1 - નિવેદન / મહોરાં / જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ


   માણસ સ્થળે-સ્થળે, પળે-પળે, વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતો રહે છે કે પોતાને બદલતો રહે છે. મને માણસના એ સતત બદલાતાં ચહેરા-મહોરાં જોવાનું ગમે છે. સતત બદલાતા જોઉં છું ચહેરાઓ પરના ભાવો... કંઈકેટલુંય વ્યક્ત થાય, કેટલુંય અવ્યક્ત રહી જાય; કેટલુંય વ્યક્ત કરવા મથે માણસ ને કેટલુંય વ્યક્ત ન થઈ જાય એ માટે મથ્યા કરે માણસ! વ્યક્ત અને અવ્યક્ત ઇચ્છાઓ-ઈર્ષાઓ-અપેક્ષાઓ-પ્રતીક્ષાઓ-કામનાઓ-વેદનાઓ-સ્મૃતિઓ-વિસ્મૃતિઓ-અહંકારો-વિકારો... ને કંઈકેટલુંય બીજું...! એ બધાંની વચ્ચે પાંગરતા માણસ - માણસના સંબંધો અને સંબંધોની ભ્રાંતિ; બધું આસપાસ-ચોપાસ છે.

   આસપાસ-ચોપાસ દેખાતા એ નજારાને હું આકારવાનો પ્રયાસ કરું છું. શબ્દથી વ્યક્ત ન થાય તેને રંગ-રેખાથી વ્યક્ત કરવા મથું છું અને રંગ-રેખામાં ન સમાય તેને શબ્દમાં સમાવવા મથું છું. મારી એ મથામણ કંઈ આજ-કાલની નથી, દસ-બાર વર્ષથી માનવ-ચહેરાના ભાવવિશ્વને ચીતરતો આવ્યો છું. છેક ૧૯૯૮માં પ્રકાશિત ‘પછાડ’ના બીજા પુસ્તકના મુખપૃષ્ઠ પર મૂકેલા મારા ચિત્રમાં આ ‘મહોરાં’નાં બીજ જોઉં છું. વાર્તાનાંય બીજ એટલાં જ જૂનાં... પરંતુ, અહીં એ બધું જોડીને મૂકવાનો મેં પ્રયાસ કર્યો છે.

   માનવમનના ભાવવિશ્વની સંકુલતાઓને વાંદરાભાઈરૂપે જોવાની મજા પડી છે. બેરંગ વાસ્તવને કલ્પનાના રંગે રંગીને જોવાની, આસપાસ-ચોપાસ છુપાતા ફરતા વાંદરાભાઈઓને શોધી, પકડી, શબ્દના પાંજરે પૂરવાની મજા પડી છે. મારી પાંચ અને સાત વર્ષની દીકરીઓ પણ ‘નગરચર્યા’ અને ‘મહોરાં’ વાર્તાના વાંદરાભાઈનાં પરાક્રમો મન ભરીને માણે છે એનીય મજા છે. ને ડૉ. સુમન શાહ જેવા વિદ્વાને પ્રેમપૂર્વક આ વાર્તાઓને આવકારી છે એનીય મજા છે...

   મારાં ચિત્રો વિશે એટલું કહીશ કે, માનવચહેરાના ભાવવિશ્વનો મારો વિષય એટલો વિશાળ છે કે એનાં અસંખ્ય ચિત્ર થઈ શકે. છેલ્લા દિવસ સુધી ચિત્રો દોરતો રહીને - શક્ય એટલા વધારે ભાવોને આલેખીને - હું દોઢસો જેટલાં ચિત્રો આ સાથે થનારા પ્રદર્શનમાં મૂકવા ધારું છું. મારું ધ્યેય ભાવોની અભિવ્યક્તિનું છે, વ્યક્તિચિત્રોનું નહિ. જીદપૂર્વક મારા માધ્યમ -Waterproof ink on board-ને વળગી રહીને, એની મર્યાદાઓને અતિક્રમીને શક્ય એટલી ઝડપથી હું એ કામ કરું છું.

   આ સંદર્ભે શ્રી સી. ડી. મિસ્ત્રીને યાદ કરું છું. Board પર Poster colourમાં કરેલાં એમનાં ચિત્રો જોઈને મેં Water proof inkને Board પર અજમાવી જોઈ છે. શરૂઆતનાં ચિત્રો જોઈને એમણે કહેલા શબ્દો, ‘આ ચિત્રો તમારી Identity બની જાય એવું પણ બને.’

   કેમ ભુલાય? શ્રી વિનોદભાઈ પટેલ, વાકાણીસાહેબ અને શ્રી દિલીપ દવે જેવા ચિત્રકાર-મિત્રો પણ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે એ બદલ એમનો પણ આભારી છું.
   આદરણીય સુમન શાહસાહેબે પ્રેમપૂર્વક મારા કામમાં જે રસ લીધો છે તે તો કેમ વિસરાય? ચિત્રો જોઈને કહે, ‘આનું તો પ્રદર્શન કરવું જ જોઈએ.... અલગ જ પ્રકારનું કામ છે...’ અને વાર્તા સાંભળીને કહે, ‘તેં આટલાં વર્ષો છુપાવી કેમ રાખ્યું કે તું આટલું સારું લખી શકે છે?’ સંગ્રહના પુરોવચન માટે સંકોચ સાથે એમને વિનંતી કરી તો જે વિસ્તારથી ઝીણવટપૂર્વકનાં અવલોકનો એમણે લખી દીધાં તે માટે કયા શબ્દોમાં એમનો આભાર માનું?

   નરેશ-લાભુ-જિતેન અને અજયભાઈનાં આ સાથેનાં લખાણોથી મારી વાત ઘણી જ સ્પષ્ટ થઈ જશે એમ માનું છું અને એમ કરીને મારું કામ સરળ કરી આપવા બદલ એમનો સૌનોય આભારી છું. સગા ભાઈની જેમ પ્રેમપૂર્વક આ પુસ્તકના મુદ્રણ-પ્રકાશનમાં મદદ કરનાર પ્રવીણભાઈ અને વિજયભાઈનો આભાર માની ચિત્ર અને વાર્તારૂપે સંયુક્ત રીતે ઝિલાયેલી મારી ભાવસૃષ્ટિમાં આપને આવકારતો વિરમું છું.
- જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ


0 comments


Leave comment