2 - જિજ્ઞેશકૃત ‘મહોરાં’ વિશે / પ્રસ્તાવના / સુમન શાહ


   ‘મહોરાં’ સંગ્રહની પાંચેય રચનાઓમાં વાંદરાભાઈ એકસમાન પાત્ર છે. તેઓ વાંદરાભાઈરૂપે ક્વચિત્‌ જ વર્તે છે. ખાસ તો એઓ માણસની જેમ વર્તે છે. ‘મહોરાં’ રચનામાં એઓશ્રી ચિત્રકાર છે. હોય તે ચહેરા પર બીજો ચહેરો ચીતરી આપે. વળી, પહેરી શકાય એવો જુદો પણ બનાવી આપે, એવા શિલ્પી પણ ખરા. એમની એ સૃષ્ટિ સંકુલ છે. એમની સહજ સર્જકતાને આભારી છે. ‘ભ્રાંતિ’માં એ ભાઈ મીનાક્ષી-ઉલ્લાસના પ્રેમ-પરિણયમાં ખલનાયક છે. તો ‘નગરચર્યા’માં રૂપાળા રૂપાળા મહારાજશ્રી છે ને ‘રાજા-રાજા’ રમે છે. ‘સુન્દરીલોકમાં!’ નામની રચનામાં એઓ બ્યૂટી-કૉન્ટેસ્ટના મુખ્ય સૂત્રધાર છે: કાસ્ટિન્ગ કાઉચમાં હોય એવા લોભામણા લમ્પટ દીસે. જડ્‌જ કે ચીફ ગેસ્ટ સ્વરૂપે સ્પૃહા કરવા યોગ્ય લાગે. સુન્દરીઓના ઍન્ટ્રન્સ-ટેસ્ટ લેનારા-ખાસ્સા ઑ-ઇન્સ્પાયરિન્ગ જ્યુરર જણાય - સમજો કે આખી જ્યુરી પોતે જ. ટૂંકમાં, નિર્માતાથી માંડીને સર્વ વાતે કર્તાહર્તા, વીઆઇપી. શીર્ષક વિનાની રચનામાં, એઓશ્રી પરદો બાંધનારા કશા રંગમંચ પરના આસિસ્ટન્ટ દીસે છે. હંમેશ કરતા એવી લીલા જાતે નથી કરતા પણ કથક પાસે કરાવે છે. નેપથ્યમાં સરકી ગયેલા એઓ ત્યાં ચતુર મુત્સદૃી દીસે છે. જરૂરી સવાલ એવો કે કોઈ પણ રચના છેવટે કોની વાર્તા બને છે - વાંદરાભાઈની? કે કથકની? દરેક વાર્તા પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રથી કહેવાઈ છે. કથકે પોતાના શ્રોતાને સમ્બોધી છે - એ દ્વારા લેખકે પોતાના વાચકને પહોંચાડી છે. કથક આપણને પોતા વિશે થોડું અને વધારે તો વાંદરાભાઈ વિશે કહીને પોતાના વક્તવ્યને વાર્તાનું રૂપ આપવા મથ્યો છે. એક બીજી વીગત પણ ધ્યાનપાત્ર છે : કથક મોટા ભાગે બધું ‘કહે’ છે, જ્યારે વાંદરાભાઈ ઘણું બધું ‘કરે’ છે. વાચકે વિચારવું એ રહે કે વાંદરાભાઈ વિશે કહેવાયેલુંજે કંઈ છે તે કથક વિશે જ છે, કે કેમ. અથવા ઊલટું, વાંદરાભાઈ જે કંઈ કરા છે તે, વાસ્તવમાં કથકે કરવાનું તો નથી કરતાને...

