2.6 - ‘કે ઝરુખડે દીવડા ઝાંખા બળે રે લોલ’ / બળવંત જાની


પેટિયું રળવા સૌરાષ્ટ્રમાં પધારેલું ઉત્તર ગુજરાતના ઠાકરડાઓનું વનવાસી ગરસિયા-મજૂરોનું ટોળું હમણાંથી ટેલિફોન વાયરની ભૂગર્ભ લાઈન ખોદતા જોવા મળે છે. આખો દિવસ નીચી મૂંડીએ સતત કામગરા દેખાતા આ ઠાકરડાઓને સતત જોતો રહું છું. કોઈની સામું જોવું નહીં, જાણે કે કુતુહલને ચિત્તમાં ભંડારી દઈને આખો દિવસ મહાનગરની માયાજાળમાં ફસાયા વગર માત્ર કામ, કામ ને કામ. પણ રાત્રે એમનું અસલ રૂપ દેખા દે છે, કળાયેલ મોર જેવો કંઠ કોળી ઊઠે છે અને કુંડાળે વળીને ગાતા-ગાતા પરમાનંદનો અનુભવ પ્રાપ્ત કરતા ઠાકરડાઓના ગળેથી થોડા ગીતો છાનામાના નોંધપોથીમાં નોંધી લીધા છે. એમાંનું એકતો - વીર-શુરવીરની શહાદતને બીરદાવતું ગીત ભારે સ્પર્શી ગયું છે. એક-બે ઠાકરડા જુવાનિયા ગવરાવે અને કુંડાળે ગોઠવાયેલા સ્ત્રી-પુરુષો એને ઝીલે. આમ, ગીતનું પરફોર્મન્સ આંખને સાવ ઠંડુ લાગે પણ એના સૂર, તાલ, ગાવાની હલક આપણાં કાનને સ્પર્શી જાય અને હૃદયમાં ઘર કરી જાય એવી. અહીં જેમ ધોળ-કીર્તન ગવાય - ઝીલાય એમ ગવાતું – રજૂ થતું ઝીલાતું આ લોકગીત વીરગીત ઉત્તર ગુજરાતનું મહામુલું આભરણ જણાયું છે.

ગીતની શરૂઆત શક્તિ-દેવને સંબોધીને થઈ છે. ઉત્તર ગુજરાત તો આખા ગુજરાતની દેવીઓના બેસણાનો પ્રદેશ એટલે એના ગીતમાં તો ગણેશ કે શિવજીને બદલે શક્તિમાતા જ હોય એ સ્વાભાવિક છે. શક્તિ માતાને પ્રશ્ન પૂછાયો છે કે માતાજી તમારા બેસણાં તો આકાશમાં હોય અહીં મૃત્યુલોકમાં – ઉત્તર ગુજરાતમાં કેમ પધાર્યા ! માતાજી જવાબ આપે છે કે અહીંયા શુરવીરોના સંગ્રામ ખેલાય છે. યોદ્ધાઓ યુદ્ધ ખેલે છે અને દેશ માટે, કુટુંબ માટે કે સમાજ-ગામ કે ગાય માટે પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતા નથી એવા શુરવીરોની હાકથી ગાજતો આ મૂલક છે. નૈતિક મૂલ્યો માટે ખેલાતો રણસંગ્રામ છે, એ કારણે અહીં કાયમી પધારી છું. ગીતનો સળંગ પાઠ જ જોઈએ.

