11 - ગગનમાં એમ તારા ઝળહળે છે / આદિલ મન્સૂરી


ગગનમાં એમ તારા ઝળહળે છે,
દુઃખી લોકોના જાણે દિલ બળે છે.

એ પગરવ હોય છે ધડકન હૃદયની,
હવાઓ કાન દઈને સાંભળે છે.

જીવન એક રણ છે ઓ ભટકેલ પંથી,
કદી રણમાંય શું પગલાં મળે છે ?

હવે કોણ આવવાનું છે અહીંઆ,
આ કોની રાહમાં દીપક બળે છે ?

જગત એક એવી મેહફિલ છે કે જ્યાંથી,
બધા માયૂસ થઈ પાછા વળે છે.

હજીયે દિલનાં ખંડેરોમાં 'આદિલ',
કોઈની યાદના દીવા બળે છે.


0 comments


Leave comment