3.4 - દૃશ્ય – ૪ / અંક ૨ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(નાટકની શરૂઆતમાં ભીષ્મ જેમ શસ્ત્રો સજાવતા હતા તેમ દૃશ્યમાન.)
ભીષ્મ : માતા ગંગા, આશીર્વાદ આપ કે આવતીકાલના યુદ્ધમાં વિજય કેવળ તારા પુત્રનો થાય ! ભીષ્મ ભલે આજ દિન સુધી વિજયી રહ્યો હોય પણ એ બધું તારાં આશીર્વાદરૂપી કવચનું પરિણામ છે. પિતાજીએ, ભલે ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હોય પણ મારી રક્ષા તો કેવળ તે જ કરી છે. (અટકે, ફરી શસ્ત્રો સરખાં કરે.) પ્રાત કાલ થવામાં છે. થોડી વિશ્રાંતિ આવશ્યક છે. સૂર્યનું પહેલું કિરણ પ્રગટ થાય કે ભીષ્મ હશે, રણક્ષેત્રમાં.
અગિયાર અક્ષૌહિણીઓનો સેનાપતિ ભીષ્મ !
(ભીષ્મ વિશ્રાંતિ કરવા શસ્ત્રોને વ્યવસ્થિત મૂકીને સૂઈ જાય. મંચ પર ધીમે ધીમે અજવાળું ઓસરતું જાય. ઝાંખો પ્રકાશ, અંબા, અંબિકા, અંબાલિકા, દ્રૌપદી અને દુ:શાલાનો પ્રવેશ.)

અંબા : ભીષ્મ, વિશ્રાંતિ કરી રહ્યા છો ?
(ભીષ્મ સફાળા જાગી જાય. કુરુકુળની સહુ સ્ત્રીઓને જોઈ ચોંકે.)
ભીષ્મ : તમે ! આ ક્ષણે ? અહીં ? રણક્ષેત્રમાં ? એક સાથે ?
અંબિકા : ભીષ્મ, વિશ્રાંતિમાં શાંતિ શોધી રહ્યા હતા ?
અંબાલિકા : તમારા લીધે કોઈ સ્ત્રી શાંતિ પામી હોય એવું તો બન્યું જ નથી, નહીં ?
દ્રૌપદી : પણ તમે ક્યાં સ્ત્રીને સ્ત્રી ગણો છો ?
દુ:શાલા : સ્ત્રીને તો તમે કેવળ તમારી રાજરમતની સોગઠી જ ગણી છે ને ?
અંબા : તમે ભલે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું પણ સ્ત્રી સાથે ન્યાય કરવામાં તો તમે પાછળ જ રહ્યા. અંબિકા અને અંબાલિકાએ તમારી અભિલાષા કરી પણ....
ભીષ્મ : હું પ્રતિજ્ઞાબદ્ધ હતો, અંબા. ને સત્ય એ છે કે, મારા મનમાં તારી અભિલાષા હતી.
અંબિકા : પણ તમે પ્રતિજ્ઞા વિસારી નહીં શક્યા.
અંબાલિકા : અને અમને સોંપી દીધી મુનિવ્યાસને.
દ્રૌપદી : વસ્ત્રાહરણ સમયે મૌન રહેવાનું શું કારણ હતું પિતામહ ?
ભીષ્મ : તું દ્યુતમાં જિતાયેલી હતી, તું દાસી હતી. ત્યારે અને દાસી સાથે તો...
દ્રૌપદી : કંઈ પણ થઈ શકે એમ જ ને ? કેમ, દાસી સ્ત્રી નથી હોતી ?
દુ:શાલા : મારું લગ્ન જયદ્રથ સાથે શા માટે ? શ્રેષ્ઠીપુત્ર ચંદ્રકેતુ સાથે શા માટે નહીં ?
ભીષ્મ : રાજકન્યાઓ આમ જ કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરવાની જિદ કરે તો રાજકુળની માન-મર્યાદાનું શું ?
દુ:શાલા : રાજકુળની માન-મર્યાદા કેવળ સ્ત્રીએ જ સાચવવાની છે એવું ? પુરુષે નહીં ?
અંબા : સ્ત્રી ,મર્યાદા સાચવે અને પુરૂષ એનું ઉલ્લંઘન કરે, એમ જ ને !
અંબિકા : ધૃતરાષ્ટ્ર અંધ છે, એવું સંતાડી એના લગન ગાંધારી સાથે કર્યા ?
અંબાલિકા : પાંડુ નિર્બળ છે, શાપિત છે, એવું સંતાડી એના લગ્ન કુંતી અને માદ્રી સાથે કર્યા ?
અંબા : તમે સ્વયં લગ્નથી દૂર રહ્યા પણ અન્યના લગ્ન કોઈ પણ રીતે પાર પાડવામાં ભારે કુશળ પુરવાર થયા !
દ્રૌપદી : દુઃશાસને મને નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી તેમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન નહોતું થયું ?
દુ:શાલા : એક સુતપુત્રએ કુળવધૂને વેશ્યા કહી એમાં ક્યા કુળનું માન સચવાયું, તે કહેશો પિતામહ ?
ભીષ્મ : તમે સૌ, ભીષ્મને ખોટી રીતે મૂલવી રહ્યા છો. ભીષ્મે કેવળ હસ્તિનાપુરનું હિત જોયું છે.
દ્રૌપદી : તમે ભલે હસ્તિનાપુરનું હિત જોયું હોય પણ અમારી સાથે તો અહિત જ કર્યું છે.
દુ:શાલા : અમારી સાથે તમે કેવળ અન્યાય કર્યો છે.
અંબા : એ, અન્યાયનો સરવાળો એટલે આ કુરુક્ષેત્ર, ભીષ્મ.
અંબિકા : ઇચ્છામૃત્યુનું વરદાન ભલે તમારી સાથે હોય પણ આ યુદ્ધ તમારા માટે તો અંતિમ યુદ્ધ જ બની રહેશે !
અંબાલિકા : હા, ભીષ્મ તમારા માટે આ યુદ્ધ અંતિમ યુદ્ધ જ બની રહેશે. તમારો વિજય તો એમાં સંભવ જ નથી ! તમારો કેવળ પરાજય થશે.