‘શકતિ તારો આભા મંડળમાં વાસ,
કે આંયા ચ્યમ ઉતર્યા રે લોલ...’ ૧

‘કે આયા મારે શૂરાવાળાં રે સગરામ,
કે શૂરાવાળી હાકુ વાજે રે લોલ...’ ૨

શૂરા તારે રણખેતર જૂધ થાય,
કે રગતું ઝીલે રાણીયું રે લોલ... ૩

શૂરા તારે ભાલડિયે વરહે ઝીણાં મેહ,
કે તહેવારે રંગતાળી પડે રે લોલ... ૪

શૂરા તારે ઊડે બંદુકુની ઠોર,
કે ગોળીયું આવે બોલતી રે લોલ... ૫

શૂરા તારે ઊંચી મેડી અગનાશ,
કે ઝરુખડે દીવડા ઝાંખા બળે રે લોલ... ૬

શૂરા તારી માવડી જૂએ ઘેર વાટ,
કે શૂરો ચ્યારે આવશે રે લોલ... ૭

શૂરો રોઝી ઘોડીનો અસવાર,
કે શૂરો હમણે આવશે રે લોલ... ૮

શૂરાને ડીલે જડેલા બખતર,
કે હાથે કડાં હેમનાં રે લોલ... ૯

શૂરા તારી રાણી રુવે રંગમેલ,
કે ઠાકોર ચ્યારે આવશે રે લોલ... ૧૦

શૂરા તારાં ઘોડાં ઝૂરે ઘોડાહાર,
કે હાથી ઝૂરે દરબારમાં રે લોલ... ૧૧

શૂરા તારે ચૌટે રુવે ચારણ-ભાટ,
કે હાટે હાટ વાણિડાં રે લોલ... ૧૨

શૂરા તારી બેની રુવે બારેમાસ,
કે વીરો ચ્યારે આવશે રે લોલ... ૧૩

શૂરા તારા શીશ પોંચ્યા સરકાર,
કે માથા વનાં ધડ લડે રે લોલ... ૧૪

શૂરાજીના રણખેતર જુધ થાય,
કે પરીયું આવી પુંખવાં રે લોલ... ૧૫

શૂરા તારે આવ્યા ઈન્દરના વેમાન,
કે શૂરા ચાલ્યા સરગાપુરી રે લોલ... ૧૬

રણસંગ્રામમાં-રણક્ષેત્રમાં યુદ્ધ ખેલતા યોદ્ધાનું પ્રભાવક ચિત્ર અહીં પ્રારંભે છે. યુદ્ધરત યોદ્ધાના લોહીને રાણી ઝીલી રહી છે. યોદ્ધાને કપાળે બાઝેલ પ્રસ્વેદના ટપકતા બિંદુઓને ઝીણી ઝરમર વરસતી મેઘધારા સાથે સરખાવીને તલવારથી રંગતાળી લેતા અને બંદુકની ગોળીઓની રમઝટ બોલાવતાં યોદ્ધાનું વર્ણન છે, પણ પછી ભારે ઇશારાથી ઝાંખા દીવડાના નિર્દેશથી યોદ્ધાના શૂરાના બલિદાનનું આલેખન છે. શહિદી માટેની આવી કલાત્મક અભિવ્યક્તિમાંથી લોકગીતની ઊંડાઈ અને કલાત્મક ઊંચાઈનો પરિચય મળી રહે છે. માતા, ઘોડા, હાથી, રાણી, ચારણ-ભાટ શૂરાની વાટ જોઈ રહ્યાની વિગતો છે. બહેનનો નિર્દેશ કરીને એ બારેમાસ વીરાના વિરહથી રડે છે એવું આલેખન કરીને ભાઈ-બહેનના ચીરકાલીન નેહનું નિદર્શન છે પરંતુ શૂરાનું માથું તો સરકારે વધેરી લીધું છે, છતાં એનું ધડ લડી રહ્યાનું આલેખન પરંપરાગત રીતે કરીને આખરે આવા વીરતાભર્યા બલિદાનને કારણે સ્વર્ગલોકની પરીઓ-અપ્સરાઓ એને પોંખવા માટે તત્પર છે તથા ઈન્દ્રલોકના વિમાનમાં શૂરો સ્વર્ગપુરીનો કાયમી નિવાસી બન્યો એવી વિગતો મૂકાઈ છે.

અહીં કથાનકમાં કેન્દ્રસ્થાને કોઈ અનામી શૂરવીરની શહિદીની – ઉના-ઉના લોહીના બલિદાનની ગાથા છે. ગીતો તો આવા લોકનાયકોના જ હોય ને! કોઈનામ નથી, તેમ છતાં એ કોઈકનો પુત્ર, ભાઈ, પતિ કે રાજવી છે એવો નિર્દેશ કરીને સમાજ માટે ખપી ગયેલાને જુહારતું આ લોકગીત ઉત્તર ગુજરાતના ઠાકરડાઓના કંઠેથી વહેતું સાંભળવું એ અનુભવ આખી ગાથાને જાણે કે પ્રત્યક્ષ કરતો હોય એવો પ્રસન્નકર છતાં હૃદયદ્રાવક હતો. ‘કે ઝરુખડે દીવડા ઝાંખા બળે રે લોલ’ કે ‘શૂરા તારી બેની રૂવે બારેમાસ’ પંક્તિ ગાતી વખતે હૃદયની વ્યથાભરી ચીસનો આપણને પણ અનુભવ થતો હોય છે. કથાભાવ સાથે તલ્લીન થનારા, એમાં મય બની રહેનાર ઠાકરડા વૃંદ જેવું તાદાત્મ્ય ભાવકને પણ રચનામાં તલ્લીન બનાવી દેતું હોય છે. ખરો લોક છે આવો કે એ જાતે તાદાત્મ્ય અનુભવીને પોતીકા ભાવનો અનુભવ બનાવીને રજૂ કરે કે અન્ય શ્રોતાઓ તલ્લીન થઈને તાદાત્મ્ય અનુભવવા લાગે. લોકગીતની ખરી મજા છે આવા ભાવપૂર્ણ સંક્રમણમાં. એ કોલાબરેટિવ અને કોમ્બિનેટિવ અર્થાત્ સમૂહજન્ય અને સમૂહભોગ્ય એવું કલાસ્વરૂપ છે. પણ એ ખરું-નર્યું સાચુકલુ લોકગીત હોવું અનિવાર્ય છે. કહો કે એની ખરી ખરાઈ આવા સંક્રમણ-કોમ્યુનિકેશન દ્વારા થતી હોય છે.


0 comments


Leave comment