3 - (પશ્ચાદ્-લેખ ૩) આ વાર્તાઓ વિશે - નરેશ શુકલ


   જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાઓ વિશે લખવા બેસું છું ત્યારે મારી હાલત વિચિત્ર છે. દસ વર્ષમાં એણે પાંચ-છ વાર્તાઓ લખી છે. સરેરાશ બે વર્ષે એક વાર્તા. એના પ્રમાણમાં ચિત્રો વધારે દોર્યાં છે. એ પહેલેથી અલગારી છે. ઓછું બોલે, અજાણ્યાને એ શરમાળ લાગે. પણ અમે એવી કેટલીએ કલાકો વિતાવી છે જેમાં એ જુસ્સાભેર બોલતો હોય. કેટલુંય બોલે, ખૂબ હસે-હસાવે. લાભુ લાવરિયા, અજિત મકવાણા, દીપક ભા. ભટ્ટ, પીયૂષ પરમાર, નવનીત જાની, જિતેન મેકવાન, અશોક ચૌહાણ, ભાવેશ જેઠવા અને હિંમત ભાલોડિયા... હજી બીજાં પણ એવાં નામો છે જે 'પછાડ' સાથે જોડાયેલાં હતાં, જોડાયેલાં છે. ત્યારે મેં પછાડના ઉદ્દેશો વિશે લખતાં કહ્યું હતું કે આ જાત સાથેની લડાઈ છે. અંદર-બહાર જ્યાં પણ એવું છે જે અ-સુંદર છે એને પછાડવાની મથામણ છે. એ અટકી નથી. ક્યારેક ક્યાંય અને કોઈથીએ અટકી ન શકે એવી એ પ્રવૃત્તિ છે. દસ વર્ષમાં અમે બધાએ આ કર્યું છે. ક્ષેત્રો જુદાં લાગે, રજૂઆતનું માધ્યમ પણ બધાએ પોતાને અનુકૂળ એવું હાથવગું કર્યું હશે, પણ બધા મથે છે. આ મથવું અને સ-હેતુક મથવું એ તો ઉદ્દેશ હોય છે જીવનનો. આજે એમાંના એક એવા જિજ્ઞેશની વાર્તાઓ અને સાથે એનાં ચિત્રો એકસાથે પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે સ્વાભાવિક જ આનંદિત છીએ.

   આપણને સતત કોઈ હંફાવતું તત્ત્વ હોય તો એ છે છળ, માયા. અનેક રૂપે, સ્વરૂપે, સ્વજન, પરજન, દુર્જન કે કોઈ પણ રૂપે આપણી સાથે રમ્યા કરે છે. એ વાસ્તવ છે કે કલ્પના, સામે છે કે માત્ર આભાસ? હું રમું છું કે રમાઈ રહ્યો છું? આ આસપાસનાં પરિબળો મને દોરે છે કે હું એમને? કશુંય સ્પષ્ટ નથી થતું. સમય પસાર થઈ રહ્યો છે. મારામાંથી, તમારામાંથી, અથવા તો આપણે પસાર થઈ રહ્યા છીએ સમયમાંથી! કશુંક રચાય છે, અથવા તો રચાવાનો આભાસ થાય છે. કશુંક તૂટે છે અથવા તો તૂટવાનો આભાસ થાય છે. બધું સંદિગ્ધ છે, ગૂંચવાડિયું છે ને ભેદભરેલું ને છતાં છોડી ન શકાય એવું લોભામણું પણ છે. જીવનને સમજવાની મથામણ એ તો જીવન-અસ્તિત્વની સાબિતી છે. જિજ્ઞેશનાં આ ચિત્રો શું કહેવા માગે છે? એ ખાલી ચહેરાઓ છે? એ આંખોમાં સ્થિર થયેલા ભાવો શું સૂચવે છે? માનવશરીરની એનોટોમીને મારી મચડીને ઠેક ઠેકાણેથી વાળી-મરડીને સર્જાયેલા આ ચહેરાઓ - ના આકારો શું કહેવા માંગે છે? એ ચહેરાઓ છે કે કશુંક ચિહ્નિત કરવા માગતા આકારો માત્ર? શું છે? કોઈ પણ કલાકાર એના માધ્યમની સીમાઓને પેલે પાર પહોંચવા મથતો હોય છે. એ આ વાસ્તવમાં કેમ નથી રહી શકતો? જેવું છે એવું કેમ નથી સ્વીકારી શકતો? શા માટે આ ચહેરાઓ ચીતરવા પડ્યા એને?

