2.19 - સામુહિક સમરસતા અને સંસ્કૃતિનું પ્રતીક : ચૂંદડી / બળવંત જાની


લગ્નવિધિ સંસ્કાર ભારતની સંસ્કૃતિનું અત્યંત મહત્વનું પાસું છે. નારીને પુરુષ સાથે આજીવન યુગલભાવથી રહેવાનું સ્વપ્ન પૂર્ણ કરતો એ પ્રસંગ છે. પુરુષ નારીના અભાવમાં અધૂરો છે. એને એટલે કે પરસ્પરને પૂર્ણતા અર્પનારો પ્રસંગ લગ્ન છે. પુરુષ કરતાં પણ નારીના આ કોડને-ઉમંગને સવિશેષ રીતે સ્થાન મળ્યું છે. એ બાલ્યાવસ્થામાં હોય ત્યારથી જ વ્રત, ઉત્સવ પ્રસંગે એની આવી મનોભાવનાને વ્યક્ત કરતી રહે. કોઈની સાથે જોડાવાના પ્રસંગને પવિત્ર પ્રતીકાત્મક રીતે સાંકળતું કઈ તત્વ હોય તો ચૂંદડી છે. ગરીબ હોય કે તવંગર હોય પણ ચૂંદડી તો અનિવાર્ય છે. આમ, ચૂંદડી શબ્દ સંભળાય છે સ્ત્રી સાથે. કુમારિકાને પ્રાપ્ત ચૂંદડી એને સ્ત્રી બનાવે છે. ચૂંદડી ઓઢીને એ પોતાની કોઈને સમર્પિત થયાની ઓળખ આપે છે.

ચૂંદડીને આમ લગ્ન દ્વારા સમર્પિત થયેલી યુવતિના પ્રતીક તરીકેનો મોભો-મરતબો પ્રાપ્ત થયો છે. શુભપ્રસંગે આ ચૂંદડીને નારી પોતાનો ખભે કે માથે રાખે છે. ચૂંદડી આમ ભારતીય સંસ્કૃતિનું પણ એક શુભ-મંગળ પ્રતીક છે. અત્યારે ભાતભાતની અવનવી અનેક ચૂંદડી ઉપલબ્ધ છે પણ એ જૂના સમયે આવું ન હતું. ચૂંદડીને વણનારી અને એને શોભાવવા માટે વિવિધ પ્રકારના ઉપકરણો માટે પ્રવૃત્ત પણ નારી જ રહેતી હોય. ચૂંદડી વણવાની પહેલાં એ ચૂંદડી માટે રૂઉ એકત્ર કરવું. એને કાંતવું, વણવું અને પછી એને શોભાવવા માટે જુદા-જુદા કારીગરો-કસબીઓનો સંપર્ક કરીને એમની મદદથી ભભકદાર, રંગે રૂપે પૂરી એવી ચૂંદડીનું નિર્માણ થાય. ચૂંદડી સાથેનો નારીનો લગાવ, એનું જોડાણ અહીં દ્રષ્ટિગોચર થાય છે. વસ્ત્રને પણ શુભનું, મંગળનું મહત્વ પ્રાપ્ત થાય છે. એ ખરા અર્થમાં નારીની શોભામાં અભિવૃદ્ધિ કરનારું એને પૂર્ણતા અર્પનારું બની રહે છે. આપણાં લગ્નગીતોમાં ‘ચૂંદડી’ આવા કારણે વિશેષ રીતે સ્થાન-માન પામી છે.

આ માસે જે કાંત્યું કોકડું રંગ ચૂંદડિયાં,
છ માસે વણિયું શેર, રંગ જો ચૂંદડિયાં...૧

ભાઈ રે રંગારા વીરા વિનવું રંગ ચૂંદડિયાં,
તું રંગજે કસુંબલ કોર, રંગ જો ચૂંદડિયાં...૨

ભાઈ રે કસબિયા વીરા વિનવું રંગ ચૂંદડિયાં,
તું ભરજે હીરની કોર, રંગ જો ચૂંદડિયાં...૩

ભાઈ રે દરજીડા વીરા વિનવું રંગ ચૂંદડિયાં,
પાલવડે ભરજો મોર, રંગ જો ચૂંદડિયાં...૪
આ ગજ ભરામણ હાથણી રંગ ચૂંદડિયાં,
આ વાર ભરામણ ગરાસ, રંગ જો ચૂંદડિયાં...૫

