4 - વ્હેલી સવારે બાગમાં ડોકાય છે પવન / આદિલ મન્સૂરી


વ્હેલી સવારે બાગમાં ડોકાય છે પવન,
ખુશ્બૂની રોજ ચોરી કરી જાય છે પવન.

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી તમામ બાગ,
સાકી બનીને જ્યારે સુરા પાય છે પવન.

બીજી તો કોઈ રીતથી જોઈ નહીં શકો,
દ્રષ્ટિ વિકાસ પામે તો દેખાય છે પવન.

ચૂમે છે જ્યારે આપની લ્હેરાતી ઝુલ્ફને,
ત્યારે નિરાળી શાનથી લ્હેરાય છે પવન.

એ વાત છે જુદી કે તમે સાંભળ્યાં નથી,
નહિતર રસીલાં ગીત સતત ગાય છે પવન.

હું બે ઘડીયે એમને રોકી શક્યો નહીં,
દુનિયામાં ક્યારે કોઇથી રોકાય છે પવન?

'આદિલ,' ન ખોલ બારણું, દીપક બૂઝી જશે.
ઘરની બહાર જોરથી ફૂંકાય છે પવન.


0 comments


Leave comment