   આનો કશોક જવાબ એની વાર્તાઓમાંથી કદાચ મળે. જોઈએ વાર્તાઓને.
   ભ્રાંતિ વાર્તામાં નાયક કહે છે, "સામાન્ય રીતે વાંદરાભાઈ મારાં બધાં કામો સંભાળી લેતા હોય છે, નાનપણથી. છેક નવ-દસ મહિનાની ઉંમરે પડતો-આખડતો ચાલવા શીખ્યો ત્યારથી તેમણે મારો હાથ ઝાલી લીધેલો. હું કંઈ પણ નવું શીખું કે વાંદરાભાઈ હોંશે હોંશે મદદ કરવા આવી જાય અને બધી જવાબદારી પોતે ઉપાડી લે. સાઇકલ શીખ્યો તો સાઇકલ ને સ્કૂટર શીખ્યો તો સ્કૂટર ચલાવવાની જવાબદારી પણ એમણે જ ઉપાડી લીધી. સવારે ટાઇમસર એ જ મને ઉઠાડે-બ્રશ કરાવે-માથું ઓળાવે અને અને બધું જ વળી. સવારના બધાં કામ-બપોરનાં-સાંજનાં ને સૂવા સુધીનાં બધાં જ કામ..."

   હવે વિચાર કરો, જો આ બધું જ કામ વાંદરાભાઈ કરતા હોય તો એ સમયે આ નાયક શું કરે છે? બધી વાર્તાઓમાં વાંદરાભાઈએ જાત-જાતનું કામ ઉપાડી લીધું છે. એ જ્યારે કામ કરતા હોય છે ત્યારે નાયક શું કરતો હોય છે? એ આપણા રસનું ક્ષેત્ર બને. બધામાં હોવા છતાં ક્યાંય ન હોવાની આ સ્થિતિ છે, આપણા સૌની. દરેકમાં ઓછા-વધતા અંશે એક-એક વાંદરાભાઈ સાથોસાથ ઊછર્યા હોય છે. કોઈ પણ નવી વાતમાં માણસ ઘણા ઉત્સાહથી જોડાતો હોય છે ને પછી એ જ માણસ એ જ કામમાં એવો તો કંટાળવા લાગે, અથવા તો એનાથી ઉબાવા લાગે કે આખીએ પરિસ્થિતિ બહુ વિચિત્ર થઈ રહે! જેને લગ્નના વરઘોડા વખતે હરખની પરિસીમામાં રમમાણ જોયો હોય એ જ વ્યક્તિ એકાદ વર્ષમાં માથા કૂટતો, છૂટવા માટે પરેશાન જોવા મળે, બધું એનું એ જ હોવા છતાં! એ જ સુંદરતા, એ જ શરીર એ જ વ્યક્તિ હોવા છતાં આવું કેમ? કદાચ એક-બીજાના મહોરાઓ ઊતરી જાય છે! કદાચ આ રમત જ આપણે રમ્યા કરતા હોઈએ છીએ. સામેનાને ગમશે તે વિચારીને એને અનુકૂળ મહોરું પહેરી લેવાની રમતને જ કદાચ સફળતા માનવામાં આવે છે! 'મહોરાં' વાર્તામાં નાયક કહે છેઃ "હવે તમે વિચાર કરો, કાગળ પર ચીતરેલો ચહેરો ચોંટાડ્યો હોય છતાં, સામા માણસને ગંધ સુધ્ધાં ન આવે એ કેવી કારીગરી હશે એમની! મનેય આ સારું ફાવી ગયું. ચાર-પાંચ ઍક્સપ્રેશન તો રેડીમેડ-તૈયાર જ રખાવું. જરૂર પડે કે તરત ચહેરા પર એ કાગળિયું ચીટકાડી દેવાનું... હવે પેલી જૂની રેખાઓ ઊપસી આવવાની ચિંતા ગઈ. નવા નવા ચહેરા જ ચોંટાડ્યા કરવાના... વાંદરાભાઈ પણ થોડા જ સમયમાં ચહેરા પરના ચીતરામણની જેમ, પલકવારમાં નવાં મહોરાં બનાવતા થઈ ગયા. આટલાં વર્ષોમાં એમને એય બરોબર સમજાઈ ગયેલું કે હું ક્યાં-ક્યારે-કોની સામે કેવા હાવભાવવાળો ચહેરો માંગીશ. એટલે એ મુજબનું મહોરું તૈયાર જ હોય!"

