5 - નગરચર્યા / જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ


   ગામથી દૂર હતો હાઈ-વે. ચાલી-થાકીને પહોંચ્યો. ગરમી તો ખાસ ન હતી પણ આકાશમાં વિખરાયેલાં છૂટાં છવાયાં વાદળાં વચ્ચેથી સૂરજ તીખા તીખા તડકા ઓકી જતો હતો. રોડ સીધો હતો એટલે બન્ને તરફથી આવતાં વાહન દૂરથી જ દેખાઈ જાય. કોઈ બસ અહીંથી પસાર પણ થતી હશે કે કેમ એ જ સવાલ હતો, એટલે સ્ટેન્ડ તો ક્યાંથી હોય! પ્રાઇવેટ વાહન મળશે એવી આશાએ ઊભો હતો. ત્યાં દૂરથી કોઈ વાહનનો અવાજ સંભળાયો. જોયું. એક તગો-છકડો આવતો હતો. ખાલી લાગ્યો. જેમજેમ એ નજીક આવતો ગયો તેમતેમ એનો બભૂક્-બભૂક્ અવાજ વધુ ને વધુ મોટો થતો ગયો. એને રોકવા રોડ તરફ આગળ વધું ત્યાં પાછળથી કશાક અવાજો સંભળાયા. ઘણા બધા માણસો કોઈની જય બોલાવતા હોય એવું લાગ્યું.

   પાછળ ફરીને જોયું તો નવાઈ!! લાલચટ્ટક ગુલાબનાં ફૂલોની મઘમઘતી જાજમ પર એક મહારાજ ચાલ્યા આવતા હતા ને એમની સાથે કેટલાય માણસોનો રસાલો!
   મહારાજે હાથ ઊંચો કર્યો ને બધ્ધાં ચૂપ! શું મહારાજનું રૂપ! એવું થાય કે જોયા જ કરીએ. ઝળહળ ઝળહળ વસ્ત્રો ને ઝગમગ ઝગમગ આભૂષણો. મુખમંડળ પર સૂર્ય-શી કાંતિ ને આંખોમાં ગજબનું તેજ. હોઠ પર ફરફરતું મન્દ મન્દ સ્મિત ને વજ્જર જેવું શરીર. મુગટમાં જુઓ તો હીરા ને પોખરાજ, ગળામાં વળી માણેક મોતીના હાર! મહારાજે ફરી હાથ ઊંચો કર્યો ને આખ્ખો રસાલો ઊભો રહી ગયો. 'આજે અમે એકલા જ નગરચર્યા કરવા જઈશું.' શું મહારાજનો અવાજ! હું તો સાંભળી જ રહ્યો. મહારાજે બીજો હાથ ઊંચો કર્યો ને ધડબડ ધડબડ કરતો રથ આવીને ઊભો રહ્યો. શું રથના શણગાર! મહારાજ આગળ વધ્યા. હું જોતો રહ્યો એમના રૂપને ફાટી આંખે. ને મારી સાવ પાસેથી પસાર થતા મહારાજ જરી અટક્યા. ઊભા રહી મારી તરફ જોયું. સાવ પાસે આવી ઝૂકીને વાંકું મોં કરી આંખ મિચકારી. 'ઓહ, વાંદરાભાઈ!' મારાથી બોલાઈ ગયું. હોઠ પર આંગળી દાબી આસપાસ જોતાં એ કહે, 'આજે રાજા રાજા રમીએ.'

   બડા ઠાઠથી રાજાજી ચડી ગયા રથ પર ને ઝણુંક ઝણુંક કરતો, ઊપડ્યો ભ'ઈ રથ તો. આગળના અરીસામાં જોતા, પ્રસન્ન મુખ મલકાવતા મહારાજા તો રથ મધ્યે ઊભા રહ્યા ને સારથિના એક ઇશારે પાંખાળા ઘોડા મંડ્યા દોડવા. દોડતાં દોડતાં મંડ્યા ઊડવા. ધડબડ ધડબડ ઘોડાની પાંખો ફફડે ને ખણણ ખણણ રથના ઘૂઘરા ઘમકે. મહારાજ જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં સૃષ્ટિ આખી ઝૂકી પડે. રસ્તાની બેય બાજુ જુઓ તો ટાંકણી ઘોંચવા જેટલીય જગ્યા ન મળે. જળચરો ને ભૂચરો ને ખેચરો સૌ વળ્યાં ટોળે. છમ્મ લીલાં વસ્ત્રો ધારણ કરીને લટકાતી મટકાતી કામુક ધરતી ઊભી રહી અપ્સરાની જેમ. ને રાજાજી તો જાય પવનવેગે!

