4 - સુન્દરીલોકમાં / જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ


   સવારે કાંકરિયા તળાવ ફરતે જોગિંગ કરી, થાકી હું એક બાંકડા પર બેઠો હતો. બેઠો બેઠો આવતાં-જતાં લોકોને જોતો હતો. એટલામાં થોડે દૂર, રોડ પર, પવનમાં ડોલતા પેન્ડોલા આસોપાલવ જેવી લહેરાતી બે છોકરીઓ આવતી દેખાઈ. સહેજ ટટાર બેસતાં, વાળમાં હાથ ફેરવતાં મેં વિચાર્યું : નવી લાગે છે, આ પહેલાં તો દેખાઈ નથી.

   પેલીઓ ઊડતા પતંગિયા જેવું ખિલખિલાટ હસતી, વાતો કરતી ધીમું ધીમું ચાલતી આવતી હતી. ટાઇટ શોટ્‌ર્સમાંથી દેખાતી લાંબી ટાંગો ને બાવડા સુધી દેખાતા હાથ, જાણે નીલગીરીની લિ...સ્સી ડાળીઓ જ જોઈ લો! ચકમક ચકમક દાંત ને લાલલાલ હોઠ, ફલેમિંગોની પાંખ જેવા ગુલાબી ગાલ ને હરણી જેવી અણિયાળી ચંચળ આંખો, રાતું નાકનું ટોચકું ને રાતી કાનની બૂટ. સાવ સામેથી પસાર થતાં એક જણીએ ડોક ફેરવીને ઢળકતી ઢેલ જેવું જોયું ને આપણા તો શ્વાસ થંભી ગયા. હૈયુંય બે-ત્રણ ધબકારા મિસ કરી ગયું. ઊઠીને એમની પાછળ દોડવા જાઉં ત્યાં તો કોઈના ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. પાછળ ફરીને જોઉં તો મોટા ગોરીલા જેવડા મેસિવ વાંદરાભાઈ! સવા છ-સાડા છ હાઇટ ને બ્રૉડ ચેસ્ટ, સ્ટ્રોંગ આર્મ્સ ને મસ્ક્યુલર બાઇસેપ્સ. હું તો ફાટી આંખે જોતો જ રહ્યો.

   ખડખડાટ હસતા વાંદરાભાઈ છાતી પર હાથ ઠોકતા બોલ્યા, 'ગાંડિયા, બહુ ઉતાવળો ન થા, એ ત્યાં નહીં, અહીં જોતી હતી, મારી તરફ.' હું અવિશ્વાસથી એમની સામે જોતો રહ્યો એટલે, 'નથી માનતો? તો જો.' કહેતા એક હાથ ઊંચો કરી વંટોળિયાની જેમ ચક્કર ચક્કર ઘૂમતા એ તો ગૂમ થઈ ગયા. ને હજી કંઈ વિચારું એ પહેલાં તો મારી સામે થોડે જ દૂર ધીમું ધીમું મલકાતા દેખાયા. પેલી બેઉ નીલગીરીની ડાળીઓ વીંટાળતી વાંદરાભાઈની છાતીમાં મોઢાં ઘસતી ખિલખિલાટ હસતી હતી ને બેઉના મખમલી ખભે ફરતો હતો વાંદરાભાઈનો હાથ. હું તો હબક જ ખાઈ ગયો.

   'અરે ભૂલ થઈ વાંદરાભાઈ મારી, કે તમારી વાત ન માની. પણ આમ અહીં જાહેર રસ્તા પર તમે...'
   મારી સામે જોતાં એ ફરી હસી પડ્યા. પછી પેલી છોડીઓના ખભેથી હાથ લઈ, સહેજ અળગી કરી, બેઉના ગુલાબી ગાલ પર ટપલી મારતાં આંખનો ઇશારો કર્યો ને પેલી બેઉ પાળેલા જર્મન શેફર્ડની જેમ આંખો પટપટાવતી ચાલી ગઈ.