   પણ બીજી એક સૂક્ષ્મ વાત પણ એ જ વાર્તામાં આગળ કહેવાઈ છે. જોઈ લઈએઃ "વર્ષોથી મારા ચહેરાના ઝીણામાં ઝીણા ભાવો ચીતરીને જોરદાર ગ્રિપ આવી ગયેલી એમને, એટલે અદ્દલ તો ન કહેવાય પણ ભલભલાને ભૂલમાં નાખે એવું મહોરું એમણે ચીતરી દીધેલું..." આ ભલભલાને ભૂલમાં નાંખે એવા ચહેરામાં જ જ્યારે સામેનો ઓળખી લેનારો નીકળે ત્યારે રામાયણ થાય. બીજી બાજુ આ ચહેરાઓ તો મળી જાય છે પણ એની જાણ સ્વને તો હોય જ છે. પરિણામે જ્યારે એક એવી પળ આવે કે પોતે જ પોતાના આ ચહેરાઓની દુનિયામાં એવો અટવાઈ જાય છે કે મૂંઝાઈ જવાય. સ્વને ખોઈ નાંખવાની વધારે મોટી સજા કઈ હોઈ શકે? પછીની અવસ્થા તે અર્થશૂન્યતા. એક અર્થમાં ઍબ્સર્ડની અવસ્થા આવી જાય. જેને નિવારવાના કોઈ રસ્તા નથી ને જે વિચારાયા છે તે માત્ર આત્મઘાત છે; વૈચારિક કે દૈહિક આત્મઘાત માત્ર.

   'સુન્દરીલોક'માં વાંદરાભાઈ વિહરે છે. એ આનંદની ચરમ અવસ્થારૂપ ગાળો છે. એમાં ઐહિક રૂપોનું પાન છે - એની સૅકન્ડ સૅલ્ફ દ્વારા. આત્મસ્થ બનીને સ્વેચ્છાચાર, આનંદવિશ્વની એ સફરનો તબક્કો મજાનો હોય છે સૌ માટે. એમાં અણગમતું કંઈ નથી હોતું માત્ર વાસ્તવમાં જોડનારી પળને બાદ કરતાં! વાસ્તવમાંથી ઉપર ઊઠવું ને વાસ્તવમાં પટકાવું - આ બે અંતિમો વચ્ચેનો વિહાર આ વાર્તામાં મજા કરાવે છે. નાયકની સાથે ચિત્ત જોડાઈ જાય છે. પણ સાથે રહેલી સભાનતા વાંદરાભાઈ તરફ ઈર્ષ્યાભાવ પણ જગવે છે! કલાની દુનિયાની આ તો મજા છે. એ તમને જ તમારી સાથે સ્પર્ધામાં મૂકી દે છે. તમારાં જ અનેક વ્યક્તિત્વોને તમારી સામે ટકરાવીને મજા પણ કરાવે છે, સાથોસાથ તમને થથરતા પણ કરી મૂકે છે!

   'નગરચર્યા' એ જ્યારે ગઢડાની કુમારપ્પા વિદ્યાપીઠમાં અધ્યાપક હતો ત્યારે લખાયેલી વાર્તા છે. એક બાજુ છકડાની મુસાફરીનું સુખ! બીજી બાજુ નપાણિયો, ખારાપાટનો વિસ્તાર, વિપરીત સંજોગોમાં નાયકનું ચિત્ત કેવી રીતે પોતાનું એક અદ્‌ભુત વિશ્વ ખડું કરે છે! વાંદરાભાઈ મહારાજા બનીને બધા લોકની નગરચર્યા કરવા નીકળે છે... છકડો હવે રથમાં ફેરવાઈ જાય છે! રથ ફરી વળે છે નભમાં, બીજા લોકમાં, પાતાળમાં ને લડી આવે છે સૂર્ય સાથે... આ વાર્તામાં રચાતાં ચિત્રો ભવ્ય છે. આપણા મિથનો ઉપયોગ પણ એને નવાં નવાં પરિમાણો આપે છે.

