2.11 - પરિવારભાવનાનું લોકગીત : કથનકળાનું સ્વરૂપ / બળવંત જાની


કથનકળા Mode of Presentation એ ભલે પશ્ચિમમાં ચર્ચાયેલો, સૈદ્ધાન્તિક, પીઠિકા રચતો અભિગમ તરીકેની ઓળખને પામ્યો હોય-સ્વીકૃતિ પામ્યો હોય પણ કથનકળા એ ભારતીય સમાજ પરંપરાનું સાંસ્કૃતિક પરંપરાનું પણ ભારે પ્રાચીન અને પ્રાણવાન ઘટક છે. સંગીત, શિલ્પ, નૃત્ય અને સાહિત્યરચનાની અભિવ્યકિતની આગવી તરાહ, આગવું-અનોખું પોતીકું સ્વરૂપ આપણે પૂરું અવલોક્યું નથી, ચર્ચ્યું નથી એની સૈદ્ધાન્તિક પીઠિકા રચવા માટે આપણે બહુ ઉદ્યુક્ત થયા નથી. પશ્ચિમમાં ચર્ચાયેલા આ અભિગમના કેટલાંક લેખો-પુસ્તકોમાંથી પસાર થયો છું આ વિષયે એક પરિસંવાદના આયોજન નિમિત્તે વાચન, લેખન અને શ્રવણ કાર્ય થયેલું તથા આ વિષયના ડૉ. નરેશ વેદના ખૂબ જ મહત્વના નિબંધમાંથી પસાર થઈને લોકગીતના કથનકલાના સ્વરૂપ નિમિત્તે મારા વિચારો અત્રે પ્રસ્તુત કરવા પ્રવૃત્ત થાઉં છું.

• ભૂમિકા ::

કથાકથન, કથનકળા વિશેના પશ્ચિમના સૈદ્ધાન્તિક લખાણો એમને ઉપલબ્ધ શિષ્ટ-પ્રશિષ્ટ કથા રચનાઓની કથનકળાના સ્વરૂપને આધારે તૈયાર થયા હોય એ સ્વાભાવિક છે. આપણું બ્રહ્મણ સ્ત્રોતનું, બૌદ્ધ સ્ત્રોતનું કે જૈન સ્ત્રોતનું બહુ ઓછું એમણે ખપમાં લીધું જણાય છે. વળી, આ ત્રણેય ભારતીય ધારામાં સમાન્તરે લૌકિકધારા પણ પ્રવાહમાન રહી છે. અર્થાત્ લોકધારામાં આ ત્રણેય સ્ત્રોતથી અનુપ્રાણિત ઘણી રચનાઓ છે એના પરત્વે લક્ષ ન ગયું હોય એ સ્વાભાવિક છે. શિષ્ટ સમાજનું સમારાધન કરતી ત્રણ ધારા અને લોકનું સમારાધન કરતી સંમિશ્રિત એવી લોકધારા પણ ભારે મહત્વની ગણાવી જોઈએ. મારી હોય દ્રષ્ટિએ આ ધારામાં પરંપરાની પ્રભાવકતા હોય એટલે બહુધા મૌલિકતા (ઓરિજિનાલિટી) કે અનન્યતા (યુનિકનેસ) દ્રષ્ટિગોચર ન થાય પણ એનું કથનનું અભિવ્યક્તિનું સ્વરૂપ કેન્દ્રસ્થ સૂર-ભાવને, ટોનને પ્રગટ કરનારું હોઈને એની મહત્તા માનવી જોઈએ.

પ્રવાહિતાકે ધારાવાહિતા, સિકવન્સ-શૃંખલા અને મૂલ્યની માવજત કે આપણી પરંપરાનું કેન્દ્રીભૂત રૂપ, પ્રસંગ નિમિત્તે સ્મરણમાં રહી જાય એ રીતે મુકવાનું વલણ આ કથાકથનમાં કેન્દ્રસ્થ જણાય છે. આપણી પરિવારની સંકલ્પના, બધા વચ્ચે પરસ્પર પ્રેમની સૂત્રાત્મકતા અને સુખ-વૈભવ એટલે ભૌતિક સમૃદ્ધિ નહીં પણ આપણી ભારતીય મહત્તા શેના પર અવલંબિત છે એનું સહજ રીતે ભાવકચિત્તમાં સંક્રમણ લોકગીતના કથન-પ્રસ્તુતિકરણ દ્વારા થતું અનુભવાયું છે. કથાનક ન હોય તો દ્રષ્ટાંતો, ઘટકો કથાના વિકલ્પે પ્રયોજાઈને ગીતની વાચનામાં સ્થપાઈ-ગોઠવાઈને ગીતને સુગ્રથિત આકાર-રૂપ અર્પતા હોય છે. મારો આશય લોકગીત અંતર્ગત નિહિત કથનનું રૂપ ખોલવાનો-ચર્ચવાનો છે. આમાં લોકગીત એટલે માત્ર છપાયેલી-મુદ્રિત રચના નહીં એ તો કોલ્ડ સ્ક્રિપ્ટ છે. એનું જીવંત રૂપ તો પ્રસ્તુતિકરણ છે. લાઈવ સ્ક્રિપ્ટને અહીં નજર સમક્ષ રાખી છે. લાઈવ સ્ક્રિપ્ટ પણ કેવા કથકની, એ સંદર્ભે પણ ભારે વિવેક દાખવવાનો હોય અહીં મેં લિખિત રૂપ અને પ્રસ્તુત રૂપ એમ બન્નેનો અભ્યાસ કરીને પ્રસ્તુતના મૂળાધાર રૂપ લિખિત પાઠભેદ સાંસ્કૃતિક સ્વાધ્યાયના અભિગમથી ચર્ચાને પ્રસ્તુત રૂપ શા કારણે અધિકૃતતા-એથેન્ટિસિટી પ્રાપ્ત કરે છે એની આલોચના પણ કરી છે. આમ, લોકગીતના કથનકળાના સ્વરૂપ સંદર્ભે પશ્ચિમના નેરેટિવ કે નેરોટોલોજી વિષયક સિદ્ધાન્તોનું સીધું સ્થાપન આપણાં સાહિત્યિક સંદર્ભમાં કરવાને બદલે આપણી સાહિત્યિક પરંપરાને આધારે પશ્ચિમી અવધારણામાં પૂર્તિરૂપ કેટલીક વિગતો મુકવાનો ઉપક્રમ આ પ્રકારના અભિગમને કારણે આપોઆપ રચાયો.