   'વાંદરાભાઈ, આ રૂપમાં તો તમને કદી કલ્પેલા જ નહિ. તમે આ વિદ્યાય જાણો છો એમ ને?' મેં ઘુવડ જેવડી આંખો કરી પૂછેલું.
   તો કહે, 'જો ગાંડા, જ્યાં સુધી તારી કલ્પનાઓ પહોંચી શકે ત્યાં બધે હું પહેલેથી પહોંચી ગયેલો જ હોઉં, મારે માટે કશું અશક્ય ન હોય. તું જાણે છે, આ અસીમ બ્રહ્માંડના છેડા લગી તારા વાંદરાભાઈનો વિસ્તાર છે. અનંત કોટિ બ્રહ્માંડોની સફર એમણે ખેડી છે... બાકી તારે વધુ જોવું હોય તો ચાલ મારી સાથે.'

   મેં જવાની સંમતિ દર્શાવી એટલે એક હાથ મારા ખભે મૂકી બીજો હાથ અધ્ધર કરી.... ચક્કર ચક્કર વંટોળ... અંધારિયા ધુમાડા..... ને આજુબાજુ જોઉં તો કોઈ મહેલના વિશાળ ખંડ જેવા ઓરડામાં પહોંચી ગયેલા અમે બેઉ.
   જેવા અમે ત્યાં પહોંચ્યા કે આજુબાજુના દરવાજાઓમાંથી, કીડીઓ દરમાંથી ફૂટી નીકળે એમ, નીકળી આવી રૂપરૂપના અંબાર જેવી છોકરીઓ! આ હા હા હા... શાં એમનાં રૂપ, સાક્ષાત્‌ અપ્સરાઓ જ સમજી લો ને! બધી આવીને વાંદરાભાઈને વીંટળાઈ વળી. એક જણી મારા તરફ પીઠ કરીને ઊભેલી. મેં એના ખભે કુંભાર માટલીને મારે એવો ટકોરો મારી જોયો - જોવા, કે કાચની તો નથી ને! પણ માળી સાવ સાચી છોડી હતી. લીસી લીસી ને પોચી પોચી મખમલ જેવી! મને ટકોરા મારતો જોઈ અવળી ફરીને ડોળા કાઢવા લાગી. એટલામાં વાંદરાભાઈ મને કહે, 'ચાલ, આ તરફ' - હું ચાલ્યો એ તરફ.

   જતાં જતાં મારી એક તરફની ખુલ્લી બારીમાંથી જોઉં તો બહાર ઘૂઘવતો દરિયો! ને બીચ ભરીને છોકરીઓ જ છોકરીઓ. નાખી નજર ન પહોંચે એટલી છોકરીઓ. દરિયો ભરાય એટલી છોકરીઓ. આખે આખા દરિયા લઈને છાતીમાં, ઘૂઘવ્યા કરતી છોકરીઓ... મને બારી પાસે અટકી ગયેલો જોઈ વાંદરાભાઈ કહે, 'સુશીલાઓ છે બધી.' મેં આશ્ચર્યથી પૂછ્યું, 'સુશીલાઓ? એ કોણ?' વાંદરાભાઈ કહે, 'પહેલાં દરિયાકિનારે પડેલી શિલાઓ હતી. હું રાત્રે દરિયાકિનારે બેસવા જાઉં ત્યારે શિલા પર પગ પડે ને શિલા થઈ જાય સુશીલા.'

