2.9 - તળપદી સંસ્કૃતિની સોડમ પ્રસરાવતું લોકગીત / બળવંત જાની


ગુજરાતી લોકગીતોમાં કૃષ્ણલીલામૂલક લોકગીતોની સંખ્યા ખૂબ જ છે. આ લોકગીતો ખૂબ જ મહત્વના ગણાય છે. મૂળ શ્રીમદ્દભાગવતનો પ્રભાવ હોવા છતાં, એની વિષયસામગ્રીમાં સૌરાષ્ટ્રના તળપદી સંસ્કૃતિ અને જીવનપદ્ધતિનો વિશિષ્ટ અને આગવો રંગ ચડેલો હોવાને કારણે આ લોકગીતો અનોખા લોકગીતો તરીકે મહત્તા ધારણ કરે છે.

લોકસાહિત્યની વિશિષ્ટતા જ એ છે કે, એમાં પ્રાદેશિક રંગ છાંટણા પ્રચૂર માત્રામાં હોય છે. માત્ર લય અને ઢાળ તળપદા હોય એટલું જ નહીં પણ એમાંના આવા પ્રાદેશિક તળપદા રંગોને કારણે એ કંઠસ્થપરંપરામાં જીવંત રહે છે અને જળવાઈ રહે છે. મૂળ છટા, મૂળભાવ નંદવાય નહીં એ રીતે એમાં પ્રાદેશિક રંગો પૂરાય છે. લોકકવિની આ જ સૌથી મોટી મૌલિકતા છે. આવી મૌલિકતાના બહુ અભ્યાસ થયા નથી.

પંચાળના ખૂબ જ પ્રચલિત તરણેતરના મેળામાં એક કૃષ્ણ વિષયક લોકગીત સાંભળેલું અને નોંધ્યું હતું પણ ખરું. પણ ગયા વર્ષે એને પ્રત્યક્ષ જોવાનું બન્યું ત્યારે સમજાયું કે ખરી વાત છે લોકગીત વાંચવાની નહીં પણ સાંભળવા અને જોવાની કળા છે. એ આંખ-કાનની કવિતા છે. એમાં નિરૂપાયેલ કાળાશ, દૂધની વરાળ અને ફૂંફાડા જેવા શબ્દોના ખરેખર આંખ-કાન દ્વારા હૃદયપ્રદેશમાં અમર બેસણાં થાય છે. પંચાળનો તરણેતરનો મેળો એ મેળો એ વિસ્તારના કોળી અને ભરવાડ જ્ઞાતિના સ્ત્રી-પુરુષોની વિશેષ ઉપસ્થિતવાળો હોય છે. આ વિસ્તારના ભરવાડોનું મુખ્ય કાર્ય ગાય અને ઘેટાંબકરાં ચરાવવાનું હોય છે. ભરવાડ માટે આ વિસ્તારમાં પ્રચલિત સંજ્ઞા ‘ગોવાળિયા’ પણ છે. મૂળ વ્યવસાય અને તળપદી સંજ્ઞા કેવી રીતે કંઠસ્થપરંપરાના સાહિત્યમાં ડોકા કાઢીને દેખા દેતી હોય છે, તેના ઉદાહરણ તરીકે પણ પ્રસ્તુત લોકગીત મહત્વનું છે. અહીં કૃષ્ણનું શ્યામ રૂપ છે અને રાધાનું ગોરું રૂપ કેન્દ્રસ્થાને છે. આ મૂળ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને આખું લોકગીત ચાલે છે.

ગોળાકારે ફરતા, ઠેકા લેતા, ફૂદરડી ફરતાં અને પંક્તિઓ બેવડાતા-બેવડાતા રજૂ થતું લોકગીત જોવું-સાંભળવું એ જ એક પ્રસન્નકર પ્રસંગ હોય છે. મેં માણેલા એ લોકગીતનો અહીં તો માત્ર પાઠ પ્રસ્તુત કર્યો છે.

‘હે ઓલ્યા કાના રે, આવો તે કાળિયો કેમ થયો’,
‘હે ગોરી રાધા રે, રૂપનાં અભિમાન શું રે કરો ?’ ...હે ઓલ્યા.૧
‘અમે નાનાં હતાં, ગાય ચારવા ગ્યાતાં, ... (૨)
હે ગોરી રાધા રે, સૂરજના તાપે અમે કાળા થિયા..’ હે ઓલ્યા.૨

‘અમે નાનાં હતાં, ગાય દો'વા ગ્યાતાં, ... (૨)
હે ગોરી રાધા રે, દૂધની વરાળે અમે કાળા થિયા...’ હે ઓલ્યા.૩

‘અમે નાનાં હતાં, નાગ નાથવા ગ્યાતાં, ... (૨)
ગોરી રાધા રે, નાગના ફૂંફાડે અમે કાળા થિયા... હે ઓલ્યા.૪

‘હે ઓલ્યા કાના રે, આવો તે કાળિયો કેમ થયો’,
‘હે ગોરી રાધા રે, રૂપના અભિમાન શું રે કરો ?’ હે ઓલ્યા.૫