   પંચતન્ત્ર કે ઈસપની બોધકથાઓમાં પ્રાણીઓને મનુષ્યાનુસારી દર્શાવાયાં છે - માણસના ગુણ-અવગુણને અનુસરે. શિયાળ આપણા જેવું લુચ્ચું હોય. કાગડો આપણા જેવો ફૂલણજી હોય. આ વાંદરાભાઈ કથક જેવા છે : કથક જેવા ચિત્રકાર શિલ્પી ખલનાયક વીઆઇપી વગેરે વગેરે. સમજાશે કે સઘળું કથક વિશે જ છે. વધારે એમ પણ સમજાશે કે વાંદરાભાઈ એક નૅરેટિવ ડિવાઇસ છે, કથા-જુક્તિ છે, વિશેષ કંઈ નહીં. એટલે લગી કે આપણે એમને જ એક મહોરું ગણી શકીએ - જે પહેરીને જિજ્ઞેશ આપણી સામે આવ્યા છે... સાહિત્ય-કલા આમેય મહોરું કાં નથી?

   પ્રાણીઓનો વિનિયોગ કરનારી આપણા જમાનાની બોધકથા જરા જુદી પડે, અથવા પડવી જોઈએ. કેમ કે આપણા જમાનાનો વાર્તાકાર પંચતન્ત્રકાર નથી, કે નીતિ-ઉપદેશના હેતુથી લખે. એ તો એમ સૂચવવા કરે કે માણસ પણ પ્રાણી છે : એટલું જ ઘાતક, એટલું જ દયાપાત્ર. કહો કે કરુણાપાત્ર. એટલે એની રચનાસૃષ્ટિમાં પ્રાણીઓ માણસ જેવાં લાગે તેમ માણસો પણ પ્રાણી-સમાં લાગવાં જોઈએ. માણસ-પ્રાણી પ્રાણી-માણસ એવા આટાપાટા ચાલે. વ્યંજના એવી સ્ફુરે કે બંને સમકોટિક છે બલકે સંસ્કૃતિ-સભ્યતાનાં કપડાં-વાઘા ઉતારી લેતાં માણસનું દર્શન વધારે વરવું ભાસે છે. જિજ્ઞેશની આ રચનાઓમાં વાંદરાભાઈ નામની કથા-જુક્તિનો એ હદનો પ્રયોગ નથી. વાંદરાભાઈનાં માણસ-વેડાં વધારે છે, કથકનાં વાંદરવેડાં ભાગ્યે જ છે. એટલે ‘સુન્દરીલોકમાં!’ અને ‘નગરચર્યા’ બંને રચનાઓ, વાંદરાભાઈની લીલારૂપે વધારે ઊપસી છે, એ રીતે વધારે વાચ્ય રહી છે. વાંદરાભાઈના સમગ્ર વર્તન વિશે એને કશા વાંધાવચકા હોય, ગમા-અણગમા કે સમ્મતિ-અસમ્મતિ. એવી કશીક નિસબત. એટલું જ નહીં, એમનાથી પ્રેરાઈને એમની સાથે/સામે વર્તવા માટેની ચાનક. એ કશ્શાને બદલે, કથક બંને રચનામાં અક્રિય દર્શક બની રહ્યો છે. વાચક એના કશા ઉપકારક કર્તૃત્વની રાહ જોતો રહી જાય છે. જેમ વાચકો બધો ખેલ જુએ-જાણે છે, એ પણ એમ જ કરે છે. મેં જિજ્ઞેશને આ મુદ્દે બંને રચના પર વધુ કામ કરવા કહ્યું છે...