કથનકળાની સ્વરૂપચર્ચામાં સૌથી પહેલો મુદ્દો તો ચર્ચ્ય કૃતિની નિશ્ચિત વાચનાનો છે. જો તમે તમને પ્રાપ્ત એવી અધૂરી, અપૂર્ણ કૃતિને-વાચનાને આધારે કથનકળાના સ્વરૂપની ચર્ચા-વિચારણા આદરો તો એ અપૂર્ણ, અધૂરી કે ભૂલ ભરેલી બની રહે. લોકગીતની વાચના નિયત કરવી પણ અઘરી છે. કંઠસ્થ પરંપરામાં નિશ્ચિત પ્રદેશમાં જે-તે પ્રદેશની તાસીરને જાળવતી અનેકવિધ રચનાઓમાંથી કઈ રચનાને-પાઠને-વાચનાને શા કારણે અધિકૃત ગણવી? એનો વિચાર પણ અત્રે સમાવિષ્ટ કરેલ છે.

શ્રી વિજયદાન દેથા, કોમલ કોઠારી, હરિવલ્લભ ભાયાણી, સિતાંશુ યશશ્ચન્દ્ર, નરેશ વેદ અને જવાહરલાલ હાંડુ જેવાની સાથેના વિમર્શ, વક્તવ્યો કે લેખોને આધારે મારા ચિત્તમાં એક વસ્તુ સ્પષ્ટ થઈ હતી કે લોકસંસ્કૃતિનો જાણકાર, જુદા-જુદા પ્રદેશની વિસ્તારની તાસીરથી અભિજ્ઞ ખરો લોકમરમી કલાપારખું જ્યારે પ્રસ્તુતિકરણ-પરફોર્મન્સ-પ્રેઝન્ટેશન/કરે એને નિશ્ચિત વાચના તરીકે સ્વીકારવાથી વાચના ઓથેન્ટિક, ઓથેન્ટિસીટીવાળી વાચના ગણાય. ગુજરાતના આવા લોકગીત પ્રસ્તુતકર્તાઓમાં જૂની પેઢીમાંના દીવાળીબેન ભીલ, મનુભાઈ ગઢવી આદિને ગણાવાય છે. તેમનું પરફોર્મન્સ મોટેભાગે ઈમ્પ્રોવાઈઝેશનથી દુષિત જણાયું નથી. મૂળ ઢાળ-ઢંગના જાણતલ અને લોકસંસ્કૃતિથી પૂરા અભિજ્ઞિત કલાપ્રસ્તુતકર્તા જ્યારે કોઈ રચના રજૂ કરે તો એના દ્વારા પ્રસ્તુત પાઠને શ્રદ્ધેય અને અધિકૃત ગણવો જોઈએ. જો કે ક્ષેત્રકાર્ય દરમ્યાન મળેલી ટેકસ્ટ-વાચના-શુદ્ધ હોય, પૂર્ણ હોય એમ બને પરંતુ લોકગાયક સમૂહ સમક્ષ જ્યારે રચના પ્રસ્તુત કરે છે ત્યારે જો એમાં પૂર્ણતા ન હોય, અધૂરપ હોય તો સમૂહ સમક્ષ એને સમજવાનું અને સમૂહને પામવાનું બહુ શક્ય ન બને. પરફોર્મન્સ પૂરું પ્રભાવક ન નીવડે. આમ, પ્રસ્તુતકર્તા લોકગાયક સામે સમાજ છે અને એમની પાસે વારસામાં લોકસમાજમાંથી પ્રાપ્ત રચના હોય છે. એની જાળવણી, જતન, સંરક્ષણમાં અને પ્રસ્તુતિકરણમાં લોકપાઠમાંની અનવધાનથી, કે અનુચિત રીતે સહજ રૂપે કશું પ્રવેશ્યું હોય તો એને સ્થાને મૂળ શું હોય કે હશે એની વિવેકપૂર્ણ પરિપક્વતા જ માત્ર કામે લગાડીને નહીં પણ એ લોકની સહભાગિતાનો, સમૂહજન્યનો પોતે પણ એક લોકઘટક હોઈને એવી રીતે એ ખરો પાઠ મુકવાની ક્ષમતા ધરાવતો હોય છે કે સક્ષમ હોય છે. લોકમરમી પ્રસ્તુતકર્તા દ્વારા થતું લોકગીતનું પ્રસ્તુતિકરણ, ખરું કથન ગણાય છે. લિખિત રૂપની વાચના અને પ્રસ્તુત થતી વાચનામાં આરોહ-અવરોહ, ઢાળ, હાથ કે મુખના હાવભાવ આંગિક, વાચિક અને સાત્વિક એમ ત્રિવિધ રીતનો અભિનય સહજ રીતે પ્રસ્તુતિકરણ સમયે ગૂંથાઈ જતો હોય છે.