   જિજ્ઞેશની વાર્તામાં રહેલી હળવાશ એનામાં રહેલી ભરપૂર સૅન્સ ઑફ હ્યુમરનાં દર્શન કરાવે છે. એની વિષય પસંદગીથી માંડીને રજૂઆતની શૈલીમાં તાજગી રહેલી છે. 'સુન્દરીલોકમાં' એ શક્તિમાન સિરિયલની અસર ઝીલીને વાંદરાભાઈને હાથ અધ્ધર કરી ગાયબ કરે છે, તો 'નગરચર્યા'માં એ સ્ટેચ્યુ કહીને વર્તમાન બાળકોની રમતને પણ લઈ આવે. ટાઇટલ વિનાની વાર્તામાં લૅસર-શૉનો કૉન્સેપ્ટ આલેખી આપે. એ પરિચિત વાસ્તવને, વાસ્તવના છેદ ઉડાડવા સાથે આલેખે છે. તમને કશા અજાણ્યા વિશ્વમાં લઈ જવાના બદલે સાવ નજીકના સંદર્ભોથી સરળ શૈલીએ અતિગંભીર બાબતને આલેખે છે. વાર્તાઓ હળવી છે પણ એની પાછળની વૈચારિક ભૂમિકા અત્યંત ગંભીર છે.

   જિજ્ઞેશ બ્રહ્મભટ્ટના અનેક લેયર છે. એ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક છે. એ સાવ સરળ શૈલીએ વાતો કરતો હોય છે ક્લાસમાં. ઊંચા ગજાનો પક્ષીવિદ્ છે. ભારતભરનાં જંગલોમાં રખડીને, રાતવાસો કરીને એ પક્ષીઓને જોવા, કેમેરામાં ઉતારવા મથતો રહે છે. બીજી બાજુ એ ગુજરાતની પુરાણી સાઇટ પર જઈને ઇતિહાસને ફંફોસે છે. મોઢેરાના સૂર્યમંદિરના કોતરાયેલા પથ્થરો પર આજે જે રીતે સમયનો પંજો ફર્યો છે તે રૂપને એણે રંગ અને રેખાઓમાં હૂબહૂ ઝીલ્યાં છે. આ વાંદરાભાઈ સિરીઝથી હટીને એ સીધા વાસ્તવ સાથે સાંકળતી વાર્તાઓ પણ લખે છે. એ ભર્યો ભર્યો માણસ છે. મળો ત્યારે અત્યંત મજાથી મળે ને પછી ખોવાઈ જાય ધૂમકેતુની જેમ દૂરના દેશમાં. વળી ક્યારેક અચાનક આવી ચડે ફોનથી કે રૂબરૂ... ત્યારે પાછા તાર સંધાઈ જાય!

   એની આ વાર્તાઓ જ્યાંથી અટકે છે કે અટવાય છે ત્યાંથી ચિત્રોનું કામ શરૂ થાય છે. ચિત્રો કોઈ એક ભાવ કે એક અર્થને ફ્રીઝ કરીને આપણી સામે મૂકે છે. વાર્તા એના શબ્દો દ્વારા એક ગૂઢ એવા અર્થવિશ્વને સૂચવે છે. એમાં અમાપ શક્યતાઓ હોય છે - એ સાથે એ જ ક્યારેક મર્યાદા પણ બને. ભાવક જો સભાન ન હોય અથવા તો કોઈક કારણસર ગાફેલ રહે તો અર્થના કોઈ નવા જ લેયરમાં પહોંચી જતો હોય છે જે સર્જકને અભિપ્રેત પણ ન હોય... ચિત્ર કદાચ અહીં કેટલીક દિશાઓ ચીંધીને અર્થને આકારબદ્ધ કરવાનું કામ કરશે. આ જિજ્ઞેશ ચિત્રો પણ દોરે છે એટલે માત્ર ખાલી જગ્યા ભરવા અહીં ચિત્રો મુકાયાં નથી કે આ ચિત્રવાર્તાઓ પણ નથી કે કેવળ સુશોભન કરવા એમાં ચિત્રો મુકાયાં નથી, એવું મરમીઓને કહેવાની જરૂર નથી હોતી પણ સાથે એ પણ ખરું કે શબ્દ અને ચિત્રને એકબીજાની પડખે-પડખે મૂકીને જોવાથી, સમજવાથી કંઈક નવા જ પરિમાણ તરફ જઈશું તો નવા આનંદવિશ્વની સફરે હોઈશું.

   કલાકારે એ વિશ્વની સફર કરી છે, હવે વારો આપણો છે.


0 comments


Leave comment