3 - ભ્રાંતિ / જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ


   મીનાક્ષી એનું નામ. પહેલી વાર એના મોઢે એનું નામ સાંભળ્યું ત્યારે હસી પડાયેલું. એ કંઈક એવી રીતે બોલી હતી, જાણે, ‘મીન’ બોલીને છીંક ખાધી! પહેલીવાર મળ્યાં હતાં. લવ ઍટ ફર્સ્ટ સાઇટ જેવું હતું. જોકે, મારે તો ત્યારે સાઇટે-સાઇટે લવ થતા. ઉંમર જ એવી ખરી ને! બારમામાં હતાં બન્ને. પછીથી એણેય સ્વીકારેલું કે એ પણ મને જોતાં જ પ્રેમમાં પડી ગયેલી. એને એ વખતે સાઇટે-સાઇટે લવ થતા કે નહિ એ ખબર નથી. પણ પછી તો વારંવાર મળવાનું થતું - થતું નહિ, મન થતું. એટલે મળવાના પ્રસંગો શોધ્યાં કરતાં. ખાસ તો હું જ! સ્કૂલમાં, ક્લાસમાં કલાકો સુધી, એક-બીજાંને તક મળે જોઈ લેવાની સગવડ રહેતી. પણ બાકીનો સમય? ઘેર ઝઘડો કરીને મેં ઍક્વેરિયમ ખરીદાવેલું. દિવસ આખો ઘરમાં, રૂમમાં, માછલીઓ જોયા કરું-

   એનું નામ મીનાક્ષી ખરું ને! હતીય એની આંખો માછલી જેવી - કે મને એવી લાગતી, પણ, ખરેખર અદ્દલ લાગતી... અને હું ઍક્વેરિયમના કાચને, કોઈ જોઈ ન જાય એમ, ચૂમીય લેતો. બારમામાં જ એણે અમારી સ્કૂલમાં એડમિશન લીધેલું. પછી તો પેલું ફર્સ્ટ સાઇટમાં લવ ને પછી ઇન્ટ્રો ને 'મીન.... આક છી...', ત્રાંસી નજરે જોઈ લેવાનું, જોઈ રહેવાનું. ક્યારેક હસી લેવાનું - ક્યારેક શરમાઈ જવાનું - બેચેન થવાનું - હૃદયનું ઊભરાઈ જવાનું - ક્યાંક ક્યાંક કોઈની બર્થ-ડે પાર્ટીમાં મળી જવાનું - એના ઘર બાજુ આંટા મારવાનું - નોટ લેવા ને આપવાનું... ચાલેલું બધું, સરસ. એકરાર પણ થઈ ગયેલો, પ્રેમનો.

   'તારું નામ મીન બોલીને છીંક ખાતા હોઈએ એવું લાગે છે મને.' હું કહેતો. એ ચિડાતી. ચિડાવાનો ડૉળ કરતી. ટપલી મારવા જેવું કરતી. એના સ્પર્શની લાલચમાં હું જરા જેટલું હટી જવા જેવું કરીનેય સ્પર્શ થવા દેતો. પછી એ સ્પર્શને સાચવી રાખતો - મમળાવ્યા કરતો, કલાકો-દિવસો સુધી...

   'મીનુ જ કહીશ હવે તને.' મેં કહેલું. હસીને સ્વીકાર કરેલો એણે અને આંખ નચાવતાં જરા વધારે હસીને કહે, 'હું શું કહું તને?'... મારું નામ ઉલ્લાસ.... એ કહે, 'ઉલ્લુ કહું?' અને વળી ટપલી મારવા જેવું - વળી સ્પર્શ -કલાકો-દિવસો...