અહીં કથનકળાના સ્વરૂપના અભ્યાસ માટે વાચના નિયત કરવા સંદર્ભે એક બીજી બાબત પણ લક્ષમાં રાખવાની હોય છે. જે રીતે શાસ્ત્રીય સંગીતના જ્ઞાતાને કે સુગમ સંગીતના ગાયકને કાવ્યપંક્તિના લયનો ખ્યાલ આવી જાય અને લયની તાલરાગની પરખ હોવાને કારણે જ્યાં લય તૂટતો અનુભવાય ત્યાં બંદિશ-ઢાળ રાગ ગોઠવતી વખતે એ ખાલીપાનો ખ્યાલ શ્રવણપાન કરનાર શ્રોતાને નથી આવતો દીર્ધકાળના સંગીત સેવનને કારણે આ કૌશલ્ય એનામાં આપોઆપ આવી ગયું હોય તેમ લોકગાયકને પણ એમાં ઈન્ટરપોલેશન રૂપે અનવધાનથી પણ કંઈ ક્ષતિ હોય તો લોકસંસ્કૃતિથી અભિજ્ઞિત લોકગાન પ્રસ્તુતિકરણના કૌશલ્યને કારણે ક્ષતિપૂર્તિ એના દ્વારા સહજ રીતે અને સાચુકલી રીતે થઈ જતી હોય છે. કથનકળાનું સ્વરૂપ ચર્ચવા માટેની વાચના નિશ્ચિત કરવામાં લોકસંસ્કૃતિથી અભિજ્ઞિત લોકગાયક દ્વારા પ્રસ્તુત થતી રચનાને મેં ખપમાં લીધી છે એની પાછળની સૈદ્ધાન્તિક પીઠિકા આપણે ટૂંકમાં ચર્ચી. હવે મેં અભ્યાસની સ્વીકારેલ પદ્ધતિનો પરિચય પ્રસ્તુત કરું છું.

• અભ્યાસની પદ્ધતિ ::

ભારતીય સંસ્કૃતિની ઓળખ એની કુટુમ્બભાવના અને પરિવારભાવના છે. સંયુક્ત કુટુમ્બ, મોટો પરિવાર અને એ બધામાંથી પ્રગટતો ભારે ઓતપ્રોત, અડોઅડ અને અડાબીડ પ્રેમભાવ. મોટા ગજાના લોકહૈયાના મરમી મનુભાઈ ગઢવીએ એમની એક વારતામાં ઉદાહરણ રૂપે આપેલ, પ્રસ્તુત કરેલ એક લગ્નગીત-લોકગીત મને ખાસ સ્મરણમાં રહેલું. પાછળથી એમની પાસેથી અભ્યાસ માટે મેં માગી લીધેલું. આ લોકગીત આમ તો ગણેશ સ્થાપનાનું ગીત છે. એના અધૂરા અને ભિન્ન ભિન્ન પાઠ મેઘાણીના ‘ચૂંદડી’ સંપાદનમાં તથા ખોડીદાસ પરમારના ‘આપણા લોકગીતો’ સંપાદનમાં પ્રાપ્ત થાય છે. મારી પાસે મનુભાઈ ગઢવી પાસેથી પ્રાપ્ત, વરસો પહેલાનો પાઠ હતો. લગ્નગીતના મૂળ ઢાળના-ઢંગના જાણકાર વઢવાણના કરશન પઢિયાર પાસે એની ખરાઈ કરાવીને સોરઠી-ગોહિલવાડીને આધારે નિર્માણ પામેલ ઝાલાવાડી પરંપરાનો જીવંત પરંપરામાં જળવાયેલો મનુભાઈ ગઢવીનો પાઠ અત્રે પ્રસ્તુત કરીને એનો કથનકળાના સ્વરૂપ સંદર્ભે આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે.

ભારતીય સંસ્કૃતિમાંની આપણી પરિવારની ભાવના તળપદી સંસ્કૃતિમાં પણ કેવી બળકટ અનુસંધાન ધરાવતી વહે છે એનો પરિચય પણ આ લોકગીતમાંથી પ્રાપ્ત થાય છે. માણસ-વ્યક્તિ એકાકી રહેવા માટે નથી, એનામાં વ્યક્તિગત નહીં પણ સંઘભાવના-સમૂહભાવના ભંડારાયેલી છે. એમાંની સમૂહજીવનની સોડમનો મઘમઘાટ આપણાં મનને ભરી દે છે. લગ્ન પ્રસંગે કે કોઈ પણ મંગલ પ્રસંગે ગણેશ સ્થાપના પ્રસંગે ગવાતું અને ખૂબ જ પ્રચલિત લોકગીતમાંથી પ્રાપ્ત થતા ભાવને અને એ નિમિત્તે કથનના કળાસ્વરૂપને સમજીએ.