   એ બંને રચનાને ‘ભ્રાંતિ’ સાથે સરખાવતાં તરત સમજાશે કે વાંદરાભાઈ અને કથક વચ્ચેની આપ-લે, તેમની વચ્ચે પ્રગટતા વિનિમયો, વ્યવહારો, રચનાને કેટલી તો અર્થસભર અને આસ્વાદ્ય બનાવે છે. એમાં, કથક ઉલ્લાસનાં બધાં અંગત કામો વાંદરાભાઈ કરી આપતા હોય છે. સાઇકલ-સ્કૂટર શીખવવા-ચલાવવાની જવાબદારીઓ પણ અદા કરતા હોય છે. ઉલ્લાસને બધું સારું લાગતું હોય છે; ગમે છે. પણ પછી જ્યારે વાંદરાભાઈ ક્રમે ક્રમે એની પ્રિયા મીનાક્ષીને પચાવી પાડે છે, ત્યારે એને એમનું એવું ખલનાયકત્વ ખૂંચવું શરૂ થઈ જાય છે. બધા પ્રેમાલાપો કે ક્રિયાકલાપો કરે વાંદરાભાઈ, ને ભ્રાન્તિ એવી ઊભી થાય કે પોતે કરે છે! વળી, પોતાની હાજરીમાં મીનાક્ષીનો હાથ પકડે, પંપાળે, શરીર પર નજર ફેરવે, હાથ પણ ફેરવે, મીનાક્ષી પણ કંઈ સમજે નહીં - પ્રકારનો અત્યન્ત વાંધાજનક વિકાસ વિકસે છે. ઉલ્લાસને થાય છે, પોતે બિલકુલ બાજુ પર મુકાઈ ગયો છે. પોતે પોતાને અવાક્‌ શૂન્ય અને પથ્થરવત્‌ અનુભવે છે. એટલે નિર્ણય કરે છે કે પાછું બધું હાથમાં લઈ લેવું. પણ એટલે? એટલે એટલું જ કે વાંદરાભાઈની સત્તામાંથી છૂટવું. છેલ્લા પ્રસંગની નાટ્યાત્મકતા રચનાને ખાસ્સી ઊંચાઈ અર્પે છે. એથી ટૂંકી વાર્તામાં અન્ત નામની અપેક્ષાને સરસ વળ ચઢતો પણ અનુભવાશે...

   જિજ્ઞેશની યોજના આ પાંચેય રચનાઓને વાંદરાભાઈના સૂત્રમાં પરોવવાની છે. એ રીતે વાર્તાશ્રેણી ઊભી કરવી. એટલું જ નહીં, અહીં મૂકેલી પોતાની ચિત્રકૃતિઓ સાથે એનો કંઈ ને કંઈ અનુબન્ધ સ્ફુરાવવો. વાંદરાભાઈ મહોરું છે એમ વિધવિધ ચહેરાઓની ચિત્રકૃતિઓ પણ મહોરાં-સ્વરૂપની છે. એ ચિત્રોની કલા વિશે કંઈ કહેવાનો મારો અધિકાર નથી. એક જ ચિત્રશૈલી/પ્રકાર/ઉપાદાનની વિશેષતાએ ઊભી થયેલી એ ચિત્રશ્રેણી અનોખી છે. વાર્તાશ્રેણી અને ચિત્રશ્રેણીનું આ સંયુક્ત પ્રકાશન છે. બંને સૃષ્ટિઓ વચ્ચે દેખીતી સમાનતા તે જિજ્ઞેશની સર્જકતા છે. વાર્તાશ્રેણીમાં ‘મહોરાં’ રચના એ રીતે મહત્ત્વની છે કે સૂત્ર-રૂપ વાંદરાભાઈ એમાં વિગતે ઇન્ટ્રોડ્યુસ થયા છે. એમને ત્યાં ઓળખી લીધા પછી અન્ય રચનાઓને સમજવાનું સરળ બની જાય છે એ લાભ છે. પણ શીર્ષક વિનાની રચનામાં વાંદરાભાઈની એવી ભૂમિકા સાવ ઘટી ગઈ છે. મારે એ રચનાનું શીર્ષક આપવાનું હોય તો ‘ઘા’ એમ આપું. એ રીતે કહું કે ‘ઘા’માં વાંદરાભાઈને થોડા હાંસિયામાં ખસેડીને રચનાકારે ટૂંકી વાર્તાના કલાપ્રકારનો પડકાર ઝીલવાનું કર્યું છે. પાંચેયમાં એ જ ઉત્તમ છે બલકે એક સારી ટૂંકી વાર્તાનો એ તાજપભર્યો નમૂનો છે. મારું તાત્પર્ય એ છે કે ‘મહોરાં’ અને ‘ઘા’ સામસામા છેડાની વાર્તાઓ છે છતાં બંનેમાં જિજ્ઞેશ વાર્તાકારરૂપે સ્વ-સ્થ છે, ઉમેરું કે ખાસ્સી પુખ્તતા દાખવે છે. એમના ભાવિ વિકાસનાં એમાં બીજ પડેલાં છે. બંને વિશે થોડી વાત કરું :

