2.7 - લોક-દંપતિના કલહની મીઠી વડછડ / બળવંત જાની


લોકજીવનમાં કલહનું પણ એક મૂલ્ય છે. જો જરા ઊંડાણથી વિચારીએ તો કલહ-કંકાસ માટે લોકજીવનમાંથી આપણી સમજમાં પણ નવી વિગતો ઉમેરાતી હોય. લોકસંસ્કૃતિમાં એને મીઠો કજીયો કહ્યો છે. પતિ-પત્નીના કજિયા-કલહ આવા મીઠા કજીયા હોય છે. સ્થૂળ રીતે તો મારપીટ થતી હોય, વાદ-વિવાદ પણ હોય પણ લોકસાહિત્યમાં આવા સ્થૂળ પ્રસંગનું પણ ભારે સૂક્ષ્મ રીતે અવલોકન દ્રષ્ટિગોચર થતું હોય છે. આ માટેનું બળવાન ઉદાહરણ એક લોકગીત છે. છે તો એમાં પણ કલહનું નિરૂપણ, વાદ-વિવાદ અર્થાત્ વડછડ. પણ એ વડછડ કોઈ સામાન્ય પાત્રો વચ્ચે નથી પરંતુ અસામાન્ય પાત્રોની સામાન્ય વડછડ નિરુપીને ગીતને એક અસામાન્ય એવું નવું જ પરિમાણ આપ્યું છે.

રામ-સીતાના ઉદાહરણ દ્વારા સામાન્ય દંપતીના મનોજગતને વાચા આપી છે. એમાં કલ્પના, એમાંના કલહના આઘાત-પ્રત્યાઘાત ભારે આસ્વાદ્ય છે. કોમળ નજાકત ભાવસભર દામ્પત્ય જીવનનો કલહ પણ અહીં આવા નિરૂપણનાવિન્યને કારણે નજાકતપૂર્ણ બની રહે છે. આમ, અભિવ્યક્તિ નાવિન્ય જ એક પ્રકારનો અર્થ જાણે કે પૂરો પાડે છે. સમગ્રતયા આવા કારણે લોકગીત હૃદયસ્પર્શી બની જાય છે.

લવીંગ કેરી લાકડીએ, રામે સીતાને માર્યા જો,
ફૂલ કેરે દડુલીએ, સીતાએ વેર વાળ્યા જો...૧

રામ તમારે બોલડીએ હું, પરઘેર દળવા જઈશ જો,
તમે જશો જો પરઘેર દળવા, તો હું ઘંટુલો થઈશ જો...૨

રામ તમારે બોલડીએ હું, આકાશ-વીજળી થઈશ જો,
તમો થશો જો આકાશ-વીજળી, તો હું મેહુલિયો થઈશ જો...૩

રામ તમારે બોલડીએ હું, બળીને ઢગલો થઈશ જો,
તમે થશો જો બળીને ઢગલો, તો હું ભભૂતિયો થઈશ જો...૪

લવીંગ કેરી લાકડીએ, રામે સીતાને માર્યા જો,
ફૂલ કેરે દડુલીએ, સીતાએ વેર વાળ્યા જો...૫

અહીં રામ-સીતાના વડછડ રૂપે પ્રસ્તુત કરેલ છે. પરસ્પરના કલહને કવિવર્ણન દ્વારા તેમજ રામ-સીતાના સંવાદ દ્વારા અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. અભિવ્યક્તિની આ તરાહ પણ આસ્વાદ્ય છે. કવિએ કલ્પનાથી જે કલ્પના કરી છે એનું નિરૂપણ પણ એવું નજાકતભર્યું છે, રામ કંઈ લાકડીએ ન મારે એનો ઘા ભારે કોમળ છે એટલે લવીંગ કેરી લાકડીથી પ્રહાર કરે છે. જયારે સામે પક્ષે સીતાનો પ્રત્યાઘાત પણ એવો જ કોમળ-કૂણો છે. વેર વાળવાની પ્રતિકાર કરવાની સીતાની રીત પણ એવી જ નજાકતભરી છે. ફુલના દડાથી સીતા વળતો પ્રહાર કરે છે. આવું કવિવર્ણન ધ્રુવકડી રૂપે પછી સતત અનુરણનરૂપે પડઘાય છે. પણ વચ્ચે વચ્ચે રામ અને સીતાના સંવાદ વડછડ રૂપે પ્રયોજાયા છે જેને કારણે ગીત કલાત્મક કક્ષાએ પહોંચે છે. લોકગીતોની વિશિષ્ટતા ધ્રુવપંક્તિના કવિ-અવાજમાં છે. એવી અને એટલી જ વિશિષ્ટતા વચ્ચે નિયોજાયેલા નાયક-નાયિકાના સંવાદમાં પણ છે.