   નવું નવું હતું બધું ને સરસ સરસ. કલાકો સુધી-દિવસો-વર્ષો-જન્મો સુધી મમળાવ્યા કરવા જેવું. રોજે રોજ નવું નવું ને વધુ ને વધુ મજાનું. નવી નવી વાતો-નવા ભાવો-નવા નવા ઇશારા-ઉમંગો-ઉત્સાહો-રોજ નવાં હાસ્યો-સ્પર્શો ને મોજથી તરતી રંગબેરંગી માછલીઓ...
   - અને અમે ફરી એક વાર બહાર મળેલાં. એ કોઈ બહેનપણી સાથે ફિલ્મ જોવા અને હું ભાઈબંધના ઘેર વાંચવા નીકળેલો. બગીચામાં મળવાનું હતું. બસ, ખાલી મળવાનું. થોડી વાતો, થોડાં સ્મિત, થોડા સ્પર્શો ને રંગબેરંગી માછલીઓ... બાંકડો હતો, ઝાડ હતું ને ગભરાટ હતો... ઉત્સાહ તો ઉભરાય; આનંદ અને હાસ્ય પણ. અને ફરી એકવાર 'મીન આક છી'વાળી મજાક...

   સામે વાડ હતી, મહેંદીની. કાપીને ચોરસ પાળી જેવી બનાવેલી. સળવળી. મેં નજર કરી. ત્યાં કંઈક... કોઈક હોય એવું લાગ્યું... બીકમાં થડકારો ચૂકી ગયો... અને 'ઓહ...' હાશ થઈ. વાંદરાભાઈ હતા. જરા જુદા વેશમાં, પણ ઓળખતાં મને વાર ન લાગી. ધીર-ગંભીર હતા. આંખો સ્થિર. ચાલી આવ્યા. મને થયું ઓળખાણ કરાવું, પણ એ તો પેલીની બાજુમાં બેસી જ ગયા. હસ્યાય ખરા ને વાતોય કરવા લાગ્યા. વાંધા-વિરોધનો કંઈ પ્રશ્ન ન હતો પણ વાંદરાભાઈ જાણે એ-ની-એ જ વાતો કર્યા કરતા હતા જે હું અગાઉ કરી ચૂક્યો હતો... હું બોર થતો હતો ને પેલી તો જાણે મારી સાથે જ વાતો કરતી હોય એમ ઉમળકાભેર બોલ્યે-સાંભળ્યે જતી હતી. કસમથી, એકે વાર મારી સામેય જોવાની એણે તસ્દી લીધી હોય તો!

   સામાન્ય રીતે વાંદરાભાઈ મારાં બધાં કામો સંભાળી લેતા હોય છે, નાનપણથી. છેક નવ-દસ મહિનાની ઉંમરે પડતો-આખડતો ચાલવા શીખ્યો ત્યારથી તેમણે મારો હાથ ઝાલી લીધેલો. હું કંઈ પણ નવું શીખું કે વાંદરાભાઈ હોંશે હોંશે મદદ કરવા આવી જાય અને બધી જવાબદારી પોતે ઉપાડી લે. સાઇકલ શીખ્યો તો સાઇકલ ને સ્કૂટર શીખ્યો તો સ્કૂટર ચલાવવાની જવાબદારી પણ એમણે જ ઉપાડી લીધી. સવારે ટાઇમસર એ જ મને ઉઠાડે-બ્રશ કરાવે-માથું ઓળાવે અને અને... બધું જ વળી. સવારનાં બધાં કામ-બપોરનાં-સાંજનાં ને સૂવા સુધીનાં બધાં જ કામ...

   મજાની વાત એ હતી કે એમને કોઈ જોઈ શકતું નહિ. એ મને ખવરાવતા હોય પણ બધાંને લાગે કે હું જ ખાઉં છું. ખાવાનું-ગાવાનું-આવવા-જવાનું-ઊઠવા-બેસવાનું-તૈયાર થવાનું-હસવા-બોલવાનું બધું મારા બદલે વાંદરાભાઈ કરતા. મારે મજા હતી. સ્કૂલનું લેસન પણ વાંદરાભાઈ કરી આપે. અરે, રાત્રે ઊંઘમાંથી જાગ્યો હોઉં તો ટોઇલેટમાં ઊભો રાખી દેવાથી માંડી સ્વિચ ચાલુ-બંધ કરવી, પાણી રેડવું, બધું વાંદરાભાઈએ જ કરવાનું.... મારે તો બસ...

