2.12 - રાસડો : લોકનારીની ખુમારી અને રાજવીનું વાત્સલ્ય / બળવંત જાની


કંઠસ્થ પરંપરામાં પ્રચલિત ગીતો, રાસડાઓ-કથાગીતો અને દુહાઓમાં આપણો સાંસ્કૃતિક ઈતિહાસ જળવાયેલો છે. આવી લોકપ્રચલિત કથાઓને-સાહિત્યને દંતકથા માનીને અવગણવામાં આવે છે. એની જાજી દરકાર થતી નથી, રખાતી નથી. હું ચારણ કવિશ્રી કૂલ વરસડા રચિત ‘વખત બલંદ’ ભાવનગરના રાજવી વખતસિંહજીના વીરચરિત્રકથાકાવ્યનું સંપાદન કરતો ત્યારે એ રાજવી વિશેની ઘણી વિગતો ચારણી સાહિત્યમાંથી પ્રાપ્ત થયેલી. ચારણ, બારોટના સાહિત્યની મહત્તા પણ આપણે પુરી પ્રમાણી નથી, એમની રચનાઓમાં-કથનમાં માત્ર રાજકીય કે ઐતિહાસિક વિગતો (પાલિટિકલ હિસ્ટ્રી) જ નથી પ્રયોજાતા હોતા પણ એ ઉપરાંત એમાં સાંસ્કૃતિક-સામાજિક (કલચરલ, સોશ્યલ હિસ્ટ્રી) ઈતિહાસને ઉદ્દઘાટીત કરતા પ્રસંગો પણ સ્થાન પામ્યા હોય છે. મેં ઘણાં વરસોથી ‘કંઠસ્થ પરંપરાના કહેણ’ નામથી વાસરિયાં-નોંધપોથીમાં પ્રવાસ દરમ્યાન સાંભળવા-જાણવા મળેલ વિગતને નોંધવાનું રાખ્યું છે. અઢળક દુહા, ગીત, પ્રસંગોની સામગ્રી પ્રવાસ કે મુલાકાત દરમ્યાન મને છે. એમાં ભાવનગર રાજવી સમક્ષ જીરા ગામના માંડણ મુખીની વિધવા પત્ની કલુ મુખિયાણીએ રજૂ કરેલ ભવાન અભાણીકૃત રાસડો અપૂર્ણ પાઠ અશુદ્ધ સ્વરૂપે સંગ્રહિત હતો. મેં વહીવંચા બારોટના તથા ચારણી સાહિત્યના માલમી-મરમીઓને મળું ત્યારે એના અંકોડા મેળવવા ઘણાં પ્રયત્ન કરેલા.

કંઠસ્થ પરંપરામાં પ્રચલિત અને મૂળ તો ભાવનગર પંથકની ઘટનાને અભિવ્યક્તિ અર્પતા આ રાસડાનો પાઠ ઘણો તુટક અને શબ્દફેરે પણ અપૂર્ણ રીતે મારી પાસેની ‘વાસરિ’માં સંગ્રહિત હતો. ઢસાના ડાહ્યાભાઈ પાસેથી થોડા અંકોડા મેળવવાનો પ્રયાસ કરેલો. કાગધામમાં એક વખત પધારેલા મુળુભાનામના ચારણ અને લાભુભાઈ ભાંચળિયા પાસેથી પ્રાપ્ત પાઠને અને ઘટનાને મેં મારી ‘કંઠસ્થ પરંપરાના કહેણ’ વાસરિમાં નોંધી રાખેલ. એમાં વિગત તો એટલી જ છે કે જૂના સમયમાં ગીરપંથકમાં, સોરઠના ડુંગરાળ વિસ્તારમાં પટેલો નહિવત હતા. ભાવેણા, વળાંકમાંથી રાજાશાહી વખતમાં દિવાનની અતિરેક ભરી કડકાઈ અને મહેસૂલવેરા વસૂલાતમાં અપમાનજનક વ્યવહારથી ભાવેણા-વાળાંક વિસ્તારમાંથી પટેલોએ ગર્ભમાં બોરાળુ, મોણપરી જેવા અનેક ગામો વસાવ્યા. વાસરિમાં હાંસિયામાં (‘દિવાનપણાની-વસૂલાતીઓની દાદાગીરી’ શીર્ષકથી થોડાં બનાવો એકત્ર કરીને લોકને રંજાડનારા પરિબળની, લોકના સ્વમાન, ટેકિલા વ્યક્તિત્વની વિગતોના લોકઈતિહાસમાં પ્રચલિત પ્રસંગો, કથાનકો, દુહા-કવિત બારોટ ચારણી સાહિત્યમાંથી એકત્ર કરવા’) એવા એ સમયે મનમાં ઉઠલ ભાવને આલેખેલો છે. તાજેતરમાં રાઘવજી માધડ દ્વારા પુનઃકથિત લોકસાહિત્યની લોકકથાઓના સંચયની પ્રસ્તાવના લખવાનું બન્યું. એમાં ઘણાં દિવાનોના આકરાવલણના પ્રસંગોનો પરિચયથી કથાઓ વાંચવા મળી. રાસડાના કથાનકથી સાથે સંકળાયેલી લોકકથા જ ‘રાસડો’ પણ વાંચવા મળી. મારી પાસેના પાઠવાળી પ્રત મને મૂળની વધુ નજીક જણાઈ છે. કથાનકના ઘણા અંકોડા રાઘવજી માધડ સંપાદિત લોકકથામાંથી પ્રાપ્ત થયા. અહીં મારી પાસેનો રાસડાનો પાઠ કથાનકની કેટલીય વિગતો અને રાઘવજી માધડની લોકકથામાંથી પ્રાપ્ત થતાં કેટલાક સંદર્ભો રજૂ કર્યા છે.

