2 - (અનટાઇટલ્ડ) / જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ


   ઘણા સમયે અહીં -ઇન્દ્રોડા નેચરપાર્કમાં- આવ્યો છું. અને આમ સાવ એકલો તો પહેલી જ વાર! આ રસ્તા, આ વૃક્ષો-હવાઓ-પક્ષીઓના અવાજો... બધું કેટલું જાણીતું લાગે છે! સ્મૃતિપટ પર કંઈકેટલાંય દૃશ્યો અંકાતાં-ભૂંસાતાં જાય છે... વીતેલા સમયના ટુકડા અવળ-સવળ થઈ આંખ સામે તરવરે છે. હું બધું જોતો ચાલ્યા કરું છું - ચાલ્યા જ કરું છું...

   મગર અને શાહૂડીના પાંજરા પાસે થઈ સીડી ચડી લૉનમાં પ્રવેશું છું. સાવ આછી થઈ ગઈ છે લૉન! અને આ સામે ઊભી બોરસલી. એય જરા પાંખી લાગે છે. એક ડાળ તો સાવ સુકાઈ ગઈ છે. બરાબર એના થડ પાસે પેલી પાળી... કોઈ બેસતું નથી લાગતું હવે, ઝાંખરાં ઊગી નીકળ્યાં છે આસપાસ. હું પાસે જાઉં છું. થડ ખાસું જાડું થયું છે. બાજુમાં જઈ સ્પર્શ કરું છું. પાળી પર આવેલાં ઝાંખરાં પગ વડે હટાવી પાળી પર બેસું છું. વર્ષો જૂનો નાનકડો ઘા -બોરસલીના થડ પરનો- હવે સાવ રૂઝાઈ જવા આવ્યો છે છતાં, જરા જેટલી નિશાની જરૂર દેખાય છે... બરછટ થડ પર હાથ સરકાવતો રૂઝાયેલા એ ઘાને સ્પર્શ કરું છું...

   સામેના લીમડાની ડાળો અચાનક ખળભળે છે - જોઉં છું - વાંદરાભાઈ ઊંચી ડાળ પરથી કૂદીને થડ પાસે વળગ્યા છે. કંઈક પરદા જેવું લહેરાય છે. એક ખૂણો ઉપરની ડાળે બાંધી વાંદરાભાઈ થડ પાસે બીજા ખૂણાને બાંધી રહ્યા છે. તીરછી નજરે મારી સામે જુએ છે... કૂદીને સામા ઝાડ પર પહોંચી, પરદાના બીજા બે ખૂણા તાણી બાંધે છે... હું તેમનો આ બધો તાલ જોવાના મૂડમાં નથી. કંટાળા સાથે નજર ફેરવી લઉં છું. જોઉં છું, બોરસલીને. એક હોલો આસપાસમાંથી લાંબી દોરીનું ગૂંચળું લઈ બોરસલી પર ઊડી આવે છે. અરધા બાંધેલા માળામાં ગૂંચળું તાણી જવા મથે છે. દોરી ડાળમાં ભરાઈ છે. હોલો ટચૂકડી ચાંચમાં દોરી પકડી ખેંચવા મથે છે... ને વાંદરાભાઈ કૂદીને સાવ મારી પાસે આવી જાય છે. નાકે નાક અડે એટલા પાસે આવી આંખમાં આંખ પરોવી ચાળા કરી મને પજવે છે. હું ચીડથી નજર ફેરવી લઉં છું ને દેખાય છે, વાંદરાભાઈએ બાંધેલો પરદો!

   કંઈક ફિલ્મ જેવું ચાલી રહ્યું છે. વાંદરાભાઈ ડાહ્યાડમરા થઈ એ પરદા સામે જોતા મારી બાજુમાં બેસી જાય છે... હું જોઉં છું, પરદામાં ઝૂલી રહ્યા છે ગરમાળાનાં ઝૂમખે ઝૂમખાં ફૂલ! 'આ શિયાળાની કડકડતી ઠંડીમાં તમારે ગરમાળાનું શું છે?' હું વાંદરાભાઈને પૂછું છું. એ મટકુંય માર્યા વિના પરદા સામે જોયા કરે છે. પાસપાસે ઉગાડેલા, ફૂલ ફૂલ થયેલા કંઈકેટલાય ગરમાળા દૂર દૂર સરકતા જાય છે. કેડી દેખાય છે વચ્ચે વાંકીચૂકી, ને એક તરફ 'સર્પગૃહ'...