   હા, મજા હતી મારે. હજી મજા જ છે મારે. કંઈ ફિકર નહિ. એકદમ રાજાશાહી... પણ, આ વખતે જાણે કંઈક ખટકતું હતું, ખૂંચતું હતું. વાંદરાભાઈ જ એની સાથે વાતો કરવા લાગેલા, મારી મીનુ સાથે. હદ તો એ થઈ કે વાંદરાભાઈ પણ એને 'મારી મીનુ-મારી મીનુ' કરવા લાગેલા. હું સમસમીને રહેલો. ક્યારેક ડોળા કાઢી વાંદરાભાઈને જતા રહેવા ઇશારા કરું પણ જરાક વાર આઘાપાછા થઈ એ તો પાછા હાજર થઈ જાય. અને પછી તો ઘરમાં ઍક્વેરિયમ સામે બેસીને તરતી-સરતી માછલીઓને જોતો હોઉં ત્યાં પણ સામે છેડે વાંદરાભાઈ હાજર હોય. ઍક્વેરિયમના કાચમાં મારું આછું આછું પ્રતિબિંબ ઝિલાતું હોય ને સામી બાજુ બેઠેલા, આછા આછા દેખાતા વાંદરાભાઈ મારા પ્રતિબિંબમાં ભળી જતા હોય... એય જોતા હોય માછલીઓને... તરતી... સરતી...

   મીનાક્ષી સાથે ફોન પર વાતો કરવાનુંય એમણે શરૂ કરી દીધેલું. પહેલાં તો વાંદરાભાઈ કોઈની સાથે ફોન પર, 'હલ્લો-કોણ બોલો-કેમ છો?-બસ.. જલસા-ચાલો બાય.' એવી બધી વાતો જ કરતા. મીનાક્ષી સાથે પણ એમ જ વાતચીત શરૂ કરેલી, પણ પછી તો હસી-મજાક ને મળવાની જગ્યાઓ નક્કી કરવાનું ને છેવટે... શું બધું કહેવું મારે? સંકોચ થાય છે ને શરમ આવે છે... ફોન પર બચીઓ કરવાનું પણ એમણે શરૂ કરી દીધેલું. હું વાંદરાભાઈ કરતાંય મારી જાતને વધારે નફરત કરવા લાગું છું, આ બધું યાદ કરીને. પણ ત્યારે મારી બુદ્ધિ કોણ જાણે ક્યાં ચરવા ગઈ હતી કે આ બધું જોવા છતાં હું કંઈ કરી ન શક્યો, કંઈ કહી ન શક્યો. મારો સાવ કાબૂ જ જતો રહ્યો હતો પરિસ્થિતિ પરથી, વાંદરાભાઈ પરથી, જાત પરથી... હું કંઈ જ જોઈ-જાણી-સમજી શકતો ન હતો. ને કંઈ કરી ન શકતો હોવા છતાં, હું માનતો હતો કે બધું હું જ કરું છું! હું જ ફોન કરું છું, વાતો કરું છું, મળવાનું નક્કી કરું છું. 'આઇ લવ યુ-આઇ લવ યુ ટૂ' અને રિસીવરને બચીઓ... ને એસ.એમ.એસ.... મિસ કોલ... બધું જાણે હું કરું છું. હું જ મળું છું એને, હું જ હસું છું, હું જ વાતો-વાતો-વાતો... હું જ પકડું છું એનો હાથ જાણે ને હું જ ચૂમું છું પણ... ભ્રમ હતો મારો. નરી ભ્રાંતિ. માયાજાળ બધી વાંદરાભાઈની! અને હવે રહીરહીને ગુસ્સો એટલા માટે આવે છે કે મારી હાજરીમાં જ એમણે બધું કરેલું. મારી નજર સામે મારી મીનુનો હાથ હાથમાં પકડીને બેસી જતા. પંપાળ્યા કરતા એના હાથને. ને એને. આખા એના શરીર પર એમની નજર ફર્યા કરતી, ને હાથ પણ. પેલીય સાલી કંઈ સમજતી ન હતી. મારું આખું અસ્તિત્વ જ ભૂલી ગયેલી ને વાંદરાભાઈમાં જ મને જોતી-પામતી હતી... કે પછી, સાલી બૈરાની જાત, શુંય હોય એના મનમાં!