:: દુહા ::

ચતુરને દીધી ચિંતા ને, લોભીને દીધા બહુ લાભ,
મુરખ નરને રંભા મળી, રે, તમે લખતા ભૂલ્યા રામ ...૧
ઈશ્વરે આપી અમલદારી, કર્યા નહીં ગરીબના કામ,
મુરખાને બહુ મોટા કર્યા, રે, તમે લખતા ભૂલ્યા રામ....૨

:: રાસડો ::

ભાવેણું શેર તો રળિયામણું રે લોલ.

જીરા તે ગામ સવા લાખનું, જ્યાં પટેલ માંડણની પટલાઈ છે, રે લોલ
એના તે વડવે તોરણ બાંધીયા, એને મળી છે મોટી સાહ્યબી, રે લોલ
ભાવેણું શેર ભારે રળિયામણું રે લોલ...૧

ઠાકોર વજેસંગ હતા ગાદીએ, તંઈ નીપજણના નહીં પાર, રે લોલ
બુધવારે બંગલે બીરાજતા, સાંભળવા લોકની ફરિયાદુ, રે લોલ
ભાવેણું શેર તો રળિયામણું રે લોલ...૨

ડાયે ડોબરિયે વળાંક મેલિયું, વસાવ્યું ગર્યમાં બોરાણું ગામ, રે લોલ
ગામની દિશાયું વાટ્યું જુએ રે, પટેલ મળવા આવ્ય ને, રે લોલ
ભાવેણું શેર તો રળિયામણું રે લોલ...૩

કોઈ રુએ ને કોઈ ફડફડે, કોઈને અંગ ધરજારી થાય છે, રે લોલ
કાંઈ ભૂખ્યું ને કોઈ તરસ્યું, કોઈનો દાતણભેર દિ જાય છે, રે લોલ
ભાવેણું શેર તો રળિયામણું રે લોલ...૪

રાહડો નો ગાયો બ્રાહ્મણ-વાણિયે, નથી ગાયો ચારણ કે ભાટે, રે લોલ
રાહડો ગામો જીરાની કણબણે, ફારમ સાટે પંડ્ય વેચાય છે, રે લોલ
ભાવેણું શેર તો રળિયામણું રે લોલ...૫

ખરી, મૂળભૂત ઘટના તો એવી છે કે ભાવનગર રાજ્યના તાબાના જીરા ગામના માંડણ મુખીના નિધનથી માઠા વરસથી, ઓછી ઉપજને કારણે જમીનની વસૂલાત-ફારમ-ભરવાનું ત્રણેક વરસથી રહી ગયેલું. ચોથે વરસે વસૂલાતીએ કડકાઈથી ઉઘરાણી કરતા મુખીપત્ની કલુબાઈને ગમે તેમ કરીને પણ ફોરમની ચડત રકમ ભરી દ્યો’ એમ કહ્યું અને સામે કલુ મુખિયાણીએ-પટલાણીએ પૂછયું, ‘ગમે તેમ કરીને એટલે?’ પ્રશ્નના ઉત્તરમાં વધુ કરડાકીથી અને ઉદ્ધતાઈથી વસૂલાતીએ કહેલું, ગમે તેમ એટલે કે તમારી જાત વેચીને પણ ફામ ભરો.’

