3.3 - દૃશ્ય – ૩ / અંક ૨ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(પ્રકાશ થાય એ પૂર્વે નેપથ્થમાંથી વિદુરનો અવાજ સંભળાય. ‘હું હસ્તિનાપુર મહામંત્રી વિદુર, મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મની રાજાજ્ઞાથી આ કુરુરાજસભા સમક્ષ ઘોષણા કરી રહ્યો છું કે, જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરનીહસ્તિનાપુરના યુવરાજ તરીકે પસંદગી કરવામાં આવે છે.’ ‘યુવરાજ યુધિષ્ઠિરનો જય હો, યુવરાજ યુધિષ્ઠિરનો જય હો’નો નાદ સંભળાય. સમય પસાર થતું સંગીત. જે ધીમે ધીમે તીવ્ર સંગીતમાં પરિવર્તિત થાય. સંગીતની તીવ્રતાએ એક બીજો અવાજ –

‘પાંચાલી, પાંચ પતિઓનું પડખું સેવનારી વેશ્યા હોય છે. દુઃશાસન એક વેશ્યાને રાજસભામાં નિર્વસ્ત્ર કરતા તને લજ્જા આવે છે ! આ પાંચે ભાઈઓએ ક્રમેક્રમે પાંચાલીને નિર્વસના જોઈ હશે. પણ આજે આ પાંચેયને એક સાથે જોવાનો લ્હાવો મળશે.’

ખંધુ હાસ્ય ગૂંજતું રહે. એક પ્રકાશવર્તુળમાં દ્રૌપદી દૃશ્યમાન.)

દ્રૌપદી : પાંચ-પાંચ પતિઓ હોવા છતાં કેશવ આજે કેવળ તમારા કારણે હું મારી લાજ બચાવી શકી. કુરુ રાજસભામાં એક રજસ્વલાનું જે અપમાન થયું છે, એનાં ભયંકર પરિણામો આવનારા સમયમાં હસ્તિનાપુરે ભોગવવા પડશે. પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય – આ સૌની ઉપસ્થિતિમાં દુઃશાસને મને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો અને છતાં સૌ પ્રદર્શન જોતા રહ્યા. પિતામહ, તમે પણ મૌન રહ્યા ? તમારું આ મૌન કંઈ કેટલાયે યુગો સુધી સ્ત્રીઓ સાથે અન્યાય કરતું રહેશે, એ જાણો છો ?
(સમગ્ર મંચ પર-પ્રકાશ. દાસીનો પ્રવેશ.)

દાસી : દેવી દ્રૌપદીનો જય હો. પિતામહ ભીષ્મ, દ્વાર ઉપર પ્રતીક્ષા કરી રહ્યા છે ?
દ્રૌપદી : પિતામહ ? દ્વાર ઉપર ? પિતામહ, જાણે છે, કે હું રજસ્વલા છું છતાં મને મળવા ઇચ્છે છે...! હા, પણ હવે હું ક્યા રજસ્વલા છું. કુરુ રાજસભામાં સૌએ મને નિહાળી છે એટલે.... (દાસીને) પિતામહને આદર સહિત અંદર લઈ આવો. (દાસી જાય છે.)
આ સમયે અહીં આવવાનું શું પ્રયોજન હશે, પિતામહનું?
(દ્રૌપદી મંચના એક ખૂણા તરફ આવીને બેસે. ભીષ્મનો પ્રવેશ.)

