2.21 - ઝટ-ઝટ, ચટ-પટ પતિગૃહે નીસરતી નારીનું આણાંગીત / બળવંત જાની


નારીચિત્તના મનોભાવોને પામવા માટે, નારીચિત્તથી પરિચિત થવા માટે કોઈ નારીને પ્રત્યક્ષ મળવાની આવશ્યકતા નથી. લોકગીતનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાથી, નારી મનોજગતનો પરિચય મળી રહે છે. લોકગીતોને સવિશેષ જાળવનાર નારી છે, રાસડા, ગરબા, ધોળ, કીર્તનો, લગ્નગીતો-એમ લોકગીતના અનેકવિધ પ્રકારો નારી કોઠે અને નારીકંઠે જીવંત રહ્યા અને જીવંતપરંપરા બની રહ્યા.

બાલ્યાવસ્થાથી એ લોકગીતને કંઠસ્થ કરતી રહે, મોળા વ્રતથી આરંભતી એ યાત્રા પછી પ્રૌઢા અવસ્થામાં ધોળ-કીર્તનોમાં વિરામ પામે. પણ પ્રત્યેક અવસ્થામાં એની અભિવ્યક્તિનું માધ્યમ લોકગીતો બની રહ્યા. કંઠસ્થ કરવાની ક્ષમતા, ઉચિત સમયે ઉચિત ગીત પ્રસ્તુત કરવાની સૂઝ નારીશક્તિની એક વિશેષ પ્રતિભા છે. લોકપરંપરાને જીવંત રાખવામાં, પ્રસરાવવામાં બહુ મોટું યોગદાન નારીનું છે. નારી વ્યક્તિમત્તાના આ પાસાનો અભ્યાસીઓ દ્વારા બહુ વિચાર કરાયો નથી.

લગ્નજીવન, દામ્પત્યજીવન પૂર્વેની કુમારિકાની અવસ્થિતિ એ મુગ્ધતાનો ગાળો પણ એની કોઠાસૂઝનો પરિચય કરાવનારો છે. પોતાની નૂતન જવાબદારીનો એને પૂરેપૂરો ખ્યાલ હોય છે, એણે ખૂબ નિરીક્ષણ કર્યું હોય છે અને એ અંગેના કંઈ કેટલાય સ્વપ્નાઓ પણ સેવ્યા હોય છે, કઈ પરિસ્થિતિમાં ક્યારે કેવો વ્યવહાર કરવો એનો ઘણો બધો વિચાર એણે કરી લીધો હોય છે. કૌમાર્યાવસ્થામાં જ બાળપણમાં સહિયરો જોડે ઢીંગલા પોતિયા રમતા – રમતા એણે આ બધા સંવાદો બોલવાના શરૂ કરી દીધા હોય છે. એનો વિકાસ, એની ભાવિજીવનની સંકલ્પનાની પળો આમ બાલ્યાવસ્થાથી જ આરંભાય છે. બધું જોઈને એમાંથી સારા-નરસાનો વિવેક કરીને પોતે જીવનમાં કેવું છોડી દેવું, શું સ્વીકારવું? કેવો વ્યવહાર કરવો? બધા આદર્શો એના ચિત્તમાં ઘડાવા લાગે છે. નારીચિત્તની આવી એક અવસ્થિતિને આલેખતું આણાંગીત પ્રકારનું લોકગીત અવલોકીએ. એમાંનું ભાવજગત નારીના મનોજગતનું દ્યોતક છે. એ સમય હતો બાળલગ્નનો. નાની વયમાં લગ્ન થઈ ગયા હોય પછી યુવાવસ્થા પ્રાપ્ત થતા એને તેડવા માટે આવે એ લોકવિધિ તે આણું વળાવવાની તે વિધિ. એ આણાંગીતોની પરંપરાનું આ લોકગીત છે.

જીવન જોવા હાલી, મારી ઓછી ઉંમરમાં,
રામ જોવા હાલી, મારી ઓછી ઉંમરમાં...૧

સસરો આણે આવ્યા, મારી ઓછી ઉંમરમાં
સસરા ભેળી નૈ જાઉં–
મારે ઘેર સાસુડી છે ભૂંડી –
મુંને દળણું મેલે સૂંડી – મારી ઓછી ઉંમરમાં...૨

જેઠ આણે આણે આવ્યા, મારી ઓછી ઉંમરમાં
જેઠ ભેળી નૈ જાઉં
મારી જેઠાણી છે ભૂંડી
મુને પાણીડાં ભરાવે – મારી ઓછી ઉંમરમાં...૩

દેર આણે આણે આવ્યા, મારી ઓછી ઉંમરમાં
દેર ભેળી નૈ જાઉં
મારી દેરાણી છે ભૂંડી
મુને વાસીદાં વળાવે - મારી ઓછી ઉંમરમાં...૪

