48 - રોકી શક્યું ન કોઈ મને દરમિયાનમાં / આદિલ મન્સૂરી


રોકી શક્યું ન કોઈ મને દરમિયાનમાં.
સૂરજ બની હું ફરતો રહ્યો આસ્માનમાં.

હીમ ઓગળી ભળી ગયું ઝરણાંના ગાનમાં,
ને પર્વતો રહી ગયા ખોટાં ગુમાનમાં.

નિર્જીવ થૈ જમી ગઈ દ્રષ્ટિ નિશાનમાં,
વાંકા વળી રહી ગયાં તીરો કમાનમાં.

દરવાજો, ભીંત, બારી, પરિચિત નથી કશું,
મેહમાન થૈ રહું છું હું મારા મકાનમાં.

માટી મહીં ભળી જતાં એ સર્પને નમન,
જે કાંચળી ઉતારીને આપે છે દાનમાં.

એને કહો કે મેઘધનુષ્યો તરફ જૂએ,
જે સાંજની ઉદાસીને ચાવે છે પાનમાં.

આકાશમાં ભળી ગયાં પડઘાનાં વર્તુલો,
પડછાયા ચીસતા રહ્યા ઉડતાં વિમાનમાં.

એનાં પતનને બિલ્લીના કૂદકામાં જોઇને,
મારો વિકાસ થાય છે શેરીનાં શ્વાનમાં.

‘આદિલ’ ક્ષણોના મૌનને લંબાવતા રહો,
દુઃખની પ્રતીતિ થાય છે સુખના બયાનમાં.


0 comments


Leave comment