   'અરે, આ તો ઇન્દ્રોડા પાર્ક જ છે!' હું વાંદરાભાઈને કહું છું. કેડી સતત દૂર સરકતી જાય છે, ગરમાળા છૂટતા જાય છે... ગ્રીન વેલી... એવીયેરી અને જીમી... સાવ નાનકડો છે, પાંજરાના સળિયા પર નહોર ઘસતો મસ્તી કરે છે... 'વાઉ... દીપડાનું બચ્ચું...' હું ચમકી જાઉં છું, આ અવાજ તો... અને પરદા પર એને ખિલખિલાટ હસતી જોઉં છું. આનંદના આવેશમાં મારો હાથ પકડીને દાબી રહી છે - કંઈક બોલી રહી છે...

   જાનકી એનું નામ. હું ખાલી જાન કહેતો ને એ મને જાનુ. વારંવાર તો મળાતું ન હતું પણ જ્યારે મળીએ ત્યારે બીજું કંઈ વિચાર્યા વિના અહીં-આટલે આવી જઈએ -નેચર પાર્કમાં- પ્રકૃતિના સાંનિધ્યમાં! ફોન પર વાત થાય, અવારનવાર. પણ કેવી? એનું બોલવું ને મારું સાંભળવું! મળ્યા હોઈએ ત્યારેય એવું. સતત બોલે. જાતજાતની વાત હોય એની પાસે. હસતી-રમતી-ઉત્સાહથી સતત બોલતી હોય ને જ્યારે બોલવાનું બંધ કરે ત્યારેય બોલવા ન દે... 'હવે આપણે સાંભળીએ આ પ્રકૃતિના અવાજો-આ ઝાડ, આ પક્ષીઓ, આ લૉન... જો, બધાં કંઈક કહે છે...' પછી મૌન. એ ધ્યાનથી સાંભળવા મથે અને હું એને જોયા કરું...

   સીડી ચડી રહ્યાં છીએ અમે. સામે લૉન છે-બોરસલી છે... હું જોઉં છું પરદા પરનાં દૃશ્યો ને અચાનક વાંદરાભાઈ ઊભા થઈ મને ઉપાડી લે છે. કંઈ કહું-વિચારું એ પહેલાં મને ખભે બેસાડી પેલા પરદામાં ઝંપલાવી દે છે...

   એના હાથમાં મારો હાથ છે. ગુલાબી હોઠ પર નાજુક આંગળી મૂકી મોટી આંખો મટમટાવતી એ ધીમેથી મને કહે છે, 'હવે નહિ બોલવાનું... સાંભળીએ આ પ્રકૃતિના અવાજો... આ ઝાડ, આ પક્ષીઓ...'
   હું છું, એ છે, લૉન-બોરસલી ને વૃક્ષો છે. સામે લીમડો. લીમડા પર પરદો ને પરદા આગળ ખિખિયાટા કરતા વાંદરાભાઈ... હું ગભરાઈ જાઉં છું, જાનકી વાંદરાભાઈને જોઈ જાય તો! એનો હાથ ખેંચી બીજી બાજુ લઈ જવા મથું છું. હજી એણે હોઠ પર આંગળી મૂકેલી છે. આંખોથી જ પૂછે છે, 'શું છે?' અને મને બોરસલી તરફ-પાળી તરફ ખેંચી જાય છે. બેસાડી દે છે... મારે બોલવાનું નથી-સાંભળવાના છે, પ્રકૃતિના અવાજો. અને હું હંમેશની જેમ એને જોયા કરવાની તક ઝડપી લઉં છું... જોયા કરું છું. આંખો બંધ છે. જાણે પ્રકૃતિ સમસ્તને પોતાનામાં ઉતારી દેવા મથે છે. દૂર કોયલ ધીમા અવાજે બોલવું શરૂ કરે છે. એની મોટ્ટી આંખો ઊઘડે છે. મારી સામે જોતી આછું હસે છે. કોયલના ઉત્તરોત્તર ઊંચે ચઢતા ટહુકાની નોંધ એની ભ્રમર લે છે. સાત-આઠવાર ટહુકી કોયલ શાંત થાય છે. હું અપલક જોઈ રહ્યો છું એને. ભ્રમરથી જ એ પૂછે છે, 'શું?' એના બે હાથ વચ્ચે મારો હાથ દબાય છે...