• નિયત વાચના ::

ગણેશ પાટે બેસાડીએ, રાંધ્યા હોય પકવાન,
સગા તે સમરથ તેડીએ, જો પૂજ્યા હોય મોરાર...૧ અ-૧, બ-૧

કાંઠા તે ઘઉંની રોટલી, માંહી ગળગળિયો કંસાર,
ભેળા ભાણેજડાં ભોજન કરે, જો પૂજ્યા હોય મોરાર...૨ અ-૭, બ-૧

કેરીના રસની તાંસળી, માતા પીરસણે હોય,
ભાણે ભતરીજ બેસાડીએ, જો પૂજ્યા હોય મોરાર...૩ અ-૭ બ-૫

જેને તે પેટે દીકરી, તેનો તે ધન્ય અવતાર,
સાચું સૂચ્યું વાવરીએ, જો પૂજ્યા હોય મોરાર...૪ અ-૪, બ-૫

જેને તે પેટે દીકરા, તેનો તે ધન્ય અવતાર,
વવારુ સહ પાએ પડે, જો પૂજ્યા હોય મોરાર...૫ અ-૫, બ-૫

રાતો તે ચૂડો મારો રંગભર્યો, કોરો તે કમખો હોય,
ઘરચોળે ઘડ્ય ભાંગીએ, જો પૂજ્યા હોય મોરાર...૬ અ-૬, બ-૫

જેને તે જોટડી ગાવડી, તેનો તે ધન્ય અવતાર,
સાંજ-સવારે દોવા દીએ, જો પૂજ્યા હોય મોરાર...૭ અ-૩, બ-૪

સોનલા ગોળી ગોરસ ભરી, નેતરે વળગી નાર,
નત્ય-નત્ય ગોરસ ઘૂમતી, જો પૂજ્યા હોય મોરાર...૮ અ-૩ બ-૩

ઘૂઘરિયાળો ઝાંપલો, સાંકળિયાળી હોય વાડ્ય,
વાડ્યે વછેરા હણહણે, જો પૂજ્યા હોય મોરાર...૯ અ-૨, બ-૨

જેને તે આંગણ પીપળો, તેનો ધન્ય અવતાર,
સાંજ-સવાર પૂજા કરે, જો પૂજ્યા હોય મોરાર...૧૦ અ-૨, બ-૨
(મનુભાઈ ગઢવી કથિત પાઠ)

• પાઠભેદનો પરિચય ::

મનુભાઈ ગઢવી પાસેથી પ્રાપ્ત પાઠને અહીં યથાતથ રીતે કડી ૧ થી ૧૦ રૂપે નિશ્ચિત વાચના તરીકે સ્વીકારીને રજૂ કરેલ છે. એની સામે જે “અ” સંજ્ઞા સાથે કડીક્રમ દર્શાવેલ છે તે મેઘાણી સંપાદિત ‘ચૂંદડી ભાગ-૨ પૃષ્ઠ ૧૩૭-૧૩૮’ પરની વાચનાના પાઠના કડીક્રમાંક છે. “બ” સંજ્ઞા સાથેના કડીક્રમાંક નિર્દેશ્યા છે તે ખોડીદાસ પરમાર સંપાદિત ‘ગુજરાતનાં લોકગીતો’ પૃષ્ઠ-૨, પરની વાચનાના પાઠના કડીક્રમાંક છે. મને મનુભાઈ ગઢવી દ્વારા પ્રસ્તુત કે કથિત કૃતિ બન્ને વાચનાના પાઠમાંથી સુવ્યવસ્થિત-સુઆયોજિત રીતે તૈયાર થયેલી વાચના જણાઈ છે.

મનુભાઈ કથિત રચનાની પ્રથમ કડી તો બંને મુદ્રિત પાઠ મુજબ છે પણ પ્રથમ પંક્તિના પૂર્વાર્ધમાં શબ્દસ્થાનમાં આંશિક પરિવર્તન છે. જ્યારે ઉત્તરાર્ધમાં ત્રણેયમાં અલગ પડે છે. બીજી પંક્તિના પૂર્વાર્ધમાં અ. મેધાણીમાં સગા પછી ‘કુટુંબ’ શબ્દ છે જ્યારે અન્યમાં ‘સમરથ’ શબ્દ છે.

બીજી કડી ‘અ’ પાઠમાં સાતમા ક્રમે છે. એની પ્રથમ પંક્તિ સમાન છે પણ બીજી પંક્તિમાં ‘અ’માં ‘ભાણેજડાં નામ નથી પણ તેને બદલે ‘બેસી’ શબ્દ છે. મનુભાઈ કથિત પાઠ મેઘાણી કરતા લોકસંસ્કૃતિ સંદર્ભે અવલોકતા વધુ સુસંગત જણાય છે. ‘બ' પાઠમાં આ કડીનું અસ્તિત્વ જ નથી.