   એક જાતના નશામાં-એક જાતની તન્દ્રામાં રહેતો હતો હું. પણ અચાનક જ્યારે એ કૅફ ઓછો થતો ત્યારે લાગતું કે પ્રેમ જેવું તો કંઈ છે જ નહિ. ઘણા સમયથી જાણે હું મીનાક્ષીને મળ્યો જ નથી ને યાદ કરવા જતાં જે દૃશ્યો દેખાય એમાં તો, એની સાથે વાંદરાભાઈ જ દેખાતા...

   હું તો કેવળ બાજુમાં બેઠેલો દેખાતો-અવાક્‌-શૂન્ય-પથ્થરવત્‌....
   આખરે મેં, પાછું બધું મારા હાથમાં લઈ લેવાનો નિર્ણય કરેલોઃ વાંદરાભાઈના હાથમાંથી ફોન ઝૂંટવી લઉં ને નવા જ અંદાજથી વાતો કરું. મને ખબર હતી કે વાંદરાભાઈ કેવળ નકલ કરી જાણે છે. એટલે મેં ઝડપથી આગળ વધવાનું નક્કી કરેલું.

   વાંદરાભાઈ એક શીખે ત્યાં હું કાંઈક બીજું નવું કરવા લાગતો. અને પછી તો જ્યારે એને મળવા ગયો હોઉં ત્યારે રીતસરની ખેંચમતાણ થાય. હું પ્રેમમાં નવા ને નવા પ્રયોગો માંડું ને વાંદરાભાઈ ઝડપથી એ શીખી લઈ અજમાવવા માંડે. હું સતત નવું નવું કર્યા કરતો... નવી નવી વાતો-નવા નવા શબ્દો-નવા અંદાજ-નવા નવા સ્પર્શ ને નવાં નવાં ચુંબનો...

   પણ પ્રેમમાં સાલું જાહેર સ્થળે નવું નવું તે કરવુંય કેટલું? હું અકળાવા લાગ્યો. અકરાંતિયો થવા લાગ્યો. કોઈ પણ હિસાબે મારે વાંદરાભાઈની સત્તામાંથી છૂટવું હતું. પણ હું જેમ જેમ વધુ અકરાંતિયો થતો ગયો એમ એમ એ પણ આક્રમક થતા જતા હતા.
   એ જ બગીચો ને એ જ બાંકડો હતો. સાંજનો સમય. જોરદાર રસાકસી જામેલી અને અચાનક ઝનૂનપૂર્વક મને દૂર હડસેલી વાંદરાભાઈએ મીનાક્ષીના ચહેરાને પોતાના મજબૂત હાથ વચ્ચે ભીંસી-ખેંચી-એના હોઠ પર પોતાના હોઠ ભીડી દીધા... મારાથી સહન ન થયું અને ગળચીએથી પકડી-ખેંચી-ઝાટકા સાથે મેં એમને દૂર ફંગોળ્યા...

   મારી મીનુનો ચહેરો હાથમાં પકડી પાગલની જેમ એને નજીક ખેંચી એના હોઠને હું ચૂમવા લાગ્યો, આંખો મીંચીને ચૂમતો જ રહ્યો... ચૂમતાં ચૂમતાં મેં વાંદરાભાઈના તાળોટા અને ખિખિયાટા સાંભળી આંખો ઉઘાડી... ચોંકી ગયો હું - સ્તબ્ધ થઈ ગયો. મારી નજર સામે - બાંકડાના સામા છેડે મારી મીનુ બેઠી હતી, શૂન્યમાં તાકતી -સ્થિર-અવાક્‌-પથ્થરવત્‌... અને એની પાછળ બીભત્સ ચાળા કરી મને ચીડવતા ખિખિયાટા કરતા હતા વાંદરાભાઈ... ને મારા હાથમાં તો....

   હું મારા હાથને, ખાલી હથેળીને તાકતો રહ્યો.
* * *


0 comments


Leave comment