   ‘મહોરાં’માં કથક અને વાંદરાભાઈ વચ્ચે ગાઢ સમ્બન્ધ પ્રવર્તતો જોઈ શકાશે. નાનપણથી જ વાંદરાભાઈ કથકને મદદગાર રહ્યા છે. ત્યારે બીમાર ચહેરો ચીતરી આપેલો. ત્યારે ભોળો માસૂમ ચહેરો ચીતરી આપેલો. ડર લાગે, હિમ્મત દાખવવી હોય, ખોટો રૉફ છાંટવો હોય, હસવાનો ડૉળ કરવાનો હોય - કશા પણ પ્રસંગે વાંદરાભાઈ સેવાતત્પર. ટૂંકમાં, કોઈ પણ ભાવ-મનોભાવની વ્યક્તિ-અભિવ્યક્તિ માટેની સાવ સરળ વ્યવસ્થા તે વાંદરાભાઈ. એવા ઉપકારક ચિત્રકાર, શિલ્પી. આખી રચનામાં વાંદરાભાઈ એક પ્રતીક જેવા અનુભવાશે. કથકના ભીતરનું એ કશુંક ડિફેન્સ મિકેનિઝમ લાગશે. અને સાચું જ છે ને? દરેક મનુષ્યની અંદર બધું સાચવી જાણનારો વાંદરો કાં નથી? મન-માંકડા રૂપે એ અંદરની કોઈ ડાળે બેઠેલો જ છે - કરો ઇશારો, હૂપ્‌ કરતોક થશે હાજર. મહોરાં પહેરીને તો ફરીએ છીએ આપણે સૌ! વાંદરાભાઈએ બનાવી આપ્યાં એ તો કહેવાની એક રીત. આપણે જ બનાવી લઈએ છીએ. જ્યારે જરૂર પડે, જેવી જરૂર પડે, કશી વાર નથી કરતા. પણ પછી થોડું જુદું પણ બને છે. મહોરું જ ચહેરો બની જાય છેઃ વાંદરાભાઈને ડૅપ્થ લાવવા ડાર્ક લાઇનો મૂકવાની ટેવ હતી. એ કારણે એમની ચીતરેલી અમુક રેખાઓ કથકના ચહેરા પર કાયમ દેખાવા લાગેલી. પરિણામે અભિવ્યક્તિમાં ભેળસેળ : હાસ્યમાં રુદન, રુદનમાં હાસ્ય. બને એવું કે બનાવટી ચહેરારૂપી મહોરાંની, પછી તો ટેવ પડી જાય. નવાંનવાં ચોંટાડવાં ગમે. આત્મવંચના અને અન્ય-વંચના બંને વિકસે. રેડીમેડ મહોરાં પણ ચાલે. વાંદરાભાઈ એ માટે પણ એટલા સજ્જ, કાર્યદક્ષ, એટલા જ ઉત્સાહી. પછી તો લોભ વધે - બીજાનો ગમતો ચહેરો પોતાનો કરવો...! દેખાદેખી ને અનુકરણો. મહોરાં પર મહોરાં-નો વિસ્તાર. પણ ક્યારેક પછી ઉઘાડા પડી જવાનુંય થાય. કથકના બારામાં આ બધું જ બન્યું છે. એવી વિલક્ષણ મહોરાં-પરમ્પરાને પ્રતાપે પાંચ માણસમાં પુછાતો થયો છે, અન્યોના બદલાતા રહેતા ચહેરાને પામવાની એનામાં આવડત પણ વિકસી છે. છતાં, એને પ્રશ્ન થાય છે કે પોતે શું પામ્યો ને પોતે શું ગુમાવ્યું...