   'આવું નહિ કરવાનું ડૅડી!' મારી દીકરીનો અવાજ સંભળાય છે... જોરદાર રીતે ભડકી જાઉં છું. એના હાથમાંથી હાથ ખેંચી લેવાય છે... પરદા પર નજર પડે છે, થપ્પો રમી રહ્યો છું બાળકો સાથે. દીવાલ તરફ ફરી આંખો બંધ રાખવાને બદલે ઉઘાડી રાખી હતી મેં. એ નીચી નમી ડોકિયું કાઢી જોઈ ગઈ... 'આવું નહિ કરવાનું ડૅડી.' 'પણ બેટા હું ક્યાં પાછળ જોઉં છું?' 'ના, તો પણ આંખો તો બંધ જ રાખવાની. વન ટુ ફિફ્‌ટી કાઉન્ટ કરવાના...'

   'શું થયું?' મારા ખભે હાથ મૂકી એ હજી આંખોની ભાષામાં જ બોલે છે. માય ગોડ... આ રહી એ પરદો જોઈ જાય તો! પેલા વાંદરીનાએ વૉલ્યુમ પણ ફૂલ રાખ્યો છે ને પાછો એ જ ઝાડ પર ઠેકડા મારતો ખિખિયાટા કાઢે છે... 'કંઈ નહિ, કંઈ નહિ...' હું લોચા વાળવા માંડું છું.... 'આપણે સાંભળીએ... અવાજો... પ્રકૃતિના...આંખો બંધ કરી દે... પછી જતાં રહીએ અહીંથી...'

   એ ખુશ થઈને આંખો બંધ કરી દે છે. હું ઝીણી આંખે પહેલાં એને જોઈ લઉં છું, પછી પરદા પરનાં દૃશ્યો પર નજર કરું છું. ગઈ એનિવર્સરીની જ તો રાત છે.
   સ્વીકૃતિ -મારી પત્ની- છોકરાંને સૂઈ જવા કહે છે. છોકરાં મારી સાથે રમતાં ધરાતાં નથી. 'કાલે સવારે ફરી રમીશું' એમ કહી હું સમજાવું છું. 'ગૂડનાઇટ ડૅડી.' વારાફરતી બન્ને વહાલ કરીને રૂમમાં જાય છે. જતાં જતાં સ્વીકૃતિ મારી સામે તોફાની નજરે જુએ છે.

   એની આંખોના તોફાનમાં ભર્યાભર્યા સંસારને પામ્યાનો સંતોષ ભળેલો દેખાય છે, થોડો થાક અને થોડી ઊંઘ પણ ખરાં... છોકરાંને સુવાડવા જાય છે. નાઇટ-લેમ્પના આછા અજવાળામાં એનો ચહેરો દેખાય છે. મીંચાયેલી આંખો - હોઠ પર જરા સ્મિત જેવું અને નર્યો સંતોષ... બે રૂપાળાં બચ્ચાં, બાબો ને બેબી... મનગમતો પતિ... સ્વપ્ન જોતી હશે, બિડાયેલાં પોપચાંમાં આંખો જરા જરા સળવળે છે...

   'આંખો કેમ ખોલી? ચીટિંગ... આવું ન ચાલે...' મારા પગ પર ટપલી મારતી એ ફરિયાદ કરે છે - જાનકી. રિસાય છે, મોં ચડાવી અવળી ફરી જાય છે... હું એને સમજાવવા માગું છું. અહીંથી એને સમજાવીને લઈ જવા માગું છું. બીક છે, પેલો પરદો - પરદા પરનાં દૃશ્યો એ જોઈ જશે... પણ એને મનાવવા જાઉં એ પહેલાં વાંદરાભાઈ પાછળથી મારા ખભે હાથ મૂકી મને ખેંચે છે. હું ડોળા કાઢી હાથના ઇશારે એમને જતા રહેવા કહું છું પણ એ હસ્યા કરે છે, નફ્‌ફટની જેમ... પછી પરદા તરફ આંગળી ચીંધે છે, હું જોઉં છું.

   ગુલમહોરનાં ફૂલનો 'રાજા' દેખાય છે. ભડકીલા એના રંગો વચ્ચે પાણીનું એક ટીપું તગતગે છે અને બીજું એક ટીપું પડી ફૂલને ધ્રુજાવી દે છે - પાણી સરી જાય છે. 'બહુ વરસાદ પડશે તો?' એણે દુપટ્ટો માથે ઓઢી લીધો છે, ગભરાયેલી આંખે મને પૂછી રહી છે... ઓહ, મને યાદ આવે છે, પહેલી વાર સ્વીકૃતિને લઈને ઇન્દ્રોડા આવ્યો હતો. હજુ સગાઈ થઈ ન હતી. એની આંખોમાં પાર વિનાનો આનંદ હતો, ઉત્સાહ હતો, શરમ હતી ને જરા જરા બીક જેવું...

