38 - એ મારા વિચારો કળી જાય તો ! / આદિલ મન્સૂરી


એ મારા વિચારો કળી જાય તો !
અને એની આંખો ઢળી જાય તો !

દિશાઓના ઓળા ગળી જાય તો !
અને એ પવનમાં ભળી જાય તો !

ખુલી જાય ઊંડાણની મુઠ્ઠીઓ,
સમંદરનું પાણી બળી જાય તો !

ડરું છું હવે ઘરમાં પગ મૂકતાં,
મને જોઈ ભીંતો છળી જાય તો !

નવાં વિશ્વનાં દ્વાર ખુલ્લાં કરું,
આ જંગલમાં રસ્તો મળી જાય તો.

ફરી નામ આવ્યું છે હોઠો સુધી,
પરંતુ કોઈ સાંભળી જાય તો !

મને શોધવા નીકળું ઘેરથી,
ને પડછાયો સામો મળી જાય તો !


0 comments


Leave comment