ત્રીજી કડી ‘બ’ પાઠમાં પાંચમા ક્રમે છે. બન્નેનો ભાવ સરખો છે પણ પ્રથમ પંક્તિના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ ઘણાં જુદા પડે છે. બીજી પંક્તિમાં પૂર્વાર્ધમાં ભતરીજાને ભાણે બેસાડવાનું છે ‘બ’માં ભેળા બેસાડવાનું છે. મનુભાઈનો પાઠ વધુ સુસંગત છે. ભેળા બેસાડવું એટલે સાથે બેસવું પણ ભાણે બેસવું એટલે એક થાળીમાં જમાડવાનો લોકસાંસ્કૃતિક સંદર્ભ છે. ‘અ’ પાઠમાં આ કડીનું અસ્તિત્વ જ નથી.

ચોથી કડી ‘અ’ પાઠમાં પણ ચોથી કડી રૂપે પ્રયોજાયેલી છે. પાઠ પણ યથાતથ છે પરંતુ બીજી પંક્તિના પૂર્વાર્ધમાં મનુભાઈ કથિત પાઠ ‘વાવરીએ’ છે જ્યારે ‘અ’ પાઠમાં ‘વાધરે’ મળે છે. મનુભાઈ કથિત પાઠ વાવરીએ અર્થાત્ (સંચિત કરેલું ધન) વાપરવું એમ થાય. ‘બ’ વાચનામાં આ કડીનું અસ્તિત્વ નથી.

પાંચમી કડી ‘અ’ વાચના પણ પાંચમી કડી રૂપે યથાતથ પ્રયોજાયેલી છે એક પાઠભેદ દ્રષ્ટિગોચર થતો નથી. ‘બ’ વાચનામાં આ કડીનું અસ્તિત્વ જ નથી.

છઠ્ઠી કડી ‘અ’ વાચનામાં પણ છઠ્ઠી કડી રૂપે પ્રયોજાઈ છે. પ્રથમ પંક્તિના ઉતરાર્ધમાં ‘કોરો ને કમખો હાથ’ એવો પાઠ છે જ્યારે મનુભાઈ કથિત પાઠ ‘કોરો તે કમખો હોય’ પાઠ મને ઘણો પ્રસ્તુત જણાય છે.

સાતમી કડી ‘અ’ વાચનામાં યથાતથ મળે છે. બીજી પંક્તિના પૂર્વાર્ધમાં ‘સાંજે સવારે દોહી વળે છે’ જ્યારે મનુભાઈ કથિત પાઠ ‘સાંજ સવારે દોવા દીએ’ પાઠ વધુ ઉચિત જણાય છે જ્યારે ‘બ’ વાચનામાં પ્રથમ પંક્તિ સાવ જુદી છે. કડીનો ભાવ એ જ છે પણ તદ્દન જુદી રીતે પ્રયોજાયેલ છે. બીજી પંક્તિના પૂર્વાર્ધમાં દોવા દીએ ને બદલે ‘મળીએ’ એવો પાઠ છે. એ અલગ પ્રકારનો પાઠ આ મુજબ છે –

સાંકળિયાળી જોટડી, બાંધી હોય ઘર ને બાર;
સાંજ સવારે મેળીએ, જે પૂજ્યા હોય મોરાર. (બ-૪)

આઠમી કડી ‘અ’ વાચનામાં મળતી નથી. ‘બ’ વાચનામાં ત્રીજી કડીરૂપે યથાતથ જોવા મળે છે કોઈપણ પાઠભેદ નથી. નવમી કડીઅ’ વાચનામાં પ્રાપ્ત થતી નથી. ‘બ’ વાચનામાં યથાતથ મળે છે. પ્રથમ પંક્તિમાં ઉત્તરાર્ધમાં છે પાઠ છે જ્યારે મનુભાઈ કથિત પાઠ ‘હોય’ ઘણો જ ઉચિત જણાય છે. એ જ રીતે બીજી પંક્તિના ઉત્તરાર્ધમાં ‘ઉછરે’ ને બદલે મનુભાઈ કથિત પાઠ ‘હણહણે’ ઘણો જ અર્થસભર છે. દશમી કડીનો પાઠ યથાતથ રીતે ‘અ’ વાચનાની બીજી કડીમાં જળવાયેલો જોવા મળે છે.

અત્રે આસ્વાદ માટે ખપમાં લીધેલી મનુભાઈ ગઢવી દ્વારા પ્રસ્તુત થયેલી અને કથિત વાચના મને તો મૂળાધાર રૂપની પ્રત ‘અ’ અને પ્રત ‘બ’ની આધારે અખંડ રૂપ પ્રાપ્ત કરતી જણાઈ છે. એ રીતે ‘અ’ અને ‘બ’ની વાચના ખંડિત છે. આસ્વાદ્ય માટે નિયત કરેલી વાચનાની એક, ચાર, પાંચ અને છ કડી પ્રત ‘અ’ના ક્રમે જ છે. પાઠભેદ પણ આંશિક છે. આસ્વાદ્ય પ્રતની ત્રણ, આઠ અને નવમી કડી પ્રત ‘અ’માં પ્રાપ્ત થતી નથી. જ્યારે બે, ચાર, પાંચ, છ અને દશ પ્રત ‘બ’માં પ્રાપ્ત થતી નથી. એક, ત્રણ, સાત, આઠ અને નવ કડી પ્રત ‘અ’ અને ‘બ’માં સમાન છે. ટૂંકમાં કોઈપણ કડી નવી કે પોતાની રીતે ઉમેરણ રૂપ કડી મનુભાઈ કથિત વાચનામાં નથી. એને અધિકૃત ગણવા માટે એ આડેધડ ઉપજાવી કાઢેલી નથી પણ એક વેલમેઈડ ટેકસ્ટ છે એમ કહેવાનું થાય છે.

