60 - હલેસે હલેસે હલેસાય દરિયો / આદિલ મન્સૂરી


હલેસે હલેસે હલેસાય દરિયો,
બધી હોડીઓ લઈ વહી જાય દરિયો.

ઉમેરો તો ટીપે ઉમેરાય દરિયો,
ઉલેચો તો ખોબે ઉલેચાય દરિયો.

જહાજોની સંગાથ ઘસડાય દરિયો,
ને ખડકોની છાતીથી અફળાય દરિયો.

સમયની ગુફાઓમાં પડઘાય દરિયો,
મૂકો શંખ કાને તો સંભળાય દરિયો.

જરાપણ જો તરસ્યો કદી થાય દરિયો,
તો નદીઓની નદીઓને પી જાય દરિયો.

કદી બુંદ રૂપે ટપકતો નભેથી,
કદી બાષ્પ થઈને ઊડી જાય દરિયો.

કદી વિસ્તરે રણ સમંદરનાં દિલમાં,
કદી રણની આંખોમાં ડોકાય દરિયો.

વહીને કિનારા સુધી ફીણ આવે,
કશે દૂર ઊંડાણમાં જણાય દરિયો.

ન રોકી શકે ડૂબનારાને કોઈ,
જગતમાં નકામો વગોવાય દરિયો.

સતાવે અગર સૂર્ય-કિરણો તો દોડી,
કિનારાની રેતીમાં સંતાય દરિયો.

આ પાણીના નીચેય રસ્તા પડ્યા છે,
હું ડગલું ભરું ને ખસી જાય દરિયો,

ખરી જાય ઊંડાણમાં શુક્ર-મોતી,
અગર મત્સ્યકન્યાને વીંટળાય દરિયો.

ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓને,
જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો.

તમે જાળ નાખ્યા કરો રોજ ‘આદિલ’
પરંતુ કદીયે ન પકડાય દરિયો.


0 comments


Leave comment