   રચનાના અન્ત ભાગમાં, રચનાકારે કથકની પત્નીને અરીસામાં મહોરાં લૂછતી બતાવી છે તે ઘણું સયુક્તિક અને સુન્દર છે. મહોરાં લુછાતાં રહે છે, બદલાતાં ચાલે છે. કેમ કે નવાં નવાં ઉમેરાતાં ચાલે છે. કથકના માથાને બહુ પાંદડીવાળા વિશાળ ફૂલરૂપે આકારીને પછી એને એની પાંદડી-પાંદડી તોડતો બતાવીને રચનાકારે કથકની કરુણતાને ખાસ્સી તાદૃશ કરી છે. સમગ્ર વાર્તાપટમાં એ ક્ષણ કલાસિદ્ધિ છે. કરુણતા એ કે એને એનો ખરો ચહેરો નથી મળતો તે નથી મળતો. વાંદરાભાઈની કૃપાથી પોતે પાર વિનાનું પામ્યો છે એવું એ જરૂર માને છે. પણ સાથોસાથ એમ પણ થાય છે કે એ પામનાર ને એ માનનાર છેવટે ખરેખર ક્યાં...

   જેને હું ‘ઘા’ કહું છું એ શીર્ષક વિનાની રચના ઇન્દ્રોડા નામના જાણીતા નેચર-પાર્કનો પરિવેશ ધરાવે છે. ત્યાં વૃક્ષો હવાઓ પક્ષીઓના અવાજો લૉન ગરમાળો લીમડો ગુલમોર એમ નર્યો પ્રકૃતિવિલાસ છે. એવા સ્થળવિશેષમાં રચના આકાર લે છે - આકાર કથકના સ્મૃતિપટને સંડોવતો આકાર છે. વીતેલા સમયના અવળસવળ ટુકડાઓને ઉથલાવતો છે. ખાસ તો, બોરસલીના થડ પરના વર્ષો જૂના એના ઘાને ઉખેડતો છે. પરિણામે, સ્થળ સ્થૂળ ઇન્દ્રોડાપાર્ક નથી રહેતું, વાર્તાઘટનને માટેનો આવશ્યક રંગમંચ બની જાય છે. વાર્તાકલાને પોષક એવા એ સ્થળ-રૂપાન્તરણની નોંધ લેવી ઘટે.

   એવા રંગમંચ પર વાંદરાભાઈ ચડી આવે છે. યાદ રહે કે એવા રંગમંચ પર; નહીં કે કોઈ વાસ્તવિક ઝાડ પર. નહીં કે કોઈ સાક્ષાત્‌ વાનર; પણ જેને આપણે વધારે ઓળખીએ છીએ એ વાંદરાભાઈ. રંગમંચને ખરેખરનો ઉપકારક, કાર્યક્ષમ, બનાવવાને વાંદરાભાઈ એ પર પરદો બાંધે છે. પરદો દૃશ્યાલેખન માટે છે. દૃશ્યો ખાસ તો કથકજીવનના ભૂતકાળનાં છે. વર્તમાન પર ભૂતકાળનું પ્રક્ષેપણ. પરિણામે, સમય સ્થૂળ ‘આજ’ નથી રહેતો, વાર્તાઘટન માગે છે એવું ‘ગઈ કાલો’ સાથેનું, એવા સંમિશ્ર સમયનું પરિમાણ બની જાય છે. વાર્તાકલાને પોષક એવા એ સમય-રૂપાન્તરણની પણ નોંધ લેવી ઘટે.