દ્રૌપદી : પ્રણામ પિતામહ.
ભીષ્મ : ભીષ્મ તને આશીર્વાદ આપી શકે એવી સ્થિતિમાં નથી, પુત્રી. કુરુ રાજસભામાં આજે જે કંઈ પણ થયું એ માટે હું તારી ક્ષમા માગવા ઉપસ્થિત થયો છું, હું જાણું છું કે તું રજસ્વલા છે છતાં....
દ્રૌપદી : કોણે કહ્યું ? કોણે કહ્યું, કે હું રજસ્વલા છું ? હું રજસ્વલા હતી, હવે નથી. જે સ્ત્રી કુરૂકુળની રાજસભામાં ઉપસ્થિત થઈ શકે, એ રજસ્વલા કઈ રીતે હોઈ શકે, પિતામહ ?
ભીષ્મ : હું તારી પીડા સમજું છું. તારો આવેશ પણ યોગ્ય છે પરંતુ....
દ્રૌપદી : પિતામહ, તમે મારી પીડા સમજો છો ? તમે, કદી સ્ત્રીની પીડા સમજી શક્યા છો ? કુરુકુળમાં સ્ત્રીના ભાગે પીડા સિવાય બીજું આવ્યું છે શું?
ભીષ્મ : દીકરી, કુરુ રાજસભામાં આજે મર્યાદાઓનું જે ઉલ્લેઘન થયું, એનાથી હું પણ ખૂબ જ વ્યથિત છું.
દ્રૌપદી : પિતામહ, તમે જો વ્યથિત થયા હોત તો તમે રાજસભામાં જ દુર્યોધનનો વિરોધ કર્યો હોત. તમે જો વ્યથિત થયા હોત તો જે હાથે દુઃશાસને મારાં વસ્ત્રને સ્પર્શ કર્યો હતો એ હાથને તમે કાપીને ફેંકી દીધો. હોત. તમે જો વ્યથિત થયા હોત તો કુરુકુળની પુત્રવધૂને એક સુતપુત્રએ વેશ્યા કહી ત્યારે એનું મુખ તમે શરથી ભરી દીધું હોત ! પણ આમાંનું કશું ન થયું તમારાથી. તો હું કઈ રીતે સ્વીકારી લઉં કે તમે વ્યથિત થયા, વ્યથિત છો ?
ભીષ્મ : દીકરી, હું વ્યથિત થયો છું એટલે જ મેં ધૃતરાષ્ટ્રને કહીને યુધિષ્ઠિરને ફરી ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય સોંપ્યું છે.
દ્રૌપદી : રાજ્ય સોંપી દેવા માત્રથી જે કંઈ બન્યું છે એને ભૂલી જવાશે ? મારા વસ્ત્રહરણની ઘટનાને ભારતવર્ષનું ભાવિ સદીઓ સુધી કલંકિત ઘટના તરીકે યાદ રાખશે. આ ઘટના કંઈ કેટલીયે રીતે ભારતવર્ષમાં પડઘાતી રહેશે અને મારું જે અપમાન થયું છે એનું શું ?

(ભાનુમતી અને વૃષાલીનો પ્રવેશ.)

ભાનુમતી અને વૃષાલી : પ્રણામ, પિતામહ !
ભીષ્મ : તમારું સદા કલ્યાણ થાવ !
ભાનુમતી : દ્રૌપદી, કુરુ રાજસભામાં આજે જે કંઈ પણ થયું એ બદલ હું તારી ક્ષમા માગું છું.
વૃષાલી : પિતામહ અને આચાર્યની ઉપસ્થિતિમાં હસ્તિનાપુરની કુળવધૂ સાથે જો આવું બની શકતું હોય તો, સંભવ છે આવતી કાલે અમારામાંથી કોઈકની સાથે... નહીં પિતામહ ?
ભીષ્મ : યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ પર મૂકી ન હોત તો આમાંનું કશું પણ બન્યું ન હોત !
દ્રૌપદી : પિતામહ, સ્ત્રીને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે, એવું તમે પણ નથી સ્વીકારતા ?
ભાનુમતી : હું જાણું છું, કે મારા પતિ દ્રૌપદીનાં અભિલાષી છે, પણ ભરી રાજસભામાં આવી કુચેષ્ટા કરશે, એવી કલ્પના નહોતી.
વૃષાલી : એમણે તને વેશ્યા નથી કહી પણ ખરેખર તો મને જ વેશ્યા કહી છે.
ભીષ્મ : દીકરીઓ, તમે શાંત થઈ જાવ. જે બની ગયું છે એને મિથ્યા કરી શકાય એમ નથી. કુરુકુળની નારીઓ સાથે સદા અન્યાય થતો આવ્યો છે, પણ આવનારા સમયમાં ભારતવર્ષને તમારાં ઉપર ગૌરવ થશે. દ્રૌપદી સાથે જે કંઈ પણ બન્યું એ માટે હું ફરી એની ક્ષમા માગું છું. તમારું, સદા કલ્યાણ થાવ.
(ભીષ્મ જાય છે.)

