2 - (પશ્ચાદ્-લેખ ૨) સ્વાગત - લાભુભાઈ લાવરિયા


   વાનરવૃત્તિને સર્જન તરફ વાળનાર જિજ્ઞેશ અને એના એ વાંદરાભાઈનું ઉમળકાભેર સ્વાગત કરું છું. બાળપણ અને યૌવનની મસ્તીને આ સર્જકે કલમથી કેનવાસ સુધી પહોંચાડી છે.
   'નગરચર્યા', 'સુન્દરીલોકમાં' અને 'ભ્રાંતિ' આ ત્રણ વાર્તાઓને એક ક્રમમાં મૂકી શકાય. બાકીની બે એકદમ ચિત્રવાર્તાઓ છે. એક તો 'અનટાઇટલ્ડ' છે. જે ચિત્રની પરંપરાનું નિર્વહણ કરે છે. વાંદરાભાઈ જે કંઈ કરે એ બધું જોઈને લેખક જાણે આપણને કહેતા જાય છે. 'નગરચર્યા'માં રાજા-રાજાની રમત છે, તો 'સુન્દરીલોકમાં' પણ એક રમત જ! અહીં જબરદસ્ત ફૅન્ટસી છે. વાંદરાભાઈ એના માટે ઉત્તમ પાત્ર છે.

   મને સૌથી મજા કરાવી હોય તો, લેખકની શૈલીએ. અત્યંત સરળ ભાષા મને ગમી ગઈ. 'નગરચર્યા'ની શૈલી તો લોકસાહિત્યનો ભાસ કરાવે છે.
   શરણે આવેલા ખંડિયા રાજા જેવા પર્વતો દૂર દૂર સુધી પડ્યા'તા, 'જય હો' કરીને સાષ્ટાંગ પ્રણામ કરતા. રાજાજીની કૃપાદૃષ્ટિ ધુમ્મસ થઈને વીંટળાઈ વળી એમની ચોપાસ; 'જાવ આ વર્ષનો કર વસૂલ. તમારો', ને 'ધન્ય હો', 'ધન્ય હો' કરતી ટેકરીઓ સાવ પાસે આવી આવીને મહારાજનાં ચરણોમાં આળોટી પડી.

   આવાં વર્ણનો લેખકની ચિત્ર તરફની ગતિ પણ સૂચવે છે. અન્ય એક વિશેષતા એ કે સંવાદો પાસેથી લેખકે બહુ ઓછું કામ લીધું છે. કેમ કે, એના નાયક વાંદરાભાઈ છે. એમ છતાં, કહેવાની અને વાંચવાની વાર્તાનું મિશ્રણ કરીને લેખકે સુંદર મજાની ભાતિગળ વાર્તાઓ ઉતારી છે. જ્યાં સારી ભાત પડી છે ત્યાં અર્થસભર હાસ્ય પણ ડોકિયાં કરે છે. ‘મહોરાં’માં તો એમનું સર્જનકર્મ વિવેચનરૂપે દેખાશે;
'ને વાંદરાભાઈને 'ડૅફ્‌થ લાવવા' ઘસીને ડાર્ક લાઇનો મૂકવાની ટેવ! એટલે ચહેરો ગમે તેટલો સાફ કરું તોય અમુક રેખાઓ ચહેરા પર કાયમ દેખાવા લાગી...’

   -જેવા એકથી વધારે માર્મિક સ્થાન જોવા મળે છે. ચીતરતાં ચીતરતાં લેખકને લાગ્યું હશે કે એ જે કહેવા માગે છે એમાં માત્ર રંગો નહિ ચાલે ત્યારે આડપેદાશરૂપે આ વાર્તા લખાઈ હશે.
   'અનટાઇટલ્ડ' વાર્તા ટેકનિકનો સરસ નમૂનો છે. અહીં સન્નિધિકરણનો ઉપયોગ કરાયો છે. ચિત્ર અને શબ્દ બધું એક થવા મથે છે. જેમ મહેંદી મૂક્યા પછી ધીમે ધીમે એનો રંગ ઊઘડે એ રીતે આ વાર્તાઓ નવા-નવા અર્થો પામતી - પમાડતી રહે અને લેખક પાસેથી આવી વાર્તાઓ આપણને મળ્યા જ કરે એ જ અભ્યર્થના!


0 comments


Leave comment