   હવે શરૂ થાય છે નાટ્યાત્મક આટાપાટા. પ્રિયા જાનકી, દીકરીનો અવાજ ને છેલ્લે પત્ની સ્વીકૃતિના પ્રવેશથી આ રંગમંચ સાવ જીવન્ત બની જાય છે. કથકની વાર્તાનું એ દ્રવ્ય છે, નહીં કે વાંદરાભાઈની વાર્તાનું. વાંદરાભાઈ અહીં રજૂઆતકર્તા છે. પણ મૂંગા રહી ક્રમે ક્રમે કથકને પ્રચ્છન્ન પ્રશ્નો કરનારા થોડા વકીલછાપ પણ છે. ને તેથી, છેવટે એ, કથકનું જરી જાત-દર્પણ પણ બની રહે છે. વાંદરાભાઈને હોલો મદદ કરે. જીમી, દીપડાનું બચ્ચું કોયલ બપયો - બધાં, કંઈ ને કંઈ કરતાં, આવતાં-જતાં રહે. મનુષ્યેતરોની એ સઘળી વર્તણૂક રચનાની ભાવસૃષ્ટિ સાથે વિરોધાય છે. એવા સન્નિધીકરણથી ટૂંકી વાર્તાના લાઘવને પોષક વાતાવરણ બન્યું છે - એની પણ નોંધ લેવી ઘટે. આટાપાટા ખાસ તો જાનકી અને સ્વીકૃતિ અંગે કથકના ચિત્તમાં ચાલુ થયા છે. પ્રિયા જાનકી બોલકણી છે પણ પ્રકૃતિ-અભિમુખ હોઈને અન્યોને સાંભળનારી છે - પ્રકૃતિના અવાજોને વિશેનો એનો આગ્રહ એની એવી વ્યક્તિતા સૂચવે છે. જ્યારે, પત્ની સ્વીકૃતિ ઓછા-બોલી પણ સર્વ વાતે સ્વીકારક છે. જાનકીએ કથકનો પ્રેમ ગુમાવ્યો છે, કથકે જાનકીનો. એવો નિષ્ફળ ઘાયલ એ પત્ની સ્વીકૃતિ અને સન્તાનો સાથે આમ તો બરાબર છે. છતાં નિષ્ફળતાના દર્દને અને એના પ્રતીકસમા બોરસલી પરના ઘાને ભૂલવા રાજી નથી.
  
   રચનાના અન્ત ભાગમાં, જાનકી-સ્વીકૃતિની સન્નિધિ, વાંદરાભાઈનું કથકને ફંગોળી દેવું, બોરસલી પરના ઘાને વિશેની સ્વીકૃતિની પૃચ્છા, જાનકીનું કથકને ન બોલવા કહેવું, પોતે બોલી શક્યો હોય - પ્રકારનો ભાવ ધારણ કરી એનું લીમડા તરફ, પરદા તરફ, ચાલવા માંડવું - વગેરે તમામ વાનાં એક જાતની ભાવાત્મક સંકુલતાથી રચનાને બળકટ બનાવી શક્યાં છે. સરવાળે, આ કથકની વાર્તા બની છે. એવા લાક્ષણિક રંગમંચ પર, એટલે એમ પણ ખરું કે એના ચિત્તમાંના ઇન્દ્રોડાપાર્કમાં, વિફળ પ્રેમની કરુણતાના પાશવાળું વિશિષ્ટ સંવેદન શબ્દથી મૂર્ત થયું છે. કરુણતા કથકની છે એમ જાનકીની છે, તો વળી, સ્વીકૃતિની પણ છે - કેમ કે એ તો કશું જાણતી નથી...! બોરસલી પરનો ઘા એ ત્રણેયના એવા ભાવજગતનું પ્રતીક છે…