   અમે અંદરના ખંડમાં પહોંચ્યા. પેલી, જે સાથે આવતી હતી તે, બધીઓ દરવાજે સ્ટૅચ્યૂ થઈ ગઈ ને અંદર સ્ટૅચ્યૂ પોઝિશનમાં ઊભેલી બીજી, એમનાથીયે રૂપાળીઓ અમને-વાંદરાભાઈને લેવા દોડી આવી. વાંદરાભાઈએ હાથ લંબાવ્યો, ને બબ્બે જણીઓ હાથે વીંટળાઈ વળી, ઝાડની ડાળે સાપણ વીંટળાય એમ. એ લોકો થોડાં આગળ ગયાં એટલે મેં જોયું કે, બધીઓની પીઠ પર કાળા મરોડદાર અક્ષરે નંબરો લખેલા હતા, મોટા છ-છ આંકડાના નંબરો. બધીઓએ વાંદરાભાઈને પલંગ પર સુવાડ્યા. કોઈ બૂટ કાઢવા લાગી, કોઈ પંખો નાખવા લાગી, કોઈ પગ ને કોઈ હાથ દબાવવા લાગી.

   નજીક જઈ પલંગ પર બેસતાં મેં પૂછ્યું, 'આ નંબરો શા માટે વાંદરાભાઈ?' એટલે સૂતાં સૂતાં જ કહે, 'આ બધીઓ કંઈ હમેશાં રહેવાની નહિ, એ તો રોજ બદલાય, રોજ કેટલાં નામ યાદ રાખવાં! નંબર જ સારા.' પછી થોડીવાર અટકીને કહે, 'હું જરી આરામ કરી લઉં, તું ચા-નાસ્તો કરી બહાર આંટો મારવો હોય તો જજે.' આટલું બોલી એ તો આંખ મીંચી સૂઈ ગયા. એક જણી એમને પંખો હલાવી પવન નાંખતી હતી એટલે હું સહેજ ખસીને પવન આવે એમ ગોઠવાયો. પેલી મોં બગાડી માત્ર વાંદરાભાઈને પવન આવે એમ પંખો વીંઝવા માંડી. એટલે હું ઊભો થઈ પાસેની ખુરશીમાં ગોઠવાયો.

   સામે પડેલી ટિપોઈ પર ઘણાં મેગેઝિન, અખબાર અને પત્રિકાઓ પડ્યાં હતાં. મેં પત્રિકાઓ ઉઠાવી તો, મિસ ફલાણા ને મિસ ફલાણા કૉન્ટેસ્ટમાં જજ તરીકે ને ચીફ ગેસ્ટ તરીકે જવા માટેનાં ઍર-ટિકિટ સાથેનાં જુદા જુદા દેશોનાં નિમંત્રણો હતાં. કંઈકેટલાંય પાર્ટીઓમાં જવા માટેનાં નિમંત્રણોય હતાં ને સાથે હોલિવૂડ, બોલિવૂડ અને ચોલિવૂડની ઍક્ટ્રેસોના ગણ્યા ગણાય નહિ એટલા પત્રો હતા. બધીઓએ પાછા પોતાના ફોટાય મોકલાવેલા - જોયા જ કરીએ એવા ફોટા. મેગેઝિન ખોલીને જોઉં તો ગીત ગાતા ને બૉક્સિંગ કરતા, ક્રિકેટ રમતા ને ચિત્રો ચીતરતા વાંદરાભાઈના જ ફોટા. બબ્બે પાને વાંદરાભાઈની સહીવાળી જાહેરાતો આવે. એક મેગેઝિનના ફ્રન્ટ પેઇજ પર વળી છાતી પર વાંદરાભાઈના ટાટુ ચિતરાવેલી અર્ધી ઉઘાડી 'વી ગર્લ્સ'ના ફોટા છપાયા હતા. ને મેગેઝિન આખાં વાંદરાભાઈ-વિશેષાંક તરીકે છપાયેલાં. એમાં વાંદરાભાઈનાં દર્શન માટે સાહસ કરતી ક્રેઇઝી ગર્લ્સ વિશે રસપ્રસદ વાતો વિગતે છપાઈ હતી.