ભાનુમતી : પિતામહ, ક્યારેય સ્ત્રીઓની પીડા સમજી નથી શક્યા.
દ્રૌપદી : સ્ત્રીની પીડા સમજવા માટે સ્ત્રી સાથેનો લાગણીભર્યો સંબંધ જરૂરી છે, એવું નથી લાગતું ?
વૃષાલી : એક એવી જીવનસંગિની કે જેની હૂંફથી અસ્તિત્વને એક નવો આયામ મળે !
દ્રૌપદી : પિતામહ, એ હુંફથી વંચિત રહ્યા છે અને એ માટે એમની પ્રતિજ્ઞા વિશેષ જવાબદાર છે.
ભાનુમતી : પણ આપણે ક્યાં સુધી આ પુરુષોની ઇચ્છાને અધીન રહીશું ? પિતામહની ઇચ્છા એ જ હસ્તિનાપુરનો ન્યાય હોય એમ લાગે છે. એમણે દુ:શાલાને પણ....
વૃષાલી : દુ:શાલા સાથે પણ અન્યાય થયો હતો ?
ભાનુમતી : હા, દુ:શાલાને પણ એની ઇચ્છા વિરુદ્ધ.....

(મંચના એક ભાગ ઉપર દુ:શાલા અને ભીષ્મ દૃશ્યમાન.)
ભીષ્મ : દુઃશાલા, મેં જે કંઈ પણ સાંભળ્યું એ સત્ય છે ?
દુ:શાલા : હા પિતામહ.
ભીષ્મ : તું હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રની એક માત્ર કન્યા છે અને એટલે તું મને વહાલી પણ છે, એ તો તું જાણે છે ને ?
દુ:શાલા : હા પિતામહ.
ભીષ્મ : તો તે રાજકુળની માન-મર્યાદાનો કોઈ વિચાર કર્યો છે ખરો ?
દુ:શાલા : હા, પિતામહ.
ભીષ્મ : તો પછી હું જે સાંભળી રહ્યો છું, એ સત્ય કઈ રીતે હોઈ શકે ? કોણ છે એ યુવક ?
દુ:શાલા : શ્રેષ્ઠીપુત્ર ચંદ્રકેતુ.
ભીષ્મ : એટલે, એ રાજયુવક નથી ?
દુ:શાલા : ના, પિતામહ.
ભીષ્મ : છતાં તું એ યુવકને ઝંખે છે ?
દુ:શાલા : હા, પિતામહ.
ભીષ્મ : આ સંબંધ શક્ય નથી.
દુ:શાલા : હું કેવળ ચંદ્રકેતુની અભિલાષી છું.
ભીષ્મ : તારું સગપણ જયદ્રથ સાથે નક્કી થયું છે.
દુ:શાલા : પણ ચંદ્રકેતુ શા માટે નહીં ?
ભીષ્મ : એ રાજયુવક નથી.
દુ:શાલા : માતા સત્યવતી પણ ક્યાં રાજકન્યા હતાં ?
ભીષ્મ : દુ:શાલા...!
દુ:શાલા : જો એ લગ્ન શક્ય બન્યાં હોય તો મારા કેમ નહીં ?
ભીષ્મ : મહારાજ શંતનુની વાત જુદી છે.
દુ:શાલા : વાત જુદી નથી પણ તમે જુદી ગણી રહ્યા છો. જયદ્રથ સાથેનાં મારાં સગપણથી કોઈ રાજકીય લાભ મેળવવાનું ષડયંત્ર તો નથી ને ?
ભીષ્મ : જયદ્રથ હવે તારી નિયતિ છે અને એમાં જ તારું શ્રેય પણ રહ્યું છે. તું ચંદ્રકેતુની અભિલાષા ત્યજી દે એમાં જ આ રાજકુળ અને તારું કુશળ રહ્યું છે.