આખું લોકગીત પ્રશ્ન-ઉત્તર રૂપે ચાલે છે. વચ્ચેના વર્તુળમાં ભરવાડ સ્ત્રીઓ અને બહારના મોટા વર્તુળમાં ભરવાડ પુરુષો વિરુદ્ધ ગતિમાં વર્તુળ ગોળાકાર ફરતા હોય છે. સામ સામા દાંડીયા કે તાળીના થડકારા લેતા હોય છે. ટેકને ધ્રુવ પંક્તિએ પાછું બધા સાથે મળીને મોટા વર્તુળાકારે ઘૂમતા-ઘૂમતા ગાતા હોય. એમના બધામાં ‘હે અલ્યા’ અને ‘હે ગોરી’ વખતની ફૂદરડીની ઠેક દ્વારા ખરે જ એક ભારે ગતિશીલ કોરિયોગ્રાફી દર્શકના ચિત્તને પ્રસન્ન કરી મૂકતી હોય છે. આ ગરબી-રાસ રમાતો જોવો એ જ એક સાંસ્કૃતિક ઘટના હોય છે.

રાધાનો માત્ર પ્રશ્ન જ નથી એમાં અણગમો પણ છે અને ખીજવવા માટેનો વ્યવહાર પણ છે. એટલે પંક્તિમાં કાળાને બદલે ‘કાળિયો’ શબ્દ પ્રયોજાયો છે. કૃષ્ણ પ્રત્યુત્તર આપવાને બદલે રાધાને પહેલા તો અભિમાન ન કરવાનું કહે છે, પણ વળી રાધા પૂછે છે એ કડી ધ્રુવપંક્તિ ટેકની પંક્તિ બની રહે છે. એટલે કૃષ્ણ જે જવાબ આપે છે તેની પ્રથમ પંક્તિ બેવડાય છે એમાં મૂળ કાર્ય તળપદી લોકસંસ્કૃતિમૂલક પ્રવૃત્તિનો નિર્દેશ કરીને પછી કાળા થવા પાછળનું કારણ જણાવાયેલ છે છતાં રાધાનો પ્રશ્ન તો ચાલુ જ રહે છે. એટલે તે તમામના ભારે તર્કબદ્ધ અને વાસ્તવિક જવાબ કૃષ્ણે આપ્યા છે. ગાયો ચરાવવાને કારણે, સૂરજના તાપથી અને ગાયો દોહવાને કારણે, એની ઊડતી ફીણોટી વરાળ, ઉપર ચઢતી ધૂળથી તેમજ કાળીયનાગના ઝેરી ફૂંફાડાના ઉચ્છવાસથી કૃષ્ણ કાળા થયા છે. આ બધા ઉત્તરો લોકપરંપરાના-લોકમાનસના દ્યોતક છે. લોકગીતની ખરી કસોટી આવા લોકમાનસના વિનિયોગમાંથી થતી હોય છે.

કૃષ્ણ-રાધાની વડછડ અહીં જુદી રીતે-ભાતે નિરૂપાઈ છે. લોકગીતમાંનો વાદ-વડછડનો ભાવ જ સૌન્દર્યબોધ કરાવે છે. કૃષ્ણને ખીજવવા-પજવવા છે પણ માધ્યમ ગીત રાખ્યું છે. નર્તકના, ઠેકા અને લોકના લય-લઢણમાં રજૂ થતું લોકગીત આવા વિરોધાભાસી તથ્ય નિરૂપીને ભાવકચિત્તમાં તીવ્ર રીતે જકડાઈ જતું હોય છે.
રાધા-કૃષ્ણના પ્રણય-કલહના લોકગીતો લોકસાંસ્કૃતિક પરંપરાને કારણે આહલાદક અને આસ્વાદ્ય જણાય છે. અહીં નિયોજાયેલી લોકકવિ કલ્પના લોકનૃત્યમાંથી પ્રગટતું મનોહારી દ્રશ્યજગત અને લોકસંગીતમાંથી પ્રગટતું મનભર વાતાવરણ, ભાવકને ગીતમાં જકડી રાખે છે. આવા બધા કારણે લોકગીતોનો ભાવક પર ભારે પ્રભાવ પડતો હોય છે. લોકગીતનું શ્રવણ-દર્શન પછી ચિરંતન છાપ આંકીને હૃદયમાં ચીરંજીવ બની જતું હોય છે, કંઠસ્થ થઈ જતું હોય છે. એના પ્રથમ દર્શન-શ્રવણનો સાક્ષાત્કાર ક્ષણે ક્ષણે થતો રહેતો હોય છે. આવા પ્રત્યક્ષીકરણને કારણે પણ લોકહૃદયમાં લોકગીતના અમર બેસણાં છે. આપણી લોકસંસ્કૃતિની રિદ્ધિ અને સિદ્ધિ રૂપ આવા ખરાં લોકગીતો એના મૂળ સ્વરૂપે પ્રસ્તુત થાય, રજૂ થાય અને સંગ્રહાય તો જ આપણી લોકસંસ્કૃતિનું ખરું જતન, સંરક્ષણ થયું ગણાય. તળપદી સંસ્કૃતિની સોડમ પ્રસરાવતા આવા, લોકગીતો આપણી સંસ્કૃતિના ગરવા અને નરવા પરિમાણ છે.


0 comments


Leave comment