1 - (પશ્ચાદ્-લેખ ૧) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ - ‘વાંદરાભાઈ’ના સર્જક - જિતેન્દ્ર મૅકવાન


   ગાંધીનગરથી વિસનગર જતી બસની છેલ્લી સીટ પર બારી પાસેની જગ્યામાં હું બેઠો છું. બાજુમાં જિજ્ઞેશ અને અજિત બેઠા છે. જિજ્ઞેશ એની ‘મહોરાં’ વાર્તા વાંચવાનું શરૂ કરે છે અને ત્યાં જ, મારી અને જિજ્ઞેશની વચ્ચે વાંદરાભાઈ આવીને ગોઠવાઈ જાય છે. હું વાર્તા સાંભળવાનું કામ વાંદરાભાઈને સોંપીને બારી બહારની ઉત્તર ગુજરાતની ધરતી જોયા કરું છું. થોડી વારે વાર્તા પૂરી થાય છે. વાંદરાભાઈ આખી વાર્તાનો સાર મને સમજાવીને ગાયબ થઈ જાય છે અને હું જિજ્ઞેશને વાર્તા વિશે અભિપ્રાય આપવાનું શરૂ કરું છું.
*
   આ અસર છે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની 'વાંદરાભાઈ' જૂથની વાર્તાઓ વાંચવાની. જિજ્ઞેશના વાંદરાભાઈએ મારા મન પર એવો કબજો જમાવ્યો કે જિજ્ઞેશની વાર્તાઓ વિશે મારે લખવું હતું તે આ રીતે જ શરૂ થયું.

   મેં પહેલી વાર્તા 'મહોરાં' સાંભળી ત્યારે જ જિજ્ઞેશની આ 'વાંદરાભાઈ'વાળી વાત ગમી ગયેલી. પછી તો આ ગુચ્છની પાંચેય વાર્તાઓ મેં વાંચી અને બહુ મજા પડી. વાંદરાભાઈને જિજ્ઞેશે કેવા આત્મસાત્‌ કર્યા છે તેની પ્રતીતિ થઈ. 'મહોરાં' વાર્તા જિજ્ઞેશ પાસેથી સાંભળી એના આગલા દિવસે જ મેં જિજ્ઞેશના ઘરે તેનાં આ પોર્ટ્રેટ શ્રેણીનાં ચિત્રો જોયેલાં. જેમ જેમ વાર્તા સાંભળતો ગયો તેમ એ ચહેરાઓ નજર સામે આવવા માંડ્યા. વાર્તામાં આવતા વાંદરાભાઈએ ચીતરેલાં મહોરાંઓ સાથે તેનો મેળ બેસાડવાનો પ્રયાસ મનોમન શરૂ થયો. અને જિજ્ઞેશે આવા ચિત્ર-વિચિત્ર ચહેરાઓ કેમ ચીતર્યાં હશે તેનો ખ્યાલ આવતો ગયો. માનવચહેરા પર ઊપસી આવતાં વિવિધ ભાવ-સંવેદનોને જુદા જુદા ઍંગલથી ખેંચીને, મચકોડીને, મોટા-જાડા, સ્થૂળ સ્વરૂપે રજૂ કરવાનો જિજ્ઞેશનો પ્રયાસ સમજાતો ગયો. આમ, આ પોર્ટ્રેટ શ્રેણીનાં ચિત્રોને સમજવામાં 'મહોરાં' વાર્તા થોડેઘણે અંશે ઉપયોગી થઈ શકે ખરી. પણ આ વાર્તાને સમજવામાં ચિત્રોની કોઈ જરૂર નથી. વાર્તાનું વસ્તુ જ સ્વયંસ્પષ્ટ છે. જિજ્ઞેશે આપણી અંદર વસતા વાંદરાભાઈને બરાબર ઓળખી લીધા છે. છેક નાનપણથી એ આપણને કેવી રીતે મદદ કરતા આવ્યા છે એનું જિજ્ઞેશે કરેલું વર્ણન વાંચીને કોઈ એમ નહીં કહે કે આ મારી