   શરણે આવેલા ખંડિયા રાજા જેવા પર્વતો દૂર દૂર સુધી પડ્યા'તા, 'જય હો' કરીને સાષ્ટાંગ પ્રણામ કરતા. રાજાજીની કૃપાદૃષ્ટિ ધુમ્મસ થઈને વીંટળાઈ વળી એમની ચોપાસ; 'જાવ આ વર્ષનો કર વસૂલ તમારો', ને 'ધન્ય હો', 'ધન્ય હો' કરતી ટેકરીઓ સાવ પાસે આવી આવીને મહારાજનાં ચરણોમાં આળોટી પડી. વૃક્ષો ઉલ્લસી ઊઠ્યાં ને વાતાવરણ આખું જયઘોષથી સભર થયું.

   પાંખાળા ઘોડા ઑર તેજ ગતિથી ધસમસવા લાગ્યા. નવાં નક્કોર પર્ણો-ફૂલોના શણગાર સજેલાં વૃક્ષો હિલ્લોળાઈને મહારાજને ચામર ઢોળતાં રહ્યાં. દિક્‌દિશાઓમાંથી આવી આવીને પ્રાણીઓ ને પંખીઓ, સજીવો ને નિર્જીવો, સૂક્ષ્મો ને સ્થૂળો, સદેહીઓ, અદેહીઓ અને વિદેહીઓ, સાકારો, નિરાકારો ને વક્રાકારો, સરૂપો, અરૂપો ને વિરૂપો બઅ...ધ્ધે બધ્ધાં અવાક્‌ નતમસ્તક ઊભાં રહી ગયાં. 'ધન ભાગ અમારાં' કહેતી આસમાની વસ્ત્રોમાં સજ્જ નદીઓએ મારકણી અદાથી મરડાઈને મહારાજને આમંત્ર્યા. જળ પર કે સ્થળ પર, ડાળ પર કે પાન પર, શિલાઓ પર કે કિલ્લાઓ પર, ક્યાંય કહેતાં ક્યાંય જગ્યા ન મળે તસુભર. અરે, ધરતીની વાત છોડો, આકાશેય આખું ખીચોખીચ. ઝીણાં ઝીણાં જીવજંતુઓથી માંડીને વિરાટકાય પંખીઓથી ભરાયું'તું આકાશ. ને એની પાછળ ભરચક ભરચક વાદળાં. ઘડીભર તો સૂરજની શરમ મૂકી અજવાળાના પડ ચીરીને ડોકાઈ રહ્યા તારા. વાદળ પાછળ છુપાઈને દેવોય મહારાજની કાંતિ નિહાળતા રહ્યા. વમળાઈ વમળાઈને વંટોળિયા મહારાજનાં દર્શન કરતા રહ્યા. અશ્વોની પાંખો ભખભખતી રહી, મહારાજનો રથ ધણધણતો રહ્યો. ભરચક ભરચક આકાશ ને ગીચંગીચ ધરતી પર 'અહો ધન્ય હો' 'જય હો'ના અવાજોના દરિયા હિલોળાતા રહ્યા.

