2.8 - સ્વપ્નામાં માણેલા મધુર ચિત્રની મનભર અભિવ્યક્તિ / બળવંત જાની


ગુજરાતી લોકગીતમાંથી કુટુંબજીવન કેટલું વિસ્તરેલું હતું અને એની રેખાના છેડા ક્યાં સુધી પહોંચતા હતા એનો સુંદર પરિચય પ્રાપ્ત થતો હોય છે. લોકગીતને સમાજ - સમૂહ સમક્ષ પ્રસ્તુત કરવાનું વલણ હતું. લોકગીત ગવાય અને આપણે સાંભળીએ એ સાંપ્રત સ્થિતિ છે. કોઈ કલાકાર જાહેરમાં સાજિંદા સાથે લોકગીત જ કરતા હોય એવું દ્રશ્ય અત્યારે સતત દ્રષ્ટિગોચર થાય છે. પરંતુ હકીકતે કોઈને કોઈ ઉત્સવ કે મેળાવડા પ્રસંગે નારીવૃંદ લોકગીત નૃત્ય દ્વારા, સંઘગાન દ્વારા રજૂ કરે. લોકગીતની સાથે નૃત્ય વણાયેલું હતું અને સમૂહ એ નૃત્ય ભંગિમા જોતો - જોતો ગીત સાંભળતો હોય, આમ શ્રવણેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ ઉભયને લોકગીત તોષતું હતું. પ્રસન્નતા પ્રાપ્ત કરેલા સમાજની પ્રતીતિ લોકગીત રજૂ કરનાર નારી વૃંદને થાય એટલે રજૂઆતનો આનંદ બેવડાય અને સવિશેષ પ્રસન્નતા સાથે લોકગીતો રજૂ થતા જોવાતા. આ આખો સંદર્ભ હવે બદલાઈ ગયો છે.

લોકગીત સમાજ સમક્ષ રજૂ થતા, એને જોનારને રજૂઆત કરનાર પોતાની અંગભંગિમાં, નૃત્યછટા કે અવાજની મીઠાશથી માત્ર પરિચિત કરવાની આકાંક્ષા ધરાવતા ન હતા. પણ પોતાના હૃદયભાવોથી મનમાં ભંડારાયેલા સંવેદનોથી પરિચિત કરવાની ધખના ધરાવતા હતા. આમ, લોકગીતનું આકર્ષણ એની મોહક એવી રજૂઆત માત્ર નથી પરંતુ એમાં રહેલી માનવમનની ચિરકાલીન અને શાશ્વત એવી ભાવનાઓ છે. ગુજરાતી લોકગીતો આમ હકીકતે નારીચિત્તની ભાવસૃષ્ટિના ખરા ઉદાહરણરૂપ લોકગીતના સંદર્ભથી બહુ અવલોકાયા નથી.

પુરુષ વર્ગ તો જાહેરમાં કે અન્ય સ્થાને પોતાના ભાવને ખુલ્લી રીતે આવેગપૂર્વક રજૂ કરે પરંતુ નારીને એવો અવકાશ ક્યાં છે. બાલ્યાવસ્થાથી જ એને તો ગૃહકામ ભાગે આવે છે. અભિવ્યક્ત થવાનો અવકાશ સમાજે આપ્યો નથી. આ કારણે હૃદયમાં ભંડારાયેલ અવ્યક્ત એવી ભાવસૃષ્ટિ જાણે કે લોકગીતના માધ્યમ દ્વારા પ્રગટ થઈ છે. ગુજરાતી લોકગીતમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, ઇત્યાદિ વિષયક હૃદયના ઉદાર અને ઊંડા મનોભાવો વાળા ગીતો ખૂબ મળે છે. આવા કુટુંબીજનોના ઉમદા વ્યવહારનું નિદર્શન પણ ઘણાં ગીતોમાં જોવા મળે છે. એ ગુજરાતી લોકગીતોમાં કટુંબકલહ કરતા કુટુંબપ્રીતિ અને અસૂયાને સ્થાને પ્રસન્નતા વિશેષ માત્રામાં દ્રષ્ટિગોચર થાય છે.