   'મેં આવું બધું ક્યારેય જોયું નથી. કેટલી ફાઇન જગ્યા છે!' એ કહે છે. દૂર ક્યાંક બપૈયો બોલવું શરૂ કરે છે, 'જો આ પપીહાનો કૉલ છે...'
   વાંદરાભાઈ કંઈ કીધા વિના અચાનક જ મને ઉઠાવી લે છે. મારી એક આંખ પરદા પર છે ને બીજી રિસાઈને અવળી ફરી બેઠેલી જાનકી પર... વાંદરાભાઈ મને ઉપાડીને નાખે છે પરદાની આરપાર...

   'ઓહ, વાગ્યું તો નથી ને!' સ્વીકૃતિ પૂછે છે. 'ના, ના જરા ઠેસ વાગી, બસ!' ઊંચા ઝાડની ઊંચી ડાળ પર બોલતા બપૈયાને શોધતા-ઊંચે જોતા ચાલતા મને ઠોકર વાગી છે. બપૈયો પાંદડાનાં ઝૂંડ પાછળ જરા જરા દેખાય છે. હું એને આંગળી ચીંધી બતાવવા મથું છું, એ શોધે છે ને બપૈયો ઊડે છે... 'જો જાય...' 'હા, હા...'

   પગથિયાં દેખાય છે સામે. હું એને કહું છું, 'ચાલ, એક સરસ જગ્યા બતાવું...' એને ઓછું બોલવા જોઈએ. મને કહે, 'તમે બોલ્યા કરો, હું સાંભળ્યા કરું.' હું જે બોલું એ વિશે વિચાર્યા કરે. બધું સ્વીકાર્યા કરે. નામ પણ સ્વીકૃતિ. હું ક્યારેક કૃતિ કહું, ક્યારેક પ્રકૃતિ અને ચીડવવા વિકૃતિ પણ કહું. એ ન ચિડાય. મલકાય. સ્વીકારી લે. વિકૃતિ એવું નામ પણ સ્વીકારી લે.

   'જો' હું લૉન તરફ આંગળી ચીંધું છું. બોરસલી તરફ દોરી જાઉં છું. આશ્ચર્ય-વિસ્ફારિત આંખે એ બધું જોયા કરે છે. વળી યાદ આવતાં લીમડા તરફ જોઈ લઉં છું. ચમકી જાઉં છું. વાંદરાભાઈ ત્યાં હાજર જ છે - ખોટો અહીં આવ્યો, વિચારું છું. નથી જ બેસવું - લઈ જાઉં બીજે... ને જોઉં છું તો એ પેલી પાળી પર જ બેસી ગઈ છે.
   'ફાઇન જગ્યા છે, નહીં!' પરદા તરફ જ જોઈ રહી છે. કહે છે, 'વા...ઉ' હું નજર કરું છું. શ્વાસ અધ્ધર રહી જાય છે. 'જાન, રડવાથી શું થશે?' હું સમજાવી રહ્યો છું.

   જાનકીના ચહેરાને બે હથેળી વચ્ચે જરા દાબતો અંગૂઠાથી આંસુ લૂછું છું...
   'કેટલું ફાઇન લાગે છે, નહીં?' સ્વીકૃતિ પૂછે છે.
   'શું? શું?' હું લોચા મારું છું.
   'આકાશ...' એ કહે છે, '...કેવા રંગો, કેવા આકાર! આ લીમડાની સૂકી ડાળો... તમે તો ચિત્ર દોરી શકો છો. આવું બનાવી શકો?'
   હું નજર કરું છું. રડી-રડીને એની આંખો-ગાલ-નાક લાલચોળ થયાં છે. પોતાના હાથ વડે ચહેરો છુપાવતી મારા ખભા પર ઝૂકી પડી છે...

   ...કદાચ એને પરદો, પરદા પરનાં દૃશ્યો ને પરદા પાસે ઊભેલા વાંદરાભાઈ દેખાતા નથી - હા, નથી જ દેખાતા... સ્વીકૃતિને દેખાય છે આકાશ, રંગો... હું મોજથી હસી પડું છું. રિલેક્સ થઈ જાઉં છું. હાશ થાય છે. એ નથી જોઈ શકતી. હવે મને વાંદરાભાઈની બીક નથી... કંઈ ચિંતા નથી... હું હરખાઉં છું... જાનકી ધ્રૂસ્કે ચડી છે... 'દોરી શકો ને!' સ્વીકૃતિ પૂછે છે.

