2.20 - લોકસંસ્કૃતિનો ઈતિહાસ : ચૂંદડી લગ્નગીત / બળવંત જાની


સંયુક્ત કુટુંબમાં ઘરનો ખરો મોભી-વડેરો દાદા હોય. એની અનુજ્ઞા હોય એટલે કાર્ય ફતેહ. દીકરી એટલે જ પિતાને, માતાને કે ભાઈને નહીં પણ દાદાને સંબોધન કરતી જોવા મળે છે. ઘરનો સમગ્ર કારભાર દાદા હસ્તક હોય છે. લગ્નગીતોમાં સૌથી વધુ ઉલ્લેખ દાદાનો થયો છે. વિભક્ત કુટુંબના વાયરાના આ દિવસોમાં સંયુક્ત કુટુંબના વડલાના થડ સમાન દાદાના વર્ચસ્વનું સ્થાન ઘણાંને ન સમજાય. આપણી લોકસંસ્કૃતિનો આ સામાજિક દાયિત્વવાળો સંદર્ભ પણ સ્પષ્ટ કરવા-સમજવા જેવો છે. આદરણીય લાભશંકર પુરોહિત દાદાનો અર્થ પિતા કરવાનું સૂચવે છે પણ મને અહીંનો સંદર્ભ અવલોકતા દાદા માટેનું જ અભિધાપૂર્ણ સંબોધન જણાય છે. જો કે નિરંજન રાજ્યગુરુ પણ દાદાનો અર્થ પિતા કરવાને બદલે પિતાના પિતા દાદા જ સ્વીકારે છે.

ચૂંદડી વહોરવી એટલે ચુંદડી ખરીદવી. ચૂંદડી એ રીતે આરંભની ખરીદી છે. ચૂંદડી વહોરવાનું કહેતી યુવતી એક રીતે તો પોતે વયપ્રાપ્ત છે અને હવે પોતાનું વેવિશાળ-લગ્ન થાય એમ ઈચ્છે છે એવું ગૂઢ વ્યંજનાથી સૂચન પણ છે. સીધેસીધું કથન નહીં પણ ચૂંદડી લેવાનું કહીને આખરે તો હવે પોતાને માટે વરની શોધ આદરવાની એને માટે પ્રવૃત્ત થવાની વિગતો એમાં નિહિત છે. લોકગીતની આ પણ એક વિશિષ્ટતા છે.

પોતાને જોઈએ એ ગીત દ્વારા ગાઈને દાદાને અહીં સૂચવે છે. સીધો સંવાદ ક્યાંય નથી. પરસાળમાં દાદા પથારીમાં બેઠા હોય અને બારણે, એટલે કે ફળિયામાં સમવયસ્ક યુવતીવૃંદ ભેગું મળીને ગીતો ગાતું હોય. એ ગીતો દ્વારા પોતાની અપેક્ષા-એષણા રજૂ કરીને માગણી મૂકી દે. અહીં લોકની-સમૂહની વિવેકબુદ્ધિનું પણ દર્શન થાય છે. માગવાની પણ એક રીત હોય છે. દાદાને ઉદ્દબોધીને આખરે પ્રવૃત્ત થવા માટે એમને વિનવતી લોકયુવતી ભારે બુદ્ધિપૂત અને દ્રષ્ટિપૂત લાગે છે. એ માત્ર પ્રવૃત્ત થવા માટે જ નથી વિનવતી. પણ કેવી ખરીદી કરવી એમ કહીને પોતાની દીર્ઘદ્રષ્ટિનો પણ પરિચય કરાવે છે. લોકનારીના સ્વભાવનો વ્યક્તિત્વનો પરિચય કરાવતા આ ગીતો છે, એ માત્ર ગીતો નથી. સમય મળે ત્યારે એનો કેવો સદુપયોગ એના રાગ-ઢાળ, લય વાતાવરણનું નિર્માણ કરે. નવરા હોઈએ ત્યારે આમ કલાભિમુખ બનવાનું હોય, નહીં કે કુથલીખોર? લોકવૃત્તિના પરિચાયક આ લોકગીતો છે. એમાંનું એક ચૂંદડીગીત તપાસીએ :
ચૂંદડિયું ને ચારે છેડે ઘૂઘરી,
વચમાં તે આલેખ્યા રૂડા મોર રે. વોરોને દાદા ચૂંદડી...૧

સંકેલું ત્યાં ઘમકે રૂડી ઘૂઘરી,
ઊખેળું ત્યાં જગમોહનની ભાત રે. વોરોને દાદા ચૂંદડી...૨