   જિજ્ઞેશ ચિત્રકાર છે એટલે એમની પાસે દૃશ્યો ઊભાં કરવાની સહજ કુનેહ છે; સાહિત્યના અધ્યાપક નાતે, ચોખ્ખી ભાષા છે. વર્ણનો વીગતે આકારી શકે છે. ‘નગરચર્યા’માં મહારાજનું રૂપ-વર્ણન કે ‘સુન્દરીલોકમાં!’નાં બ્યૂટી-કૉન્ટેસ્ટની ભુલભુલામણી દર્શાવનારાં વર્ણનો-નિરૂપણો એનાં મુખ્ય દૃષ્ટાન્ત છે. છતાં, હું ઉમેરીશ કે દરેક રચના શાબ્દિક પુનરાવર્તનોને છેંકતી સમરસ બને, ગાંઠા-ગચિયા વિનાની એની ફલોએજ અનુભવાય એ માટે એમણે ક્રીએટિવ ઍડિટિન્ગ કરવું રહેશે. બલકે દરેક રચના એવા સર્વ કસબથી સમ્પન્ન થાય તે માટે એવી ટેવ પાડવી પડશે.

   એક જુદી જ કલમ અને નોંખો અવાજ. એમની એ વિશેષતા ઉત્તરોત્તર વિકસી આવશે. એવી આશાએ હું જિજ્ઞેશને અભિનન્દન આપું છું; ભવિષ્યમાં પણ આપી શકીશ.
   આ જિજ્ઞેશ તે ભાષા-ભવનના દસ-બાર વર્ષ પરના મારા એમ.એ.ના ક્લાસનો વિદ્યાર્થી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ. પાતળો ઊંચો નૉકીલા ચહેરાવાળો ગૌર મોહક. એવું થાય, કોઈ એવી જ છોકરી પરણાવી દઈએ. ભાષા-ભવનનાં મારાં ઘણાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને બે વસ્તુ ખાસ કરવી હોય : પીએચ.ડી. અને પરણવું. બંને વસ્તુ અઘરી અને અટપટી, જેમાં વિચારો આપવાથી વિશેષ કશું ન કરી શકું. એ મુજબ લખવા/વર્તવા કહું પણ દુરાગ્રહ ન રાખું. છોકરાં, શી ખબર, એવું ભાળી ગયેલાં કે પેટછૂટી વાતો કરે, મન મૂકીને રડાકૂટાય કરે. જિજ્ઞેશ ઓછા-બોલો પણ બોલે ત્યારે સારા બ્રહ્મભટ્ટને છાજે એવું શુદ્ધ અને મીઠ્ઠું બોલે. એનેય પીએચ.ડી. કરવું’તું. મેં વિષય આપ્યો, ‘સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ’. કહ્યું, જા, સુરેશભાઈમાં જેટલાં મળે એટલાં કલ્પન શોધ ને એકઠાં કરી મને બતાવ. પૂર્વતૈયારીરૂપે હાલ એટલું કર. એ કરતો, સારી રીતે કરતો. પણ પછી થાક્યો હશે, કે દિશા બદલાઈ હશે, જતો રહ્યો. મારા માર્ગદર્શન હેઠળ જેટલા પીએચ.ડી. થયા છે એથી બમણા, નોંધાવીને છોડી ગયા છે. એ સ્વાભાવિકતાને મેં સહર્ષ સ્વીકારેલી, છતાં જિજ્ઞેશ યાદ આવ્યા કરે. આટલાં વર્ષે સુરેશસૃષ્ટિનો એ કલ્પનશોધક વિદ્યાર્થી ચિત્રકૃતિઓ અને વાર્તાકૃતિઓ સર્જીને મારી સમ્મુખ થયો છે એ સુખદ યોગાનુયોગને હું શિક્ષકના સદ્‌ભાગ્ય લેખે અંકે કરું છું.
(૨૧ ડિસેમ્બર, ૨૦૦૮)


0 comments


Leave comment