લોકસાંસ્કૃતિક સંદર્ભે, અર્થઘટનના સંદર્ભે, કૃતિની આંતરિક સંરચનાને સંદર્ભે અને લય-ઢાળના પ્રસ્તુતિકરણ સંદર્ભે મને મનુભાઈ કથિત પાઠ મૂળથી પૂરો નજીકનો જણાય છે. ‘અ’ અને ‘બ’ પ્રતના પાઠ અપૂર્ણ અને દુષિત જણાયા છે. ‘અ’ પ્રતનો પાઠ મેઘાણીને સોરઠમાંથી મળ્યો જણાય છે અને ખોડીદાસ પરમાર પાસેનો ‘ગીતસંહિતામા’નો ‘બ’ પ્રતનો પાઠ ગોહિલવાડનો છે. મનુભાઈ તો લોકગીત, લોકકથા અને ચારણ પરંપરાના વાહક લોકકલાકાર તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કથક છે. પોતે ઝાલાવાડના છે પણ તળ સૌરાષ્ટ્રના વિવિધ ભૂ-ભાગની લોકબોલી અને રુઢિઓના જાણકાર છે. ઉપરાંત તેમનો પાઠ મને બંને વાચનાને આધારે પ્રમાણભૂત રીતે તૈયાર કરાયેલ જણાયો છે. મેં ચારણ પરિવારમાં મંડપમુહુર્ત વખતે પારેવાળા, ભોંયરા એમ અનેક સ્થાને આ ગીત ગવાતું સાંભળ્યું છે. તખતદાન રોહડિયા અને નીતિન દેવકા જેવા ચારણી ધારાના ગાયકો પાસેથી ભારે ભાવવાહી ઢાળમાં ગવાતું પણ સાંભળ્યું છે પણ મનુભાઈ પાસેની આ અખંડ પ્રત લોકગીત, લગ્નગીતના પાઠ અભ્યાસના સંદર્ભમાં ભારે ઉપયોગી થઈ પડે તેમ છે. લોકસંસ્કૃતિ, લોકમાનસ અને લોકવ્યવહારના જાણતલ મરમી દ્વારા પ્રસ્તુતિકરણ નિમિત્તે કેવી રીતે અખંડ પાઠ અસ્તિત્વમાં આવે એનો પરિચય પણ આ વાચના છે.

• કથનકળાનું સ્વરૂપ ::

કર્તાને ગણેશ સ્થાપનાના ગીત નિમિત્તે કરવી છે કથવી છે સુખની વ્યાખ્યા. લોકસાંસ્કૃતિક સંદર્ભે સુખી કોણ ગણાય એ કથન અહીં સમગ્ર રચનામાં નિહિત છે. સાહિત્યમાં ગોપનનો મહિમા આપણે જાણીએ છીએ. અહીં આ મૂળ કથ્ય ગોપિત રહે અને આખરે સુખનો સૂર આપણી સમક્ષ સમગ્ર ગીતમાંથી ઉપસે છે. એ રીતે સુખની એક વ્યાખ્યા અહીં લોકગીતમાંથી પ્રગટે છે, પણ આ બધા સુખના ઘટકો તો હવે બદલાઈ ગયા. ભાણેજડાં-ભત્રીજા સાથે પ્રસન્નતાની ક્ષણો ગાળવા મળતી હોય, કુળવાન પુત્રવધૂની સેવા અને ઘરચોળાની ઘડી ભાંગતા મંગળ અવસરો આપણાં ભાગે રહ્યા એનો આનંદ છે. આગળની પાંચ-છ કડી સુધીના સુખ તો પ્રાપ્ત કરી શકીશું, પણ છેલ્લી બે-ત્રણ કડીના ઘોડાં, દુઝણા ઢોર-દધીમંથન જેવા સુખે તો દાદા-દાદી અને પિતાશ્રીની સાથે સાથે જ વિદાય લીધી.