સીતા કહે છે તમારા મહેણા-ટોણાથી (બોલડીથી) હું કંટાળીને પારકા ઘરે દળવા જઈશ. અન્યને ગૃહે ચાલી જઈશ એવી બીક બતાવે છે એના પ્રત્યુત્તર રૂપે રામ કહે છે કે, તમે જો પારકા ઘરે ચાલ્યા જશો તો ત્યાં હું ઘંટલારૂપે રહીશ, જેથી તમારો સ્પર્શ તો પામી શકાય. તમારું સાન્નિધ્ય તો રહે જ. વળી, બીજી કડીમાં પારકા ઘરથી પણ દૂરનું અંતર ચીંધીને કહે છે કે, તમારા વચન-બોલને કારણે હું આકાશમાં વીજળી થઈને નીસરી જઈશ એના પ્રત્યુત્તર રૂપે રામ કહે છે કે, તમે જો વીજળી રૂપે આકાશમાં જશો તો હું મેહુલિયા રૂપે-મેઘરૂપે ત્યાં તમારું સાન્નિધ્ય પ્રાપ્ત કરીશ. આમ, મેઘ બનવાનું કહે છે. પછી ત્રીજી કડીમાં તો આત્મઘાતની બીક બતાવતા કહે છે કે, તમારા આકરા વચન-મહેણાં ટોણાંથી ત્રસ્ત થઈને હું હવે તો આ દુનિયા છોડી દઈશ, બળીને મારો જીવ જ દઈ દઈશ. રામ આના પ્રત્યુત્તર રૂપે જણાવે છે કે, તમે જો બળી જશો તો હું એ રાખને ડીલે ચોળીને ભભૂતિયો બાવો થઈ સંસાર છોડીને ભટકયા કરીશ અને તમારો નશ્વર દેહ જેમાં ભળી ગયો છે એ રાખને મારા શરીર સાથે ચોળીને તમને મારી સંગે જ સતત નિરંતર રાખીશ.

લોકગીતમાં જે કલ્પનાનો વૈભવ છે, જે વડછડ છે એ ભારે આસ્વાદ્ય છે. મૂળભૂત વસ્તુ શબ્દબાણ છે. મારને સહન કરી શકાય છે પણ શબ્દબાણને બોલડિયાને-શબ્દબાણને કારણે પ્રશ્નો થતા હોય છે. બોલવામાંથી બધું બગડે છે. કલહના મૂળમાં શબ્દબાણ હોય છે. વાદ-વિવાદને કારણે ઊભા થયેલા પ્રશ્નો પણ અહીં વાદ-વિવાદથી નિરૂપાયા છે. આઘાત છે એમાં - એનો પ્રત્યાઘાત છે. અઘાત-પ્રત્યાઘાત છે. પણ પ્રત્યાઘાતમાં ભારે મીઠાશ છે. એકબીજા માટેની અનિવાર્યતાની વિગત સ્ફૂરે છે. એક બીજા વગર ન રહી શકવાને કારણે જે પ્રત્યઘાત વ્યક્ત થયો છે એ ભારે આસ્વાદ્ય છે. સીતા કંટાળીને બીજાને ઘેર ચાલી જવાની ધમકી આપે છે તો રામ એની પાછળ પથ્થર રૂપી ઘંટલો થવાનું કહે છે. પોતાની સ્ત્રી અન્ય ગુહે જાય એટલે કેવા નિર્જીવ થઈ જવાય એનું આલેખન અહીં થયું છે. પણ અહીં નાયિકાને ખ્યાલ આવી ગયો છે કે પતિ પાછળ તો આવવાના જ છે એટલે એને લઈને ક્યાંક અન્ય સ્થાને ચાલ્યા જવું. એટલે એના સંદર્ભે – ભારે રમણિય કલ્પનાનું નિરૂપણ છે. સંસારના આ કલહમાંથી ઘડી-બે ઘડી દૂર-સદૂર આકાશમાં ચાલ્યા જવાની કલ્પના વ્યક્ત થઈ છે. જ્યાં કોઈ કશું કહેનારું ન હોય. આમ, કલ્પનાના તરંગો અહીં ભારે કલાત્મક રીતે નિરૂપાયા જણાય છે.

પણ ગીતની ચોટ તો અંતિમ કડીમાં છે. મહેણાં-ટોણાં સાંભળવા અને દૂર જઈએ તો પણ પતિ પીછો ન છોડે એટલે એના કરતા તો બળીને જીવ દઈ દેવો અને એ માટે આપઘાત કરવાની કલ્પના મૂકી છે. એનો પ્રત્યુત્તર પણ એવો જ બળકટ જેમના વગર બધું નકામું છે. સંસાર અસાર થઈ જાય. જીવવામાં કશુંક સાર તત્વ તો તેની પત્નીની ઉપસ્થિતિને કારણે જ છે. મીઠો કલહ છે તો જીવન છે. એના માટે છે કોઈ આપણું પોતાનું પાત્ર ન હોય તો જીવવાનો કશો અર્થ નથી. આ ફાની દુનિયા સન્યાસી થઈને ભટકવું જ ભાગ્યામાં રહે. આમ, પ્રેમકલહ છે તો જીવન છે. એના વગરના જીવનનો કશો અર્થ નથી. એવો સાર અંતે મૂકેલ છે. આ બાબત પણ મુખર નથી બનતી, ભારે ગોપિત રાખીને ગીતમાં ભાવનું નિરૂપણ કર્યું છે. સમાજ-લોકમાં પણ બધું ઈશારાથી-સંકેતથી કેવું ચાલે છે એનું ઉદાહરણ આ વડછડ લોકગીતકાવ્યમાં છે. કલ્પનાવૈભવ, નાદ-લયનું સભર નિરૂપણ અને મનને ભરી દેનારી મનભર વિષયસામગ્રીથી લોકગીતને કવિતાની ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.

વાદ-વદામણીના પાત્રો રામ-સીતા છે પણ એમાં જનસામાન્યની સંવેદનાનો પડઘો પડ્યો છે. લોક કલ્પનાજગતમાં કેવા મનોભાવ ઊઠે છે અને એના વલયો વિસ્તરતા-વિસ્તરતા કયાં સુધી આગળ ધપે છે એનું ઉદાહરણ પ્રસ્તુત લોકગીત છે. એકબીજા વગર ન જીવી શકનારા દંપતીના મીઠા કલહનું મૂલ્ય અને એને કારણે જ જાણે કે અસ્તિત્વનો બોધ થતો હોય એવો ભાવ, ભારે બળકટ રીતે આ લોકગીતમાંથી પ્રગટ થાય છે.


0 comments


Leave comment