2.18 - તજ જેવી તીખી નારી સાથે ભાઈને પરણાવવાના કોડ / બળવંત જાની


લોકગીતોમાં ભાઈ પરત્વેની અનન્ય પ્રીતિ વ્યક્ત કરતા ભગિનીના ગીતોમાંથી આપણી કૌટુમ્બિક સંબંધોની ભૂમિકા સ્પષ્ટ થતી હોય છે. ભાઈને ખાતર અનેક મહેણાંટોણા સહન કરતી ભગિનીના સંદર્ભો પણ લોકગીતોમાંથી પ્રાપ્ત થાય છે. ભાઈને પરણાવવાના કોડ કઈ બહેનને નહીં હોય? અરે ભાઈ પ્રાપ્ત થાય એ માટે સાસરે જવાનું માંડી વાળીને પિતાને પુન: લગ્ન કરાવ્યાની પણ દંતકથાઓ મળે છે. આપણી લોકસંસ્કૃતિમાં ‘નભાઈ’ એ એક ગાળ ગણાય છે.

સ્વાભાવિક છે કે આવા અપ્રત્યાશિત સ્નેહથી વિવશ બ્હેન ભાઈને મનગમતી સ્ત્રી પરણાવવા માટે આકાશપાતાળ એક કરે. પરંતુ સાથોસાથ બહેન જાણતી હોય છે કે કેવા પ્રકારની સ્ત્રી ઉત્તમ ગણાય, આવા ભાવને વાચા આપતું એક લોકગીત આપણી કંઠસ્થ પરંપરામાં જળવાયેલું છે. એમાંથી એક સ્તરેથી ભાઈ પ્રત્યેનો સ્નેહ સંબોધનો અને વિશેષણોમાંથી પ્રગટે છે તો બીજે સ્તરેથી પત્ની તરીકે કેવી સ્ત્રી હોવી જોઈએ એનો નિર્દેશ પ્રગટે છે.

તલવાર સરીખી ઊજળી રે ઢોલા,
તલવાર ભેટમાં સોહાય રે વાલીડા વીરને,
એવી હોય તો પરણજો રે ઢોલા,
નહીં તો બીજી પરણાવું રે કેસુડાં વીરને...૧

પાન સરીખી પાતળી રે ઢોલા,
પાન તો મુખમાં સોહાય રે વાલીડા વીરને,
એવી હોય તો પરણજો રે ઢોલા,
નહીં તો અનેરી પરણાવું રે વાલીડા વીરને...૨

સોપારી સરીખી વાંકડી રે ઢોલા,
સોપારી મુખમાં સોહાય રે વાલીડા વીરને,
એવી હોય તો પરણજો રે ઢોલા,
નહીં તો બીજી પરણાવું રે સાવજડા વીરને...૩

તજ તે સરીખી તીખડી રે ઢોલા,
તજ તો મુખમાં સોહાય રે વાલીડા વીરને,
એવી હોય તો પરણજો રે ઢોલા,
નહીં તો ફરીને પરણાવું રે કેસરિયા વીરને... ૪

આપણે ત્યાં ઢોલા-મારુની વાર્તા અત્યંત પ્રચલિત હતી. એમાં ઢોલો પોતાની પ્રેયસી માટે જે પરાક્રમો કરે છે તે એક આદર્શ ઉદાહરણ છે, જોવા જેવું તો એ છે કે પોતાના ભાઈને શ્રવણ કે શિબિરાજાનું સંબોધન બ્હેને નથી કર્યું. યુવાનીમાં તો પત્નીમય બનીને એમાં જ તપ રહે એવો ભાવ ઢોલાના સંબોધન દ્વારા અહીંથી પ્રગટે છે.

વીરા ભાઈ માટે અહીં ‘કેસુંડા’ એવું એક વિશેષણ છે, એમાં પણ ઉલ્લાસથી ફાગ ખેલવાની ઘટનાનો નિર્દેશ છે. ઉપરાંત એક બીજું વિશેષણ ‘સાવજડા’ પણ પ્રયોજાયું છે. એને આધારે કહી શકાય કે આ રચના સૌરાષ્ટ્રની કે સોરઠની હોવી જોઈએ. મધ્ય ગુજરાતમાં સાવજડા વિશેષણ ન સૂઝે. આખરે તો કેસરિયા કરવાના છે, એવા શૂરવીર તથા યુદ્ધથી ન ડરતા અને કેસરિયા કરતા પણ ન ખચકાતાં અને છતાં પોતાની પત્નીમાં જ તલ્લીન એવા ભાઈનું ચિત્ર અહીં પ્રયોજાયેલ વિશેષણો-સંબોધનોમાંથી જ પ્રગટે છે.

પત્ની-સ્ત્રી માટેના વિશેષણો પણ ભારે ધ્વનિપૂર્ણ છે. તલવાર જેવી ઉજળી, ચમકદાર-ભભકાદાર સ્ત્રી. લોકકવિને જ સ્ત્રીને તલવાર સાથે સરખાવવાનું સૂઝ, માત્ર એની ધવલતા, ચમક-ભમક નહીં પરંતુ ધારદારપણા સાથે તાકાત પણ હોવી જોઈએ, અને પોતાની સાથે જ રહે... ભેટમાં... આવું ન હોય તો એ પાત્રને બદલે અન્ય સ્ત્રી પરણાવવાનું બ્હેન કહે છે. પાન સરીખી પાતળી, સ્થૂળ નહીં. પણ પાન જેમ વાળ્યું વળે અને તૂટે નહીં એવી નારીની વાત અહીં કરી છે. આવી નારી પાનમુખમાં જ શોભે. અન્યથા એને બદલે બીજી. અહીં તજ જેવી તીખી નારની વાત પણ કહી છે. તીખાશનો પણ એક લ્હકો છે. એ તીખાશ પણ આખરે અંગત જ મોઢામાં જ શોષાય. અન્યથા ફરીને પરણાવવાની વાત બ્હેન કહે છે.

સમુચિત પત્નીની પ્રાપ્તિથી જ સુખી દામ્પત્યજીવન શક્ય બને છે. અહીં આવા સુખી દામ્પત્ય જીવન માટેની બહેનની ઈપ્સા કેન્દ્રસ્થાને છે. લોકગીત આખરે તો સમાજ સંરચનાને પણ છતી કરે છે. સમાજનું ખરું ચિત્ર પણ અહીંથી પ્રગટે છે. આદર્શ પત્નીનું ચિત્ર અંકાયું છે. કેટલી મોટી વાત કેટલી સરળ અને સહજ રીતે અહીં કહેવાઈ છે. અહીં ઘણાં બધા નીતિમત્તાના ધોરણો પણ નિરૂપાયા છે. એ જળવાય પછી કોઈ પ્રશ્નો થતા નથી. અહીં એક સાથે સ્ત્રી-પત્નીનું વ્યક્તિત્વ અને પુરુષનું વ્યક્તિત્વ બહેનના દ્રષ્ટિબિંદુથી પ્રગટ્યું છે. એ કારણે એનું વિશેષ મૂલ્ય છે.


0 comments


Leave comment