પ્રસ્તુત લોકગીત નારીચિત્તને અભિવ્યક્તિ અર્પે છે એમાં સંબંધોની સીમારેખા છેક ધર્મકાર્યો કરાવનાર ગોર મહારાજ સુધી વિસ્તરી છે. સતત નિરંતર પ્રેમ સંપાદન કર્યા એ સભરતાભરી સ્થિતિ સપનામાં ઊતરી આવે છે. જેને અહીં અભિવ્યક્તિ મળી છે.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ડોલતો ડુંગર ઈ તો અમારા સસરા જો;
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતા’તા રે...૧

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,
ઘમ્મર વલોણું ઈ તો અમારા જેઠજી જો;
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં ખાતા’તાં રે...૨

આજ રે સપનામાં મેં તો લવીંગ લાકડી દીઠી જો,
લવીંગ લાકડી ઈ તો અમારો દેર જો;
ઢીંગલે ને પોતીએ રે દેરાણી મારાં રમતાં’તાં રે...૩

આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો,
પારસ-પીપળો ઈ તો અમારા ગોર જો;
તુલસીને કયારે રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે...૪

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,
ગુલાબી ગોટો ઈ તો મારો પરણયો જો;
ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારી ચૂંદડીમાં રે...૫

પાંચ કડીમાં કુટુંબીજનો પરત્વેનો નારીનો મનોભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે. સ્વસુર માટે ડુંગરની ઉપમા એના વિરાટ અડીખમ વજ્ર અને દ્રઢ વ્યક્તિત્વની દ્યોતક છે. તો એ ડુંગરામાંથી જ પ્રગટતું અને વિસ્તરતું અને વહેતું નદીનું રૂપક સાસુ માટે પ્રયોજ્યું છે. બન્નેના અદ્વૈત સંબંધની નારી ચિત્તમાં ઝીલાયેલી છબી જાણે કે પોતાને એક આદર્શ દંપતીની છબી પ્રાપ્ત થઈ છે, એનો નિર્દેશ અહીં અહેસાસ રૂપે નિર્દેશાયેલો છે.

ઘમ્મરવલોણું સમૃદ્ધિનું પ્રતીક છે. સ્થિરતા અને એની સંવાદિતાનું દર્શન જેઠ-જેઠાણીના નિરૂપણ દ્વારા થાય છે. પ્રેમથી ભોજનરત એવું એક મનભર ચિત્ર અહીંથી પ્રાપ્ત થાય છે. પછી દિયર માટેની રોમેન્ટિક રસોલ્લાસની વિગતો પ્રસ્તુત કરવા લવીંગ લાકડી, ઢીંગલા પોતિયાની રમતનું આલેખન કરીને કુમળી વયના ઉછરતા અને દામ્પત્યનો નિર્દોષ આનંદ માણતા દિયર-દેરાણીને અહીં અભિવ્યક્તિ સાંપડી છે. પારસ પીપળો પવિત્રતાનું અને ધર્મસંસ્કૃતિનું પ્રતીક છે. એની સાથે તુલસીને સાંકળીને ગોર-ગોરાણીનો સંદર્ભ પ્રસ્તુત કર્યો છે.

ડુંગર, ઘમ્મરવલોણું, લવીંગ લાકડી, પારસ પીપળો જેવા નિર્દેશો પછી ‘ગુલાબી ગોટો’ પ્રયોજીને મનહર-મનભર અને મોહક વ્યક્તિત્વવાળા પોતાના પતિનો નિર્દેશ સુંદર રીતે થયો છે. એ દ્રશ્યને સુગંધ સુધી લંબાવ્યું છે. ફૂલડાની ફોરમ એટલે કે મહેંક અર્થાત્ ગુલાબી ગોટો આખરે તો મહેંકી રહ્યો છે, ફોરમ લહેરાવી રહ્યાં છે. એણે ઓઢેલી પહેરેલી ધારણ કરેલી ચૂંદડી દ્વારા. પરિણીતાની સભર ચિત્તવૃષ્ટિ અહીં સુંદર રીતે નિયોજાઈ છે. એમાંના શબ્દો આંખને, કાનને અને નાકને એમ ત્રણેય ઈન્દ્રિયને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે.

કુટુંબજીવનની સંવાદિતાનું અને એને કારણે પ્રાપ્ત થતી પ્રસન્નતાનું ઉદાહરણ પ્રસ્તુત લોકગીત છે. જ્યારે પગની ઠેક દ્વારા તાલીઓના તાલ દ્વારા અને ઘેરા નાદે ધીર-ગંભીર અવાજ દ્વારા રજૂ થતું હોય ત્યારે એના ચહેરાના હાવભાવ ખરા અર્થમાં ચિત્તમાં ઢબુરાયેલ પ્રસન્નતાના ભાવોને સમુદાય સમક્ષ રજૂ થતા હોય છે. અને આવું તૃપ્તિકર લોકગીત ચિત્તને એક જુદી જ અવસ્થામાં મુકી દેતું હોય છે પણ જો એ રજૂ થાય તો. એની લિખિત આવૃત્તિ કે કંઠ દ્વારા રજૂ થતી આવૃત્તિ તો એક કોલ્ડસ્ક્રીપ્ટ છે, એને મૂળ રૂપે માણવા માટે ગુજરાતના ઊંડે-ઊંડે ફેલાયેલા ગ્રામીણ પ્રદેશમાં કે વનવાસી પ્રજા પાસે જવું પડે.


0 comments


Leave comment