   આવા મહારાજને જોવાનું મન કોને ન થાય? અત્યાર સુધી વાદળ પાછળ છુપાઈ રહેલા સૂરજનેય થયું, 'લાવ ને જોઉં તો ખરો, કેવાક તેજસ્વી છે મહારાજ!' ને સૂરજ તો ભ'ઈ ધીમેક કરીને ડોકાયો વાદળના પરદા પાછળથી. આહાહા જુએ તો, શું રૂપ મહારાજનું! શું તેજ રાજાધિરાજનું! મહારાજે વાદળમાંથી ડોકાતા સૂરજ સામે જોયું ને નજર નજર ટકરાઈ. તડાક્‌ કરતીકને સૂરજની નજર ભાંગીને ભુક્કો! સૂરજ તો ભારે ભુરાંટો થયો, 'મારી નજરનો ભાંગીને ભુક્કો કર્યો, એવું એનું તેજ?' - સળગી ઊઠ્યો સૂરજ ઈર્ષાથી. ઝાળ લાગી પગની પાનીથી માથાની ચોટલી લગી. લાગી તો લાગી, એવી લાગી કે એના દેહમાં ન સમાય. લપ્પ કરતો ઈર્ષાની આગનો તિખારો એની આંખમાંથી છૂટ્યો. છૂટ્યો એવો જાય સનનન... પછી તો ખુદ સૂરજ ગભરાયો.

   ગભરાયો એવો કે દોડ્યો તિખારાને ઝાલી લેવા. પણ આ તો સૂરજની ઈર્ષાનો તિખારો, એમ પકડાય? જઈને પડ્યો ધસમસતો મહારાજની છાતી પર. ને છઅમ્મ.... કરતો બુઝાઈ ગયો. બુઝાઈ તો ગયો પણ મહારાજનું ધ્યાન વિચલિત થયું. છાતી સામે જુએ તો બુઝાયેલો તિખારો! મહારાજની ભ્રમરો વંકાઈ. ધરતી ધ્રૂજી ઊઠી. મહારાજની આંખો ક્રોધથી લાલ થઈ. આકાશ અડવડિયાં ખાવા લાગ્યું. મહારાજે ઊંડો શ્વાસ લઈ ઉપર નજર કરી. બઅ...ધ્ધો પવન મહારાજનાં ફેફસાંમાં કેદ! ને પછી સૂરજ તો ભ'ઈ જે નાઠો, જે નાઠો. આમ તો બચી ગયો હોત પણ મહારાજને એનો પડછાયો વાદળ પાછળથી સરી જતો દેખાઈ ગયો. ભયંકર હુંકાર કરી મહારાજ કૂદ્યા આકાશમાં ને તમે જુઓ તો પૃથ્વી બાપડી મહારાજના પગના ધક્કે હજ્જારો માઈલ દૂર ફંગોળાઈ ગઈ. મહારાજ વાદળોના પગથિયે ચડી આકાશ આખું ખૂંદી વળ્યા. સૂરજનો તોય પત્તો ન લાગ્યો તે મહારાજ મંડ્યા આકાશના પડોને ચીરવા, જઈ જઈને જશે કેટલેક! મહારાજની તલવાર નીકળી ને આકાશમાં લાંબી લચરક વીજળીઓ થવા લાગી. એક ઘા ને બે કટકા. મહારાજ તલવાર વીંઝે ને આકાશના ટુકડે ટુકડા. એક એક તારા મહારાજને શરણે થયા. ગ્રહો, નક્ષત્રો ને રાશીઓએય માથાં ઝુકાવ્યાં. પણ સૂરજ તો બીકનો માર્યો પેઠો'તો પાતાળમાં. મહારાજ પાતાળેય ખૂંદી વળ્યા. સાતે સાત પાતાળ ઉલેચી નાખ્યાં ત્યારે આખા શરીરે મેશ ચોપડી, કોકડું વળી, સાતમા પાતાળના તળિયે લપાઈને બેઠો બેઠો થથરતો સૂરજ હાથ લાગ્યો. મહારાજે પકડીને બહાર ખેંચી કાઢ્યો. રોતો કકળતો સૂરજ હાથ જોડી કહે, 'હું તો કાળો પાતાળ રાક્ષસ છું ભાઈસા'બ મને ન મારો.'

   મહારાજે પાસે જઈ સૂરજના કપાળ પર ઘઅ...સ્સીને અંગૂઠો ફેરવ્યો ને મેશ તો ઊતરી ગઈ. ચમ્મ ચમ્મ કરતું સૂરજનું કપાળ ઝગમગવા લાગ્યું. હવે તો કંઈ બોલવાનું રહ્યું નહિ. પડ્યો ભોંઠો. મહારાજે ભયાનક અટ્ટહાસ્ય વેર્યું. સાતે પાતાળ ખણખણી ઊઠ્યાં. પૃથ્વી પર ભૂકંપો થયા ને આકાશમાં તિરાડો પડી.