   થોડી વાર મેગેઝિન ઉથલાવતો હું બેસી રહ્યો. પછી ઊભો થઈ કાચનો દરવાજો ખોલી એક ખુલ્લા ચોગાનમાં પડતી ગેલેરીમાં ગયો. દરવાજો ખૂલતાં જ સામટી હજારો બૂમો ને કિકિયારીઓ સંભળાઈ. બહાર નજર કરું તો શોટ્‌ર્સમાં ને સ્કટ્‌ર્સમાં, મીનીઝમાં ને માઇક્રો મીનીઝમાં, સ્લિવલેસમાં, બૅકલેસમાં, ને ટાપલેસમાં... ભાતભાતની રંગબેરંગી છોકરીઓ જ છોકરીઓ. દરવાજો ખૂલતો જોઈ વાંદરાભાઈને જોવાની આશાએ એ બધી ઊછળી પડેલી. એકસાથે હજારો આંખો પર દૂરબીનો મંડાયાં હતાં. ને મને જોતાં જ નિસાસા નાખતી એ બધી પાછી હેઠી બેસી ગઈ. મેં જોયું, એક મોટું કાળા રંગનું પાટિયું લટકતું હતું ગૅલેરીમાં. એમાં સફેદ મોટા અક્ષરે લખેલું હતું, 'દર્શનનો સમય સાંજના પાંચથી સાડા પાંચ.' આ બધીઓ દિવસ આખો આમ જ જગ્યા બોટીને બેસી રહેતી હશે? એમ વિચારતો હું અંદર ચાલ્યો ગયો.

   ટિપોઈ પર ચા-નાસ્તો મુકાઈ ગયાં હતાં. એક મસ્ત મજાની ગોરીગોરી છોકરી ઊભી'તી ટિપોઈ પાસે. છેક એની પાસે જઈ ચહેરા પર અદાથી હાથ ફેરવતો હોઠ પર ડાબા ખૂણેથી જમણા ખૂણા સુધી જીભ ફેરવતો, ભ્રમરો વંકાવી તીરછું જોતો હું આછું આછું હસ્યો. વાંદરાભાઈ આવું વારંવાર કરતા. મેંય કરી જોયું. પેલી મોં મચકોડતી પગ પછાડતી ચાલી ગઈ - વાંદરાભાઈના પલંગ પર બેસી ગઈ.

   ચા પીતાંપીતાં મેં ટી.વી. જોવાનું વિચાર્યું. રિમોટ લઈ ટૅસથી ચાના ઘૂંટડા ઉતારતાં ટી.વી. ચાલુ કર્યું. ચપચપ બોલતી ચિબાવલી ન્યૂઝરીડર આંખના જાદુ પાથરતી હતી. ઍક્વેરિયમમાં તરતી માછલીઓ જેવી એની આંખોમાં આંખો પરોવી મેં જોયા કર્યું. થોડી વાર થઈ ત્યાં મારી પાછળની દીવાલ પર ટીંગાતા અરીસામાં પડતા વાંદરાભાઈના પ્રતિબિંબ પર જેવી એની નજર પડી કે તરત જ એ તરફ મોં ફેરવી ટી.વી. સ્ક્રીનને ભટકાતી, પાંજરામાં પુરાયેલા રીંછની જેમ વાંદરાભાઈને જોવા આઘીપાછી થવા લાગી, પછી ઝીણી આંખો કરી મને કહે, 'પ્લીઝ, જરા ટી.વી. એ તરફ ફેરવી દો ને!' ચીડથી એની સામે દાંતિયું કરતો ટી.વી. ઑફ કરી હું બહાર ચાલ્યો ગયો.