પરણ્યો આણે આણે આવ્યા, મારી પૂરી ઉંમરમાં
ઝટ માથાં ગૂંથ્યા
મેં તો ચટ ટીલડી ચોડી
મેં તો પટ પોટકાં બાંધ્યા
ઊઠી ઝટ મોર થ્યાં, મારી પૂરી ઉમરમાં...૫

બાલ્યાવસ્થાથી જ, નાનપણમાં જીવન વિષયે વિચારતી અને રામતુલ્ય પતિને જોવા ચાલી નીકળેલી નારીને પોતાનો શ્વસુર આણું તેડવા આવે છે. પણ સસરા સાથે શ્વસુરગૃહે જવા ઈચ્છતી નથી. સાસુ બહુ ભૂંડા છે. સૂંડો એક દરણું દળવા બેસાડે એટલે જવાની ઈચ્છા નથી.

જેઠ તેડવા આવે છે તો પણ જવાની ઉત્સુકતા નથી કારણ કે જેઠાણી પાણી ભરાવવાનું કામ સોંપે છે. દિયર તેડવા આવે છે તો પણ પતિગૃહે જવા ઉત્સુક નથી કારણ કે દેરાણી સતત સફાઈકામ - વાસીદા વળાવવાનું કામ સોંપે છે. આમ, દરણું દળવાની, પાણી ભરવાની અને વાસીદા વાળવાની કામગીરી માટે કંઈ શ્વસુરગૃહે જવું નથી. આવા બધા કામ ન કરવા માટે પોતે ઓછી ઉંમરની છે હજુ બાલિકા છે એવા બ્હાના પણ કાઢે છે. એને તો પતિગૃહે જવું છે એટલે પતિ તેડવા આવે છે કે તુર્ત જ માથું ગુંથીને ચાંદલો કરીને, સામાનનું પોટલું બાંધીને તૈયાર થઈને પતિની આગળ થાય છે. આ સમયે હવે પોતાની પૂરી ઉંમર છે એવું વિધાન પણ કરે છે. આમ, પતિ સાથે પતિગૃહે પતિપ્રેમ પ્રાપ્ત કરવા ઉદ્યુક્ત થયેલું નારીચિત્ત અહીં કેન્દ્રસ્થાને છે.

અહીં સાસુ માટે સાસુડી શબ્દપ્રયોજ્યો છે. દેરાણી-જેઠાણી માટે એવો તિરસ્કાર નથી. અન્ય પરિવારજનો શું કરાવે એની વાત નોંધી છે પણ પતિ શું કરાવે એનો કશો જ વિચાર નથી નોંધાયો. એના અંગે કંઈ વિચારવાનું જ ન હોય. એ કંઈ પણ કામ ચીંધે એનું ભારણ નથી, એવો ભાવ પણ એમાં નિહિત છે. બધા પરિવારજનો સંદર્ભે બે-બે પંક્તિ છે. પણ પરણ્યા સંદર્ભે ત્રણ પંક્તિ મૂકાઈ છે. ઝટ માથા ગૂંથ્યા, ચટ ટીલડી ચોડી અને પટ બચકા બાંધ્યા અને આગળ થયા એમ ચાર વિધાન છે. બધું ઝટ, ઝટ, અને પટ, પટ થાય છે. પણ એથીય વિશેષ તો ‘મોર થયા’ પતિની આગળ ચાલવા માંડયું એ પંક્તિમાં પતિગૃહે જવાની ઉતાવળનું નિદર્શન છે. હવે પૂરી ઉંમર છે એવો નિર્દેશ પણ અંતે આપે છે. સાથે-સાથે એક ગતિશીલ શબ્દચિત્ર પણ અંકાય છે.

પતિપ્રેમ, દામ્પત્યજીવનનો ઉલ્લાસ અહીં સૌભાગ્યચિહ્નો દ્વારા સૂચવાયેલ છે. ચાંદલો કરવાની વાત એની સૌભાગ્યની નિશાનીનું નિદર્શન કરાવે છે. ભૂંડી સાથે સૂડીનો પ્રાસ ‘ચટ ચૂંદડી ચાટી’ પટ-પોટલાંમાં વર્ણનું પુનરાવર્તન ગીતને લયાવિત બનાવે છે. નારીચિત્તના મનોભાવોને લય, ઢાળના માધ્યમથી અહીં નારીએ અભિવ્યક્ત કર્યા છે. લોકગીત આવા હૃદયસ્પર્શી ભાવનિરૂપણ અને અસરકારક અભિવ્યક્તિને કારણે આપણાં આસ્વાદ અને અભ્યાસનો વિષય બને છે.


0 comments


Leave comment