   ક્રોધથી આંખ લાલ કરી ઉગામ્યું ખડ્ગ મહારાજે તો! તમે જોયું હોય તો રીતસરના આગના લપકારા ઊડે એમની આંખેથી. સાતમું પાતાળ તો બળીને રાખ જ થઈ ગયું. પૃથ્વીય આખી ધુમાડો ધુમાડો. આકાશની ફૂટી ગઈ આંખો ને ઇન્દ્રાસન પણ હીંચમ્‌હીંચ ડોલવા લાગ્યું. ઇન્દ્રનો મુગટ માથેથી પડ્યો હેઠો ટડિંગ દઈને. રન્નાદે તો ચક્કર ખાઈને ગબડી જ પડ્યાં. પડ્યાં એવાં એક વાદળીમાં ભફ્‌ફ કરતાં અર્ધાં ખૂંપી ગયાં. એમનું મંગળસૂત્રય તૂટ્યું-તડાક્‌ ને ગળામાં ભરાઈને મંડ્યું ઝૂલવા. દેવો ને ગંધર્વો, મહર્ષિઓ ને રાજર્ષિઓ, દિશાઓ ને ખૂણાઓ, નક્ષત્રો ને રાશીઓ, ગ્રહો ને ઉપગ્રહો બધ્ધે બધ્ધાં 'ના'ની પોઝિશનમાં હાથ લાંબા કરી ડગલું આગળ ભરતાં ભરતાં થંભી ગયા. સૂરજ બચારો ગરીબડો થઈ મહારાજનાં ચરણોમાં આળોટી પડ્યો ને કંઈ વીનવે, કંઈ વીનવે... એની આંખોમાંથી દદડતાં આંસુથી મહારાજના પગ ભીંજાયા ત્યારે મહારાજ કંઈક પીગળ્યા. એમની આંખોમાંના આગના લપકારા સાવ બુઝાઈ ગયા ત્યાં સુધી મહારાજ એ જ પોઝિશનમાં ઊભા રહ્યા ને સૂરજ એમનાં ચરણ આંસુ વડે ધોતો રહ્યો.

   છેવટે ખાસી વાર પછી મહારાજે તલવાર મ્યાન કરી. જોનારા સૌના જીવમાં જીવ આવ્યો. મહારાજે સૂરજને બાવડું ઝાલીને ઊભો કર્યો. ને 'ડબ્‌' એક મસ મોટું આંસુ સૂરજની આંખેથી પડ્યું, 'મહારાજ કેવા ક્ષમાવાન, ગુણવાન!' - ડબ્‌ બીજું પડ્યું, 'હું કેવો પામર, કેવો નિર્ગુણ!' - ડબ્‌ - ત્રીજુંય પડ્યું, 'હાઆઆ...શ, ચાલો જીવ તો બચ્યો!' ને પછી તો ડબડબાડબ ચાલુ જ થઈ ગઈ. ત્રણે જાતનાં આંસુનાં ત્રણ ઝરણાં વહેવા લાગ્યાં. એ ત્રણેનો ત્રિવેણીસંગમ મહારાજનાં અંગોને પ્રક્ષાલવા લાગ્યો. ચોમેરથી હર્ષનાદો સંભળાવા લાગ્યા. આછું સ્મિત વેરતા મહારાજે સૂરજને માથે પ્રેમથી ટપલી મારી શ્વાસ મૂક્યો ને પવન મુક્ત થયો. આખી સૃષ્ટિમાં પ્રાણ પુરાયા. દેવોએ સ્વર્ગમાં પુષ્પો ખૂટી ગયાં ત્યાં લગી પુષ્પવૃષ્ટિ કરી. જેવાં પુષ્પો ખૂટ્યાં ને વૃષ્ટિ અટકી કે મહારાજે ઉપર નજર કરી. બીકના માર્યા દેવો ધ્રૂજતા હાથે પોતાનાં કપડાં ફાડી ફાડીને વૃષ્ટિ કરવા લાગ્યા. મહારાજ મૂછમાં હસ્યા ને ઊંચો હાથ કરી 'સ્ટોપ' કહ્યું.