ચૂંદડીયુને પાલવડે ઝીણી ભાત્ય,
વચમાં આલેખી પોપટ વેલ્ય રે. વોરોને દાદા ચૂંદડી...૩

એની વચમા રે ચોખલિયાની ભાત્ય,
ઊખેળું ત્યાં ટહૂકે ઝીણા મોર રે. વોરોને દાદા ચુંદડી...૪

અહીં ચારે છેડે ઘુઘરી, વચ્ચે મોરના ચિત્રો, જગને મોહિત કરનારા રામ કે કૃષ્ણના ચિત્ર-નામ ચૂંદડી ઉખેળો-ખોલો ત્યાં દેખાય. પોપટની વેલ સમાન ભાત જેમાં હોય. ચોખાના દાણા જેવા આકારની ભાતવાળી ચૂંદડી ખરીદવાનું કહેતીગાતી યુવતી ઝંખે છે રંગબહારને, ઉમંગને અને સમૃદ્ધિને. એની સભરતાની ઉલ્લાસની વૃત્તિને પ્રગટાવતું આ લોકકાવ્ય છે. સતત ‘વોરોને’ ખરીદોનેના ભાવવાળી ધ્રુવપંક્તિ પણ સૂચક છે. ‘વચમા’ અને ‘ઊખેળું’ એવા શબ્દો ક્રમશઃ આવતા જાય છે. લોકગીતને બેલેન્સ આપનારા આ બે શબ્દો પણ આપણી નજર સમક્ષ રહેવા જોઈએ. લાંબા ઢાળે, ધીમે રાગે મોટેભાગે રાત્રિના સમયે ગવાતું આ ગીત છે. સગાઈવિધિના, સાંજીના ગીતમાં અને અન્ય ગીતમાં પણ આ ગીતને સ્થાન મળેલું છે.

ચૂંદડી લગ્ન પૂર્વેની ખરીદી છે, પ્રારંભની ખરીદી છે. લગ્નતિથિ નિયત થાય એટલે પ્રથમ ખરીદી ચૂંદડીની ચાલે. ઘરચોળું શ્વસુરપક્ષ તરફથી આવે પણ ચૂંદડી તો પિયરગૃહની જ હોય. લગ્નોત્સુક યુવતીના મનોભાવોને અહીં કલાત્મક અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. ચૂંદડીનું આખું ચિત્ર પણ અહીં નિહિત છે. ચારેય છેડે ઘુઘરીઓ. વચમા વિવિધ પ્રકારની ભાત-આકૃતિ, એમાં પણ મોર, પોપટ અને જગમોહન કૃષ્ણનો નિર્દેશ છે. મોરની મોહકતા, પોપટની ગુણદર્શિતા અને જગમોહન કૃષ્ણની પ્રીતિના ભાવને પ્રગટાવતા આલેખનો માત્ર ચિત્ર કે ભાતઆકૃતિ બની રહેતા નથી, પણ આંતરભાવને અભિવ્યક્તિ અર્પતા હૃદયભાવોના પરિચાયક છે. એનો પાલવ પણ અહીં સ્થાન પામ્યો છે. આમ, ચૂંદડીનું સમગ્ર ચિત્ર, અખંડ ચિત્ર અહીંથી પ્રગટે છે.

‘ચૂંદડી’ પ્રાચીન, મધ્યકાલીન નિર્દેશોવાળી સામગ્રી છે. એનો રંગ, એની છટા અને એની મોહક ભાતના માધ્યમથી એ બાહ્યદર્શનથી આખરે તો એવા જ મોહક, છટાદાર વ્યક્તિત્વના ચિત્તમાં અંતરમાં પહોંચવાની - અંતર સુધીની યાત્રાને અહીં સ્થાન મળ્યું છે.
જેવી ચૂંદડી છે એવી એની આંતર છબિ પણ અહીં નિહિત છે. પોતાના ઘુઘરીના ઘમકારા, મોર-પોપટના ટહુકારા કરતું પ્રસન્ન વ્યક્તિત્વ, ઉત્સવ-ઉલ્લાસપ્રિય વ્યક્તિમત્તાનું પરિચાયક આખરે આ ચૂંદડી ગીત છે. પ્રાચીન-મધ્યકાલીન ચૂંદડીનું મૂળ પોત-રૂપ પણ અહીં જળવાયું છે. ચૂંદડી કેવી હોય એનો વર્ણનાત્મક ઈતિહાસ આ ગીત છે. એ રીતે લોકગીતો લોકઈતિહાસનું એક-એક પ્રકરણ છે. એ કારણે એનું મૂલ્ય બમણું છે. લોકસંસ્કૃતિનો ઈતિહાસ સમજનારાને ચૂંદડી લગ્નગીતનો ઈતિહાસ સમજવાતો રહે અન્યથા લોકસંસ્કૃતિ પૂરી પામી ન શકાય.


0 comments


Leave comment