વાત નથી. આપણે રોજબરોજના જીવનમાં જે રીતે વર્તીએ છીએ તેનું ઝીણવટભર્યું આલેખન આ વાર્તાને રસપ્રદ બનાવે છે. વાર્તાની રજૂઆત એકદમ બોલચાલની ભાષામાં છે તે પણ તેનું આકર્ષક પાસું છે. સાથે-સાથે હ્યુમર અને માર્મિક રમૂજો પણ વાર્તાને ઓર રસિક બનાવે છે. જિજ્ઞેશની વાર્તાકાર તરીકેની આ બધી વિશેષતાઓનો ખ્યાલ વાર્તાનો આ એક જ ખંડ જોવાથી પણ આવી જશે :

   "હવે બીજા ભવાડાની વાત કરું. બહુ ભદ્ર અને શાલીન મહોરું પહેરી કોઈ લેડી સાથે ડાહી ડાહી વાતો કરી એને ઇમ્પ્રેસ કરતો હોઉં ત્યારે શર્ટનાં એક પછી એક બટન ખૂલતાં હોય એવી રીતે શર્ટ પર મારું શરીર ચીતરવા માંડે - પેલી ગભરાઈને નાસી ન ગઈ હોય તોય મારે નાસવું પડે - વાંદરાભાઈને પૅન્ટ સુધી પહોંચતાં વાર કેટલી! કોઈ વાર વળી, સામે ઊભેલી બાઈનાં કપડાં પર એમનું ચિત્રકામ શરૂ થાય... ગભરાઈ જઈને નજર આડી-અવળી ફેરવવા માંડું તો એના શરીર પર નજર ચોંટાડેલું મહોરું પહેરાવી દે... હવે આ બધી પરિસ્થિતિઓમાં ધોકા જ ખાવાના આવે કે બીજું કંઈ!"

   વાર્તાની ખરી મજા જિજ્ઞેશની આ શૈલીમાં છે. જોકે માત્ર આ બધાને માટે જ વાર્તા સર્જાઈ છે એવું નથી. વાર્તાનો મર્મ તો વાર્તાના અંત ભાગમાં પ્રગટ થતો જણાય છે. માણસે અસંખ્ય મહોરાંઓના આવા પડળો રચીને પોતાનો સાચો ચહેરો ગુમાવી દીધો છે તે હકીકતને જિજ્ઞેશે કોબીજના દડા અને અનેક પાંદડીઓવાળા ફૂલના પ્રતીક વડે રજૂ કરી છે. સ્વ-ઓળખ ગુમાવવાની વેદનાની આ વાત જોકે નવી નથી પણ અહીં તે જે રીતે કહેવાઈ છે તે રીત તેને તાજગીસભર બનાવે છે. વારંવાર વાંચવી અને વિચારવી ગમે એવી આ કથા છે.
*
   જિજ્ઞેશે વાંદરાભાઈની સીધી-સચોટ ઓળખ 'ભ્રાંતિ' વાર્તામાં આ રીતે આપી છે : "સામાન્ય રીતે વાંદરાભાઈ મારાં બધાં કામો સંભાળી લેતા હોય છે, નાનપણથી. છેક નવ-દસ મહિનાની ઉંમરે પડતો-આખડતો ચાલવા શીખ્યો ત્યારથી તેમણે મારો હાથ ઝાલી લીધેલો. હું કંઈ પણ નવું શીખું કે વાંદરાભાઈ હોંશે હોંશે મદદ કરવા આવી જાય અને બધી જવાબદારી પોતે ઉપાડી લે. સાઇકલ શીખ્યો તો સાઇકલ ને સ્કૂટર શીખ્યો તો સ્કૂટર ચલાવવાની જવાબદારી પણ એમણે જ ઉપાડી લીધી. સવારે ટાઇમસર એ જ મને ઉઠાડે-બ્રશ કરાવે-માથું ઓળાવે અને અને બધું જ વળી. સવારનાં બધાં કામ-બપોરનાં-સાંજનાં ને સૂવા સુધીનાં બધાં જ કામ..."