(બધી સ્ત્રીઓ ‘તમારો કેવળ પરાજય થશે.’ બોલતી બોલતી જાય. ક્ષણિક અંધકાર. ફરી ઝાંખો પ્રકાશ. ભીષ્મ સૂતા છે અને એકદમ જાગી જાય.)
ભીષ્મ : હસ્તિનાપુરનું હિત જોવામાં સ્ત્રીઓ સાથે મારાથી અન્યાય થયો હશે, પણ એમાં ક્યાંય મારો સ્વાર્થ રહ્યો નથી. હું સ્વાર્થી જ હોત તો બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞામાં બંધાયો ન હોત ! હસ્તિનાપુરનું રક્ષણ એ મારું ઉત્તરદાયિત્વ છે, પિતાશ્રીને આપેલું વચન છે. એ વચનનું પાલન કોઈ પણ ભોગે કરવું, એ જ મારો ધર્મ છે. ભલે, આવતીકાલનું યુદ્ધ મારે માટે અંતિમ યુદ્ધ બની રહે, પણ અગિયાર અક્ષૌહિણીનો સેનાપતિ આ ભીષ્મ અવશ્ય યુદ્ધ કરશે. મારા મૃત્યુને હું જ નિમંત્રણ આપી શકું એમ છું, એટલે હું લડીશ. હસ્તિનાપુર કેવળ તારા હિત ખાતર. હું અવશ્ય લડીશ.

(દુદુંભિનાદ સંભળાય. એ સાથે ઘોડાની હણહણાટી, હાથીની ચિચિયારી સંભળાય. પ્રતિહારી આવીને ભીષ્મને સેનાપતિનાં વસ્ત્રો પહેરાવે. અંધકાર.)
:: પૂર્ણ ::


0 comments


Leave comment