે નીતિનને અચાનક પૂછી નાખ્યું, ‘તુંડાયરી લખે છે?’
નીતિન કિરણને સાથે લઈને બહાર જતો રહ્યો.
હું અને સેજલ અવકાશનો અંદાજ મેળવતાં બેસી રહ્યાં.
૨૮-૮-૦૩
૨૫-૧-૦૪
[તથાપિ, સપ્ટેમ્બર-નવેમ્બર ૨૦૦૯]


0 comments


Leave comment