   આપણે તરત જ પામી જઈએ છીએ કે આપણી અંદર પણ આવા જ એક વાંદરાભાઈ વસે છે. આપણે કંઈ પણ કામ યંત્રવત્‌ કરતા હોઈએ ત્યારે ખરેખર તો એ બધાં કામ આ 'વાંદરાભાઈ' જ કરતા હોય છે. પણ કોઈને પ્રેમ કરવા જેવા એકદમ અંગત લાગણીનાં કામો પણ જ્યારે યંત્રવત્‌ થવા લાગે ત્યારે આપણે આ વાંદરાભાઈથી ચેતવા જેવું હોય છે. 'ભ્રાંતિ'ના નાયકને પણ એવું જ થાય છે. તેની પ્રેમિકાને ફોન કરવાથી માંડીને ચુંબન કરવા સુધીનાં કામો વાંદરાભાઈ ઉપાડી લે છે ત્યારે નાયક હચમચી જાય છે. તે કોઈ પણ રીતે વાંદરાભાઈથી છૂટવા માંગે છે. પણ વાંદરાભાઈથી છૂટવું કંઈ સહેલું નથી. જોકે વાર્તાને અંતે નાયકને એ જાણીને આઘાત લાગે છે કે નાયિકા તરફથી પણ પ્રેમ કરવાનું કામ 'વાંદરી'એ સંભાળી લીધેલું છે. આ વાર્તામાં પણ વાર્તાની સાહજિક અભિવ્યક્તિ અને મુગ્ધવયે થયેલ પ્રણયની વાસ્તવદર્શી રજૂઆત વાર્તાને રસપ્રદ બનાવે છે.
*
   'સુન્દરીલોકમાં' અને 'નગરચર્યા' બન્ને કપોળકલ્પનાની - ફૅન્ટસીની સૃષ્ટિ રચતી વાર્તાઓ છે. કૉલેજમાં ભણવાની ઉંમરે પહોંચેલા છોકરાઓ કે રસિકવૃત્તિના (અને કોણ રસિકવૃત્તિનું નથી હોતું?) પુરુષોને મજા પડે એવી સૃષ્ટિ 'સુન્દરીલોકમાં' આલેખાઈ છે. તો 'નગરચર્યા'માં વિશ્વની ટોચ પર પહોંચવાની યુવાનોની છૂપી વૃત્તિનું અતિશય અતિશયોક્તિભર્યું વર્ણન છે. 'સુન્દરીલોકમાં'ના વાંદરાભાઈ તો જોરદાર છે - "સવા છ-સાડા છ હાઇટ ને બ્રોડ ચેસ્ટ, સ્ટ્રૉંગ આર્મ્સ ને મસ્ક્યુલર બાઇસેપ્સ." જગતભરની સુંદરીઓ તેમનાં દર્શન માટે અને તેમની સેવા કરવા માટે આતુર છે. એમાંથી સિલેક્ટેડ 'સિક્સ્ટીન થાઉઝન્ડ ગર્લ્સ' સાથે વાંદરાભાઈના રાસડાની વાત કરીને જિજ્ઞેશે કૃષ્ણની રસિકવૃત્તિને પણ માણસના મનની આવી રસિકતા સાથે સાંકળી લીધી છે. 'નગરચર્યા'માં જિજ્ઞેશે વાંદરાભાઈને 'મહારાજ' બનાવ્યા છે અને મહારાજા પણ કેવા? સૂરજ, ચંદ્ર, તારા, પૃથ્વી પરના સર્વ જીવો અને દેવી-દેવતાઓ સહિત સમસ્ત સૃષ્ટિ જેનો જયજયકાર કરે એવા મહારાજા! આવા મહારાજની ઈર્ષ્યા સૂરજથી થઈ જાય છે અને તેનાથી ગુસ્સે થયેલા મહારાજા જે ઊથલપાથલ મચાવે છે તેનું અતિશયોક્તિભર્યું ચિત્રણ જિજ્ઞેશે કર્યું છે. એમાં પણ જિજ્ઞેશની રમૂજવૃત્તિ અને માર્મિક હાસ્યનો અનુભવ મજા પડે તેવો છે. જોકે એક નવી જાતની ફૅન્ટસીને બાદ કરતાં આગળની વાર્તાઓ જેવું ઊંડાણ આ વાર્તાઓમાં નથી. વાંદરાભાઈને નિમિત્તે માનવમનની ઊંચી ઊંચી કલ્પનાઓની ઉડાનોને જિજ્ઞેશે ચાક્ષુષ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે દૃષ્ટિએ આ વાર્તાઓ નોંધપાત્ર ગણાય.