   બહાર જઈ જોઉં તો ઍન્ટ્રન્સથી છેક કમ્પાઉન્ડના ગેઇટ સુધી લાં...બી લાઇન, છોકરીઓની. મઘમઘતા બગીચામાં લહેરાતા પવનથી ડોલતાં ફૂલો જેવી ને ફૂલો પર ઊડતાં-ઝળૂંબતાં રંગબેરંગી પતંગિયાં જેવી છોકરીઓ. છાતી પર 'વ્યવસ્થાપક'નો બિલ્લો ચોડેલી એક જણીને મેં પૂછ્યું, 'આ લાઇન શાની?' એ અવિશ્વાસથી મને જોતી રહી. પણ પછી મેં, વાંદરાભાઈ જ મને લઈ આવ્યા છે - એમ કહ્યું ત્યારે રસપૂર્વક બધી વિગતો આપવા લાગી.

   કહે, દુનિયાભરની છોકરીઓની લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમાં લઈ વાંદરાભાઈએ આ યોજના કરી છે. આ લાઇનમાં ઊભા રહેવા કેટલીક પરીક્ષાઓ અને કેટલાક ફિઝિકલ ટેસ્ટ આપવા પડે છે. એમાં પાસ થનાર જ વાંદરાભાઈની સેવા કરવાને લાયક! રોજની હજારો છોકરીઓ ટેસ્ટ આપે. જે દસેક ટકા પાસ કરાય તે આ લાઇનમાં ઊભી રહે. આ દેખાય છે એના કરતાં તો કેટલાય ગણી લાંબી લાઇન ગેઇટ બહાર છે. અહીંથી રોજ પચાસ જણને અંદર ઍન્ટ્રી મળે. એ પચાસ જણ સાત દિવસ સુધી સાત અલાયદા ઓરડામાં રહે. સાતે ઓરડા પસાર કરે તે દરમિયાન તેમની પાસેથી રહેવા-ખાવાની સગવડ બદલ ચાર્જ લેવાય. વળી એકાદ દિવસ 'સર' ચક્કર મારી જાય અને દરેકને જોઈને નંબર આપી જાય. કોઈ ચાલાકીથી નંબર બદલી ન કાઢે તેની ખાસ કાળજી લેવાય. વળી, દરરોજ કમ સે કમ એકનો નંબર તો ૩૬૨૪૩૬ હોવો જ જોઈએ. ‘સર’નો એ પ્રિય નંબર છે. આ સાત દિવસ એમને કેમ રહેવું - વર્તવું - બોલવું વગેરે શીખવાય. વાંદરાભાઈને શું ગમે ને શું ન ગમે તેની ચર્ચાઓ થાય, સાતે ઓરડામાં જુદા જુદા વિષયને લઈને બનાવાયેલી વાંદરાભાઈ પરની ફિલ્મો બતાવાય...

   સાત દિવસની ટ્રેનિંગ પછી એક દિવસ વાંદરાભાઈની સેવાનો લાભ મળે... આ બધું હોવા છતાં તમે જોઈ શકો છો કે અહીં આવનાર દરેકમાં ઉલ્લાસ છે, વિશ્વાસ છે. દરેક જણ ખુશ છે, સંતુષ્ટ છે. એકેએકને આશા છે કે પોતે 'સર'ને સેવાથી એટલા સંતુષ્ટ કરી શકશે કે તેઓ પોતાને હંમેશને માટે અહીં જ રાખી લેશે. આમાંની કેટલીય છોકરીઓ જાતજાતની બાધાઓ રાખીને આવી હોય છે. કેટલીય કેવળ ફળો પર રહે છે. કેટલીક લિક્વિડ પર ને કેટલીક કેવળ વાંદરાભાઈનાં સપનાંઓ ઉપર જ જીવે છે...