   પાંચમા પાતાળ પર પગ ખોડી, પહેલા પાતાળ પર હથેળી ટેકવી મહારાજ બહાર નીકળી આવ્યા ને અચાનક યાદ આવ્યું હોય તેમ વળી પાછા ફરી નીચે ઝૂકી પોતાનાં જ આંસુનાં ઝરણાં મધ્યે ઊભા રહી શરીર પરની મેશ ધોતા સૂરજને કહે, 'એમ કરજે, આ ઝરણાં આપણા રાજ્યમાં મોકલાવી દેજે. હમણાં પાણીનો પ્રોબ્લેમ છે.'

   પ્રજાય પછી તો પાગલ થઈને નાચવા-કૂદવા માંડેલી. ચારે બાજુ આનંદ આનંદ. ચારે બાજુ હર્ષોલ્લાસો ને જે જે'કાર... એટલામાં કોઈ વાદળ પાછળથી કોઈ દેવ બોલ્યા, 'બોલો પરદુઃખભંજન કપિરાજની...' દિશાઓ ગાજી ઊઠી, 'જય...' ને મહારાજ તો ભ'ઈ ફરી ગુસ્સામાં લાલઘૂમ! સૂરજનાં આંસુવાળું પાણી તો છઅમ્મ કરતું ક્યાંય ઊડી ગયું ને કોપભવનમાં પ્રવેશેલા મહારાજે ખડ્ગ કાઢી ચોમેર ગાજતી પડઘાતી સહસ્ત્ર દિશાઓના એક ઘાએ ટુકડા કરી દીધા ને પાડી ત્રાડ, 'મૂર્ખ, અસભ્ય, કપિરાજ નહિ, ચક્રવર્તી મહારાજાધિરાજ પ્લવંગદેવ બોલો...!!' અને દેવો ય, તમે જુઓ તો, પીપળાનાં પાન ધ્રૂજે એમ ધ્રૂજવા લાગ્યા. થોડીવારની સ્તબ્ધ શાંતિ પછી ભયમિશ્રિત નારા ઊઠ્યા, 'બોલો, ચક્રવર્તી મહારાજાધિરાજ પરદુઃખભંજન પ્લવંગ દેવની...' 'જય...' મહારાજ મૂછમાં હસ્યા ને આકાશમાં નજર કરી ચપટી મારી વિશ્વકર્માને ટુકડા થઈ વેરાઈ ગયેલી સહસ્ર દિશાઓને સ્ટેપલ કરી દેવાની સૂચના આપતાં ચડી બેઠા રથમાં.... ફરી જે જેકાર થયો ને રણુંક રણુંક ઝણુંક રથ ઊપડ્યો. ફરી પવનો ને ધ્વનિઓના નાચ શરૂ થયા. મદહોશ સુવાસો મહારાજને વીંટળાવા લાગી ને પવનની કોમળ બહુલતાઓ મહારાજને આલિંગવા લાગી. રથ તો જાય મસ્તીથી ઝમ્મક ઝમ્મક...

   મહારાજના મહેલના દીવડા દેખાવા લાગ્યા. પાંખાળા ઘોડાની પાંખોના બભૂક બભૂક અવાજો ધીમા પડતા ગયા. રથના ઝાંઝરના ખનૂક ખનૂક અવાજો બંધ થયા ને મૂછ બનાવી હોઠ અને નાક વચ્ચે દાબી રાખેલી પૂંછને ઉલાળતા મહારાજ ઠેકડો મારતાકને ઊતર્યા હેઠા. પછી તો એક-બે-ત્રણ ઠેકડા ને બાજુના ઝાડની ઘટામાં મહારાજ હૂપાહૂપ કરતાં ગૂમ! ખીસામાંથી હાથ કાઢી છકડાવાળા તરફ લંબાવતાં મેં કહ્યું, 'લો સારથિ આ સ્વર્ણમુદ્રાનો ઉપહાર તરીકે સ્વીકાર કરો.'
* * *


0 comments


Leave comment