*
   આ પાંચેય વાર્તાઓમાં વધુ સ્પર્શી જાય તેવી સંવેદનપ્રધાન વાર્તા તો છે - શીર્ષક વગરની બીજી વાર્તા. વાર્તાનાયક જેને ચાહતો હતો તે જાનકીને પરણી શક્યો નથી. સ્વીકૃતિ નામની બીજી યુવતી સાથે લગ્ન કરીને બે બાળકો સાથેનું એકદમ સુખી અને સફળ દેખાતું જીવન તે જીવી રહ્યો છે. પણ જાનકી સાથે અવારનવાર જ્યાં જતો તે ઇન્દ્રોડા નેચર પાર્કમાં જૂની સ્મૃતિઓ તાજી થાય છે. જિજ્ઞેશે આ સ્મરણોને દર્શાવવા વાંદરાભાઈને કામે લગાડ્યા છે. વાંદરાભાઈ નાયકની સામેના લીમડા પર ફિલ્મ સ્ક્રીન જેવો પરદો બાંધીને બધાં સ્મરણો નાયક સમક્ષ દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપે લઈ આવે છે. એટલું જ નહીં પણ નાયકનો હાથ પકડીને તેને લઈને પરદામાં ઝંપલાવી દે છે. અને શરૂ થાય છે અતીત અને સાંપ્રતની સંનિધિ. નાયક જાણે બન્ને સમય એકસાથે જીવે છે. સ્મૃતિઓ એટલી જીવંત છે કે નાયકને બીક લાગ્યા કરે છે કે પત્ની પણ આ બધું જાણી જશે તો? નાયકને ભૂતકાળમાં સરી જવા માટે જિજ્ઞેશે બોરસલીના થડ પરના જે ઘાનું નિમિત્ત આપ્યું છે તે ઘાની વાત પણ ખૂબ જ ઊર્મિલ રીતે આવે છે. આખી વાર્તા પ્રેમની એક સાવ સાચકલી અનુભૂતિ આવે તે રીતે કહેવાઈ છે. આ અનુભૂતિ વાર્તાનું આકર્ષક અંગ છે. નાયક અને જાનકીની પ્રણયગોષ્ઠિ પણ એકદમ ગમી જાય તેવી છે. અને બીજું ગમી જાય છે આ વાર્તાનું પ્રાકૃતિક વાતાવરણ. જિજ્ઞેશનો પ્રકૃતિ પ્રેમ અને તેમાંય પક્ષીઓ પ્રત્યેનો ખાસ લગાવ આ વાર્તાનો પરિવેશ રચવામાં ખાસ ઉપયોગી થયો છે. ઇન્દ્રોડા નેચર પાર્કનું તાદૃશ ચિત્ર તેમાં વસતાં પંખી - કોયલ, હોલો, બપૈયો વગેરેના ટહુકાના આખા સાઉન્ડ ટ્રેક સાથે અહીં ઝિલાયું છે. વાર્તાનાયકની જેમ જાનકી અને સ્વીકૃતિનો પ્રકૃતિપ્રેમ પણ સરસ રીતે દર્શાવાયો છે. માનવહૃદયના સૂક્ષ્મ ભાવોને પ્રકૃતિના પરિવેશ સાથે રજૂ કરતી આ રચના વાર્તારસિકોની સાથે સાથે વાર્તાકળાના રસિકોને પણ સંતર્પક લાગે તેવી છે.