ભારતીયતાની ઓળખ આપણી પરિવાર સંકલ્પના છે. અહીં લોકસંસ્કૃતિમાં આ ભારતીયતાનું તત્વ કેવું ઓતપ્રોત છે એનો પરિચય કથનકલા કૌશલ્ય સ્વરૂપે સંદર્ભે ઉપસે છે એમાંની પહેલી, બીજી અને ત્રીજી કડી આપણી કુટુંબ ભાવનાની પરિચાયક છે. સમર્થ સગાવહાલાને નોતરવા, સગા-વહાલા સમર્થ કક્ષાના હોય. આપણા આગ્રહને વશવર્તી બનીને પધારે એવા હોય. ભાણેજડાં સંજ્ઞા બહેન અને ફૈબાના સંતાનોમાં પ્રયોજાય છે. ભત્રીજા સંજ્ઞા ભાઈઓ, પિતરાઈ-માસિયાઈ ભાઈઓના સંતાનો માટે પ્રયોજાય છે. આમ, ભાણેજડા અને ભત્રીજા ખૂબ જ વ્યાપક રીતે, કુટુમ્બીજનોના સંતાનોના સંદર્ભનો નિર્દેશ કરે છે. માત્ર કુટુમ્બીભાઈઓ સાથે જ નહીં એમના સંતાનો સુધી પણ સ્નેહ વિસ્તરેલો હોય એ પરિવારભાવનાની-કુટુમ્બભાવનાની-સુખની ઓળખ પંડ્યના-જણ્યાને-સંતાનોને-સાચવવા જેટલી સીમિત આપણી કુટુમ્બ ભાવના પરિવારભાવના નથી. ભાણે સાથે બેસાડવાની એટલે એક થાળીમાં સાથે બેસાડી જમાડવાની અને એ દ્વારા સ્નેહ ઢાળવાની વાત અહીં આલેખાઈ છે. કથનકળા કૌશલ્યમાં શબ્દવિનિયોગનું લોકસાંસ્કૃતિક સંદર્ભ ઉપસાવતું સામર્થ્ય પણ અહીં પ્રગટતું દ્રષ્ટિગોચ થાય છે.

કથનમાં પુત્રી હોવાની વિગત પણ ભારે કલાત્મક રીતે સ્થાન પામી છે. આપણે ત્યાં સંતાનમાં પુત્રીની ઈચ્છા પણ અહીં નિરૂપાઈ છે. પુત્રી હોવી એ ધન્યતાની ક્ષણ હોય છે અને એની પાછળ આપણી બચત ખરચાય, વપરાય, એને આપવાની ભાવના પણ અહીંથી પ્રગટે છે. પછીની કડીમાં પુત્રની વાત નિરૂપાઈ છે અને એ પણ બહુવચનમાં છે. આપણાં કથવામાં પણ કેવું ડહાપણ છે એનું આ દ્રષ્ટાંત છે. એ સંતાનોની પત્નીઓ-વહઆરુઓ વિનમ્ર હોય એવું નિરૂપણ છે. આવા સભર પરિવારની સમૃદ્ધિ તો પહેરવેશ અને પ્રસંગોના આયોજન દ્વારા ઉદ્દઘાટિત થાય. ઘરચોળા સારા પ્રસંગે પહેરવાના હોય એ ઘરચોળા સારા પ્રસંગ ન હોય તો ઘડી વાળેલા પડ્યા રહે. આમ, ઘરચોળાની ઘડ ભાંગનારા-ઊજળા ઉત્સવ-પ્રસંગોની ઉજવણી-ઝંખના પણ સમૃદ્ધ પરિવારની ઓળખ છે. એનું અહીં નિરૂપણ સુવર્ણ, વસ્ત્રાલંકારોના સંદર્ભથી થયું છે.

સુખની વ્યાખ્યામાં બહોળો પરિવાર, પુત્રી-પુત્રો ઉપરાંત ત્રીજી વિગત પશુધનની નિરૂપાઈ છે. આંગણે જેટલી દૂઝણી ગાય હોય. અર્થાત્ એક વસૂકે ત્યાં બીજી વિયાય એવી ગાયનું જોડલું. એકાંતરે દિવસે નહીં પણ નિત્ય-દરરોજ ઘરની સ્ત્રીઓ દ્વારા વલોણું-ગોરસ વલોવાતું હોય. આંગણે ઘોડાં-વછેરા હણહણતાં હોય. એ પણ સમૃદ્ધિનું પ્રતીક છે.

આમ, સ્વાદિષ્ટ રસોઈ, સ્ત્રીઓ, સંતાનો ઉપરાંત ભાણેજડા અને ભત્રીજાઓની ઉપસ્થિતિ, નમ્ર આજ્ઞાંકિત દીકરી, દીકરા અને વસ્ત્રાલંકારો સાથે ઉત્સવ પ્રસંગોની ઊજવણી ઉપરાંત વનસ્પતિ તથા પશુનિરૂપણ અહીં કેન્દ્રમાં છે. એ ખરું સુખ-સમૃદ્ધિનું-સંપદાનું પરિચાયક છે.

પરિવાર એટલે માત્ર હું નહીં સંતાનો-સગાસંબંધી જ માત્ર નહીં પરંતુ ગાયઘોડાની પશુસૃષ્ટિ અને પીપળો આદિવનસ્પતિ સૃષ્ટિ પણ, આવી એક પર્યાવરણ સંદર્ભને ઉપસાવતી, બંધુત્વની-મમત્વની ભાવસૃષ્ટિને પ્રગટાવતી આપણી પરિવાર સંકલ્પના, તળપદી સંસ્કૃતિ, લોકગીતના માધ્યમથી કથનકળા કૌશલ્ય સંદર્ભે કેવી સહજ રીતે પ્રગટે છે તેનો પરિચય આ લોકગીતમાંથી ભારે કલાત્મક રીતે થાય છે.