   હું જોઉં છું પરદા પરનાં દૃશ્યો. એ જુએ છે આકાશ. 'બહુ ડર લાગે છે, આ બધું છીનવાઈ તો નહિ જાય ને!' એ અસંબદ્ધ જેવી વાત કરે છે. હજી સગાઈ થઈ નથી ને કોણ જાણે શું મળી ગયું છે જે છીનવાઈ જવાની બીક છે એને!

   માંડ મનાવી શક્યો છું. જરા શાંત થઈ છે, જાનકી. 'ના, કંઈ-કંઈ શક્ય નથી. તારા ઘરનાં મને ક્યારેય નહિ સ્વીકારી શકે... અને આપણેય ક્યાં કદી એવા પ્લાનિંગ કર્યાં હતાં!' એ બોલી રહી છે. એના હાથમાં અણીદાર પથ્થર છે. બોરસલીના થડ પર જોરથી પથ્થર ઘસે છે - ટીચે છે. છાલ કઠણ છે છતાં ઉઝરડાય છે... હું એનો હાથ પકડી લઉં છું...
 
   'કેવું કોઈએ કોચી નાંખ્યું છે!' સ્વીકૃતિ કહે છે. બોરસલીના ઘા ઉપર એની આંગળીઓ ફરે છે. મારાથી એનો હાથ પકડી લેવાય છે. એ ઉઝરડાને કોઈ પ્રેમથી-સહાનુભૂતિથી સ્પર્શે એય મને સ્વીકાર્ય નથી. મજબૂતીથી એનો હાથ પકડી હું ખસેડી દઉં છું... કશાક મૂર્ખામીભર્યા ઝનૂનથી એની સામે જોઉં છું. એની આંખો ઝૂકી ગઈ છે, ગાલ શરમ-શરમ છે. હોઠ પર દાંત ભિડાયા છે... એવી રીતે હાથ ખેંચી લેવા મથે છે, જાણે ક્યારેય ન છોડું એમ ઇચ્છતી ન હોય!

   કંઈ વિચિત્ર લાગણીથી હું હાથ છોડી દઉં છું. દુપટ્ટામાં હાથ છુપાવતી નજર ઝુકાવતી એ અવાક્‌ બેસી રહે છે. હું નજર ફેરવી લઉં છું...
   જાનકીને હું ક્યારેય મનાવી શક્યો નથી, કંઈ જ. ન જ માની - બોલતી જ રહી - બોલતી જ રહી - કંઈ ન સાંભળ્યું... 'બસ, છેલ્લીવાર સાંભળી લે મને, પ્રકૃતિના અવાજો સાંભળી લે, પછી આપણે...' એનો અવાજ રૂંધાય છે. હું કંઈક બોલવા જાઉં છું. પણ મારા મોં પર હાથ મૂકી એ મને ચૂપ કરી દે છે. આંખના ઇશારે, કંઈ ન બોલવા કહે છે. હું ચૂપચાપ બેઠો છું...

   મારે બોલવું જોઈએ - મારે બોલવું જોઈતું હતું. એને સમજાવવાનો મેં પ્રયાસ કર્યો હોત તો કદાચ... 'ઓહ' મારી પાસે ઉપાય છે. મને લાગે છે, હું બોલી શકું-સમજાવી શકું... આ સામે ઝૂલતા પરદામાં દેખાતાં દૃશ્યોમાં-એ સ્થળે-એ સમયમાં-એ પરિસ્થિતિમાં હું પહોંચી શકું એમ છું - મારા હોઠ પર મૂકેલો જાનકીનો હાથ હટાવીને બોલી શકું-એને મનાવી શકું... હું ઝડપથી ઊભો થઈ જાઉં છું... બસ એક ભૂલ સુધારી લેવાની છે...

   હું ચાલવા માંડું છું... લીમડા તરફ-પરદા તરફ...
   'કોઈ પક્ષી ઊડીને ગયું, નહિ!' સ્વીકૃતિ પૂછે છે. હું અટકી જાઉં છું. સ્વીકૃતિ ઝીણી આંખે લીમડાની ઘટામાં જોઈ રહી છે. ચૂપચાપ બેઠેલી જાનકીની આંખમાંથી આંસુ સરે છે... અને બોરસલીની ડાળ પર ચાંચમાં તણખલું લઈ ઊડી આવે છે હોલો...
* * *


0 comments


Leave comment