*
   આ પાંચેય વાર્તાઓમાં નાયક ભલે ગમે તે હોય પણ મુખ્ય પાત્ર તો 'વાંદરાભાઈ'નું છે. (જોકે, બીજી વાર્તા માટે એમ ન કહી શકાય.) દરેક વાર્તામાં વાંદરાભાઈનું એકદમ જીવંત અને લાક્ષણિક પાત્રચિત્રણ જિજ્ઞેશે કર્યું છે. જિજ્ઞેશના પ્રથમ ચિત્રપ્રદર્શનમાં જોવાયું હતું કે ચિત્રોમાં રિયાલિસ્ટિક વર્ક તેને વધુ ગમે છે. કેટલાંક લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટ આવાં જ વાસ્તવદર્શી શૈલીનાં હતાં. તો મોઢેરાનાં અપૂર્ણ શિલ્પોનાં ક્રિએટીવ લાગતાં ચિત્રો પણ મૂળ તો ફોટોગ્રાફિક શૈલીનાં રિયલ ચિત્રો જ હતાં. જોકે, જિજ્ઞેશનાં આ પોર્ટ્રેટ શ્રેણીનાં ચિત્રો તથા હવે પછી તે જેના પર કામ કરવાનો છે (તેના સ્કૅચીઝ મેં જોયાં છે તે પરથી કહી શકું કે) તે ચિત્રોમાં મોડર્ન આર્ટ જેવું ક્રિએટીવ વર્ક પણ તે એટલી જ કુશળતાથી કરી શકે છે. તેમ છતાં તેને મજા તો રિયાલિસ્ટિક શૈલીમાં જ આવે છે. અને એટલે જ આ વાર્તાઓમાં વાંદરાભાઈનું ચિત્રણ પણ આવી રિયાલિસ્ટિક શૈલીમાં જ થયું છે. વાંદરાભાઈ છે તો સાવ કાલ્પનિક પાત્ર પણ તે આલેખાયા છે એકદમ વાસ્તવિક ઢબથી. એટલા બધા વાસ્તવિક કે આ પ્રકારની વાર્તાકળાથી અપરિચિત લોકોને તો આ વાર્તાઓ અપ્રતીતિજનક જ લાગે. પણ મને તો વાર્તાઓની મજા વાંદરાભાઈના આવા વાસ્તવદર્શનમાં જ લાગી છે. ('ખેવના' '૯૯ના અંકમાં ડચ વાર્તાકાર યાન આરેન્ડસ્‌ની એક ટૂંકી વાર્તાનો 'નાસ્તો' નામથી સુમન શાહે કરેલો અનુવાદ આ સંદર્ભે વાંચવા જેવો છે.) વાંદરાભાઈનું આવું સમ્યક્‌ દર્શન કરાવવા બદલ જિજ્ઞેશને ખૂબ ખૂબ અભિનંદન. તેની પાસેથી 'વાંદરાભાઈ' જૂથની આવી વધુ વાર્તાઓ મળે તેવી અપેક્ષા છે. તેનાં ચિત્રોની જેમ તેની વાર્તાઓ પણ હજુ વધુ ‘ક્રિએટીવ’ બને અને ગુજરાતી વાર્તાસાહિત્યમાં એક આગવી જણસ બની રહે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.


0 comments


Leave comment