   અમારી ડાબી તરફ વિશાળ ચોગાન હતું. એની પેલી બાજુ ખૂબ ઊંચું બિલ્ડિંગ હતું. માથે ટોપી મૂકીને નીચે ઊભા ઊભા ઉપલા માળને જોવા જઈએ તો ટોપી હેઠી પડી જાય એટલું ઊંચું. મેં પૂછ્યું, 'આ મેદાન શાનું? ને પેલા બિલ્ડિંગમાં કોણ રહે છે?' તો વ્યવસ્થાપક કહે, 'બસ, હમણાં થોડી જ વારમાં મેદાનમાં પાણી છંટાશે, ગુલાબ-જળનો છંટકાવ થશે. અંધારું થાય એ પહેલાં બધી ફ્‌લડ ચાલુ કરી દેવાશે. ને રાત પડ્યે રાસલીલા શરૂ થશે. પેલા આલિશાન બિલ્ડિંગમાં 'સિલેક્ટેડ સિક્સ્ટીન થાઉઝન્ડ ગર્લ્સ' રહે છે. રાતે એ સોળ હજાર સાથે વાંદરાભાઈ રાસડા ખેલશે...'

   એટલામાં લાઇનમાં ઊભેલી છોકરીઓએ કિકિયારીઓ પાડવી શરૂ કરી. ઍન્ટ્રન્સ તરફ જોઉં તો મધપૂડા પર મધમાખીઓ જેવી છોકરીઓ વચ્ચે ઘેરાયેલા વાંદરાભાઈ! લાઇનમાં ઊભેલીઓ તો જબરી ગાંડી થઈ. વાંદરાભાઈનાં આમ બહાર જ દર્શન થઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય એમને! કેટલીક તો અતિઉત્સાહમાં રાડો નાંખતી પોતાનાં જટિયાં ખેંચવા લાગી. એમની ચીસોથી વાતાવરણ ભરાઈ ગયું - ઊભરાઈ ગયું. વાંદરાભાઈએ ક્લીન શેવન ચહેરા પર હાથ ફેરવતાં, હોઠના ડાબા ખૂણેથી જમણા ખૂણે જીભ ફેરવતાં આછું સ્મિત વેરી એક ફ્‌લાઇંગ કિસ કરી ને કંઈકેટલીય બેહોશ થઈને ઢળી પડી.

   વાંદરાભાઈ ઉતાવળમાં હોય એમ લાગ્યું. કહે, 'આ વખતે તો મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં જવું પડશે. મિસ વર્લ્ડમાં ન ગયાનું બધાંને બહુ ખોટું લાગ્યું છે. અત્યાર સુધીમાં કેટલાય ફોન આવી ગયા.' એમનું બોલવાનું પૂરું જ થયું ને બાજુમાં ઊભેલી ૩૬૨૪૩૬ વધુ નજીક આવીને કહે, 'ત્યાંથી જ ફોન છે. શું કહું?' વાંદરાભાઈએ એની કમર ફરતે હાથ વીંટાળીને સેલ્યુલર પોતાના હાથમાં લઈ કશીક ધીમેથી વાત કરી લીધી. પછી મને કહે, 'ચાલ તું આવીશ ને!' ના કહેવાનો તો સવાલ જ નહોતો.

   વાંદરાભાઈએ એક હાથ મારા ખભે મૂક્યો ને બીજો હાથ ઊંચો કર્યો. ફરરર, ચક્કર ચક્કર ને અંધારિયા ધુમાડા...
   મેં જોયું તો પેલી બેઉ પાછી આવતી જણાઈ. નીલગીરીની ડાળી જેવી ટાંગો ને લીસાલીસા હાથ! જોશે કે નહિ... જોશે કે નહિ... મેં આગળ પાછળ, આજુબાજુ જોઈ લીધું. પછી થયું, વાંદરાભાઈ તો મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટમાં... પેલી બેઉ સાવ નજીક આવી. મેં ક્લીન શેવન ચહેરા પર હાથ ફેરવતાં હોઠના ડાબા ખૂણેથી જમણા ખૂણે જીભ ફેરવતાં ભ્રમર વંકાવીને સ્મિત વેર્યું... પણ આ બાજુ જુએ એ બીજા. મને થયું, આય માળી વાંદરાભાઈની સેવા માટેના ટેસ્ટ આપવા તો નહિ જતી હોય ને!
* * *


0 comments


Leave comment