કલુ પટલાણીએ કાળઝાળ થઈને વસૂલાતીને સંભળાવી દીધું કે, ‘રાજમાં કહી દેજો કે થાય તે કરી લે, ફારમ નથી ભરવી.’

વસૂલાતી રાજમાં પહોંચે એ પહેલા તો કલુ પટલાણીએ અમરેલીના કુળબારોટ ભવાન અભાણી પાસે પહોંચીને બનેલ વિગત સંભળાવીને મારગ બતાવવાનું-રસ્તો કાઢવા માટેની સલાહ લેવાનું નક્કી કર્યું. ભવાન અભાણીએ યુક્તિ બતાવી. તમારે ભાવનગર રાજવીને કચેરીમાં ત્યાં ફરિયાદ કરવી પણ હું તમોને રાસડો બનાવી આપું છું. એ રાસડો કચેરીમાં ગાઈને તમારા ભાવને રજૂ કરવાનું રાખવું. બારોટે ગોખાવેલા રાસડા સાથે બારોટની હિંમત, દિશાદર્શનથી કલુ પટલાણી ભાવેણા નરેશની કચેરીમાં પહોંચી ગયા. હકડે ઠઠ્ઠ ભરાયેલી કચેરીમાં બાઈ માણસને પ્રવેશેલું જોઈને શું પ્રશ્ન છે એમ પૂછાયું ત્યારે કલુ પટલાણીએ બે-દુહા અને પાંચ કંડીનો રાસડો રજૂ કરીને બનેલી ઘટનાની વ્યથાને વહેતી મૂકી દીધી. રાસડો પૂરો થયે રાજવી ઘટનાને પામી ગયા. પટલાણીને આશ્વાસન આપ્યું. દિવાન સાથે મસલત કરીને બે સાંતીની બીજી વધારાની જમીનનું ખત કરી આપ્યું. એમાં બિયારણ, ફારમ માફ અને સાંતી કે બીજી કંઈ ચીજવસ્તુ જોઈતી હોય તો એ પણ પૂરી પાડવી એવું ખતપત્ર કરી આપીને માંડણ મુખીના વિધવા પત્ની કલુબાઈને માનભેર વિદાય અપાયેલી.

લોકનારીના ખમીર-ખુમારી અને બારોટ-ચારણ પાસેથી દિશા-માર્ગદર્શન મેળવવાના લોકના વલણનો અહીંથી પરિચય પ્રાપ્ત થાય છે. જૂના સમયમાં કેવી રીતે પટેલના ખેતીના વસવાટ આરંભાયા, મહેસૂલ ભરવાની વ્યવસ્થા કેવી હતી એનો પરિચય પ્રાપ્ત થાય છે. બારોટ પણ કેવી કુનેહથી-ચતુરાઈથી માર્ગ કાઢી આપે છે એની વિગત પણ એમાં નિહિત છે. રાજવી પણ પ્રજા પ્રત્યે કેવું વાત્સલ્ય પ્રગટ કરતા એનો પરિચય જ નહીં પણ પૂરી પ્રતીતિ અહીંથી પામી શકાય છે. એ સંદર્ભોને કારણે આપણાં સાંસ્કૃતિક-સામાજિક વલણો, રાજકીય મુકાબલાઓની એક શૃંખલાની સાબૂત કડીઓ આપણે ચીંધી શકીએ છીએ. ઈતિહાસલેખનમાં પ્રજાના સામાજિક સંઘટનાઓના પરિબળો, પરાક્રમો ઉમેરાય તો એમાંથી લોક પણ ઉપસે. કંઠસ્થ પરંપરાનું કથામૂલક સાહિત્ય આવા કારણે આપણી બહુમૂલ્ય સંપદા છે. એની એક કડી પ્રસ્તુત કરવાનું બન્યું એની પ્રસન્નતા.


0 comments


Leave comment