કથનકળાના સ્વરૂપને સંદર્ભે લોકગીતની તપાસ આદરીએ છીએ એટલે ગીત Surface Structureનો જ માત્ર પરિચય નહીં પરંતુ ગીતના Deep structureનો ખરો-પૂરો પરિચય મળી રહે છે. સુખનિરૂપણ-કથનાશ્રયને લોકગીતમાંથી પ્રગટે છે આપણી સામાજિક સમરસતા, આપણી કૃષિસંસ્કૃતિ-ગોપસંસ્કૃતિ. અહીં પ્રયોજાયેલ કાંઠા ઘઉં, આપણે ત્યાં ભાલપ્રદેશના મધ્ય ગુજરાતના ઘઉં કેટલા પ્રસિદ્ધ છે, અને સોરઠની કેરી પણ કેટલી પ્રખ્યાત છે એનો પરિચય અહીંથી થાય છે. આપણી તળપદી સંસ્કૃતિમાં પ્રચલિત કેટલાંક શબ્દો પણ અહીં સહજ રીતે પ્રયોજાયા છે સમરથ, ભાણ વાવરીએ, વવારુ, કમખો, દોવા, ગોરસ, વાડ્ય જેવા તળપદા ગુજરાતી સૌરાષ્ટ્રી બોલતા શબ્દો એની અર્થપૂર્ણતાનો પરિચય કરાવે છે. લોકગીત-લગ્નગીત આવા કારણે માત્ર સાહિત્યિક રચનાના પરિચાયક જ નથી પણ તળપદી સાંસ્કૃતિક સંરચનાને કલાત્મક રીતે નિર્દશનારા દસ્તાવેજી-દ્રષ્ટાંત-આધાર તરીકેની ઓળખને પામ્યા છે. જો કથનકળાનું સ્વરૂપ ન સમજીએ તો એમાં ગર્ભિત સંદેશ ભારે ભાવથી કલાસૃષ્ટિથી ભંડારાયેલો જ રહે.

• પરિશિષ્ટ-૧ ::

પાટે તે ગણેશ બેસારીએ, મંગળ કરે નિરધાર;
સગાં કુટુંબી તેડીએ, જો પૂજ્યા હોય મોરાર. ૧

જેને તે આંગણ પીપળો, તેનો ધન્ય અવતાર;
સાંજ સવાર પૂજા કરે, જો પૂજ્યા હોય મોરાર. ૨

જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર;
સાંજ-સવારે દોહી વળે, જો પૂજ્યા હોય મોરાર. ૩

જેને તે પેટે દીકરી, તેનો તે ધન્ય અવતાર;
સાચ્યું(૧) સૂચ્યું વાધરે, જો પૂજ્યા હોય મોરાર. ૪

જેને તે પેટે દીકરા, તેનો તે ધન્ય અવતાર;
વવારુ પાયે પડે, જો પૂજ્યા હોય મોરાર. ૫

રાતો તે ચૂડો મારો રંગ ભર્યો, કોરો ન કમખો હાથ;
(૨)ઘરચોળે ઘડ ભાંગીએ, જે પૂજ્યા હોય મોરાર.૬

કાઠા તે ઘઉંની રોટલી, માંહી ગળગળિયો કંસાર;
ભેગાં બેસી ભોજન કરે, જો પૂજ્યા હોય મોરાર. ૭
(‘ચૂંદડી' ભાગ-૨, પૃ. ૧૩૭-૧૩૮)
૧. સંચિત ધન.
૨. ઘરચોળુ નામે મંગલ વસ્ત્ર માત્ર લગ્નાદિક અવસરે જ પહેરાય તે સિવાય તો ઘડીબંધ સંકેલેલું પડ્યું જ રહે.
એટલે જ ‘ઘરચોળે ઘડ્ય ભાંગવી’નો લાક્ષણિક અર્થ લગ્નાદિક અવસર ઊજવવા’ એવો થાય છે.

• પરિશિષ્ટ-૨ ::

ગણેશ પાટ બેસાડીએ

ગણેશ પાટ બેસાડીએ, ભલાં નીપજે પકવાન,
સગાં તે સમરથ તેડીએ, જો પૂજ્યા હોય ભગવાન. ૧

ઘૂઘરિયાળો ઝાંપલો, સાંકળિયાળી છે વાડ્ય,
વાડ્યે વછેરાં ઊછળે, જો પૂજ્યા હોય ભગવાન. ૨

સોનલા ગોળી ગોરસ ભરી, નેતરે વળગી નાર,
નત્ય નત્ય ગોરસ ઘૂમતી, જો પૂજ્યા હોય ભગવાન. ૩

સાંકળિયાળી જોટડી,(૧૩) બાંધી હોય ઘરને બાર,
સાંજ સવારે મળીએ, જો પૂજ્યા હોય ભગવાન. ૪

માતાજી ઘી તાવણે, મારી ભાભી પીરસણે હોય,
ભેળો બેસારું ભતરીજને, જો પૂજ્યા હોય ભગવાન. ૫
સંગ્રાહક: સ્વ. ધીરજબહેન
સંપાદક : વાલજી ગો. દેસાઈ (ગીતસંહિતા ૧-૩માંથી)
('ગુજરાતના લોકગીતો’, પૃ.ર-૩)


0 comments


Leave comment