ચુંદડીનું સુતર કંઈ ઝડપથી કંતાય નહીં. ભારે કાળજીથી, નિરાંતે ક્યાંય થોડો પણ ગાંઠડો ન રહે એવું એકસરખું, એકધારું કાંતવાનો નિર્દેશ અહીં પ્રથમ પંક્તિમાં જ સ્થાન પામ્યો છે. પછી એને વણતા પણ સારો એવો સમય લીધો છે. આમ, નવરાશની, નિરાંતની પળે ભારે ચીવટથી કાંતેલી-વણેલી ચૂંદડીનો પરિચય પ્રથમ પંક્તિમાં જ મળી રહે છે.

બીજી કડીમાં રંગારાને વિનવે છે. પણ સંબોધનમાં બે વખત ભાઈ આવે છે. વીરા કહીને સંબોધન કર્યું છે એટલે પેલો વ્યવસાયી પણ પોતાની કળામાં એક પ્રકારનો ભાવ ભરે છે. અહીં સંબોધન દ્વારા કારીગર અને શ્રમજીવી પરત્વેના સમરસતાભાવ, સમભાવ અને એકતા-સમાનતાનો પણ પરિચય મળે છે. સમાજમાં પ્રગટતો આવો બંધુત્વભાવ જ મહત્વનું પરિબળ છે. એમાં આ કારણે પોતાનું કૌશલ્ય ખીલે છે. એક યુવતી જ્યારે એક કુશળ કારીગરને ભાઈ-વીરા કહીને સંબોધીને કામ ચીંધે છે ત્યારે એમાં સંસ્કારિતાનું-સંસ્કૃતિનું બળ-સૌંદર્ય પણ પ્રવેશે છે.

રંગારા, પછી કસબી પછી દરજી એમ આખી સિકવન્સ ક્રમબદ્ધ રીતે આવે છે. લોકગીતોમાં આવી સંબંધો-સગાઈની, જ્ઞાતિ-જાતિની સિકવન્સનું પણ એક વિશિષ્ટ સ્થાન છે.

કસુંબલ, હીરની કોર, મોરનું ભરતકામ જેમાં છે એવી ચૂંદડીની ભરામણનું ખર્ચ તો એક હાથણી જેટલું મોંઘુ હોય પણ અહીં તો એ ચૂંદડી પાછળ આખો ગરાસ લૂંટાવી દેવાની હોંશ સ્થાન પામી છે. ‘ગજ’ અને ‘વાર’ લંબાઈ માપવાના જૂના સમયના માપ માટેની સંજ્ઞા છે. ચૂંદડી તો પાંચ ગજની હોય, આમ એનું ખર્ચ ઘણું થાય, તેમ છતાં અહીં જે હોંશ, ઉલ્લાસ અને તત્પરતાના ભાવ નિરૂપાયા છે એ યુવતિની કોઈની સાથે જોડવા સમયે ધારણ કરવાના ભાવજગતના પરિચાયક છે.

સમુહનું સુખ, સંઘનો ભાવ અહીં તમામને સાંકળ્યા એમાંથી એમની સાથેના બંધુત્વનો ભાવ ભારે દ્રઢ રીતે પ્રગટે છે. માત્ર કોઈ એક નારીનો નહીં પણ નારીસમુહનો ભાવ અહીં સ્થાન પામે છે. પછી કઈ રીતે આવા ચૂંદડી ગીતો વ્યક્તિગત બની રહે. એ ખરા અર્થમાં નારીસમાજની, ભારતીય સંસ્કૃતિની અસ્મિતાની ઓળખ બની રહેતા હોય છે. લગ્નગીતો-લોકગીતોમાંથી જે રીતે સમાજ અને સંસ્કૃતિ પ્રગટે છે, એમાંથી એના રચયિતાના કલા-કૌશલ્યનો પણ પરિચય મળી રહે છે. ચૂંદડીગીતો આમ સાંસ્કૃતિક અસ્કયામત છે. કલાપ્રેમી, ઊંડી સૌંદર્યભાવનાથી સભર નરવી સમાજરચનાના પરિચાયક છે.


0 comments


Leave comment