41 - ઈશ્વર કરે મિલનની ક્ષણો વિસ્તર્યા કરે / આદિલ મન્સૂરી


ઈશ્વર કરે મિલનની ક્ષણો વિસ્તર્યા કરે,
ઘડિયાળ બંધ થયા ને કાંટા ફર્યા કરે.

તુજ મસ્તકે ઝૂકી ઝૂકી છાયા કરે ગગન,
ને પૃથ્વી તારા ચરણોમાં ફૂલો ધર્યા કરે.

પથરાઈને પડી રહે પાલવમાં ચાંદની,
ઝુલ્ફોના અન્ધકારમાં તારા ખર્યા કરે.

કાંઠા ઉપર ઊભો રહી હું નીરખ્યા કરું,
આંખોનાં જલમાં સ્વપ્નનાં મત્સ્યો તર્યા કરે.

દર્પણ બે સામસામે મૂકી એ ખસી ગયાં,
પ્રતિબિંબ એકબીજાને ચુંબન કર્યા કરે.


0 comments


Leave comment