(ભીષ્મ જાય છે.)
દુ:શાલા : પિતામહ, સાંભળો. પિતામહ. હું ચંદ્રકેતુને ત્યજી શકું એમ નથી. ઓહ, ચંદ્રકેતુ ક્યાં છે તું ? ક્યાં છે ? જો તારી, દુ:શાલાને તારાથી દૂર કરવામાં આવી રહી છે. માતા ગાંધારી કે પિતા ધૃતરાષ્ટ્રને તો મેં મનાવ્યા હોત, પણ આ તો પિતામહ. હસ્તિનાપુરમાં એમના ધાર્યા પ્રમાણે જ બધું થાય છે એટલે.... પ્રિય ચંદ્રકેતુ, આપણું મિલન શક્ય નથી. પિતામહ તમે આમ બળપૂર્વક મને મારા પ્રિયતમથી દૂર કરી રહ્યા છો, પણ એટલું અવશ્ય ધ્યાન રાખજો કે સુખ હવે હસ્તિનાપુરના પ્રાસાદમાં જોવા નહીં મળે. પિતામહ, તમારી પ્રતિજ્ઞા કે તમારા ધનુષ્યનો ટંકાર પણ સુખને પાછું નહીં વાળે. દિવસો વીતતા જશે તેમ તેમ સુખ આ હસ્તિનાપુરની સીમાથી દૂર ને દૂર ઊડતું જશે. (અટકે) ચંદ્રકેતુ, ક્યાં છે તું ક્યાં છે ?

(પડઘો પડતો રહે, ભાનુમતી, વૃષાલી, દ્રૌપદી દૃશ્યમાન.)
ભાનુમતી : દુ:શાલા ચંદ્રકેતુને ઝંખતી રહી અને લગ્ન કર્યા જયદ્રથ સાથે.
વૃષાલી : લગ્ન કર્યા નહીં, પિતામહે બળપૂર્વક લગ્ન કરાવ્યા.
દ્રૌપદી : લંપટ જયદ્રથ સાથે !
ભાનુમતી : પિતામહે પોતાના હિત ખાતર મરજી પડી. ત્યારે નિયમો બનાવ્યા અને બદલ્યા છે.
દ્રૌપદી : સ્ત્રીઓ સાથેના અન્યાયની એક આખી પરંપરા એમણે ઊભી કરી છે.
વૃષાલી : પણ આ પરંપરા ક્યાં જઈને અટકશે ?
દ્રૌપદી : રણક્ષેત્રમાં.
ભાનુમતી : રણક્ષેત્રમાં ?
દ્રૌપદી : પાંડવો હવે શાંતિથી બેસી રહે એમ નથી.
વૃષાલી : આપણા પતિદેવો યુદ્ધમાં અંદરોઅંદર લડી મરશે અને આપણે, આમ પ્રાસાદમાં બેસીને આપણાં વૈધવ્યની પ્રતીક્ષા. કરીશું ?
દ્રૌપદી : હસ્તિનાપુર હવે વિનાશના પંથે આવીને ઊભું છે.
ભાનુમતી : સ્ત્રીઓ સાથે કરવામાં આવેલા અન્યાયની જ્વાળાઓમાં હસ્તિનાપુર રાખ થઈ જશે.
દ્રૌપદી : આ બધાનું ઉત્તરદાયિત્વ કેવળ પિતામહનું છે.
વૃષાલી : પિતામહે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ન , લીધી હોત તો આ હસ્તિનાપુર પ્રાસાદની પરસાળમાં સુખ છલકાતું જોવા મળત.
ભાનુમતી : પિતામહ, કેવળ તમારું ઉત્તરદાયિત્વ છે, આ બધાનું.
દ્રૌપદી : પ્રતિજ્ઞાની આડમાં તમે કેવળ તમારી જિદને ઉછેરી છે. એ જિદ આજે વિષવૃક્ષ થઈને હસ્તિનાપુરને ભરખી રહ્યું છે. પિતામહ, આ બધાનું ઉત્તરદાયિત્વ કેવળ તમારું છે, કેવળ તમારું.
(અંધકાર.)


0 comments


Leave comment